કોન્ફિડન્સ, ઓવર કોન્ડિફન્સ અને ઘમંડમાં તફાવત છે... ઘણો ફેર છે...
આપણે નાનપણમાં અકબર-બીરબલની નાની નાની વાર્તાઓ સાંભળી હશે. આ વાર્તાઓમાંથી છૂપાયેલો ઉપદેશ બાળકોને મનોરંજન સાથે જ્ઞાન આપતો હોય છે. આ વાર્તાઓમાં અકબર-બીરબલનો સંવાદ જ્ઞાનવર્ધક હોય છે, અને બાદશાહ દ્વારા અપાતા કોયડાઓ ઉકેલવા કે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવું, એ બીરબલ જેવા દરબારી હોદ્દેદારોનું કૌશલ્ય બાળકોની બુદ્ધિમત્તાને ધાર આપનારૂ હોય છે. આ પ્રકારની બાળવાર્તાઓ દાદીમાના મૂખેથી સાંભળવા મળી હોય, તેવા કેટલાક વડીલો આજે પણ એ બાળપણની પળોને મમળાવતા હોય છે.
એ ઉપરાંત પણ ઘણી બધી કાલ્પનિક વિવિધ પ્રકારની બાળવાર્તાઓ ઘણી જ પ્રચલિત છે. આ બાળવાર્તાઓમાંથી શૌર્ય, પ્રામાણિક્તા, સંસ્કાર અને કૌશલ્ય જેવા સદ્ગુણોનું સિંચન થતું હોય છે, અને એમાંથી જ ઘણાં જટિલ સવાલોના જવાબો પણ મળી જતા હોય છે.
કોન્ફિડન્સ
ટ્રસ્ટ અને કોન્ફિડન્સમાં થોડો તફાવત છે. દરેક વ્યક્તિમાં કોન્ફિડન્સ તો હોય જ છે 'વિશ્વાસ' એ ડિફોલ્ટ કંપની એપ છે, જે દરેક પ્રાણી જન્મથી જ સાથે લઈને આવે છે. વિશ્વાસના ઘણાં પ્રકારો હોઈ શકે, પરંતુ સૌથી પહેલો વિશ્વાસ દરેક પ્રાણી એટલે કે માનવી, પશુ-પંખી વગેરે જીવસૃષ્ટિ પોતાની માતા પર કરે છે. બાળક જન્મે ત્યારથી તેની માતા દ્વારા તેનો ઉછેર થાય છે, અને માતા પ્રત્યેનો સૌ પ્રથમ અનુભવ માનવીમાં રહેલા ડિફોલ્ટ વિશ્વાસને સક્રિય કરે છે.
ઘણાં લોકો કોઈનો ય વિશ્વાસ કરતા હોતા નથી. તેનું કારણ પણ જન્મ પછી જેમ જેમ સંબંધો વિસ્તરતા જાય અને તે પછી તેમાં થતી અનુભૂતિઓનું પરિણામ હોય છે. બાળક અવસ્થામાં સૌ પ્રથમ માતાનો વિશ્વાસ કરનાર બાળક મોટું થતું જાય તેમ તે ભાઈ-બહેન, દાદા-દાદી કાકા-કાકી, મામા-મામી અને અન્ય પરિવારજનોના સંપર્કમાં આવે છે અને તેના પર વિશ્વાસ કરે છે. તે પછી મિત્રો બને છે. આ તમામ સંબંધોમાં ઉપરાછાપરી બે-ત્રણ સંબંધીઓ કે સ્વજનો વિશ્વાસઘાત કરે, ત્યારે બાલ્યાવસ્થાથી જ બાળકને ચોક્કસ વ્યક્તિ પરનો વિશ્વાસ ઊઠી જાય છે અને સમજણો થયા પછી તે કોઈનો ય વિશ્વાસ કરી શકતો નથી. આ પ્રકારના વિશ્વાસને અંગ્રેજીમાં 'ટ્રસ્ટ' કહે છે.
ટ્રસ્ટ એટલે વિશ્વાસ, જે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે પરસ્પર વચ્ચે હોઈ શકે છે, જ્યારે કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ... પોતાની જાત પર વિશ્વાસ... સ્વયં પર વિશ્વાસ... પોતાની ટીમ, ગ્રુપ કે સમૂહ પર વિશ્વાસ...
સેલ્ફ કોન્ફિડન્સ અથવા કોન્ફિડન્સનો લગભગ સમાન જ અર્થ થાય, પરંતુ કોઈ ટીમ કોન્ફિડન્સમાં હોય, કોઈ ગ્રુપને કોન્ફિડન્સ હોય, ટૂંકમાં કોન્ફિડન્સ સામૂહિક પણ હોઈ શકે, જ્યારે સેલ્ફ કોન્ફિડન્સ એટલે સ્વયં પર વિશ્વાસ... વ્યક્તિગત રીતે પોતાની જાત પર વિશ્વાસ...
જો કે, હવે તો બન્ને અંગ્રેજી શબ્દો બન્ને પ્રકારે વપરાય છે અને જ્યારે ભાવાર્થ સમજાય જતો હોય, ઉદ્દેશ્ય સિદ્ધ થઈ જતો હોય ત્યારે શબ્દાર્થની કડાકૂટમાં પડવાની શું જરૂર?
ઓવર કોન્ફિડન્સ
ઓવર કોન્ફિડન્સ ઘણો જ પ્રચલિત શબ્દ છે. ક્રિકેટટીમ ફાયનલમાં હારી જાય, ત્યારે કહેવાતું હોય છે કે, ટીમ હારી ગઈ, તેની પાછળનું કારણ જે-તે ટીમનો ઓવર કોન્ફિડન્સ હતો. ઓવર કોન્ફિડન્સ એટલે અતિ આત્મવિશ્વાસ...
આ શબ્દ વ્યક્તિગત રીતે પણ વપરાય છે અને સામૂહિક રીતે પણ વપરાય છે, પરંતુ ઓવર કોન્ફિડન્સ અથવા અતિશય આત્મવિશ્વાસમાં રહેવાથી ઘણી વખત ઉલટા પરિણામો આવતા હોય છે, અથવા મોટું નુક્સાન થતું હોય છે. તેથી અતિ આત્મવિશ્વાસ ક્યારેય રાખવો ન જોઈએ, પરંતુ ઘણી વખત આ પ્રકારની માનસિક્તા જુસ્સો વધારનારી પણ નિવડતી હોય છે, પરંતુ તે અપવાદ રૂપ જ હોય છે.
ઘમંડ
ઘમંડ એટલે પ્રાઈડ, ગૌરવ એટલે પ્રાઉડ, એટલે કે ઘમંડ અને ગૌરવ માટે અંગ્રેજીમાં જે શબ્દો વપરાય છે, તે સમાનાર્થ જેવા લાગે છે, પરંતુ સમાનાર્થી નથી. વ્યાકરણની ભાષામાં 'પ્રાઈડ' એ વિશેષ (એડજેક્ટિવ) છે, જો કે ગુજરાતીમાં ઘમંડ અને ગૌરવ વચ્ચે હાથી અને ઘોડા વચ્ચેનો તફાવત હોય છે, તેવો તફાવત છે.
ઘમંડને કોઈપણ એન્ગલથી કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ સાથે તો સરખાવી શકાય જ નહીં, પરંતુ ઓવર કોન્ફિડન્સ સાથે પણ સરખાવી શકાય નહીં, કારણ કે ઘમંડ એ એક પ્રકારની એવી માનસિક્તા દર્શાવે છે, જે સામાન્ય રીતે સ્વીકૃત બનતો હોતો નથી. ઘમંડી વ્યક્તિ કોઈને ગમતી નથી.
હવે મૂળ વાત પર આવીએ, કારણ કે આપણે અહીં વ્યાકરણની વાત નથી કે આખરે ભાષા-નિષ્ણાત પણ નથી. આપણે તો એ સમજવું છે કે ટ્રસ્ટ, કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ, ઓવર કોન્ફિડન્સ જેવા શબ્દપ્રયોગો કરવા કેમ પડે છે? આ શબ્દો ક્યા ઉદ્દેશ્યો માટે વપરાય છે, તે તો સમજાયું, પરંતુ તેમાંથી બોધપાઠ લેવા જેવું શું છે?
પ્રશ્નોત્તરી
આ પ્રકારના પ્રશ્નોની પ્રશ્નોત્તરી યોજવી જોઈએ અને બધાના મંતવ્યો લેવામાં આવે તે અલગ અલગ જ નીકળે, પરંતુ આ પ્રકારના પ્રયોગોના તારણોના આધારે એમ કહી શકાય કે સ્વયંને સર્વગુણસંપન્ન અને સંપૂર્ણ જ્ઞાની સમજતા ઘણાં લોકો ઘમંડી બની જાય છે, અને ધીમે ધીમે પોતાના નૈસર્ગિંક સદ્ગુણો પણ ગુમાવી દેતા હોય છે.
આ મનોસ્થિતિ કદાચ ઓવર કોન્ફિડન્સ પછી આવતી હોય છે, અને ઓવર કોન્ફિડન્સની સ્થિતિ ઉપરાછાપરી સિદ્ધિઓ કે સફળતાઓ મેળવ્યા પછી આવતી હોય છે. સફળતાઓ અને સિદ્ધિઓ ત્યારે જ મળે છે, જ્યારે તેના માટે પૂરેપૂરી સેલ્ફ કોન્ફિડન્સથી કામ કર્યું હોય... એવું નથી કે ઘમંડ માત્ર કોઈ વ્યક્તિને એકલાને જ આવતો હોય... ઘણી વખત ટીમો, સમૂહો, સંસ્થાઓ કે શાસકોને પણ ઘમંડ આવી જતો હોય છે. ઘમંડનું અવતરણ ઘણી વખત સિદ્ધિઓ-સફળતાઓના કારણે જ નહીં, પણ બાય ડિફોલ્ટ પણ હોય છે.
ઘણાં લોકો પોતાને જ સર્વગુણસંપન્ન અને સર્વજ્ઞાની સમજતા હોય છે, અને આ પ્રકારની મનોસ્થિતિ ધરાવતા ઘણાં લોકો આપણાં પરિચયમાં પણ આવતા હોય છે. તેઓમાં જે જ્ઞાન, કૌશલ્ય કે સદ્ગુણો હોય, તેનું જ અભિમાન તેને ઘમંડ તરફ દોરી જતું હોય છે, અને ઘમંડી વ્યક્તિ અન્ય સમકક્ષ જ નહીં, પરંતુ પોતાનાથી વધુ ચડિયાતા વ્યક્તિને પણ તુચ્છ સમજવા લાગતો હોય છે. કંસ, દુર્યોધન, રાવણ અને હિરણ્યકશ્યપુ જેવા પાત્રો આ પ્રકારના વ્યક્તિત્વના જ ઉદાહરણો છે ને?
પોતાના સારા ગુણો, જ્ઞાન અને સિદ્ધિઓનું ગૌરવ હોવું જ જોઈએ, પરંતુ તે ગૌરવ જ જ્યારે ઘમંડમાં બદલી જાય, ત્યારે તે પડતીના સંકેતો આપવા લાગે છે, અને આ સંકેતો જેને સમજાતા નથી, તેની દુર્દશા કેવી થતી હોય છે, તે આ પ્રકારની કથાઓમાંથી જ સાંભળવા મળે છે.
જેવી રીતે અકબર-બીરબલની વાર્તાઓ એ બોધક કથાઓ જ છે, અને તેને ઈતિહાસનો ચોક્કસ ભાગ ગણી ન શકાય, તેવી જ રીતે દાદા-દાદી કે વડીલોને મૂખેથી સંભળાવાતી તમામ વાર્તાઓ તાર્કિક કે ઐતિહાસિક હોય કે ન હોય, તો પણ તેમાંથી નીતરતો બોધપાઠ ઘણો જ જીવનોપયોગી હોય છે. આ પ્રકારની વાર્તાઓ શિખામણોની સરવાણી હોય છે, સલાહોની સુવર્ણખલા હોય છે અને બુદ્ધિવર્ધક તથા મનોરંજક પણ હોય છે. કમભાગ્યે આ પ્રકારની બોધક વાર્તાઓ લૂપ્ત થતી જાય છે અને મિથ્યા પ્રવચનોનો પ્રભાવ વધી રહ્યો છે.
સ્વયંને સર્વગુણસંપન્ન માનતા લોકો હોય કે સર્વજ્ઞાની સમજતા હોય તેવા લોકોએ એ સમજવાની જરૂર છે કે ભગવાને સ્વયં અવતાર લીધા હતાં, ત્યારે તેઓએ પણ સાંસારિક સંઘર્ષો અને મર્યાદાઓનો સામનો કરવો પડ્યો હતો, જો કે પૌરાણિક સંદર્ભો મુજબ ઘમંડી અસૂરોનો ઈશ્વરિય શક્તિઓ તથા માનવ તરીકે અવતરેલા વિષ્ણુ ભગવાને સંહાર કર્યો હતો.
સ્વયંને સર્વગુણસંપન્ન કે સંપૂર્ણ જ્ઞાની સમજવામાં શાણપણ એટલા માટે નથી કે જ્ઞાનને કોઈ મર્યાદ નથી હોતી અને તેની ક્ષીતિઓ દરરોજ વિસ્તરતી જ જાય છે, અને સંપૂર્ણપણે ગુણવાન કોઈ એટલા માટે બની શકતું હોતું નથી કે સદ્ગુણોની વ્યાખ્યા પણ યુગો બદલાતા ફરી જતી હોય છે, ખરૂ કે નહીં?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial