જામનગરના પૂર્વ રાજવી જામ વિભાજીએ વર્ષ ૧૮૮૦ માં રાજકોટમાં બંધાવેલો જામટાવર અદ્યતન બનશે અને તેનું મૂળસ્વરૃપ જાળવી રાખીને ફરીથી ડંકા વગાડશે તેવા અહેવાલો પછી જામનગરના તમામ ટાવરો પણ સાચો ટાઈમ બતાવશે અને આપણી રાજવીકુળની ભવ્ય સંસ્કૃતિને પ્રજજવલિત કરતા આ ટાવરોના ડંકા ફરીથી ગુંજતા થશે, તેવી આશા નગરજનોને જાગી જ હશે, અને વખતોવખત ઐતિહાસિક અને પૌરાણિક, પ્રાચીન સ્થળોનું નવીનીકરણ કરીને ભવ્ય કલાત્મક વારસો જાળવી રાખવાની યોજનાઓમાં આ પ્રકારની ઘડિયાલો સાથેના ટાવર્સનો પણ સમાવેશ થશે, તેવા સંકેતો જોતા માત્ર જૂની સમયદર્શક ઘડિયાલો ધરાવતા ટાવર્સ જ નહીં, પરંતુ નગરો-મહાનગરોના નાના-મોટા તમામ હેરિટેજ સ્થળોના નવીનીકરણ અને મૂળસ્વરૃપ જાળવી રાખીને તેનું આધુનિકરણ કરવાની દિશામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સરકાર આગળ વધશે તેમ જણાય છે.
આ ટાવર્સ ત્યારે ઊભા કરાયા હતાં, જ્યારે દેશના પ્રત્યેક પરિવાર પાસે સમયદર્શક ઘડિયાલો નહોતી અને સમયની ગણતરી વૃક્ષોના પડછાયા, સૂર્ય-ચંદ્રના પ્રકાશ અને ઘરના છાંયડાના આધારે થતી હતી. એ સમયમાં આ પ્રકારની ઘડિયાલો સામૂહિક સમય દર્શાવતી હતી, હવે સમય પણ બદલાયો છેઘ ઘડિયાલો પણ બદલાઈ છે અને લગભગ પ્રત્યેક વ્યક્તિના હાથમાં રહેલા મોબાઈલ સેલફોનમાં સમય નિહાળવવામાં આવી રહ્યો છે.. અને આજના સ્પર્ધાત્મક યુગમાં નવી પેઢીની કારકીર્દિની બુનિયાદ સમી ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પણ આજથી જ શરૃ થઈ રહી છે, ત્યારે આ પરીક્ષાઓમાં બેસનાર તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક સફળતાની શુભેચ્છાઓ પાઠવીએ, અને પરીક્ષાઓ બિનજરૃરી હાઉ રાખ્યા વિના પરીક્ષા આપીને પરીક્ષાર્થીનો સફળતાપૂર્વક પોતાની ભાવી કારકીર્દિમાં આગળ વધે, તેવા અંતઃકરણપૂર્વકના આશીર્વાદ આપીએ.
અત્યારે બોર્ડની પરીક્ષાઓની સાથે સાથે રાજકીય પક્ષો અને નેતાઓ માટે પણ આકરી કસોટીનો સમય શરૃ થયો હોય, તેમ જણાય છે. ખાસ કરીને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ગઠબંધનમાં બધું બરાબર જણાતું નથી અને બીજી તરફ ભાજપમાં ભરતીય મેળો જામ્યો હોય તેમ વિપક્ષના દિગ્ગજ નેતાઓ સહિતના નેતાઓ-કાર્યકરો કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ઘણાં લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે.... જોઈએ હવે શું થાય છે તે... કારણ કે સમય સમય બલવાન હૈ... નહીં પુરૃષ બલવાન...
રાજ્યમાં ૧પ લાખથી વધુ પરીક્ષાર્થીઓના ભાવિનું આજે ઘડતર થવાનું છે, અને તેની સાથે જ જાણે કે સપનાંઓનું વાવેતર પણ થઈ રહ્યું છે, ત્યારે અત્યારે માત્ર પરીક્ષા પર જ લક્ષ્ય કેન્દ્રીત કરીને એકાગ્રતાથી પેપર આપવાના છે, અને એક પેપર આપ્યા પછી તેમાં કેટલા માર્કસ આવી શકે છે, તેની અટકળો કરવાના બદલે પછીના પેપરની તૈયારી કરવામાં લાગી જવું જ હિતાવહ વે, કારણ કે બધા પેપર પૂરા થઈ જાય, તે પછી પણ આ પ્રકારનો અંદાજ તો લગાવી જ શકાય છે ને ?
બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ તમામ સરકારી તંત્રો લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જશે અને ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાઈ રહી હશે, તેવા માહોલમાં આ પરીક્ષાઓના પરિણામો આવશે, અને ભવિષ્યની યોજનાઓ પરીક્ષાર્થીઓએ પણ ઘડવી પડશે. બીજી રીતે કહીએ તો પહેલા બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓનું ભાવિ નક્કી થવાનું છે, તેવી જ રીતે તે પછી જનતાની કસોટીએ ચડીને નેતાઓનું ભાવિ પણ નક્કી થવાનું છે. મતદારો માટે પણ ચૂંટણીમાં મતદાન કરવું, એ એક પ્રકારનો અવસર પણ હોય છે અને બીજી દૃષ્ટિએ યોગ્ય ઉમેદવાર અને યોગ્ય રાજકીય પક્ષની પસંદગી કરવાની કસોટી પણ હોય છે. તફાવત એટલો હોય છે કે બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પોતાનું ભાવિ ઘડતા હોય છે, જ્યારે મતદારો લોકસભાની ચૂંટણીમાં આખા દેશનું ભાવી ઘડતા હોય છે તેની સાથે સાથે પોતાના પરિવારનું ભાવિ પણ ઘડતા હોય છે, તેથી જેવી રીતે પ્રશ્નપેપરમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીભાઈ-બહેનોએ સમજી વિચારીને આપવા પડે, તેવી જ રીતે તમામ મતદારોએ પણ પોતાનો અમુલ્ય મત સમજી વિચારીને યોગ્ય પક્ષ અને યોગ્ય ઉમેદવારને જ આપવો જોઈએ, ખરું કે નહીં ?
જો કે, પરીક્ષાર્થીઓ પરીક્ષાના પરિણામો પછી ચોક્કસ નિયમોને આધિન રહીને પેપર ખોલાવી શકે છે, જ્યારે એક વખત જનાદેશ આપી દીધા પછી પોતાની આશાઓ પર ખરા નહીં ઉતરનાર કે પછી જનાદેશને ઠુકરાવીને અયોગ્ય નિર્ણય લેનાર ચૂંટાયેલા જન-પ્રતિનિધિને એ જ મતદારો હટાવી શકતા નથી, તેથી જ કદાચ દેશમાં 'રાઈટ ફોર રિકોલ' એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પાછો બોલાવવાનો મતદારોને અધિકાર આપવાની માંગણી બળવત્તર બની રહી હશે, તેમ નથી લાગતું ?
જે હોય તે ખરું, અત્યારે જે પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે, તેઓને રાજકીય ઘોંઘાટ ડિસ્ટર્બ ન કરે, અને તમામ પરીક્ષાર્થીઓ પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપીને ઉજજવળ કારકીર્દિની દિશા પકડે, તેવું પ્રાર્થીએ. ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial