ગુજરાત સરકાર હવે બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ એડવેન્ચર્સ, રોપ-વે, એડવેન્ચર સ્પોર્ટસ, તરણસ્પર્ધાઓ, હોડી સ્પર્ધાઓ તથા ફેરી બોટ સર્વિસીઝ, ફીશીંગ વગેરે તમામ પ્રકારની વોટર કનેકટેડ એક્ટિવિટીઝને સાંકળીને નવી એડવેન્ચર એન્ડ વોટર કનેકટેડ સર્વિસિઝ - પોલિસી બનાવવાની તૈયારીમાં હોવાના સંકેતો મળી રહ્યા છે, જે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સુરક્ષા તથા જનજિદગીઓ સાથે સંકળાયેલું અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય કદમ હશે.
હરણી તળાવની દુર્ઘટના પછી આ ક્ષેત્રે જે પોલંપોલ બહાર આવી અને જે લોલંલોલ ચાલી રહ્યું હતું, તે પછી સરકારી તંત્રો, પાલિકા-મહાપાલિકાઓના તંત્રો સાથે લેભાગુ ઈજારેદારો વચ્ચે કેવી સાઠગાંઠ હોય છે, અને તેમાંથી કેવી રીતે કરૂણાંતિકાઓ સર્જાઈ શકતી હોય છે, અને માનવજિંદગીઓ સાથે ખિલવાડ થતો હોય છે, તેનો પર્દાફાશ થઈ ગયો છે.
એ દુર્ઘટના પછી સરકાર સફાળી જાગી અને શિવરાજપુર સહિતના તમામ બીચ, દરિયાકાંઠાના વિસ્તારો, જળાશયો, નદીઓ અને સરોવરોમાં બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ અને વોટર કનેકટેડ એડવેન્ચર્સ પર અંકુશો મૂકયા, પરંતુ તેની સામે ગૂપચૂપ રીતે ખૂબ જ વગદાર અને ઉપર સુધીની પહોંચ ધરાવતી આ પ્રકારની જળ-એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી સ્થાપિત હિતોની ટોળકીઓ એક્વિટ થઈ ગઈ અને હવે આ એક્ટિવિટીઝને કાનૂની સ્વરૂપનો માર્ગ શોધી કાઢવામાં આવ્યો હોવાની આશંકાઓ પણ જનમાનસમાં પ્રગટવા લાગી છે.
દ્વારકામાં વડાપ્રધાને ડૂબકી મારીને ડૂબેલી દ્વારકાના દર્શન કર્યા, અને તાજેતરમાં અમદાવાદમાં ગાંધીઆશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ, રેલવે સુવિધાઓના પ્રોજેકટો તથા ૧૦ નવી વંદેભારત ટ્રેનોને લીલીઝંડી આપવાના પ્રસંગે વર્ચ્યુલ સંબોધનમાં ફરીથી તેનો ઉલ્લેખ કર્યો છે તે પછી દ્વારકાના દરિયાકિનારે ડૂબેલી દ્વારકા નિહાળવાનું એડવેન્ચર કરવાની તાલાવેલી ઘણાં લોકોને જાગી હશે, તેથી આ પ્રકારના સ્કૂબા ડાઈવીંગની પ્રવૃત્તિ માટે સરકાર સ્વયં જ પ્રવાસન નિગમ, કેન્દ્રીય ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, ભારતીય નૌકાદળ અને મરીન એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે સંકલન કરાવીને કોઈ સુરક્ષિત યોજના બનાવે, અથવા સબમરીન દ્વારા ડૂબેલી દ્વારકાના દર્શનની સુરક્ષિત યોજના બનાવે, તેવી આકાંક્ષાઓ પણ લોકોમાં ઉઠી રહી છે.
ગુજરાત સરકાર જ્યારે આ પ્રકારની એક્ટિવિટીઝ માટે નવી પોલિસી નક્કી કરવા જઈ રહી છે, ત્યારે અંડરવોટર એડવેન્ચર્સ અને સ્કૂબા ડાઈવીંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ એવી નક્કર પોલિસી ઘડો કે જેથી આ પ્રકારની એક્ટિવિટી કે એડવેન્ચર કે પછી ડૂબેલી દ્વારકાના દર્શન કરવા જાય, તેની સુરક્ષા પણ જળવાઈ રહે, દુર્ઘટનાની કોઈ સંભાવના જ ન રહે અને આ પ્રકારની એક્ટિવિટી કરવા ઈચ્છતા તમામ લોકોને નફાખોરી, શોષણ કે મોનોપોલી કે જોહૂકમી, ઉઘાડી લૂંટ નો ભોગ બનવું ન પડે, સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે આ માટે સરકાર સ્વયં જ કોઈ અનુભવી અને પર્યાપ્ત સુવિધાઓ ધરાવતી જાયન્ટ અંડરવોટર ઓથોરિટી ઊભી કરીને અંડરવોટર દ્વારકા દર્શન તથા સ્કૂબા ડાઈવીંગ જેવી અંડરવોટર એક્ટિવિટીઝ ચલાવે.
હરણી તળાવ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે હવે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોએ પોતે જ હવે આગળ આવવું પડશે અને જવાબદારી ઉઠાવવી પડશે. માત્ર પ્રાઈવેટ ઈજારેદારોને પરવાના (લાયસન્સ) આપીને છુટી જવાના બદલે સંબંધિતોએ સ્વયં સામેલ થવું પડશે અને પીપીપી મોડેલથી કે સરકાર અથવા પંચાયત-પાલિકા-મહાપાલિકા દ્વારા જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવાય, અને કોઈપણ ક્ષતિ, કચાશ કે દુર્ઘટના માટે સામૂહિક અને વ્યક્તિગત રીતે તંત્રો તથા સંબંધિત શાસકો-બોડીની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ, તેમ નથી લાગતું ?
રાજ્ય સરકારે આ માટે ૧૩ સભ્યોની કમિટી બનાવી છે, જે ઈનલેન્ડ વોટર, અંડરવોટર એક્ટિવિટીઝ, બોટીંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કાનૂની પ્રક્રિયા એટલે કે લીગલ ફ્રેમ વર્ક, નોંધણી, સર્ટિફિકેશન, એન્ફોર્સમેન્ટ, સંચાલન, જવાબદારીઓ અને શરતો-નિયમો તથા ખાસ કરીને નફાખોરી, શોષણ કે ઉઘાડી લૂંટ સામે ચોક્કસ કડક નિયમો, નિષ્ણાતો અને જવાબદારીઓની જોગવાઈઓ કરશે, તેવી આશા રાખવામાં આવી રહી છે અને જો એવું નહીં થાય, તો આ સઘળી પ્રક્રિયા એક પૂર્વઆયોજીત ડ્રામેબાજી જ પુરવાર થશે, તે પણ ભુલવું ન જોઈએ.
હરણી દુર્ઘટના પછી તત્કાળ તો જે પગલાં લેવાયા હોય, તે ખરા, પરંતુ રાજ્યના તમામ જળાશયોમાં ચાલતા બોટીંગસહિતની જળસંબંધિત પ્રવૃત્તિઓનું ફરીથી ઈન્સ્પેકશન કરાઈ રહ્યું છે, તે સારી વાત છે એવું પણ બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં ર૭ જળાશયોમાં ચાલતું બોટીંગ બંધ કરાવાયું છે. આ ઉપરાંત હવે દરિયાકિનારે, કચ્છના અખાતમાં, મરીન નેશનલ પાર્કના વિસ્તારોમાં, બીચ પર કે ચોપાટીઓ, ટાપુઓ નજીક કોઈપણ સ્થળે વોટર કનેકટેડ પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો તે પણ અંકુશમાં લેવી અત્યંત જરૂરી છે તેમ નથી લાગતું ?
જો કે, રાજ્ય સરકારે આ સઘળી માહિતી હાઈકોર્ટને આપી, ત્યારે ખબર પડી કે સરકાર આ પ્રકારની કોઈ નક્કર પોલિસી અને ચોક્કસ કાયદો ઘડવા જઈ રહી છે. હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે જે કાંઈ નીતિ-નિયમો ઘડાય, તે જનરલ નહીં, પરંતુ ચોક્કસ હેતુ ધરાવતા, નક્કર, પરિણામલક્ષી અને સ્પષ્ટ હોવા જોઈએ, મતલબ કે તેવા સ્થાપિત હિતોના હિતાર્થે કોઈ છટકબારી ન હોવી જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈને એપ્રિલમાં થનારી સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ આ સમિતિએ પણ કુલડીમાં ગોળ ભાંગવાના બદલે રાજ્યભરમાં ઠેર-ઠેર લોક-સુનાવણી જેવા કાર્યક્રમો યોજીને, ઈ-મેઈલ, પત્રો દ્વારા, સોશ્યલ મીડિયા દ્વારા ઓનલાઈન અભિપ્રાયો મેળવવા ખાસ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, અને નાના-મોટા તમામ અખબારો તથા ન્યુઝ ચેનલોના માધ્યમથી વ્યકત થતા વિચારો-અભિપ્રાયોની ખાસ નોંધ લેવી જોઈએ, ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial