''વાડ ચીભડા ગળી જાય, ત્યારે કોઈ શું કરે ?'તેવી એક કહેવત છે, જે બોર્ડની પરીક્ષાઓમાં થતી ગરબડો તથા પરીક્ષાચોરીની ઘટનાઓને આબેહુબ લાગુ પડે છે, હવે તો ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના પરીક્ષાર્થીઓના ઘણાં બધા વાલીઓ તથા પરિવારજનો પણ પોતાના સંતાનો કે ભાઈ-બહેનોને પૂરેપૂરી તૈયારી અને મહેનત કરીને પરીક્ષા અપાવવા કરતાં યે વધુ તેને પરીક્ષાચોરી કરવાની સગવડ મળી જાય, તે માટે વધુ પ્રયાસો કરતા હોય છે જે ખરેખર ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
ગઈકાલે કરમસદ અને તારાપુરમાં સામૂહિક પરીક્ષાચોરીની જે ઘટના બની, તેની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં બપોર પછી પણ પરીક્ષા ચોરી પકડાઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા અને જામનગરમાં પણ કોપીકેસ (પરીક્ષાચોરીનો કેસ) થયો હોવાના અહેવાલો પછી છોટીકાશી અને હાલારમાં પણ એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો અને જામનગરના શિક્ષણ જગતને પણ કાળી ટીલી લાગી ગઈ.
કરમસદમાં તો ભૂગોળની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારી પહોંચ્યા ત્યારે તેમણે જ 'લાઈવ' પરીક્ષાચોરી ઝડપી લીધી હતી. તેઓ પહોંચ્યા ત્યારે તેણીએ જોયુ કે કોઈ શખ્સ બારીમાંથી પ્રશ્ન પેપરના જવાબો લખાવી રહ્યો હતો. અધિકારી મેડમે તેને જોઈ લીધો, તેની ભનક પડતા જ તે શખ્સ ભાગી છુટ્યો. આ વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કાં તો રિપિટર હતા અથવા તો બાહ્ય (એકસ્ટનલ) પરીક્ષાર્થીઓ હતા, અને ત્યાં આ રીતે પરીક્ષાચોરી કરાઈ (કરાવાઈ) રહી હતી. એ ઉપરાંત તારાપુરના પરીક્ષા કેન્દ્રમાં પણ આ જ પદ્ધતિથી અનધિકૃત વ્યક્તિ દ્વારા ચોરી કરાવાઈ રહી હોવાની વાતો વહેતી થતાં ગઈકાલે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
જો કે, ખુદ શિક્ષણાધિકારી દ્વારા આ ચોરી ઝડપાઈ હતી, તેથી ત્વરિત કેટલાક કદમ પણ ઉઠાવાયા અને કેટલાક સ્ટાફને તત્કાળ બદલી નખાયો હતો, અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવાયો હતો, પરંતુ આ બધું ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા પુરવાર થયું હતું.
એ પછી 'ટોક ઓફ ધ સ્ટેટ' બનેલા આ મુદ્દે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતાં. પરીક્ષા કેન્દ્રમાં કોઈ અજાણ્યો કે બહારનો વ્યક્તિ પ્રવેશી શક્યો જ કેવી રીતે ? શું અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા જ નહોતી કે પછી તેમાં ગાબડું પાડવામાં આવ્યું હતું ?
આ ચોરી કરાવાઈ રહી હતી, ત્યારે પરીક્ષાખંડમાં નિરીક્ષક શિક્ષકો શું કરી રહ્યા હતાં ? શું તેઓ પણ આ હરકતમાં સંડોવાયેલા હતાં. એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે પરીક્ષા કેન્દ્રના ઈન્ચાર્જ, ઈન્સ્ટ્રકટર, સ્ટાફ દ્વારા આંખ આડા કાન શા માટે કરવામાં આવ્યા હતા ? પરીક્ષા કેન્દ્રના આચાર્ય, અન્ય સ્ટાફ, શિક્ષકોનું ધ્યાન નહોતું ગયું કે પછી પરીક્ષા કેન્દ્રનું પરિણામ સુધારવા માટે બધાએ સાથે મળીને પરીક્ષાચોરીનો માસ્ટર પ્લાન ઘડીને અમલમાં મૂક્યો હતો? આ પ્રકારે પરીક્ષાચોરી પરીક્ષા લેનાર શિક્ષકોની મદદ વગર સંભવ બને ખરી ?
હવે આ તમામ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરીને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાશે, તેવા દાવા કરી રહ્યો છે અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ કેટલીક માહિતી અપાઈ હતી, પરંતુ આ પ્રકારનું પરીક્ષાચોરીનું કલ્ચર વિસ્તરી રહ્યું હોય અને પરીક્ષા ચોરી થતી અટકાવવા નિમાયેલા પહેરેદારોની મીઠી નજર હેઠળ જ જો પરીક્ષાચોરી કરાવાઈ રહી હોય તો તે ગુજરાત માટે લાંછનરૃપ છે, અને ભાવિ પેઢીની કારકીર્દિ સાથે પણ ચેડાં જ ગણાય, પરીક્ષાચોરી કરમસદ-તારાપુર-આણંદની હોય, જામનગરની હોય કે અન્ય કોઈપણ સ્થળની હોય, તેની જવાબદારી તો સંબંધિત તંત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જ ગણાય ને ? આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી પણ ભવિષ્યમાં અને વર્તમાનમાં પણ આ પ્રકારની સામૂહિક કે વ્યક્તિગત ચોરી સદંતર થશે જ નહીં, તેવી 'ગેરંટી' આપી શકશે ખરા ?
ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે ? કયાંક પરીક્ષાચોરીનું કૌભાંડ થઈ રહ્યું છે, તો કયાંક ભરતીમાં ગરબડની રાવ ઉઠી રહી છે. જામનગરમાં ફરીથી એક વકીલની સરાજાહેર હત્યા થઈ છે તો પોરબંદર જિલ્લાનું સરકારી અનાજનું કૌભાંડ ચર્ચામાં છે. કયાંક 'નકલી' ના કારસા ઘડાયા છે તો રાજ્યમાં કયાંક લાખો રૃપિયાના ફ્રોડ થઈ રહ્યા છો.
પરીક્ષા ચોરીના મુદ્દે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ પણ કહ્યું છે કે સ્ટાફની બદલી કરીને સંતોષ માનવાના બદલે સીસીટીવીના આધારે કડક પગલા લેવાય, ઉંડી તપાસ થાય અને આ પ્રકારની ગરબડો થતી અટકે, તે માટે સરકારે ઝડપી અને પારદર્શક પગલાં લેવા જોઈએ.
લોકો પણ આ અંગે ધારદાર અને અણીયાણા સવાલો વિવિધ માધ્યમો દ્વારા પુછી રહ્યા છે. લોકો પુછે છે કે પરીક્ષચોરી માટે જવાબદાર કોણ અને સૌથી વધુ જવાબદાર કોણ..પરીક્ષા ચોરી કરનાર, માથે રહીને પરીક્ષા ચોરી કરાવનાર, પરીક્ષાચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરનાર કે પછી પકડાયા પછી 'ચોર' અને 'ચોરોના મદદગારો' ને છાવરનાર ? ... છે કોઈની પાસે કોઈપણ સવાલનો સાચો જવાબ ?
હકીકતે ગુજરાતમાં તંત્રો જાણે નિરંકૂશ થઈ રહ્યા છે... કાવતરાખોરો પેધી ગયા છે અને કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે, નેતાઓ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.... કોણ જાણે શું થશે ગરવા ગુજરાતનું હવે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial