Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ હવે કયારે....?

ગયા વર્ષે રાજસ્થાન સરકારે વકીલોની સુરક્ષા માટે એક કાયદો બનાવ્યો હતો. એ પહેલાં રાજસ્થાનના વકીલોએ આ માંગણીને લઈને કાનૂની કાર્યવાહીનો બહિષ્કાર કરવા સહિતની લડત આપી હતી. ગયા વર્ષે ર૧મી માર્ચે રાજસ્થાનના વકીલોએ આ સંદર્ભે ધન્યવાદ દિવસ પણ મનાવ્યો હતો. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનો કાયદો ઘડનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ કાયદાનું વિહંગાવ લોકન કરતા જણાય છે કે વકીલો તેમની ફરજ નિડરતાથી બજાવી શકે અને વકીલાતની ફરજો સંદર્ભે તેની સાથે કોઈપણ પ્રકારની તકરાર, હૂમલો, મારપીટ, બળપ્રયોગ, અપહરણ કે અવમાનના થાય તો તેની સામે કડક સજાઓની જોગવાઈઓ કરવામાં આવી છે, અને આરોપીને ૭ વર્ષની જેલ ઉપરાંત દંડની જોગવાઈ પણ થઈ છે. જો વકીલની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે તો તેનું વળતર આરોપી દ્વારા અપાવાય તેવી વ્યવસ્થા પણ એ કાયદામાં કરાઈ હોય તેમ જણાય છે. આ પ્રકારની જોગવાઈમાં આખા રાજ્યમાં લાગુ કરવાના અહેવાલો પણ જે-તે સમયે દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યા હતા, અને તેની અસરો હેઠળ અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારનો કડક કાયદો વકીલોની સુરક્ષા માટે ઘડવાની માંગણી ઉઠવા લાગી હતી. રાજસ્થાન સરકારે આ પ્રકારના પહેલાના કાયદામાં આ ઉપરાંત પણ કેટલાક સુધારા-વધારા કર્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતાં.

ઉત્તર પ્રદેશમાં પણ એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવાની વકીલોની માંગણીને લઈને ત્રણ સભ્યોની એક કમિટી બનાવી હતી, જ્યારે કેન્દ્ર સરકારે પણ વર્ષ ૧૮૭૯ ના લીગલ પ્રેકટીશનરો એકટ રદ કરવા અને વર્ષ ૧૯૬૧ ના એડવોકેટ એકટમાં સુધારા વધારા માટે સંસદમાં પહેલ કરી હતી.

એડવોકેટ એકટ ૧૯૬૧ હેઠળ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, સ્ટેટ બાર કાઉન્સીલની વ્યાખ્યા, સ્થાપના અને તેની કાર્યપદ્ધતિ તથા વકીલની વ્યાખ્યા વગેરેની ચર્ચા થઈ હતી, અને તદ્દનુસાર નિયમો બન્યા હોવાનું કહેવાય છે તે ઉપરાંત વર્ષ-ર૦ર૧ મા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા એડવોકેટ પ્રોટેકશન અંગે તૈયાર કરાયેલો મુસદે પણ દેશના કાનૂની અને ન્યાય ક્ષેત્રમાં ચર્ચાયો હતો, અને આ માટે નિમાયેલી સમિતિની ભલામણોની વ્યાપક ચર્ચા થઈ હતી, અને વકીલોને કાનૂની, સામાજિક અને વ્યક્તિગત સુરક્ષાની જોગવાઈઓ સૂચવાઈ હતી.

સંયુકત રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદે પણ વર્ષ-ર૦૧૭ માં ન્યાયવિદ્દો, વકીલો, પક્ષકારો અને માનવાધિકારો સાથે સંલગ્ન અન્ય લોકો તથા સંબંધિત અધિકારીઓની સાર્વત્રિક સુરક્ષા માટે એક પ્રસ્તાવ મુકાયો હતો, જેમાં સભ્યદેશોને તદ્દવિષયક પ્રબન્ધો કરવાનું સૂચવાયું હોવાની વ્યાપક ચર્ચા થઈ હતી. અને તેના સંદર્ભે કેટલાક દેશોમાં પ્રક્રિયા શરૂ થઈ હોવાની સાથે સાથે મત-મતાંતરો પણ ચર્ચામાં આવ્યા હતાં.

જામનગરમાં વકીલ કિરીટ જોશીની સરાજાહેર હત્યા થયા પછી ભારે ઉહાપોહ થયો હતો, અને તે સમયે ગુજરાતમાં કડક એડવોકેટ પ્રોટેકશન એકટની જરૂર જણાવાઈ હતી અને ઉચ્ચસ્તરે રજૂઆતો પણ થઈ હતી. તે પછી હવે સિનિયર એડવોકેટ હારૂન પલેજાની હત્યા પછી તો માત્ર જામનગર કે હાલાર જ નહીં, પરંતુ રાજ્યભરના વકીલો તથા બાર એસોસિએશનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર પણ જરૂરી સુધારા-વધારા સાથે કડક કાયદો ઘડે અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો વર્ષ ર૦ર૧ નો ડ્રાફટ, રાજસ્થાને ગયા વર્ષે ઘડેલો કાયદો તથા દેશ-દુનિયામાં આ પ્રકારના અસ્તિત્વમાં રહેલા કાયદાઓનો ઉંડો અભ્યાસ કરીને એડવોકેટ પ્રોટેકશન એકટ, ગુજરાત-ર૦ર૪ તત્કાલ વિધાનસભાના સત્રમાં રજૂ કરે, અને આ માટે જરૂર પડ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરે, તેવી લાગણી સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહી હોય, એ સ્વાભાવિક છે.

છેલ્લા ચાર-પાંચ વર્ષોથી દેશના જુદા જુદા રાજ્યોમાં વકીલો પર થઈ રહેલા હુમલાઓને લઈને દેશની ન્યાયપ્રણાલિ અને સિસ્ટમ સામે પણ પડકારો ઊભા થયા છે. આગ્રા, ગુજરાતના કચ્છ અને જામનગર, તેલંગાણાના પેડ્ડાપલ્લ, મધ્યપ્રદેશના જબલપુર સહિતના વિવિધ રાજ્યોના વકીલો પર હૂમલાઓ તથા હત્યાના બનાવો પછી જેવી રીતે પોલીસતંત્ર-સુરક્ષા ક્ષેત્રના અધિકારીઓના સુરક્ષાના વિશેષ પ્રબન્ધો અને કાનૂનો છે, તેવી જ રીતે એડવોકેટ પ્રોટેકશન એકટની પણ દરેક રાજ્યોમાં તથા કેન્દ્રીયસ્તરે પણ સતત માંગ ઉઠતી રહી છે, ત્યારે હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપરાંત જે રાજ્યોમાં આ પ્રકારની માંગણી ઉઠી છે, તે રાજ્યો સહિત દેશવ્યાપી કડક કાયદાઓ ઘડાય અને એડવોકેટ પ્રોટેકશન એકટના છત્ર હેઠળ વકીલોને સુરક્ષા મળે તે અત્યંત જરૂરી છે, ખરું કે નહીં ?

જામનગરમાં હારૂન પલેજાની હત્યા પછી બારકાઉન્સીલ ઓફ ગુજરાત એન્ડ ઈન્ડિયાના સભ્ય મનોજભાઈ અનડકટ તથા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ આ મુદ્દે જે આકરા પ્રત્યાઘાતો આપ્યા, તે પછી તેના ગાંધીનગર અને દિલ્હી સુધી પડઘા પડ્યા જ હશે, હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કડક જોગવાઈઓ સાથેના એડવોકેટ પ્રોટેકશન એકટને લઈને કેવા કદમ ઉઠાવે છે, તે જોવાનું રહ્યું....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial