નેતા-અભિનેતા-અભિનેત્રીઓનો સંઘર્ષ, પરિશ્રમ અને તપશ્ચર્યા એટલે 'મન હોય તો માળવે જવાય'નો પર્યાય
કોઈપણ સ્થળે જ્યારે જુના ફિલ્મી ગીતો ગૂંજી રહ્યા હોય, ત્યારે સૌ કોઈને તે ઘણાં જ કર્ણપ્રિય લાગે અને તેનું સુમધૂર સંગીત પણ એવું હોય કે સાંભળનાર કોઈપણ હોય, તે ઝુમી જ ઊઠે. ઘણી વખત આપણે અંદરોઅંદર વાતચીત દરમિયાન આ જુના કર્ણપ્રિય ફિલ્મી ગીતોની પ્રશંસા પણ કરતા હોઈએ છીએ અને ઘણાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે, જુના ગીતો અર્થસભર, સમજાય તેવા અને હેતુલક્ષી તથા ફિલ્મી સ્ટોરીને અનુરૂપ હોય છે. જુની ફિલ્મો અને તેના ગીત-સંગીતની પ્રશંસા કરવાનો ઉદ્દેશ્ય નવી રચનાઓ કે ફિલ્મોને ઉતારી પાડવાનો હોતો નથી, પરંતુ તેમાંથી આપણી સમૃદ્ધ કલા-સંસ્કૃતિનું પ્રગટીકરણ થતું હોય છે. એટલું જ નહીં, પહેલાની અને અત્યારની કલા-સંસ્કૃતિનોઓ સુભગ સમન્વય પણ થતો હોય છે.
ખ્યાતનામ કલાકારો હોય કે સફળ રાજનેતાઓ હોય, તેમને મહારત હાંસલ કરવામાં ઘણો જ પરિશ્રમ, સંઘર્ષ અને જરૂર પડ્યે બાંધછોડ કરવી પડતી હોય છે. કેટલાક ફિલ્મી પરિવારોમાં ત્રણ-ચાર સભ્યો અભિનેતા કે અભિનેત્રી હોય, ત્યારે તેઓના સંતાનોને વંશપરંપરાગત રીતે આગળ વધવાની તકો જરૂર સરળતાથી મળતી હોય છે, પરંતુ તે તકોને ઝડપીને સફળતાની સીડીઓ ચડવા માટે તો વ્યક્તિનું પોતાનું કૌવત, કૌશલ્ય, કઠોર પરિશ્રમ, લગન, ધૈર્ય અને સાધના જ કામ લાગતા હોય છે. કલાજગતમાં ઘણાં પરિવારોમાં વંશપરંપરાગત રીતે લોકો આગળ વધતા હોય છે, તેવું જ રાજકીય ક્ષેત્રે પણ થતું હોય છે. બન્ને ક્ષેત્રોમાં પારિવારિક વારસાના સ્વરૂપમાં વધુ અવસરો મળવા છતાં ઘણાં લોકોને સફળતા મળતી નથી હોતી, કારણ કે મન હોય તો માળવે જવાય, નાચવું ન હોય, તેનું આંગણું વાંકુ...
આ પ્રકારની કેટલીક અનુકરણીય હસ્તીઓનું જીવન માર્ચ મહિના સાથે સંકળાયેલું છે, અથવા જન્મતિથિ કે પુણ્યતિથિ આવે છે, તેમાં ૧૮ અને ૧૯ મી માર્ચ સાથે સંકળાયેલા શશિ કપૂર, બ્રુસ વિલિસ, કનુશ્રી દત્તા, જે.બી. કૃપલાણી, જેનિફર જેવી હસ્તીઓની સ્મૃતિઓને વાગોળીને તેમાંથી સફળતાની કૂચી (ચાવી) શોધવાનો પ્રયાસ કરીએ.
શશિ કપૂર
ફિલ્મ અભિનેતા શશિ કપૂરથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. આમ તો આખુ કપૂર ફેમિલી પ્રત્યેક ફિલ્મરસિયાઓના દિલો-દિમાગમાં છવાયેલું હશે અને નવી-જુની પેઢીના લોકોનું પણ પ્રિય હશે, પરંતુ શશિ કપૂરને તેની જન્મતિથિના સંદર્ભે સ્મરીએ.
શશિ કપૂર 'મન હોય તો માળવે જવાય'ની કહેવતને સાર્થક કરતું પાત્ર છે. તેમનો જન્મ ૧૮ મી માર્ચ ૧૯૩૮ ના દિવસે કોલકાતામાં થયો હતો, અને તેનું મૂળ નામ બલ્બીર હતું અને તેઓ પૃથ્વીરાજ કપૂરના પરિવારમાં ઉછર્યા હતાં. તેઓની ફિલ્મી કેરિયર એટલી ઉજ્જવળ હતી કે તેઓને અનેક એવોર્ડસ અને સન્માનો-પુરસ્કારો-મેડલ્સ મળ્યા હતાં. તેઓને વર્ષ ર૦૧૧ માં પદ્મભૂષણ અને વર્ષ ર૦૧પ માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં. તેમનું નિધન ૪ ડિસેમ્બર ર૦૧૭ માં મુંબઈમાં થયું ત્યારે સમગ્ર ભારતમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.
તેમણે બાળકલાકારથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ ૧૯ર૯ સુધી અભિનેતા, ડાયરેક્ટર, પ્રોડ્યુસર તરીકે સક્રિય બન્યા હતાં. તેમણે પૃથ્વીરાજ કપૂર અને માતા રામસરાન કપૂરની છત્રછાયા હેઠળ અભિનયના પાઠ શિખ્યા હતાં અને સફળ થવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. તેમણે વિદેશી અભિનેત્રી જેેનિફર કેન્ડલ સાથે વર્ષ ૧૯પ૮ માં લગ્ન કર્યા હતાં, જેનું વર્ષ ૧૯૮૪ માં નિધન થયું હતું. તેમના સંતાનો પણ માતા-પિતાના પગલે પગલે ચાલ્યા છે. કૃણાલ કપૂર, કરન કપૂર અને સંજના કપૂર તેમના સંતાનો અને રાજ કપૂર તથા સમ્મી કપૂર તેમના ભાઈઓ થાય. એમ કહી શકાય કે બોલિવૂડની બુનિયાદ રચવામાં કપૂર ફેમિલીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
શશિ કપૂરે તેના સમકાલીન મોટાભાગના ખ્યાનતામ અભિનેતાઓ તથા અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. આમ તો તેમની ૧૦૦ થી વધુ ફિલ્મો ખૂબ જ લોકપ્રિય બની છે, પરંતુ આજે પણ જેની ચર્ચા થતી રહે છે તેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં રોટી-કપડા-ઔર મકાન, મોહબ્બત ઈસકો કહતે હૈ, વક્ત, ધોખેબાજ, સત્યમ્, શિવમ્, સુંદરમ્, સુહાના સફર, દિલને પુકારા, રાજાસાબ, હસીના માન જાયેગી, શાન, ભવાની જંકશન, બેજુબાન, જૂનૂન, ત્રિશૂલ, કલયુગ, સ્વયંવર, પ્યાર કિયે જા, દીવાર, બસેરા, તૃષ્ણા, જબ જબ ફૂલ ખીલે, શર્મીલી, હીરાલાલ પન્નાલાલ, પ્રેમ કહાની, કન્યાદાન, ચોરી મેરા કામ, ફાંસી, ન્યૂ દિલ્હી ટાઈમ્સ, આઓ મુઝે ગલે લગાઓ, રૂઠા ના કરો, ધ હાઉસ હોલ્ડર, ગર્મી ઔર ધૂલ, બિરાદરી, પ્રેમપત્ર, ચાર દિવારી, જુઆરી, ક્રાન્તિ, અપના મૂન, માન ગએ ઉસ્તાદ, શંકરદાદા, નમક હલાલ, હિરાસત મેં, કાલી ઘટા, અફસર, ચક્કર પે ચક્કાર, પાપ ઔર પુણ્ય, ફકીરા, દો ઔર દો પાંચ, સુહાગ, કાલા પથ્થર, દુનિયા મેરી જેબ મેં વગેરેને ગણી શકાય... ખરૂ ને?
શશિ કપૂરની સફળતાઓ પાછળ તેમના પરિવારનું પીઠબળ હતું, તેમાં સંદેહ નથી, પરંતુ તેમણે જે લોકપ્રિયતા મેળવી અને અંગત જીવનમાં પણ ક્રાંતિકારી નિર્ણયો લીધા, તે સરાહનીય છે.
બ્રુસ વિલિસ
વર્ષ ૧૯પપ ની ૧૯ મી માર્ચે જન્મેલા અમેરિકન અભિનેતા વાલ્ટર બ્રુસ વિલિસ વર્ષ ૧૯૮૦ ના દશકાથી ટેલિવિઝન અને ફિલ્મોના ક્ષેત્રે કાર્યરત હતાં, અને વર્ષ ર૦રર સુધી સક્રિય રહ્યા હતાં. તેમણે અભિનેતા, સંગીતકાર અને પ્રોડ્યુસર તરીકે અમેરિકન ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે સિદ્ધિઓના શિખર સર કર્યા છે. તેમણે બે વખત એમપી પુરસ્કાર, ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર અને અન્ય સન્માનો મેળવ્યા છે. તેમનું જીવન સંઘર્ષવાળું રહ્યું છે, અને વર્ષ ર૦૦૦ માં જ્યારે તેમણે ડાયવોર્સ લીધા ત્યારે તેને ત્રણ પુત્રી હતી. વર્ષ ર૦૦૯ માં બીજા લગ્ન થયા પછી બીજા બે સંતાન થતા તેઓ પાંચ સંતાનોના પિતા છે. પશ્ચિમ જર્મનીમાં થયો હતો. સામાન્ય સિપાહી અને પછી ફેક્ટરીમાં કામ કરનાર પિતાની દોડધામભરી જિંદગી વચ્ચે બ્રુસ વિલિસે ખૂબ જ સંઘર્ષ કરીને અભિનય ક્ષેત્રે સફળતાઓ મેળવી છે. જુદા જુદા દેશોમાં તેમની કારકિર્દી ઘડાઈ અને પોતાની પુત્રી રૂમર સાથે વર્ષ ર૦૦પ માં ફિલ્મ હોસ્ટેજમાં અભિનય પણ કર્યો. તેમને અનેક સન્માનો, એવોર્ડઝ અને પુરસ્કારો મળ્યા છે, જેની યાદી ઘણી જ લાંબી છે.
તનુશ્રી દત્તા
હિન્દી ફિલ્મોની મશહુર અભિનેત્રી તનુશ્રી દત્તા એક અભિનેત્રી અને મોડલ છે, જે વર્ષ ર૦૦૪ માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ હતી. તેણીના ઘણાં ઈન્ટરવ્યૂ સોશ્યલ મીડિયામાં પણ ધૂમ મચાવતા હોય છે. તનુશ્રીનો જન્મ ૧૯ મી માર્ચ ૧૯૮૪ ના દિવસે થયો હતો. તેમનું જન્મસ્થળ ઝારખંડનું જમશેદપુર છે, તેણીની ફિલ્મો આશિક બનાયા આપને, ચોકલેટ, ગહેરે અંંધેરે રહસ્ય, ભાગંભાગ, ગુડબોય-બેડબોય, ઢોલ, રકીબ, સાસ, બહુ ઔર સસ્પેન્સ, રામ-મુક્તિદાતા વગેરે પ્રચલિત થઈ હતી. તેણી મી ટુ આંદોલન અથવા મી ટુ આંદોલનના માધ્યમથી પણ ચર્ચામાં આવી હતી. તેણીએ ઉજ્જૈનમાં પોતાના એક્સિડેન્ટની વિતકકથા વર્ણવી હતી, તે પણ ઘણી જ ચર્ચાસ્પદ બની હતી... વિવાદો અને મતાંતરો વચ્ચે પણ હિંમતપૂર્વક તેણી ઝંઝાવાતો સામે ટકી રહી હતી અને ગંભીર અકસ્માત પછી પણ મજબૂત મનોબળ સાથે તેણી પૂર્વવત સ્થિતિમાં આવી હતી. તે મન હોય તો માળવે જવાયની પ્રબળ માનસિક્તાનું જ પરિણામ હશે ને?
જેનિફેર કેન્ડલ (કપૂર)
શશિ કપૂરની પત્ની જેનિફર કેન્ડલ (કપૂર) ર૮ ફેબ્રુઆરી ૧૯૩૩ ના યુ.કે.ના સાઉથપોર્ટમાં જન્મી હતી. તેણીએ જ પૃથ્વી થિયેટરની બુનિયાદ સ્થાપી હતી. તેણીને વર્ષ ૧૯૮૧ માં '૩૬ ચૌરંગી લેન' ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે બાફટા એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. તેણીની મુખ્ય પ્રચલિત ફિલ્મોમાં બોમ્બે ટ્રોફી, જૂનૂન, હીટ એન્ડ ડસ્ટ, ધરે બાયરનો સમાવેશ થાય છે.
જેનિફર કેન્ડલને લઈને ઘણી બધી વાતો ચર્ચિત અને પ્રચલિત છે. તેણીનું વર્ષ ૧૯૮૪ ની ૭ મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેણી અંગ્રેજ સંસ્કૃતિમાં ઉછરી હતી અને યુનાઈટેડ કિન્ગડમની અભિનેત્રી હતી, તેમ છતાં તેણીએ પોતાના દૃઢ મનોબળ સાથે કપૂર પરિવાર અને ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરી હતી.
એવું કહેવાય છે કે કે કોલકાતાના એક થિયેટરમાં શશિ કપૂરની મુલાકાત જેનિફર સાથે થઈ હતી અને તે પછી પ્રેમ પાંગર્યો હતો. પોતાનાથી ત્રણ વર્ષ નાના શશિ કપૂર સાથે લગ્ન કરનાર જેનિફરે પોતાના પિતાનું થિયેટર પણ છોડી દીધું હતું, પરંતુ પછીથી જેનિફરના પરિવારે પણ આ સંબંધને સ્વીકારી લીધો હતો.
જે.બી. કૃપલાણી
આચાર્ય કૃપલાણી તરીકે પ્રચલિત થયેલા જીવટરાવ ભગવાનદાસ કૃપલાણી (જે.બી. કૃપલાણી) વર્ષ ૧૯૪૭ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતાં. તેમનું જીવન પણ મન હોય તો માળવે જવાયની કહેવતને સાર્થક કરનારૂ હતું.
વર્ષ ૧૮૮૮ ની ૧૧ મી નવેમ્બરે જન્મેલા કૃપલાણીનું નિધન ૧૯ મી માર્ચ ૧૯૮ર ના દિવસે ગુજરાતના અમદાવાદમાં થયું હતું. તેમણે વર્ષ ૧૯૩૬ માં સુચેતા કૃપલાણી સાથે લગ્ન કર્યા હતાં. તેણી આઝાદી પછી ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી પણ બની હતી. જે.બી. કૃપલાણીએ વર્ષ ૧૯પ૧ માં કોંગ્રેસ છોડીને કિસાન મજદૂર પ્રજા પાર્ટી બનાવી હતી, જે તે પછી પ્રજા સમાજવાદી પાર્ટીમાં વિલિન થઈ ગઈ હતી. કટોકટી પછી વર્ષ ૧૯૭૭ માં જનતા પાર્ટીની સરકાર રચવામાં કૃપલાણીનો સિંહ ફાળો રહ્યો હતો. જે.બી. કૃપલાણીએ કોંગ્રેસ છોડી, પરંતુ સુચેતા કૃપલાણી કોંગ્રેસ સાથે જ રહ્યા હતાં. જે.બી. કૃપલાણીની રાજકીય યાત્રા ભલે ઉતાર-ચઢાવ સાથે ચર્ચાસ્પદ રહી હોય, પરંતુ વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞ તથા પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રે તેમના વિચારો અને યોગદાનની નોંધ પણ ઈતિહાસના પાને લખાઈ છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial