અત્યારે દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ચૂંટણીપ્રચારની ધગધગતી ગરમી અનુભવાઈ રહી છે, તો પ્રચંડ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે અને ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો હોવાથી લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે.
કચ્છના કેટલા વિસ્તારોમાં તો ભારે પવનો સાથે વંટોળિયો સર્જાતા અફરાતફરીના દૃશ્યો જોવા મળ્યા અને કેટલીક વસ્તુઓ હવામાં ફંગોળાઈ રહી હોવાના વીડિયો પણ વાયરલ થયા છે. આંધી-વંટોળિયાના કારણે લોકોની ચીજવસ્તુઓ ઉડવા ઉપરાંત ખેતીપાકોને પણ નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.
અત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, સમગ્ર દેશ અને દુનિયામાં પણ મિશ્ર ઋતુ તથા બદલતા રહેતા હવામાનના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે.
યુનોના વર્લ્ડ મિટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના તાજા રિપોર્ટમાં પૃથ્વી લૂપ્ત થઈ જવાની સંભાવના હોવાનો ખતરો મંડરાઈ હોવાની ચેતવણી આપ્યા પછી સમગ્ર વિશ્વમાં ચિન્તા પ્રસરી ગઈ છે અને આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટમાં ઘણી જ ચિન્તાજનક સ્થિતિ તરફ વિશ્વ ધકેલાઈ રહ્યું હોવાની કડવી વાસ્તવિકતા જાહેર કરવામાં આવી છે. ગયું વર્ષ એટલે કે વર્ષ-ર૦ર૩ સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું અને રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. વાતાવરણમાં ગરમીના મોજા એટલા ઉછળ્યા હતા કે તેની અસરો સમુદ્રથી લઈને ઊંચામાં ઊંચા ગ્લેશિયરો સુધી વર્તાઈ હતી અને ગ્લેશિયરો અસધારણ ઝડપે પીગળવા લાગ્યા હતાં. આ કારણે સમુદ્રની સપાટીમાં પણ વધારો નોંધાયો હતો, જે જીવસૃષ્ટિ માટે વોર્નિંગ એલાર્મ જેવી સ્થિતિ ગણાય.
આ રિપોર્ટ મુજબ ગયા વર્ષે સરેરાશ કરતા તાપમાનનું સ્તર ૧.૪પ ડિગ્રી સેલસિયસ વધુ હતું જેની મર્યાદા પૃથ્વીની સપાટીની સરેરાશ એવરેજ કરતા ૧.પ વધુની હોવાથી અત્યારે તાપમાનની દૃષ્ટિએ પૃથ્વી રેડએલર્ટ પણ ગણાય, તેવી ચેતવણી પણ તેમણે આપી છે.
ગયા વર્ષે દરિયાઈ હીટવેવથી વિશ્વના ત્રીજા ભાગના મહાસાગરો પ્રભાવિત થયા હતા, જે વર્ષના અંતે મહત્તમ સપાટીએ પહોંચી ગયા હતા અને મહાસાગરોનો મોટાભાગનો હિસ્સો દરિયાઈ હીટવેવ્ઝની લપેટમાં આવી ગયો હતો, જેને પણ ભયજનક સ્થિતિ ગણાવાઈ રહી છે.
આ રિપોર્ટ મુજબ વર્ષ ર૦૧૪-ર૦ર૩ ના દાયકામાં તે પહેલાના દાયકા કરતા ડબલ ઝડપે દરિયાની સપાટી વધી રહી છે, જેને પણ પૃથ્વી પર આવી રહેલા ખતરા તરીકે ગણાવાઈ રહી છે.
આ તમામ પ્રકારના ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે જ ભારે ગરમી, ભારે પૂર, કયાંક જલપ્રલય તો કયાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ઋતુચક્ર પણ ખોરવાઈ રહ્યું છે.
એક તરફ યુનોના વડા કલાઈમેટ ચેઈન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ખતરામાં હોવાની ચેતવણી આપી રહ્યા છે, તો ભારતમાં વિપક્ષો લોકતંત્ર તથા બંધારણ ખતરામાં હોવાનો ઉહાપોહ મચાવી રહ્યા છે, અને તેની સામે શાસક એનડીએ દ્વારા થઈ રહેલા આક્રમક શાબ્દિક પ્રહારો અને વર્ણવાઈ રહેલી દેશની વિકાસયાત્રાના કારણે દેશનો રાજકીય માહોલ પણ ગરમાયો છે, અને દેશના પોલિટિકલ એન્વાયરમેન્ટમાં પણ ઈલેકટોરલ વોર્મિંગની અનુભૂતિ થઈ રહી છે.
ચૂંટણીનો માહોલ જામ્યો છે, અને રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજુ તમામ ઉમેદવારો જાહેર થઈ જાય, તે પછી જ ચૂંટણી ઝંઝાવાત વેગ પકડશે, તેમ જણાય છે. હજુ રાજકીય પક્ષો ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, અને તેની સાથે રિસામણા-મનામણાની મોસમ પણ પુરબહારમાં ખીલી રહી છે. ઘણાં લોકોના અંતરાત્મા જાગે છે ત્યારે કોઈ કદમ ઉઠાવે છે, પરંતુ તે પછી એ કદમ પાછું ખેંચે, ત્યારે ઘણાં લોકો કટાક્ષમાં કહેતા સંભળાય છે કે, 'અંતરાત્મા પાછો ફરીથી પોઢી ગયો હશે, નહીં ?'
આ વખતે મીડિયાકર્મીઓની સેવાઓનો સમાવેશ 'આવશ્યક'માં ગણીને પોષ્ટલ બેલેટની જે જોગવાઈ થઈ છે, તેને સામાન્ય રીતે આવકાર મળી રહ્યો છે, અને હવે આ સુવિધાનો અવશ્ય લાભ લઈને ચોક્કસપણે પોષ્ટલ બેલેટની સમયોચિત ફરજો બજાવવાની જવાબદારી પણ રહેવાની છે, ખરું કે નહીં ?
ભરૂચમાં આમ આદમી પાર્ટીને બેઠક ફાળવી દેવાના અહેમદભાઈ પટેલના પરિવારને થયેલો અસંતોષ ખાળવા કોંગ્રેસ નવસારી બેઠક પરથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને ટિકિટ ફાળવી શકે છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે મજબૂત પડકાર ઊભો કરી શકે છે, તેવા અહેવાલો પછી દક્ષિણ ભારતના રાજકારણના ગણિત નવેસરથી મંડાઈ રહ્યા છે, અને ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવાની બુનિયાદ મજબૂત બની રહેલ જણાય છે, તો બીજી તરફ સતત ત્રણ વખતથી નવસારીની બેઠક પરથી ચૂંટાઈ રહેલા અને ગત ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ ધરાવતા પટેલને નવસારીની બેઠક પરથી હરાવવા મુશ્કેલ હોવાના તારણો પણ નીકળી રહ્યા છે, જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial