દિલ મેં ખુશીયો કી મહક રહતી હૈ, રિશ્તો સે ઘર મેં રૌનક રહતી હૈ
અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા નવા વિષયો સાથે ફિલ્મકારો દમદાર મનોરંજન લાવી રહ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલ અને સિનેમાઘરોમાં દર્શકોનો સુંદર પ્રતિસાદ મેળવી રહેલ ફિલ્મ 'વેનિલા આઈસ્ક્રીમ' નાં મેકર્સ 'નોબત' ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં.
ફિલ્મનાં લેખક - દિગ્દર્શક પરાક્રમસિંહ ગોહિલ 'પ્રિત', નિર્માતા ડો. ધવલ પટેલ, પથિક પટેલ તથા સહનિર્માતા હિમાંશુ પરીખ અને વરિષ્ઠ અભિનેતા સતિષ ભટ્ટ એ સ્થાનિક મિત્ર દિપકભાઇ જાધવ સાથે 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે વાર્તાલાપ કરી ફિલ્મ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ફિલ્મમાં અર્બન ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર કહી શકાય એવા મલ્હાર ઠાકર, દિક્ષા જોશી તથા યુક્તિ રાંદેરીયા મુખ્ય ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. ફિલ્મ ફેમિલી ડ્રામા હોવાનું ટ્રેઇલર ઉપર થી જ જણાઇ આવે છે પરંતુ ફિલ્મની ટીમ દ્વારા તેની વિશેષતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
નિર્માતા ડો. ધવલ પટેલ ગાંધીનગરનાં તબીબ છે તથા પથિક પટેલ ઉદ્યોગકાર છે તથા ડો. ધવલનાં પાર્ટનર છે. સહનિર્માતા હિમાંશુ પરીખ અમદાવાદનાં છે. લેખક - દિગ્દર્શક પ્રિત ભાવનગરનાં વતની છે અને અમદાવાદ સ્થાયી થયા છે. લેખક નાં જણાવ્યાનુસાર આ ફિલ્મ એકદમ શુદ્ધ પારિવારિક મનોરંજન પીરસતી ફિલ્મ છે. આખો પરિવાર ફિલ્મ જોતો હોય તો મર્યાદા ભંગ થાય એવો કોઇ સિન કે એક પણ વલ્ગર ડાયલોગ નથી.
ડો. ધવલનાં જણાવ્યાનુસાર તેમને ફિલ્મની વાર્તા ખૂબ પસંદ આવતા તેઓ નિર્માતા તરીકે જોડાયા છે. વર્તમાનમાં વિભક્ત કુટુંબ વ્યવસ્થાની ઘાતક પ્રથા પ્રચલિત છે ત્યારે સમાજને સંયુક્ત કુટુંબનું મહત્ત્વ દર્શાવતો સંદેશ મનોરંજન સાથે આપતી ફિલ્મ છે 'વેનિલા આઈસ્ક્રીમ'
ફિલ્મનાં નામ વિશે પૂછવામાં આવતા નિર્માતા પથિક પટેલ જણાવે છે કે ફિલ્મમાં વેનિલા આઇસ્ક્રીમ પણ એક પાત્ર જેવું મહત્વ ધરાવે છે. જુદી જુદી ઘટનાઓ વખતે વિવિધ ભાવનાઓ પ્રદર્શિત કરવા ફિલ્મમાં વેનિલા આઈસ્ક્રીમ પીરસવામાં આવી છે.
અભિનેતા સતિષ ભટ્ટ વેનિલા આઈસ્ક્રીમનું ખૂબી વડે સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા પ્રગટ કરવાનો પ્રયાસ કરે છે. જેમ વેનિલા આઈસ્ક્રીમમાં દરેક ફ્લેવર ભળી જાય છે એમ જ સંયુક્ત કુટુંબમાં દરેક વ્યક્તિની સ્વતંત્રતા જળવાઇ રહે એ રીતે મર્યાદા અને ઉદારતાપૂર્વક સંબંધો જળવાઇ તો દરેક સભ્ય પરિવારમાં સહજતાથી ભળી જાય. ફિલ્મમાં દાદાજીનું પાત્ર ભજવતા સતિષભાઇ ફિલ્મ જનરેશન ગેપને સંવાદ વડે દૂર કરવાનો સંદેશ સચોટ રીતે આપતી હોવાનો દાવો કરે છે.
દિગ્દર્શક પ્રિત તથા નિર્માતા ડો. ધવલે ફિલ્મનાં નિર્માણ વિશે વાત કરી હતી. ફિલ્મનું શૂટીંગ અમદાવાદ તથા દિવમાં થયુ છે. અમદાવાદનાં હેરીટેજ રંગો દર્શાવવાનો પ્રયાસ થયો છે. ૪૦ દિવસનાં શૂટીંગ તથા ૩ મહિનાનાં પોસ્ટ પ્રોડક્શન પછી ફિલ્મ સાકાર થઇ છે.ફિલ્મ નિર્માણમાં પબ્લિસિટી સહિત કુલ અંદાજીત ૪ કરોડ જેટલો ખર્ચ આવ્યો છે.
જામનગરમાં ફિલ્મનો સારો પ્રતિસાદ મળ્યાનું જણાવી ટીમ દ્વારા તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રિ-વેડીંગ સેલિબ્રેશનને કારણે જામનગર વૈશ્વિક ખ્યાતિ પામ્યુ હોવાનું જણાવી અહીનાં સિનેમાપ્રેમીઓનાં પ્રેમને તેમનાં માટે પુરસ્કાર સમાન ગણાવે છે.
ફિલ્મની ટીમે આઇનોક્સમાં ફિલ્મનાં શો માં ઉપસ્થિત રહી દર્શકોનાં પ્રતિભાવ તથા પ્રેમ રૂબરૂ ઝીલ્યા હતાં.
દિગ્દર્શક પ્રિતની ૨૦૧૮ માં આવેલ હિન્દી ફિલ્મ 'ગ્રે' વિદેશી ફિલ્મ ફેસ્ટીવલોમાં ચમકી હતી તથા સરાહના પામી હતી. 'વેનિલા આઈસ્ક્રીમ' પણ સાત સમંદર પાર જાદુ ફેલાવી રહી છે.નેધરલેન્ડમાં ફિલ્મ રિલીઝ થવાની સાથે જ વર્ષ ૨૦૨૪ માં વિદેશમાં રિલીઝ થનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઇ છે.
આગામી સમયમાં અમેરિકા, યુ.કે. સહિત આફ્રિકન દેશોમાં પણ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
ફિલ્મનાં ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી આદિત્ય નાયર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. એડીટર વૈષ્ણવી ક્રિષ્નન પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અર્થાત ફિલ્મ મેકીંગ માં કોઇ કચાશ રાખવામાં આવી ન હોવાનો તથા જે - તે વિભાગમાં મહારથ ધરાવતા પ્રોફેશ્નલનાં કસબનો ઉપયોગ કરવામાં આવતા પ્રોડક્શન શ્રેષ્ઠ થયું હોવાનો દાવો નિર્માતાઓએ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial