હમણાં જ માતૃભાષા દિવસ ગયો અને આપણે બધાએ રંગે ચંગે ઉજવ્યો પણ ખરો. બધાએ શપથ લીધા કે હવેથી આપણે માતૃભાષામાં જ કામ કરશું અને બાળકોને પણ માતૃભાષા શીખવીશું.
પરંતુ જેવો આ માતૃભાષા અભિયાનનો કાર્યક્રમ પૂરો થયો કે તરત જ આ બધા જ વિદ્વાન ભાષાવિદોના શપથ ભુલાઈ ગયા. જેવા આ બધા જ વિદ્વાનો ઘરે પહોંચ્યા કે તરત જ અંગ્રેજી મીડિયમની આગ ઝરતી ગરમીમાં તેઓના સંકલ્પ સીધા વરાળ થઈને ઉડી ગયા. હા ભાઈ, જેવો આપણા બાળકોની કેરિયરનો સવાલ આવે કે તરત જ આપણી માતૃભાષા ભુલાઈ જાય. ગુજરાતી કે હિન્દી માધ્યમમાં થોડી કોઈ ઝળહળતી કેરિયર બને ?
જો કે સત્ય હકીકત તો એ છે કે, દિવસ તો નબળા લોકોનો ઉજવવામાં આવે. જેમ કે મહિલા દિવસ, હિન્દી દિવસ, બાળ દિવસ, મજૂર દિવસ, વગેરે વગેરે. પરંતુ તમે કદી કોઈ પોલીસ ફોજદારનો દિવસ ઉજવાતો જોયો? ફિલ્મ સ્ટાર, ક્રિકેટ સ્ટાર વગેરેને આપણે દિલથી ચાહિયે છીએ. પરંતુ શું કદી તેમના દિવસ ઉજવ્યા?
હમણાં જ ચકલી દિવસ ગયો. આપણે બધાએ ઉજવ્યો પણ ખરો. શહેરમાં અનેક જગ્યાએ ચકલીઓના માળાનું વિતરણ પણ થયું. પરંતુ કોઈએ કદી કાગડાઓ વિશે વિચાર્યું ? શું કાગડાઓ માટે કોઈએ માળાનું વિતરણ કર્યું ? અરે કાગડાઓની તો આપણે વર્ષમાં એકવાર જરૂર પણ પડે છે - શ્રાદ્ધના દિવસોમાં. છતાં પણ આપણે કાગડાઓની એટલી ચિંતા નથી કરતા જેટલી ચકલીઓની કરીએ છીએ. કારણ કે ચકલીઓ નાજુક છે, નબળી છે, માટે તેનો દિવસ ઉજવાય છે.
જો કે ફક્ત એક દિવસ ઉજવવાથી માતૃભાષાનું કલ્યાણ ન થાય. જો આપણે ખરેખર માતૃભાષાને બચાવવા માગતા હોઈએ તો રોજેરોજ તેની ચિંતા કરવી જોઈએ, વર્ષ આખું તેની ઉજવણી થવી જોઈએ.
જ્યારે આપણું બાળક 'નેવ્યાસી એટલે કેટલા થાય?' એ સમજી ન શકે અને આપણે શરમ આવે તો સમજવું કે આપણને ખરેખર માતૃભાષાની ચિંતા થાય છે..! ભલે આપણે બાળકને ઉઠા ન ભણાવીએ પરંતુ બાળકને દોઢ, પોણા બે કે અઢી એટલે કેટલા થાય એ તો સમજાવું જ જોઈએ.
આપણી માતૃભાષા આજે પણ જીવંત છે, એકદમ ધબકે છે, તે તો અભણ લોકોને કારણે. બાકી ભણેલા ગણેલા લોકો તો રામ રામ બોલવામાં પણ શરમ અનુભવે છે...
જો કે જ્યારથી કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિમાં જાહેર કર્યું છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું, ત્યારથી મોડર્ન ઇંગ્લીશ મીડીયમ મમ્મીઓનું ટેન્શન ખૂબ જ વધી ગયું છે. તેમને ચિંતા છે કે શું આપણા બાળકને પણ 'મધર ટંગ' શીખવી પડશે?
એટલે કે આપણે આપણા બાળકને 'ઈટ કરી લે', 'ડ્રીંક કરતો જા', 'બરાબર હેન્ડ વોશ કરી લેજે હો', એવું કશું નહીં કહી શકીએ ? અને તો પછી આપણે જે આ થોડા ઘણા ઈંગ્લીશ વાક્ય ગોખી રાખીએ છીએ તેનું શું કરશું ?
અને કિટ્ટી પાર્ટીમાં તો એક જ પ્રશ્ન બધા પૂછશે કે, હવે આપણામાં અને મીડલક્લાસની મમ્મીઓમાં ફેર શું ? 'આપણે અને કામવાળી મમ્મી' બધા સરખા?
અને આ બધી બોર્ડની મમ્મીઓને સૌથી મોટી ચિંતા તો એ હતી કે જો બાળકોને ગુજરાતી મીડિયમમાં જ ભણાવવાનું થશે તો સૌપ્રથમ તો પોતે જ પોતાના મગજમાંથી ઇંગ્લિશનો કચરો કાઢીને ગુજરાતી શીખવું પડશે....!!!
વિદાય વેળાએઃ- તપવું....ખરું પણ ઉકળવું નહિ.... ઉકળશો તો ઉભરાઈ જશો... બસ ખાલી હસતાં રહો, દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે. કે આને વળી કઈ વાતનું સુખ છે?!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial