જીવનનું લક્ષ્ય શું હોઈ શકે? શું નાણા કમાવવા એ ધ્યેય છે, સારી જિંદગી સ્વસ્થતાથી જીવવી એ લક્ષ્ય હોઈ શકે?
એક વખત એક વિદ્વાનને એક મુંઝાયેલા જણાતા યુવાને પ્રશ્ન પૂછ્યો કે જિંદગી એટલે શું? જીવન એટલે શું? જીવવાનું નક્કી કોણ કરે છે? જીવનનું લક્ષ્ય શું હોઈ શકે?
આ યુવાને પૂછેલો પ્રશ્ન એક સાથે ઘણાં બધા પ્રશ્નોનો સમૂહ હતો અને આ પ્રકારના ઘણાં પ્રશ્નો ઘણી વખત ઘણાં સ્થળે પૂછાયા હશે, પૂછાઈ રહ્યા હશે અને પૂછાતા રહેવાના છે, તેના જવાબો પણ અપાતા હોય છે. આ પ્રકારના વિષયો પર ઘણું બધું લખાયું પણ છે, પ્રાચીનકાળથી લઈને અર્વાચીન સમય સુધી આ પ્રકારના વિષયો પર ઘણું સાહિત્ય સર્જન પણ થયું છે. વિશ્વભરમાં આ પ્રકારના વિષયો પર ઘણાં બધા અભ્યાસો થયા હશે, ઘણાં સંશોધનો થયા હશે, ઘણું મંથન થયું હશે, ઘણાં સંવાદો, પરિસંવાદો અને ચર્ચાઓ થઈ હશે. આ પ્રકારના પ્રશ્નોને લઈને સંવાદો-વિવાદો-જુથચર્ચાઓ અને અભિપ્રાયો, મંતવ્યોના તારણો પણ નીકળ્યા હશે અને તેમાંથી ઘણું બધું જાણવા પણ મળ્યું હશે.
ઘણાં લોકો દૃઢપણે એવું પણ માને છે કે, આ પ્રકારના વિષયો પર ગમે તેટલી ચર્ચાઓ થાય કે સંશોધનો થાય, આ પ્રકારના પ્રશ્નોનો સચોટ અને સંપૂર્ણ સંતોષજનક જવાબ હજુ સુધી મળી શક્યો નથી અને તેવી સંભાવના પણ ઓછી છે!
જિંદગી એક સસ્પેન્સ છે, જીવન રહસ્યમય છે અને શરૂ થાય છે, ત્યાંથી તેનો અંત આવે છે, ત્યાં સુધી એ જ નક્કી થઈ શકતું હોતું નથી કે આનો વાસ્તવિક ધ્યેય શું છે? જિંદગી કોઈને સ્વેચ્છાએ મળતી જ નથી. માતા-પિતા (મહિલા અને પુરુષ) ની ઈચ્છાથી સંતાનો જન્મે છે, તેમ કહી શકાય ખરૂ, પણ તે પણ અર્ધસત્ય છે, કારણ કે એવા ઘણાં દંપતીઓ હશે, જેઓને સંતાન પ્રાપ્તિ લાંબા સમયની ઝંખના પછી જ પ્રાપ્ત થતા હોય છે. એવા સંજોગોમાં એમ પણ કહી શકાય કે જિંદગી કુદરત અથવા ઈશ્વર આપે છે. ટૂંકમાં જિંદગી માનવી (અથવા પશુ-પંખી-પ્રાણી) ના જન્મથી જ શરૂ થાય છે, જે સ્વેચ્છાએ મળી હોતી નથી, પરંતુ માતા-પિતા અથવા ઈશ્વર, કુદરતે આપી હોય છે.
જ્યારે જિંદગીનો પ્રારંભ જ સ્વેચ્છાએ થતો નથી, ત્યારે તેના અંત સુધી બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે જ થશે, એવું ચોક્કસપણે કહી શકાય નહીં, તેમ છતાં સમજણો થયા પછી દરેક જીવ પોતાની રીતે જિંદગી જીવવા લાગે છે અને તેમાંથી ઉત્પન્ન થાય છે જીવન સંઘર્ષ!
વિચારો, કે બાળક જન્મે, ત્યારથી જ કોઈ ધ્યેય નક્કી કરીને જીવન જીવવાનું નક્કી કરી શકતો નથી, તો કેવી સ્થિતિ નિર્માણ થઈ હોત? કુદરતી ઘટમાળ એવી હોય છે કે, નવજાત શિશુ માટે ફીડીંગ કરવું અથવા પોષણ મેળવવું, રડવું, હસવું, રમવું, મળ-મૂત્ર કરવું અને નાની-મોટી બીમારીઓ સામે ઝઝુમીને શરીરને મજબૂત બનાવવું તેવી નેચરલ મોટીવ હોય છે, જે ધીમે ધીમે ચાલવું, બોલવું, ભોજન કરવું, દુનિયાને સમજવા અને દુનિયાને જાણી-માણી શકાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં ફેરવાય છે. તે પછી બાળક ધીમે ધીમે મોટું થાય છે, તેમ તેમ તેમને જીવનચર્યા, જીવન જીવવાના લક્ષ્યો અને રૂચિઓ બદલતા જાય છે.
સંતાનોનું ઘડતર માતા-પિતા, પરિવાર-સ્કૂલ અને મિત્રવર્તુળો દ્વારા થાય છે, ભણી-ગણીને આગળ વધે કે પછી શ્રમજીવી-ગરીબ પરિવારોમાં પરંપરાગત્ ધંધો-વ્યવસાય-ભીક્ષાવૃત્તિ કે સંઘર્ષમય જિંદગી જીવે- આ તમામ સ્થિતિમાં બાળક કિશોરવયથી યુવાવયનો થાય, ત્યારે તે પોતાના નિર્ણયો સ્વયં લેવા લાગતો હોય છે.
હવે પહેલેથી વિચાર કરીએ તો નવજાત શિશુ માટે જિંદગીનો ધ્યેય માત્ર પોષણ અને દુનિયાને જાણવાનો હતો. બાળક થોડું મોટું થતા જ તેની જિંદગીનું લક્ષ્ય અને જીવનપ્રણાલિ બદલી ગઈ. બાળક શાળાએ ગયું તો ધ્યેયો બદલી ગયા પરીક્ષાઓમાં સારા ગુણ લેવા, ઈત્તર પ્રવૃત્તિઓમાં પ્રતિભા નિખારવી, સ્પર્ધાઓમાં જીતવું, રૂચિ મુજબના વિષયોમાં મહારત હાંસલ કરવી વગેરે પ્રકારના ધ્યેયો મહદ્અંશે કિશોરાવસ્થા સુધી રહેતા હોય છે. તે પછી જીવનને જાણે પાંખો આવતી હોય તેવી અનુભૂતિ થાય છે અને સફળતાઓના ગગનમાં ઊંચી ઊડાન ભરવાના અભરખા જાગે છે.
યુવાવસ્થા પછી કોઈ લવસ્ટોરી કે પછી કારકિર્દીના પ્રભાવ હેઠળ જિંદગીના ધ્યેયો ધરમૂળથી બદલાઈ જતા હોય છે. ઘણી વખત પરિવારની જવાબદારીના ભાર હેઠળ યુવાવયે યુવકોને પોતાના સપનાઓને કોરે મૂકીને દિશા બદલવી પડતી હોય છે, તો કોઈને અવસરોના અભાવે દિશા બદલવી પડતી હોય છે. અહીંથી પણ જિંદગીના ધ્યેયો બદલી જતા હોય છે અને જીવનપ્રણાલિ પણ બદલી જતી હોય છે.
આ પ્રકારની સ્થિતિમાં મુંઝવણમાં મૂકાયેલો યુવાન કોઈ વિદ્વાનને પ્રશ્નો પૂછે છે કે, જીવનનું લક્ષ્ય શું હોઈ શકે? ત્યારે કલ્પના કરો કે એ વિદ્વાનનો જવાબ શું હોઈ શકે? આ પહેલા જે પ્રશ્નો ઉદ્ભવ્યા જ ન હોય તેવા પ્રશ્નો તે પછી પ્રગટ થઈ જાય છે અને એવા સવાલો ઊઠવા લાગે છે કે જીવન એટલે શું? જિંદગી એટલે શું? જીવન અને જિંદગીમાં શું તફાવત? શું બન્ને શબ્દો પર્યાય નથી? જીવવાનું કેવી રીતે તે કોણ નક્કી કરે છે?
જિંદગી એટલે કુદરત અથવા ઈશ્વરે માતા-પિતાના માધ્યમથી આપેલી બક્ષીસ છે, જે જીવવા લાગીએ, ત્યારથી જીવન શરૂ થાય છે, જે હંમેશાં સંઘર્ષમય હોય છે. નાનું બાળક દૂર પડેલું રમકડું નજીક લેવા મથે અથવા માતા સુધી પહોંચવા પ્રયાસ કરે, તેમાંથી જ ચાલતા શીખે છે, અને તેવી રીતે જ જીવન સંઘર્ષ શરૂ થાય છે. સંસારમાં જન્મ લીધા પછી જીવવું જ પડે, અને જીવવું જ જોઈએ, તેને જિંદગી કહે છે. માનવી હોય, પશુ-પંખી કોઈપણ જીવ હોય, તેને જિંદગી તો કુદરત કે ઈશ્વર માતા-પિતાના માધ્યમથી આપે છે, અથવા માતા-પિતાના સાયન્ટિફિક વીલપાવરની ફલશ્રુતિ સ્વરૂપે જીવન પ્રાપ્ત થાય છે, પ રંતુ જિંદગી જીવવાનું પ્રારંભમાં માતા-પિતા-પરિવાર કે પાલન-પોષણ કરનાર નક્કી કરે છે, અને જીવ સમજણો થાય ત્યારે સ્વયં પોતાનું જીવન કેવી રીતે જીવવું તે નક્કી કરે છે, ત્યાં સુધીના જવાબો તો મળી શકે છે, પરંતુ જીવનનું લક્ષ્ય શું હોઈ શકે? જીવ આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં? જીવન સ્વેચ્છા મળ્યું નહીં હોવાથી તેને સ્વેચ્છાએ ખતમ કરવાનો અધિકાર કોઈપણ જીવને નથી, છતાં મનુષ્ય આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાનો પ્રયાસ મનુષ્ય કરે છે, તેની પાછળ તેની બુદ્ધિમત્તા અને વિચારવાની શક્તિ કારણભૂત હોય છે? પશુઓ કે મનુષ્ય સિવાયના જીવો આત્મહત્યાનો પ્રયાસ કરે, તેવું ક્યારેય સાંભળ્યું છે ખરૂ? આ તમામ બાબતોની ઊંડાણમાં જઈએ તો એમ જ કહી શકાય કે જિંદગી રહસ્યમય છે અને માનવજિંદગી તો ઘેરૂ સસ્પેન્સ જ છે!
કિશોરાવસ્થામાંથી યુવાવયે પહોંચેલા યુવાનની જિંદગીમાં અલગ પડકારો હોય છે, અને યુવતીઓની સમસ્યાઓ તથા પડકારો પણ અલગ જ હોય છે. જેવી રીતે યુવાનને યુવાવયે સફળતાના ગગનમાં ઊડવાના અરમાનો જાગે, નવા સપનાઓ સળવળે અને જિંદગીના ઉત્કર્ષના સોણસાં જાગે, તેવી જ રીતે યુવતીઓને પણ એ જ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. હવે એ અલગ વિષય છે, છતાં એટલો ઉલ્લેખ અહીં પણ કરવો જરૂરી છે કે, યુવાનો જેટલા જ અવસરો યુવતીઓને પણ પોતાના સોણસા સાકાર કરવા કે સફળતાના ગગનમાં ઊડવા માટે મળતા હોતા નથી. આ નક્કર વાસ્તવિક્તા અંગે અલગથી ચર્ચા થવી જોઈએ અને વર્તમાન સમાજ વ્યવસ્થામાં સમાન સપનાઓને પ્રાધાન્ય આપવું જ જોઈએ તેમ નથી લાગતું
જો માત્ર નાણા કમાવાને જ જિંદગીનું ધ્યેય માનવામાં આવે તો માતા-પિતા બાળકને સ્નેહથી ઉછરે જ શા માટે? સંતાનો વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ રાખવાની ચિંતા જ શા માટે કરે? દુનિયાભરમાં આટલીબધી સંસ્થાઓ ચલાવવાની શું જરૂર? બાળકોને સારૂ શિક્ષણ આપવા માટે પેટે પાટા બાંધીને પરિશ્રમ કરવાની શું જરૂર? અબજો રૂપિયા કમાઈ લીધા પછી સંતાનોના ભવિષ્યની ચિંતા કરવાની અને તેઓને સારૂ શિક્ષણ મળે, પગભર રહે અને સારી જિંદગી જીવે, તેવા પ્રબન્ધો કરવાની શું જરૂર?
જો પરિવાર સાથે સારૂ જીવન જીવવાનો જ મુખ્ય મક્સદ હોય તો પૈસા વધુને વધુ કમાઈ લેવાની દોટ મૂકવાની શું જરૂર? જો પ્રતિષ્ઠા મેળવવાની અને મોટા હોદ્દાઓ મેળવવાનો જ જીવનનો હેતુ રહેતો હોય તો તેવી પ્રતિષ્ઠા મેળવી લીધા પછી તેને ટકાવી રાખવા જીવનભર સંઘર્ષ કરવાની શું જરૂર? જો ધનપતિ થવાનું જ લક્ષ્ય હોય તો કેટલાક શ્રીમંતોને સંન્યાસ કે દીક્ષા લેવાની જરૂર કેમ પડતી હશે? જો સારા સ્વાસ્થ્યને જ સારી જિંદગી માનીએ, તો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત માનવીનું પણ આત્મહત્યા કે ભૂખમરા જેવી સ્થિતિમાં મૃત્યુ કેમ થતું હશે? એટલે જ કહેવાય છે કે જિંદગી રહસ્યમય છે, લાઈફ ઈઝ સસ્પેન્સ... મુંઝાયેલો યુવાન વિદ્વાનના જવાબની રાહ જોઈ રહ્યો છે. ક્યારે મળશે જવાબ?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial