મોસ્કોના કોન્સર્ટ હોલ પર પાંચ આતંકીઓએ કરેલા હુમલામાં અનેક લોકો માર્યા ગયા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયા પછી હાહાકાર મચ્યો અને તેના વૈશ્વિક પડઘા પડ્યા પછી દુનિયામાં ફરી એક વખત આતંકવાદને વૈશ્વિક પડકાર માનીને તેની સામે સમગ્ર વિશ્વે આંતરિક ભેદભાવ ભૂલી જઈને સહિયારી લડત આપવી જ પડશે, તેવો વૈશ્વિક જનમત ઊભો થઈ રહ્યો છે.
વિશ્વના કોઈપણ દેશમાં નિર્દોષ લોકોની સામૂહિક હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસને વખોડવો જ જોઈએ અને આતંકવાદીઓને લઈને વિશ્વમાં કોઈ સમાન વ્યૂહરચના ઘડીને સમગ્ર વિશ્વે કોઈપણ પ્રકારના આતંકવાદ સામે સમયબદ્ધ રીતે, સતત અને પ્રબળ ઈચ્છાશક્તિથી લડવું પડશે, તેવા અભિપ્રાયો પણ વ્યકત થવા લાગ્યા છે.
રશિયા જેવા શક્તિશાળી દેશની રાજધાનીમાં જ આ પ્રકારનો ખતરનાક આતંકી હૂમલો થાય અને આટલા બધા લોકોના જીવ જાય, તે દર્શાવે છે કે કોઈપણ દેશે આતંકવાદને અન્ડરએસ્ટિમેટ કરીને અવગણના કરવા જેવી નથી. એવું કહેવાય છે. કે અમેરિકાએ આ પ્રકારના આતંકી હૂમલાની આશંકા પહેલેથી જ વ્યકત કરી હતી પરંતુ રશિયાએ કદાચ આ પ્રકારની આશંકાની અવગણના કરી હોય કે પછી આતંકવાદીઓને અન્ડરએસ્ટિમેટ કર્યા હોય, તેથી આ હુમલો થતો અટકાવી શકાયો નહીં હોય, તેવા અનુમાનો થઈ રહ્યા છે. બીજી તરફ વિશ્વના દેશોએ આ આતંકી હુમલાની નિંદા કરી છે અને મૃતકો-ઘાયલો તથા તેના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. ભારત પણ રશિયાની પડખે ઊભું છે અને આતંકી હુમલાને વખોડીને દુઃખની ઘડીમાં ભારતીયો તરફથી સંવેદના વ્યકત કરવામાં આવી રહી છે.
આ હુમલા પાછળ યુક્રેનનો હાથ નથી, તેવી યુક્રેનના રાષ્ટ્રપતિની ચોખવટ તથા મોસ્કો ટાઈમસને ટાંકીને જણાવ્યું કે હુમલો આઈએસએસ દ્વારા કરાયો હતો, તેવા અહેવાલો પછી આ હુમલાની વૈશ્વિક અસરોની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
હકીકતે થોડા દિવસો પહેલા જ અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયામાં સાવચેત રહેવા અને ભીડભાડ થતી હોય, તેવા સ્થળોમાં જવાનું ટાળવાની એડવાઈઝરી આપી હતી, અને આ પ્રકારના આતંકી હુમલાની સંભાવના જણાવી હતી, જેને ગંભીરતાથી લઈને જરૂરી સાવચેતીના પગલાં લેવાયા નહીં, તેની પણ ટીકા થઈ રહી છે.
એક તરફ પાંચેય આતંકવાદીઓ હુમલો કરીને સહી સલામત પોતાના દેશમાં પહોંચ્યા હોવાના અહેવાલો આવ્યા, તો બીજી તરફ એક સંદિગ્ધ પકડાયો હોવાની વાત પણ સામે આવ્યી. આ વિરોધાભાસી અહેવાલો પછી આજે રશિયામાં જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
રશિયામાં ભારત-અમેરિકા કે બ્રિટન જેવું લોકતંત્ર નથી, તેથી ખુલ્લેઆમ ટીકા થતી હોતી નથી, પરંતુ વૈશ્વિક ચર્ચાઓ મુજબ જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય ત્યાં મોસ્કોમાં શું તદ્દન પોલંપોલ ચાલતી હશે ? હજારો લોકો એકઠા થતાં હોય કે અવર-જવર રહેતી હોય, ત્યાં સુરક્ષા અને સલામતીના પ્રબન્ધો જ નહીં હોય, કે પછી આ વ્યવસ્થા એટલી તકલાદી હશે કે પાંચ બંદુકધારીઓ-આતંકીઓ આવીને માનવસંહાર કરીને સહી સલામત બહાર નીકળી જાય ? એવું પણ બની શકે કે આખી ઘટનાની સંપૂર્ણ વિગતો અને સત્ય તથ્યો પ્રારંભમાં બહાર જ આવી ન હોય ?
આ હૂમલાની જવાબદારી આઈએસઆઈએસ જેવા ખતરનાક સંગઠને લીધી હોય, તે ભારત સહિત અન્ય દેશોએ પણ એકદમ એલર્ટ થઈ જવા જેવું છે, અને ઓવર કોન્ફીડન્સમાં રહેવા જેવું નથી. આતંકવાદીઓને કયારેય અંડર એસ્ટીમેટ કરી શકાય નહીં. ભારતમાં આતંકવાદી હુમલાઓ ઘટી ગયા છે, અને જમ્મુ-કાશ્મીર સુધી સીમિત થઈ ગયા છે, તેમ છતાં રશિયાની આ ઘટના પછી ભારતીય એજન્સીઓએ પણ સતર્ક થઈ જવા જેવું ખરું...
રશિયામાં આતંકી હૂમલાએ નવો વૈશ્વિક પડકાર પણ ઊભો કર્યો છે. આઈએસઆઈએસના ચીફ માર્યા ગયા હોવાના અહેવાલો ઘણી વખત આવે છે, તેનું સ્થાન કોણે લીધું તે પણ જાહેર કરવામાં આવે છે અને ફરીથી મરેલા આતંકીઓ પ્રગટ થતા હોવાના ચોંકાવનારા અહેવાલો પણ આવતા હોય છે તેથી આઈએસઆઈએસના ખાત્મા માટે માત્ર આતંકીઓ કે તેના ચીફ, કમાન્ડરો કે માસ્ટર માઈન્ડ ને ઠાર કરવામાં આવે તે પૂરતું નથી, આ વિચારને જ જડમૂળથી ખતમ કરવો પડે તેમ છે. આ માટે વિશ્વે એકજૂથ થવું પડે અને નિર્દોષોને સંહાર કરનાર તમામ આતંકીઓને એક દૃષ્ટિએ મુલવીને જ સામૂહિક વૈશ્વિક પ્રહાર સતત કરતા રહેવું પડે, ખરું કે નહીં...?
ભારતમાં હોળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, તેવા સમયે રશિયામાં હત્યાની હોળી પ્રગટી છે, અને ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે, ત્યારે મૃતકો અને ઘાયલોના પરિવારો પર આવી પડેલા દુઃખ સામે લડવાની તેઓને ઈશ્વર શક્તિ આપે અને વિશ્વના દેશો હવે આતંકવાદના અસુરનો સંહાર કરવા એકજૂથ થઈને નૃસિંહ સ્વરૂપ ધારણ કરે, તેવું ઈચ્છીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial