જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના હોદ્દેદારો સાથે સંવાદઃ
તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં નકલી ઇન્સ્યુલીનનું કૌભાંડ પકડાયું છે. જેમાં હૈદરાબાદ તથા આસપાસનાં જિલ્લાનાં વિવિધ હોલસેલરો પાસેથી અડધા કરોડથી વધુ કિંમતનો નકલી ઇન્સ્યુલીનનો જથ્થો ઝડપાયો છે. જે પછી આવો જથ્થો દેશમાં ક્યાં ક્યાં પહોંચ્યો છે એ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
શું નકલી ઇન્સ્યુલીનનો જથ્થો ગુજરાત સુધી પણ પહોંચ્યો છે? જામનગરમાં આવો જથ્થો પહોંચ્યો હોવાની કેટલી સંભાવના છે? એ અંગે તપાસ કરવા માટે 'નોબત' દ્વારા જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પત્રકાર આદિત્યએ જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ હિરેનભાઇ સાંગાણી સાથે આ અંગે સંવાદ કર્યો હતો.
હિરેનભાઇનાં જણાવ્યાનુસાર એસોસિએશન સંલગ્ન જામનગરમાં ૪૫૦ જેટલા દવાનાં વેપારીઓ અર્થાત હોલસેલરો-રીટેલરો છે. અત્યાર સુધીમાં જામનગરમાં એવો કોઇ જથ્થો કે શંકાસ્પદ દવાઓ ધ્યાને આવ્યા નથી જે નગરજનો માટે રાહતરૂપ છે.
તેલંગાણામાં ઝડપાયેલ નકલી ઇન્સ્યુલીનનો જથ્થો દિલ્હીમાંથી બિલ વગર મોટા ડિસ્કાઉન્ટમાં ખરીદાયેલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે હિરેનભાઇ આ દવાઓનાં મામલે ડિસ્કાઉન્ટની લાલચને ખતરનાક ગણાવે છે. નિયમાનુસાર ઇન્સ્યુલીન અને અન્ય અગત્યની દવાઓ પ્રાઇઝ કન્ટ્રોલ ડ્રગ્સ છે. અર્થાત સરકાર આવી દવાઓનું ભાવ બંધણું કરે છે. એટલે એમાં એક નિશ્વિત પ્રમાણ કરતા વધુ નફો મળી શકે એ શક્ય જ નથી માટે મોટા ડિસ્કાઉન્ટથી દવાઓ વેચતા મેડિકલ કે હોલસેલરો નકલી દવા વેચતા હોય એવું શક્ય છે. કદાચ એ લોકો અજાણતા આવું કરતા હોય પરંતુ એ દર્દી માટે તો જીવલેણ જ સાબિત થઇ શકે.
સંવાદ દરમ્યાન ઉપસ્થિત એસોસિએશનનાં ખજાનચી હિતેશભાઇ રાબડીયા જણાવે છે કે દર્દી સુધી અસલી દવા જ પહોંચે એ માટે કેમિસ્ટોની અગત્યની ભૂમિકા છે.
પ્રમુખ હિરેનભાઇ દરેક રીટેઇલર અને હોલસેલરને અનુરોધ કરે છે કે રાજ્યનાં સી એન્ડ એફ એજન્ટ તથા ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખો. વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં અજાણ્યા એજન્ટ કે અન્ય રાજ્યમાંથી જથ્થો મંગાવવાનું જોખમી સાબિત થઇ શકે છે. ઓનલાઇન ખરીદીમાં પણ બનાવટી દવાનો ભોગ બનવાનું ભયસ્થાન રહેલું છે.
હિરેનભાઇ જનતાને પણ અપીલ કરે છે કે ઓનલાઇન દવાઓ મંગાવવા કરતા લોકલ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવાનો આગ્રહ રાખો.જેથી દવાની વિશ્વસનીયતા શંકાનાં દાયરામાં ન રહે.
ભાવ બંધણું હોય એવી દવાઓમાં હોલસેલરનું મહત્તમ માર્જીન ૮% અને રીટેઇલરનું મહત્તમ માર્જીંન ૧૬% જેટલું હોય છે જ્યારે એ સિવાયની દવાઓમાં આ હોલસેલનું માર્જીન ૧૦% અને રીટેઇલરનું માર્જીન ૨૦% હોય છે. એટલે જે મેડિકલ સ્ટોર્સ કે કેમિસ્ટ ૧૫% થી ૨૦% ડિસ્કાઉન્ટમાં દવાઓ વેચતા હોય એમની દવાઓ શંકાસ્પદ નજરે જોવી જરુરી છે.ડ્રગ્સ કંટ્રોલ તથા તંત્રનાં અન્ય સંબંધિત વિભાગોએ પણ આ મુદ્દે સમયાંતરે વૈજ્ઞાનિક ચકાસણી કરવાની જરૂર છે. મોટું ડિસ્કાઉન્ટ આપતા મેડિકલ દવાઓનો જથ્થો એવા ડિલર પાસેથી ખરીદતા હોય જે તેમને મોટું ડિસ્કાઉન્ટ આપતા હોય અને આ મોટું ડિસ્કાઉન્ટ નકલી દવાઓનો ખેલ હોય શકે છે. એટલે કોઇ વખત સસ્તી દવા ખૂબ મોંઘી સાબિત થઇ શકે છે.
હિરેનભાઇનાં જણાવ્યાનુસાર તેઓ આ અંગે જાગૃતિ લાવવા એસોસિએશનન તથા તેને સંલગ્ન કેમિસ્ટોની એક મિટિંગ પણ યોજવાનાં છે અને જનતાને પણ આ અંગે જાગૃત રહેવા અનુરોધ કરે છે.
વિડીયો જોવા લિંક ક્લિક કરો
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial