સ્વ. શેખર રતિલાલ માધવાણી
(દેહવિલય તા. ૨૫-૦૩-૧૯૯૬)
તા. રપમી માર્ચ-૧૯૯૬ નો એ દિવસ અમને સૌને આંચકો અને આઘાત આપનારો તો હતો જ, પરંતુ સમગ્ર હાલારમાં શોક વ્યાપી ગયો હતો કારણ કે મિલનસાર સ્વભાવના શેખરભાઈ હાલારીઓના હૈયે વસેલા હતાં.
શેખરભાઈએ અચાનક આ દુનિયામાંથી જ્યારે અંતિમ વિદાય લીધી ત્યારે માધવાણી પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો હતો અને અશ્રૂઓનો દરિયો ઉભરાયો હતો. શેખરભાઈ નગરની સંખ્યાબંધ સેવાભાવિ અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા, અને બહોળું મિત્રમંડળ ધરાવતા હતાં. સૌ કોઈના સુખ-દુઃખમાં ભાગ લેવો અને જરૃર પડ્યે અડધી રાત્રે પણ વિના કહ્યે મદદે દોડી જવું તેવો તેમનો ઉમદા સ્વભાવ હતો.
તેઓએ પિતા સ્વ. રતિલાલ માધવાણીના પગલે ચાલીને 'નોબત'ની વિકાસની યાત્રાને આગળ ધપાવી હતી. તેમની કુશળતા અને ઓલ રાઉન્ડ કાબેલિયતના કારણે અખબારના તમામ વિભાગોની રોજીંદી જરૃરિયાતો પ્રક્રિયાઓ, સમસ્યાઓ અને રોજ-બ-રોજના કામકાજો તેઓ એટલી સરળતાથી નિપટાવી લેતા હતાં કે એકંદરે અખબારનું સંચાલન ઘણું જ સરળ બની જતું હતું. તેઓની સેવા પ્રવૃત્તિઓ પણ આજ પર્યંત ઘણાં બધા લોકોની સ્મૃતિઓમાં જિવંત હશે.
આ સાંધ્ય દૈનિકને લોકોના દિલ સુધી પહોંચાડવા અને તેની નિયમિતતા, ગુણવત્તા, આધુનિકતા તથા અબાલવૃદ્ધ, સૌને ગમે તેવી વાચનસામગ્રી પીરસવાની માધવાણી બંધુઓની સહિયારી પોલિસીમાં તેઓની મહત્તમ ભૂમિકા નોંધપાત્ર રહેતી હતી.
તેઓ એક સામાજિક જીવ પણ હતા અને સહૃદયતા અને સેવાભાવના તેમની રગ-રગમાં દોડતી હતી અને એવા ઘણાં લોકો અને પરિવારો હશે, જેને તેઓ વ્યક્તિગત રીતે મુશ્કેલીના સમયે મદદરૃપ થયા હશે, અને તેની કોઈને કાનોકાન ખબર પણ નહીં પડી હોય, તેઓ કોઈને મદદ કરતા તો પણ તેનું પૂરેપૂરું આત્મસન્માન જળવાઈ રહે તેની કાળજી રાખતા હતા, જે તેની વિશેષતા પણ હતી અને મહાનતા પણ હતી.
તેઓની કારમી વિદાયના સમયે માધવાણી પરિવાર અને નોબત પરિવાર, નગરજનો તથા હાલારીઓ જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા તેમના ચાહકવર્ગ અને 'નોબત'ના વાચક વર્ગને પણ જબરો આંચકો લાગ્યો હતો.
તેઓની કારમી વિદાય કાયમી આઘાત આપી ગઈ હતી, પરંતુ કુદરતના ઘટનાક્રમ પાસે આપણું કાંઈ ચાલતું નથી, તેથી હૃદય પર પથ્થર રાખીને પણ આ વાસ્તવિકતા સ્વીકારી પડતી હોય છે. તેઓની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેઓને હૃદયપૂર્વક સ્નેહભરી શ્રદ્ધાંજલિ અર્પીએ.
જામનગર. તા.૨૬-૦૩-૨૦૨૪
- માધવાણી પરિવાર, નોબત પરિવાર