રાજનીતિમાં ઘણી વખત નેતાઓ સેલ્ફગોલ કરી લેતા હોય તેવું કદમ ઊઠાવી લેતા હોય છે કે પછી કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી તેમાં પોતે જ ફસાઈ જતા હોય છે. અત્યારે ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં વિવિધ સ્થળે જોવા મળી રહેલી સ્થિતિ તથા છૂપો આંતરિક અસંતોષ બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો હોય અને હવે આ અસંતોષ સપાટી પર આવી રહ્યો હોવાથી પ્રદેશ ભાજપની નેતાગીરી માટે આ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે, તો બીજી તરફ ઈ.ડી. દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનું ટાઈમીંગ લોકસભાની ચૂટણી સાથે સંકળાઈ ગયા પછી ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીઓ સામે પણ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે.
ઈ.ડી. દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી સામે થઈ રહેલી કાર્યવાહી ચર્ચામાં છે અને શાસક પક્ષ માટે તે બૂમરેંગ પૂરવાર થઈ રહી હોય તેમ જણાય છે. કેજરીવાલની ધરપકડની વિરૂદ્ધમાં એક તરફ કાનૂની કાર્યવાહી થઈ રહી છે અને મામલો અદાલતોની અટારીએ પહોંચ્યો છે, તો બીજી તરફ ઈ.ડી.ની કસ્ટડીમાં હોવા છતાં બે દિવસમાં બે પ્રકારની સૂચનાઓ દિલ્હી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને મોકલીને તથા તે અંગેની જાહેરાત વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજીને જેલમાંથી સરકાર ચલાવવાની પહેલેથી કરેલી હુંકારને અનુરૂપ આમ આદમી પાર્ટીએ મોદી સરકારને જાણે પડકાર ફેંક્યો છે કે થાય, તે કરી લ્યો- અમે ડરવાના નથી!
બીજી તરફ રાજકીય વર્તુળોમાં પણ એવી વાતો વહેતી થઈ છે કે કેજરીવાલની સામે ચૂંટણી જાહેર થયા પછી થયેલી કાનૂની કાર્યવાહીનો રાજકીય ગેરફાયદો તો ભાજપને જ થવાનો છે, કારણ કે હવે જે કાંઈ બની રહ્યું છે, તેનો સીધો રાજકીય ફાયદો આમ આદમી પાર્ટીને જ મળી રહ્યો છે, અને કેજરીવાલના કારણે ઉત્તર ભારતમાં અને કે. કવિતાની સામે લેવાયેલ કાનૂની પગલાંના કારણે દક્ષિણ ભારતમાં સહાનુભૂતિની લાગણી ઉભરી રહી છે, જ્યારે વિપક્ષો સામે ચૂંટણી ટાણે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા લેવાઈ રહેલાં પગલાંની વિપરીત અસરો સામાન્ય જનમાનસ પર પણ વિપરીત રીતે પડી રહેલી જણાય છે. આ સ્થિતિ ભાજપ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકારક થઈ શકે છે, પરંતુ જો એનડીએ અને મોદી સરકાર લોકોને એવું સમજાવવામાં સફળ થાય કે આ તમામ કાનૂની પગલાં ભ્રષ્ટાચારી પરિબળોની વિરૂદ્ધમાં સરકારનું સાહસિક કદમ છે અને રાજકીય નુક્સાનની પરવાહ કર્યા વિના મોદી સરકાર ભ્રષ્ટાચારીઓને નાથવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે જનમાનસ બદલી પણ શકે છે. આમ પણ વિપક્ષી ગઠબંનના વિવિધ પક્ષોના મોટામાથાઓ સામે ઈ.ડી., સીબીઆઈ, આઈ.ટી. કે એનઆઈએ જેવી કેન્દ્રિય એજન્સીઓની તપાસ તો પહેલેથી ચાલી જ રહી છે, અને આ બધા ભ્રષ્ટાચારી પરિબળો એકત્રિત થઈ ગયા હોવાનો આક્ષેપ પણ એનડીએ તરફથી થતો રહ્યો છે, તેથી ચૂંટણી ઘણાં તબક્કામાં થનાર હોવાથી ત્યાં સુધીમાં કાંઈપણ થઈ શકે છે, તેવું માનનારા રાજકીય વિશ્લેષકો 'વેઈટ એન્ડ વોચ'ની સલાહ આપી રહ્યા છે.
માત્ર વિપક્ષી ભ્રષ્ટ નેતાઓની સામે જ કેન્દ્રિય એજન્સીઓ કેમ કદમ ઊઠાવી રહી છે, અને ભાજપમાં સામેલ થઈ જતાં વિપક્ષી નેતાઓની સામે થયેલા આક્ષેપો ક્યા વોશીંગ મશીનમાં ધોવાઈ જાય છે. તેવા સવાલો ઊઠી રહ્યા છે. કેજરીવાલની ધરપકડના દેશમાં જ નહીં, વિદેશમાં પણ પડઘા પડી રહ્યા છે.
જો કે, ભારત સરકાર કેજરીવાલની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો ભારતનો આંતરિક મામલો ગણી રહી છે, તેમ છતાં હવે વિશ્વની મહાસત્તા તરફથી પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરાયા પછી મોદી સરકાર સામે કેજરીવાલના મુદ્દે વૈશ્વિક જનમત પણ ઊભો થઈ રહેલો જણાય છે.
જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ સામે વિરોધ દર્શાવ્યા પછી ભારતના વિદેશ મંત્રાલયે જર્મનીના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવી જર્મનીને ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી આપી હતી, પરંતુ હવે અમેરિકાએ પણ આ મુદ્દો ઉછાળતા મોદી સરકાર અને ભાજપ સામે એક નવી વિટંબણા ઊભી થઈ ગઈ છે, કારણ કે આ મુદ્દો જો વૈશ્વિક જનમત ઘડવા લાગે તો તેની સીધી અસર મોદી સરકારે વિદેશોમાં ઊભી કરેલી ઝળહળતી છબિ અને ઝગમગતી આભા પર પડી શકે છે, ખરૂ ને?
અહેવાલો મુજબ જર્મની પછી અમેરિકાએ પણ કેજરીવાલની ધરપકડને લઈને નારાજગી વ્યક્ત કરી છે, જો કે, અમેરિકાએ સમતોલ નિવેદન આપતા કહ્યું છે કે, કેજરીવાલના કેસમાં અમે નિષ્પક્ષ, પારદર્શિક અને સમયસર કાનૂની પ્રક્રિયાની આશા રાખી રહ્યા છીએ, અને ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છીએ.
ભારતનો આ મુદ્દે સ્પષ્ટ અભિગમ છે કે આ તમામ બાબતો અમારા દેશની આંતરિક છે, જેમાં અન્ય દેશોએ હસ્તક્ષેપ કરવો ન જોઈએ. ભાજપ કહે છે કે દારૂ વેંચનારાઓનું કમિશન વધારીને કરોડોની કટકી કરનાર કેજરીવાલ ભલે વિક્ટીમ કાર્ડ ખેલે, પણ સફળ નહીં થાય... જોઈએ... જનતા જનાર્દન શું ફેંસલો આપે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial