ગુજરાત સરકારના ગૃહ વિભાગે સાઉન્ડ લિમિટર ન ધરાવતા હોય, તેવા ડી.જે., લાઉડસ્પીકર, સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાના અહેવાલો પછી કાનફાડી નાંખે તેવા અવાજોથી પરેશાન જનતાએ હાશકારો અનુભવ્યો હશે. જો કે, સરકાર કે તંત્રો દ્વારા આદેશો, પરિપત્રો, જાહેરનામાઓ, પ્રસિદ્ધ કરી દેવાયા પછી તેનો કેટલો અને કેવો અમલ થતો હોય છે, તે પણ લોકો જાણે જ છે, અને તેથી જ એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે આ સૂચિત પ્રતિબંધોનો ચૂસ્ત અમલ થાય તો સારું...ધ્વનિ પ્રદુષણના માપદંડો અને તેના નિયમો ઉપરાંત હવે આ પ્રકારના સ્પષ્ટ આદેશો પણ થયા હોય, તો હવે આ ન્યુસન્સમાંથી લોકોને રાહત મળશે, તેવી આશા પણ જાગી છે.
જો કે, આ પ્રકારના સરકારે કોઈ આદેશો કર્યા હોય, તેમ જણાતુ નથી, કે પછી આ પ્રકારના સ્પષ્ટ આદેશો માત્ર કાગળ પર કરીને તેનો બહુ પ્રચાર ન કરાયો હોય, તેવું પણ બની શકે છે, પરંતુ રાજ્ય સરકારના ગૃહવિભાગે ગુજરાતની વડી અદાલતમાં કરેલા એક સોગંદનામામાં આ પ્રકારનો પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જણાવતા આ અહેવાલો વાયુવેગે વહેતા થયા હોય તેમ લાગે છે.
અહેવાલો મુજબ રાજ્યભરમાં સાઉન્ડ લિમિટર વિનાના કોઈપણ સ્પીકર, પી.એ. (પબ્લિક એડ્રેસ) સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. ટ્રક વગેરેના ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલેશન પર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે.
અહેવાલો મુજબ રાજ્ય સરકારે અદાલતને એવી બાહેંધરી પણ આપી છે કે, જાહેર સ્થળો, શાળા-કોલેજો, હોસ્પિટલો, રહેણાંક વિસ્તારોની નજીક આ પ્રકારના સાધનો દ્વારા ઘોંઘાટ કરીને ત્રાસ ઊભો કરતા પરિબળોને નાથવા અને કડક પગલાં લેવા નિર્દેશો અપાયા છે. જાહેર સ્થળો, રહેણાંક વિસ્તારોના લોકોને ડી.જે. સાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમ કે સ્પીકર દ્વારા ઘોંઘાટ કરીને ખલેલ નહીં પહોંચાડવાની તાકીદ કરતી સૂચનાઓ સાથે સતત ધ્યાન રાખીને નિરીક્ષણ કરતા રહેવા પણ તંત્રોને સૂચના અપાઈ છે.
પોલીસતંત્રો દ્વારા સાઉન્ડ સિસ્ટમ, ડી.જે., લાઉડસ્પીકરો દ્વારા થતા અવાજની ચોક્કસ માપણી થઈ શકે તે હેતુથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં ડિજિટલ સાઉન્ડ લેવલ મીટરો ફાળવવાની શરૂઆત પણ અમદાવાદથી થઈ ગઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
સરકારે રજૂ કરેલા એફિડેવિટને ટાંકીને આવી રહેલા વિસ્તૃત અહેવાલો મુજબ રાજ્યના ગૃહમંત્રાલયે રાજ્યના તમામ પોલીસ સત્તાધીશો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા ગ્રામપંચાયતોને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડિસેમ્બર-ર૦૧૯ માં જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ તથા નોટિફિકેશન્સનો ચૂસ્ત અને કડક અમલ કરવાની તાકીદ કરી છે, આ નિર્દેશો મુજબ સાઉન્ડ લિમિટર વિનાની કોઈપણ સાઉન્ડ સિસ્ટમ, લાઉડ સ્પીકર, મ્યુઝિક સિસ્ટમ, ડી.જે. ટ્રક વિગેરેના ઉત્પાદકો, ડિલર્સ, દુકાનદારો કે કોઈપણ એજન્સી ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલેશન નહીં કરી શકે. આ ઉપરાંત હાલમાં વપરાતા આ પ્રકારના તમામ સાધનો-સિસ્ટમ-સામગ્રીમાં પણ સાઉન્ડ લિમિટર ફીટ કરાવવાનું ફરજીયાત કરી દેવાયુ છે, જેથી હવે સાઉન્ડ લિમિટર વિના આ પ્રકારની કોઈપણ સાધન-સામગ્રી કે સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે જ નહીં.
આ મુદ્ે એટલા કડક આદેશો અપાયા છે કે જે કોઈ ટ્રક-ટેમ્પો-રિક્ષા કે અન્ય વાહનોમાં પણ જો સાઉન્ડ લિમિટર વિનાના સાઉડ-સ્પીકર્સ કે સિસ્ટમ હશે, તો તે વાહનો સહિત આ પ્રકારની તમામ સાધન-સામગ્રી તત્કાળ જપ્ત કરી લેવાશે.
આ પ્રકારની કાર્યવાહી ઉપરાંત આ પ્રકારનું વાહન ચલાવનાર ડ્રાઈવર લિમિટર વિનાની સાઉન્ડ સિસ્ટમ અને સંલગ્ન સાધન-સામગ્રીના ઉત્પાદકો, માલિકો, સંચાલકો સામે પણ કાનૂની પગલા લેવાશે, તેવું જાહેર કરાયું છે, હવે જામનગર, હાલાર સિહત રાજ્યમાં આ સૂચનાઓનો કેટલો અમલ થાય છે, તે જોવાનું રહે છે.
આ કાનૂની કાર્યવાહીનો અમલ અમદાવાદથી શરૂ થયો છે અને અમદાવાદના સંદર્ભે આ સુનાવણી પછી રાજ્ય સરકારના ગૃહવિભાગે આ અંગેના રાજ્યવ્યાપી આદેશો-નિર્દેશો કર્યા હોય તો તે આવકારદાયક ગણાય, પરંતુ સૌથી મોટો સવાલ જ એ છે કે આ આદેશો-નિર્દેશો માત્ર કાગળ પર જ નહીં રહી જાય ને ?
આવી આશંકા ઉઠવાનું કારણ એ છે કે અત્યારે ચૂંટણીની મોસમમાં વપરાતી આ પ્રકારની તમામ સાધન-સામગ્રીને પણ આ નિયમો લાગુ થવાના હોવાથી તેની અસર તમામ રાજકીય પક્ષોને પણ થવાની છે, તેથી 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...' જેવો ઘાટ તો નહીં સર્જાય ને ? તેવી સ્વાભાવિક રીતે જ શંકાઓ ઉઠી રહી છે.
અમદાવાદ પોલીસે આ પ્રકારના આદેશો જાહેર કરી દીધા હોય તો તેનો અભ્યાસ કરીને હાલાર સિહત રાજ્યના તમામ પોલીસ સત્તાવાળાઓ તો આ પ્રકારના આદેશો કરશે જ, પરંતુ આ પ્રકારની હરકતને ચૂંટણીની આદર્શ આચારસંહિતામાં સમાવેશ કરી શકાય, તો અમલવારી વધુ અસરકારક અને સરળ બનશે, તેમ નથી લાગતું ?
જો કે, આ પ્રકારના પ્રતિબંધોનો ચૂસ્ત અને કડક અમલ થાય, તે બધા ઈચ્છે છે, પરંતુ જ્યારે પોતાના ઘરના આંગણે પ્રસંગ હોય, પોતાની સંસ્થા કે રાજકીય-સામાજિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવાનો હોય, ત્યારે આ પ્રકારના સ્વયંભૂ અંકુશો રાખવાનું ભુલાઈ જવાતું હોય છે, તેથી કાનૂની પ્રબંધોની સાથે સાથે આ મુદ્દે વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial