ભ્રમ, ભ્રાન્તિ, ભ્રમણા, ભ્રમણ, ભ્રમિત જેવા શબ્દોનો પ્રભાવ કેવો હોય?
ચૂંટણીનો ચક્રવ્યૂહ ચાલી રહ્યો છે, અને તમામ રાજકીય પક્ષો પોતપોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ લોકશાહીનું મહાપર્વ હોવા છતાં પ્રચાર દરમિયાન થતા આક્ષેપો- તેના જવાબો અને દાવા-વાયદા-વચનોની ભરમાર કાંઈક અલગ જ ચિત્ર ઊભુ કરી રહ્યા હોય તેમ જણાય છે, જો કે ચૂંટણી પ્રચારનું પણ કાંઈક હોળી-તહેવારો દરમિયાન ઊડાડાતા રંગ અને થતી મજાક-મશ્કરી જેવું જ હોય છે, અને જેમ કહેવાય છે કે 'બૂરા ન માનો, યે હોલી હૈ'ની જેમ એમ પણ કહી શકાય કે 'બૂરા ન માનો, યે ચૂનાવ હૈ... જૂન સે હમ પહેલે જૈસે હી હો જાયેંગે... ફીર વો'હી રફ્તાર...'
ચૂંટણી હોય કે કારોબાર હોય, શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય્ હોય, ખેલ હોય કે રિવાજો હોય, દેશ હોય કે દુનિયા હોય, અમીર હોય કે ગરીબ હોય, એક બાબત સમાન હોય છે, અને તે હોય છે. બદલાતો રહેતો સમય... જે ક્યારેય થોભતો પણ નથી, અને સદૈવ સમાન પણ રહેતો હોતો નથી, સમયના એટલા બધા રંગ હોય છે કે જેની હજુ માત્ર ઝાંખી જ થઈ શકી છે. યુગો બદલતા ગયા, તેમ સમયના નવા નવા રંગ પ્રગટતા રહ્યા. આપણે જેને 'યુગ' કહીએ છીએ તે પણ બદલતા રહેતા સમયનો જ એક હિસ્સો છે ને? એટલે જ કહેવાયું છે ને કે 'સમય સમય બલવાન હૈ... નહીં પુરુષ બલવાન...' જિંદગી પણ સમયનો નાનો હિસ્સો જ છે ને? આ દુનિયાની રંગત તો એવી જ રહે છે, માત્ર જિંદગીઓ ખતમ થતી રહે છે, અને નવી જિંદગીઓ જન્મ લેતી રહે છે. એટલે જ કોઈ કવિએ કહ્યું હશે ને કે 'જિંદગી કી રંગત તો વૈસી હી રહેગી, દુનિયા કી રંગત તો વૈસી હી રહેગી, અફસોસ યે હૈ કી હમ નહીં હોંગે?'
ઘણાં લોકો કહે છે કે જિંદગી એક ભ્રમ છે, તો ઘણાં લોકો કહે છે કે, જિંદગી બ્રહ્મનો અંશ છે. આખી જિંદગી જીવી લીધા પછી ઘણાં લોકોને અહેસાસ થાય છે કે આખી જિંદગી વીતી ગઈ, હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ, ત્યારે ખબર પડી કે સમય કેટલો ઝડપથી વીતી જતો હોય છે. એટલે જ કહેવાયું હશે ને કે 'ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત...!'
ભ્રમ, ભ્રાન્તિ, ભ્રમણા, ભ્રમણ, અને ભ્રમિત જેવા શબ્દપ્રયોગો ઘણાં જ પ્રચલિત છે. સામાન્ય રીતે પર્યટન, યાત્રા, પ્રવાસના સંદર્ભમાં ભ્રમણ શબ્દ વપરાય છે, જેમ કે નગરભ્રમણ, દેશભ્રમણ વગેરે...
ભ્રમણ એટલે જન્મથી મરણ વચ્ચેની યાત્રા... અને આ યાત્રા દરમિયાન માનવી દ્વારા જીવાતી જિંદગી એટલે ભ્રમણા... એમ ન કહીં શકાય?
'ભ્રમ' શબ્દ સામાન્ય રીતે કોઈને એવો અહેસાસ થાય, જેનું અસ્તિત્વ જ ન હોય, તે માટે વપરાય છે, પરંતુ ખોટી વાતો ફેલાવવી, બ્રહ્મ અને ધૂર્ત ઉદ્દેશ્યોથી તદ્ન સાચી લાગે, તે રીતે વાતો ફેલાવવી વગેરેને 'ભ્રમ ફેલાવવો' એમ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે ભ્રમ, ભ્રાન્તિ, ભ્રમણા વગેરે શબ્દો સમાનાર્થી જ લાગે અને જોડણીકોશ કે શબ્દકોશની દૃષ્ટિએ સમાનાર્થી જ ગણાય, પરંતુ આ તમામ શબ્દો જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી રીતે વપરાય છે. કોઈને ફોસલાવવા, પટાવવા કે ખોટી વાત તેને ગળે ઉતારવાની પ્રક્રિયા માટે 'ભરમાવવું' એવો શબ્દપ્રયોગ પણ કદાચ આ જ શ્રેણીમાં આવી શકે, ખરૂ ને?
આ શબ્દ ભ્રમનું અપભ્રંશ થઈને પ્રચલિત થયેલા 'ભરમ' શબ્દ પરથી આવ્યો હશે, તેવું પણ મનાય છે. કોઈ છેતરાઈ જાય, ત્યારે પણ તે 'ભરમાઈ' ગયો તેમ કહીને તેની આલોચના થતી હોય છે. કોઈ વહેમ રાખે તો પણ તેને ભરમાઈ જવા કે ભરમ થઈ ગયો હોવાનું કહેવાય છે.
ભ્રાન્તિ શબ્દ થોડા અલગ સંદર્ભમાં વપરાય છે. દૃષ્ટાંત તરીકે કોઈ દોરડું પડ્યું હોય, અને તે દૂરથી સાપ જેવું દેખાય, તો તેને ભ્રાન્તિ થઈ કહેવાય. ભ્રમિત અને ભ્રાન્તિ જેવા શબ્દો જેને ભ્રાન્તિ થઈ થઈ હોય, તેવી વ્યક્તિને ચિન્હિત કરે છે. ખોટી માન્યતા, ખોટું જ્ઞાન, મોહ, આશંકા, વહેમ, અંદેશો વગેરે માટે પણ ઘણી વખત ભ્રમ, ભ્રાન્તિ, ભ્રમણા જેવા શબ્દો વપરાતા હોય છે.
અત્યારે ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો એકબીજા પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવતા હોય છે, તો નેતાઓની નિવેદનબાજી ઘણી વખત ભ્રમણાનો પર્યાય બની જતી હોય તેમ લાગે, પરંતુ અંતે તો ભ્રમ, ભ્રાન્તિ કે ભ્રમણાના વાદળો પણ વિખેરાઈ જ જતા હોય છે ને?
આ પ્રકારની પ્રસ્તૂતિ સમયે ઘણાં લોકોને એવો વિચાર પણ આવે કે ચૂંટણીના પ્રચારથી શરૂ કરીને સમયની યાત્રા, વ્યાખ્યા, યુગનો સંદર્ભ, જિંદગીની વાસ્તવિક્તાને સાંકળીને પછી ભ્રમ, ભ્રાન્તિ, ભ્રમણા, ભ્રમણ અને ભ્રાન્ત જેવા શબ્દોને સાંકળીને કથાકાર અંતે કહેવા શું માંગે છે?
હાસ્યકલાકારોની પ્રસ્તૂતિ સમયે તેઓ ઘણી વખત સરળ હાસ્ય પીરસતા હોય છે, તો ઘણી વખત એવા જોક્સ પણ કહેતા હોય છે, કે જે થોડા મોડેથી સમજાય... અને તેઓ આ પ્રકારની ટકોર પણ કરતા હોય છે કે 'આ જોક્સ થોડો મોડેથી સમજાશે', તે ઉપરાંત તેઓ એવી ટકોર પણ કરતા હોય છે કે કેટલીક બાબતો કે જોક્સ સમજવા માટે થોડું વિચારવું પણ પડે, અને તેમ છતાં ન સમજાય તો... એટલું બોલીને તેઓ વાક્ય અધુરૂ મૂકી દેતા હોય છે!
રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી કે ચૂંટણી, નેતાઓ કે તેઓના નિવેદનોને લઈને કોઈ ભ્રમ પણ જરાયે નથી, પરંતુ ચૂંટણીના માહોલમાં કોઈપણ વાત કરીએ, તો વર્તમાન વાતાવરણની થોડી છાંટ તો આવી જાય ને?
હકીકતે જિંદગી મોટાભાગે એક પ્રકારનો ભ્રમ જ છે, અને લોકો મહદ્અંશે ભ્રાન્તિમાં જ જીવે છે, તેવી ફિલોસોફીમાં કેટલો દમ છે, તે મુદ્દે વાચકોનું ધ્યાન દોરવાના આ કથાકાર (લેખક) નો ઉદ્દેશ્ય છે. સમય સ્થિર રહેતો નથી, એ સનાતન સત્ય છે, અને જિંદગી પણ એક સરખી જ વિતતી નથી, તે પણ હકીકત છે, તો પછી આટલી દોડધામ, ટેન્શન અને ઉચાટ શા માટે? તે સવાલનો જવાબ પણ કદાચ આ કથાકાર શોધી રહ્યા હોય તેમ જણાય છે.
ભ્રમણ તો જીવનભર પ્રત્યેક પ્રાણી (માનવ સહિત) કરતું જ રહે છે, પરંતુ તે ભ્રમણનો ઉદ્દેશ્ય શું? જીવનમાં મળતી સિદ્ધિઓ, પ્રગતિ યાત્રા, વિકાસયાત્રા, ગૌરવ ગાથા, અનોખી સફળતાઓ તો નક્કર વાસ્તવિક્તા જ હોય છે ને?
જિંદગીની દરેક બાજુ 'ભ્રમ' હોતી નથી, પરંતુ જિંદગીમાં કોઈ મેળવ્યા પછી જો અહંકાર આવી જાય, તો સમજવું કે જિંદગીમાં હવે ભ્રમ પ્રવેશી ગયો છે, અને તે આપણી જ પાંખો કાપી નાખવાનો છે!
હા, ચૂંટણીને સાંકળીને એક વાત જરૂર કહી શકાય, કે તમામ પ્રકારના ભ્રમ, ભ્રાન્તિ અને ભયને બાજુ પર મૂકીને આપણે બધાએ ૭ મી મે ના દિવસે મતદાન અવશ્ય કરવાનું જ છે, એ ભૂલાય નહીં... હો...
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial