Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

રોગચાળો શરૂ, દવાઓ મોંઘી, સ્વચ્છ પાણી દુર્લભ, હવે શું થશે ?

બળબળતો ઉનાળો શરૂ થયો છે, અને વાતાવરણમાં ગરમીનો પ્રકોપ ઉનાળાના પ્રારંભથી જ શરૃ થઈ ગયો છે. આ ઋતુપરિવર્તનની સાથે સાથે હાલાર સહિત રાજ્યમાં રોગચાળો પણ ઝડપભેર વધી રહ્યો છે, દવાખાના, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને કેમિસ્ટોને ત્યાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, અને લેબોરેટરીઝમાં રિપોર્ટ કરાવનારા દર્દીઓની પણ લાઈનો લાગી રહી છે. આ કુદરતી ગરમીમાં ચૂંટણીની કૃત્રિમ ગરમીનો પણ સંયોગ થતા માહોલ ગરમાઈ રહ્યો છે.

રાજ્યમાં હોળી પહેલા શરદી-ઉધરસ-તાવ-કળતર સાથે વાયરલ બીમારી વધી રહી હતી અને હોળી પછી ઝાડા-ઉલટીના કેસોનો તેમાં ઉમેરો થયો હતો હવે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળે સ્વાઈનફલૂના કેસો ઝડપભેર વધી રહ્યા છે, તો કોરોનાના નવા કેસો પણ નોંધાવા લાગ્યા છે, તેથી સ્વાઈનફલૂના લક્ષણો તથા દર્દીને થતી તકલીફો વર્ણવીને તેનાથી સાવધ રહેવાની ચેતવણીઓ પણ તંત્ર દ્વારા અપાઈ રહી છે,અને આ પ્રકારના લક્ષણો જણાય તો તત્કાળ જરૂરી સારવાર લેવાની કાળજી રાખવા અંગે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિને બહાર નહીં નીકળવા અને માસ્ક તથા વારંવાર હાથ ધોવાની સલાહ પણ અપાઈ રહી છે.

મીડિયા અહેવાલો મુજબ ગઈકાલથી કેટલીક દવાઓના ભાવોમાં ૧ર ટકાનો વધારો થયો છે. એક તરફ બીમારીના ઘેર-ઘેર ખાટલા હોય અને ગરીબ-મધ્યમવર્ગના પરિવારો માંડ માંડ સારવાર કરાવી શકતા હોય અને તેમાં દવાઓના ભાવોમાં વધારો થાય તો પડ્યા પર પાટુ પડ્યા જેવું જ ગણાયને ? આ પ્રકારની સમસ્યાઓ  તરફ અત્યારે રાજનેતાઓનું ધ્યાન જવાનું નથી, કારણ કે નેતાઓ ચૂંટણી  પ્રચારમાં મસ્ત છે, અને મોટા ભાગના તંત્રો પણ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ કારણે અત્યારે બીમારીના ભરડા વચ્ચે પીસાતી જનતા ત્રસ્ત છે.

જો કે, એપ્રિલમાં વાતાવરણ સામાન્ય રહેશે અને છેલ્લા અઠવાડિયામાં ગરમી વધુ વધશે, તેવી આગાહી થઈ છે, પરંતુ ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર અને તેની જનજીવન પર થતી અસરોના કારણે એપ્રિલ મહિનો 'ગરમાગરમ' જ રહેશે, તે નક્કી છે.

જામનગરના માણેકપરમાં ઊભી થયેલી સ્થિતિની જેમ રાજ્ય અને દેશમાં હજુ પણ અનેક એવા સ્થળો હશે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ પીવાનું સ્વચ્છ પાણી મળવું દુર્લભ હશે અથવા ઓછું મળતું હશે, અને તેમાં આ બળબળતા ઉનાળામાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ જાળવી રાખવાનું કામ તંત્રો માટે પણ પડકારરૃપ બનવાનું છે. કારણ કે ચૂંટણી તથા તેને સંલગ્ન કામગીરીમાં રોકાયેલા મહત્તમ સ્ટાફના કારણે અન્ય કામકાજ પર તેની અસરો પડતી જ હોય છે, જો કે, આવશ્યક સેવાઓના સ્ટાફને મોટાભાગે ચૂંટણીની કામગીરીમાં રોકવામાં આવતો હોતો નથી, પરંતુ નિર્ણાયક અને સંચાલનની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ ચૂંટણીની પ્રક્રિયામાં વ્યસ્ત હોય છે. જો કે, આ લોકતંત્રના મહાપર્વનું મહત્ત્વ જોતા થોડી ઘણી તકલીફ તો થોડા દિવસો માટે ચલાવી લેવી જોઈએ, ખરું ને ?

જો કે, જામનગર સહિત હાલારમાં આગામી ચોમાસાના પ્રારંભ સુધી પીવાનું પાણી મળતું રહે અને જરૃર પડ્યે નર્મદાના નીર આ હેતુ માટે ઉપલબ્ધ કરાવી શકાય, તેવી વ્યવસ્થાઓ તથા આગોતરા આયોજનો તંત્રોએ કરી રાખ્યા હોવાના દાવાઓ થયા છે, પરંતુ જોઈએ, આગામી દિવસોમાં આ દાવાઓ કેટલા સાચા પડે છે તે....!

જામનગરમાં પણ ધગધગતી ગરમી અને મચ્છરોનો ત્રાસ વધી જતાં રોગચાળો વધુ વકરવાની સંભાવના છે, જેથી મનપાના તંત્રે રિક્ષા દ્વારા ફોગીંગ શરૃ કર્યું છે. લોકોને ખુલ્લા વાસણોમાં પાણી ભરી રાખવા કે ટાંકીઓ ખુલ્લી રાખવાનું ટાળવા સલાહ અપાઈ રહી છે. જો કે, માત્ર લિમિટેડ ફોગીંગ કરીને બેસી રહેવાથી ચાલે તેમ નથી અને મચ્છરો મારવાની સાથે સાથે મચ્છરો ઉત્પન્ન થતા જ અટકાવવા સહિયારા, સક્રિય અને સાચુકલા પ્રયાસો કરવા જરૂરી છે, ખરૂ કે નહીં ?

આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અડધોડઝન જેટલા રાજ્યોમાં આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતા વધુ ગરમી પડશે અને લૂ નો પ્રકોપ રહેશે, તેવી જે આગાહી કરી છે, તેની સામે આગોતરી સાવચેતી અત્યંત જરૃરી છે, તેમ નથી લાગતું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial