તેરી ખાતિર ઝમાનેભર કે દિલમેં પ્યાર ઝિંદા હૈ, કહાની સે નિકલકર ભી તેરા કિરદાર ઝિંદા હૈઃ
શરીર નાશવંત છે એટલે માણસ પોતાનાં યશ વડે જ અમર થઇ શકે છે. જિંદગીનાં વર્ષો ભલે ઓછા હોય પરંતુ તમારો યશ ભરપૂર હોય તો તમે ન હોવા છતાં તમે ચિરંજીવી જ રહો છો. એમાં ય કલાકારનો યશ તો વધુ આગવો કહેવાય. જામનગરનાં આવા જ એક આગવા કલાકાર જય વિઠ્ઠલાણીએ અકાળે આપણી વચ્ચેથી વિદાય લેતા કલા જગત આઘાતમાં સરી પડ્યું હતું. જીવનમાં શારીરિક સમસ્યાઓ અને સંઘર્ષોની સમાંતર થિયેટર પીપલ સાથેની તેમની નાટ્ય સફર પુરસ્કારોથી ઝળહળતી અને પ્રેરક રહી છે. અડધી જિંદગીમાં કલાનાં પ્રતાપે સવાયું જીવન જીવી ગયેલ જય વિઠ્ઠલાણીને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે જામનગરનાં ધન્વન્તરિ ઓડીટોરીયમમાં 'જયોત્સવ' નામનો અનોખો કાર્યક્રમ ઉજવાયો હતો.
કાર્યક્રમમાં અતિથિ તરીકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, કલેકટર ભાવિક પંડ્યા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, ગોવા શીપ યાર્ડનાં ચેરમેન હસમુખભાઇ હિંડોચા સહિતનાં સત્તાધીશો-પદાધિકારીઓ, 'નોબત' પરિવારનાં ચેતનભાઇ માધવાણી, શિલ્પાબેન માધવાણી, જ્યોતિબેન માધવાણી, કિર્તિબેન માધવાણી, નિરવભાઇ માધવાણી, 'અકિલા' નાં નેમિષભાઇ ગણાત્રા, હિરેનભાઇ સૂબા ઉપરાંત બહારગામથી મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા, અનિષ કચ્છી, ભરત ત્રિવેદી વગેરે કલાકારો સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બહોળી સંખ્યામાં કલાપ્રેમીઓ કાર્યક્રમમાં ઉમટતા ઓડીટોરીયમ કાર્યક્રમનાં આરંભ પહેલા જ હાઉસફુલ થઇ ગયું હતું. જે કાર્યક્રમનાં અંત સુધી હાઉસફુલ જ રહ્યું હતું.
થિયેટર પીપલનાં સ્થાપક અને ગૌરવ પુરસ્કારથી સન્માનીત રંગકર્મી વિરલ રાચ્છની પરિકલ્પના અને સાહિત્યકાર ડો.મનોજ જોશી 'મન' નાં સંકલનથી સાકાર થયેલ કાર્યક્રમમાં જય વિઠ્ઠલાણીની નાટ્ય સફરને થિયેટર પીપલનાં ૪ પેઢીનાં કલાકારો સાથે સ્મૃતિ સંવાદરૃપે જીવંત કરવામાં આવી હતી. ડો. રઇશ મનિઆર આ સફરનાં સારથી ( સંચાલક) રહ્યા હતાં. થિયેટર પીપલનાં કલાકારો સર્વશ્રી નિક્કીબેન, પાર્થ સારથી વૈદ્ય, ડો. પશ્મીનાબેન જોશી, રોહિત હરીયાણી, દેવેન રાઠોડ, આરતી મલ્કાન વાકાણી, નેહા ગુસાણી, પ્રતિક શુક્લ, રીવા રાચ્છ અને રાજલ પૂજારા સહિતનાં વરીષ્ઠથી લઇ યુવા કલાકારોએ પોતપોતાની જયગાથા કહી હતી. દરમ્યાન ઘણી વખત વિરલ રાચ્છ સહિતનાં કલાકારોની આંખો ભીંજાઈ ગઇ હતી.
જય વિઠ્ઠલાણીના ગુરૃ - મેન્ટોર કે જીગરજાન મિત્ર બધું કહી શકાય એવા વિરલ રાચ્છે જય વિઠ્ઠલાણીની પ્રતિભાને બાળ કલાકાર તરીકે જ ઓળખી કાઢી હતી જેને પરિણામે ચાર દાયકા જેવી ટૂંકી જિંદગીમાં પણ જય વિઠ્ઠલાણી ૩ દાયકા જેવી અભિનય સફર કરી ગયા છે. સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં એક સ્પર્ધામાં ૧૨-૨૩ વર્ષનાં જય વિઠ્ઠલાણીમાં આગવી પ્રતિભાની ઝાંખી નિહાળી વિરલ રાચ્છે તેમને થિયેટર પીપલમાં સામેલ કર્યા હતાં અને ટીનેજર જય ને મોટી વયનાં વ્યક્તિની ભૂમિકા સોંપી હતી. 'ગૂંજ' નામનાં પ્રથમ નાટક પછી જય વિઠ્ઠલાણીની કલાયાત્રા એવી રહી કે તેની ગૂંજ કલા જગતમાં સદાય રહેશે.
થિયેટર પીપલની ઐતિહાસિક સફળતામાં પણ જય વિઠ્ઠલાણીનો કિરદાર અગત્યનો છે. વર્ષ ૨૦૦૦ ની સાલમાં થિયેટર પીપલનું નાટક અગ્નિશિખા રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયું હતું જે જામનગરનાં નાટ્ય જગત માટે અભૂતપૂર્વ સન્માન હતું. એ વખતે આ નાટકમાં બ્રાહ્મણનું પાત્ર દિગ્દર્શક વિરલ રાચ્છે ભજવ્યું હતુ અને જય વિઠ્ઠલાણીએ શૂદ્રનું પાત્ર ભજવ્યું હતું. સંજોગવશાત એ વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધા ન યોજાતા નેશનલ લેવલે વિજેતા થવાની યોગ્યતા ધરાવતું એ નાટક રાજ્યકક્ષાએ જ વિજેતા રહી ગયું હતું જેનો અફસોસ સૌ કલાકારોનાં મનમાં રહી ગયેલો. પરંતુ એક વખત ભજવાઇ ગયેલ નાટક સ્પર્ધામાં રીપીટ ન કરવાની થિયેટર પીપલની નીતિ અનુસાર એ પછીનાં વર્ષે એ નાટક રજૂ કરવામાં ન આવ્યું પરંતુ લગભગ એક દાયકા પછી જય વિઠ્ઠલાણીનાં સ્નેહાગ્રહને પગલે ફરી એ નાટક રજૂ કરવામાં આવ્યું અને આ વખતે બ્રાહ્મણનું પાત્ર જય વિઠ્ઠલાણીએ નિભાવ્યું હતું. આ નાટકને નેશનલ ગોલ્ડ મેડલ એનાયત થતા થિયેટર પીપલે ઇતિહાસ રચી દિધો હતો. દિગ્દર્શક વિરલ રાચ્છ આ સફળતામાં જય વિઠ્ઠલાણીનાં અભિનેતા ઉપરાંત દિગ્દર્શક સમકક્ષનાં પ્રયાસોને મહત્વનાં ગણાવે છે અને તેનો મોટો શ્રેય પણ તેઓને અર્પણ કરે છે.
જય વિઠ્ઠલાણીએ અનેક પાત્રોમાં જીવ રેડી દઇ તેમને યાદગાર બનાવ્યા છે પરંતુ વ્યક્તિગત રીતે તેઓ 'સમયનાં ભીનાં વન' ને પોતાનું શ્રેષ્ઠ નાટક માનતા હતાં.
થિયેટર પીપલ, વિરલ રાચ્છ અને જય વિઠ્ઠલાણી આ ત્રણેય એકબીજાનાં પર્યાય સમાન જ કહી શકાય. કારણકે જય વિઠ્ઠલાણીએ ત્રણ દાયકાની કલા સફરમાં માત્ર અને માત્ર થિયેટર પીપલનાં જ નાટકો કર્યા છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી જે કલાકારની પ્રતિભાને બિરદાવાતી હોય એ કલાકાર છેલ્લા શ્વાસ સુધી તેની માતૃસંસ્થાને જ સમર્પિત રહે એ વફાદારી પણ એક અલગ પ્રશંસા ને કાબિલ છે.
તાજેતરમાં સુપરહિટ થયેલ 'શૈતાન' ફિલ્મ જેની રીમેક છે એ ગુજરાતી ફિલ્મ 'વશ' નાં લેખક જય ભટ્ટ એ પણ જય વિઠ્ઠલાણી સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળ્યા હતાં.
જય વિઠ્ઠલાણીની ફિલ્મી સફરનાં અંશો પણ સ્ક્રીન ઉપર રજૂ કરી રંગમંચથી લઇ મોટા પડદા સુધી વિસ્તારેલી તેની દિર્ધ કલાયાત્રાનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં આ પ્રથમ ચરણ પછી દ્વિતીય ચરણમાં પ્રસિદ્ધ લેખક અને પ્રખર વક્તા જય વસાવડા તથા ખ્યાતનામ હાસ્કાર અને શિક્ષણવિદ્ સાંઇરામ દવેએ પોતપોતાનાં આગવા અંદાજમાં જય વિઠ્ઠલાણીની યાત્રાને પારીભાષિત કરી ચાહકોનાં હ્યદયમાં તેની ચિરંજીવીતાનો જયઘોષ કર્યો હતો.
જય વસાવડાએ 'દોસ્તીનું દંગલ' શીર્ષક હેઠળ પોતાનાં વક્તવ્યમાં એક મિત્ર તરીકે જયનાં વ્યક્તિત્વની ખૂબીઓ અને વર્ણવી તેની પ્રતિભાને બિરદાવવા સાથે તેની અંગત અનુભવોનાં ઉદાહરણ સાથે તેની પ્રામાણિકતા પણ ઉજાગર કરી હતી.
સાંઇરામ દવેએ 'જિંદગી એક જુગાડ' શીર્ષક અંતર્ગત પોતાનાં ચિરપરિચિત અંદાજમાં હાસ્ય સાથે જય વિઠ્ઠલાણીનાં સંઘર્ષ અને સફળતાને પ્રેરક સ્વરૃપે પ્રસ્તુત કર્યા હતાં. આ તકે સાંઇરામ દવે એ થિયેટર પીપલ અને તેનાં કલાકારોને શહેરની સાચી સંપત્તિ ગણાવ્યા હતાં. તેમણે તેમનાં દ્વારા લિખિત અને વિરલ રાચ્છ દિગ્દર્શિત મેગા મલ્ટી મીડીયા શો 'વીરાંજલિ' માં ફાંસિયો વડનાં મંચનમાં જય વિઠ્ઠલાણીનાં અભિનયને યાદ કરી અંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં વક્તાઓનાં સંવાદને અનુરૃપ વિડીયો ક્લિપ તથા ફોટોગ્રાફ્સ વડે જય વિઠ્ઠલાણીની સ્મૃતિઓને સ્ક્રીન ઉપર જીવંત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જય વિઠ્ઠલાણીનું મંચ પર લાઇવ પેઇન્ટીંગ થયું હતું. જયનાં કોસ્ચ્યુમ, તેનાં ચશ્મા સહિતની વસ્તુઓથી જ મંચ સજ્જા કરવામાં આવતા જય આસપાસ જ હોવાની અનુભૂતિ દરેકને થઇ હતી. વિરલ રાચ્છ માટે આ કાર્યક્રમમાં આંસુઓને રોકી જય વિઠ્ઠલાણીનાં અંતિમ શો ને પોતાની પરીકલ્પના અનુસાર સાકાર કરવાનું કાર્ય લાગણીઓનાં પૂરમાં સંયમિત અને સ્થિર રહેવાનાં પડકાર સમાન હતું. જે પડકાર તેમણે ધ્રુજતા હૈયે પાર પાડી 'જય' નાં અર્થને આત્મસાત કર્યો હતો એમ કહી શકાય.
કાર્યક્રમનાં અંતિમ ચરણમાં જય વિઠ્ઠલાણીનાં નજીકનાં મિત્ર તથા નગરને સાહિત્ય ક્ષેત્રે ગૌરવમય ઓળખ અપાવનાર કવિ ડો.મનોજ જોશી 'મન' દ્વારા લખાયેલ જય વિઠ્ઠલાણીને શબ્દાંજલિ રૃપ ગીત 'ફરીથી નવો જય જનમશે' ને ડો. આકાશ તકવાણીએ પોતાનાં મેઘાવી સ્વરમાં રજૂ કર્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અનેક કલાકારો સાહિત્યકારો સહિત વિરાટ જનમેદનીએ પણ ભીની આંખે જય વિઠ્ઠલાણીને સ્મરાંજલિ અર્પણ કરી ખરા અર્થમાં એક ઉત્તમ કલાકારની પ્રતિભાને બિરદાવી હતી. નગરનાં કલારત્નની કલાને અંતિમ નમન કરવા સ્વૈચ્છાએ ઉમટી પડેલ અને હાઉસફુલ ઓડીટોરીયમમાં ઊભા ઊભા આખો શો નિહળનાર કલાપ્રેમીઓ પણ એક સ્ટેન્ડીંગ ઓવેશન સમાન શાબાશીને લાયક છે. આ ઘટનાએ નગરની સાંસ્કૃતિક ગરિમાને નવી ઊંચાઇ બક્ષી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial