ભારતીય જનતા પક્ષ સામે પડકાર ઊભો કરનાર રૂપાલા પ્રકરણના પડઘા જામનગરમાં પણ પડ્યા અને ક્ષત્રિય સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ, તથા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું, તે ઘટના પછી હાલારમાં વધી રહેલો આ વિરોધ ટોક ઓફ ધ હાલાર બન્યો છે. તો બીજી તરફ પ.બંગાળના મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝેરી સાપ પર વિશ્વાસ કરી શકાય, પરંતુ ભાજપ નો ભરોસો થઈ શકે નહીં, તેવા શબ્દપ્રયોગો કરતા વિવાદ જાગ્યો છે, તેણીએ ચૂંટણીપંચને પણ કેન્દ્રીય એજન્સીઓને દુરૂપયોગ બદલ ભાજપ સામે પગલા લેવાની હિમાયત કરી, તે પછી પ.બંગાળમાં ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ થઈ ગયું છે.
મહારાષ્ટ્રમાં પૂર્વ કોંગી નેતા સંજય નિરૂપમે કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટરોની વાત કરીને તેમાં ગાંધી પરિવારને પણ સાંકળી લીધા પછી ત્યાં રાજકારણ ગરમાયુ છે, અને હેમામાલિની અંગે સુરજેવાલા પર અભદ્ર ટિપ્પણીનો મુદ્દો પણ ગરમાયો છે જો કે, રૂપાલાના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો પછી રાજ્યમાં તેમની તરફેણમાં પણ પ્રદર્શનો શરૂ થતાં ગુજરાતમાં રાજનીતિ ફરીથી જ્ઞાતિવાદના ભમ્મરમાં અટવાઈ જશે, તેવી આશંકાઓ વચ્ચે ક્ષત્રિયો આ મુદ્દો રાષ્ટ્રીયકક્ષાએ લઈ જશે, તેવી સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે, ત્યારે ભાજપનું મોવડીમંડળ, ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહે છે. કદાચ એવું પણ બને કે પાર્ટીને ધર્મસંકટમાંથી ઉગારવાના નામે ખુદ રૂપાલા જ ચૂંટણીમાંથી ખસી જાય... જસ્ટ વેઈટ એન્ડ વોચ !
રાષ્ટ્રીય કક્ષાએ રોબર્ટ વાડ્રા હવે સક્રિય રાજકરણમાં ઝંપલાવશે અને કોંગ્રેસ ટિકિટ આપે, તો તેઓ અમેઠીથી લડવા પણ તૈયાર છે. તેવા સંકેતો તેમણે પોતે જ આપતા આ અહેવાલો ગઈકાલે 'ટોક ઓફ ધ નેશનલ પોલિટિકલ સેકટર' બની ગયા હતા અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી અને અમેઠીથી રોબર્ટ વાડ્રા લોકસભાની ચૂંટણી લડે, તો તેની અસરો કોંગ્રેસ અને રાષ્ટ્રીય રાજનીતિ પર કેટલી પડે અને ભાજપના અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કેટલો મોટો પડકાર ઊભો થાય તેની ચર્ચા પણ વ્યાપક બની છે.
આરબીઆઈએ આજે ક્રેડિટ પોલિસી જાહેર કરી છે, જેમાં રેપોરેટ યથાવત રખાયા છે તેવા અહેવાલો વચ્ચે સોનુ, ચાંદી અને ગુજરાતમાં સીંગતેલના ભાવોમાં ગઈકાલના ઉછાળાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતંુ, તો શેરબજારમાં આવતી ભરતી-ઓટ વચ્ચે ગઈકાલની તેજીની ચર્ચા ઈન્વેસ્ટર્સ અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રોમાં પણ થઈ રહી છે, એટલું જ નહીં, માર્કેટની આ તેથીને આશ્ચર્યજનક રીતે રાજકીય ક્ષેત્રની સંભાવનાઓ સાથે તથા જાહેર થઈ રહેલા કેટલાક ઓપિનિયન પોલના તારણો સાથે પણ સાંકળવામાં આવી રહી છે !
ચૂંટણી ટાણે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીને લઈને કરેલી ટિપ્પણીઓ અને મમતા સરકારને કરેલી ટકોર પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે અને આ મુદ્દે મમતા બેનર્જી બેકફૂટ હોય તેમ જણાય છે, તથા કોંગ્રેસ અને ભાજપ પ.બંગાળમાં ફ્રન્ટફુટ પર આવીને નિવેદનો આપી રહ્યા છે.
ચૂંટણી સમયે કોઈપણ હિલચાલ થાય, કાનૂની કાર્યવાહીના ફેંસલા આવે, અદાલતો દ્વારા ટિપ્પણીઓ થાય કે પછી સોશ્યલ મીડિયામાં કોમેન્ટ થાય, તો તે બધું જ ચૂંટણીપ્રચારના ઝંઝાવાતમાં લપેટાઈ જતું હોય છે. આ કારણે જ કેજરીવાલની ધરપકડ અને તેનો વિરોધ, કે.કવિતાની જામીન અરજી, પ.બંગાળમાં હાઈકોર્ટની ટકોર વગેરે કાનૂની કાર્યવાહીઓની સીધી અસર ચૂંટણી પ્રચાર પર પડી રહી હોય તેમ નથી લાગતું ?
એવા અહેવાલો પણ વહેતા થયા છે કે રૂપાલાના મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું તા. ૬ અને ૭ એપ્રિલનું મહાસંમેલન મોકૂફ રહ્યું છે અને જો રૂપાલા ફોર્મ ભરે તો જ આ મહાસંમેલન યોજાશે, તેવું જાહેર થયું છે, તો ગઈકાલે યોજાનારી પાટીદાર સમાજની કોઈ બેઠક પણ રદ થઈ હોવાનું કહેવાય છે. આ તાજા ઘટનાક્રમો પણ ઘણાં સૂચક જણાય છે. જોઈએ એક અઠવાડિયામાં આ મુદ્દે ઉપરથી કોઈ નિર્ણય લેવાઈ જશે તેમ જણાય છે તેથી આગળ શું થાય છે તે....
અત્યારે ચૂંટણી પ્રચાર અને તેના અહેવાલો એટલા બધા વ્યાપક બન્યા છે કે અત્યારે ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રભાવ પણ થોડો ઘટી ગયો હોય તેમ જણાય છે. એવું કહેવાય છે કે જિવંત પ્રસારણોના વ્યૂસર્સમાં પણ આ વખતે ઝડપભેર વધઘટ થઈ રહી છે !
જો કે, ગઈકાલે ગુજરાત ટાઈન્ટન્સ અને પંજાબ વચ્ચેની રસાકસીભરી મેચની ચર્ચા ક્રિકેટ રસિયાઓ વચ્ચે જરૂરથી થઈ રહી છે, અને પોઈન્ટ ટેબલની રસપ્રદ સારણી પણ રજુ થઈ રહી છે, પરંતુ જો લોકસભાની ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાતી ન હોત, તો આ ટુર્નામેન્ટના અહેવાલો પણ હેડલાઈન્સમાં હોત, ખરું કે નહીં ?
આ વખતે ચૂંટણી એકતરફી છે અને એનડીએ ૪૦૦ પ્લસનો લક્ષ્યાંક સિદ્ધ કરી લેશે, તેવી અટકળો ધીમે ધીમે બદલાઈ રહી છે, અને એનડીએ માંડ માંડ સરકાર રચી શકશે, તેવા દાવાઓ થવા લાગ્યા છે, ત્યારે ચૂંટણી આવતા આવતા લોકસભાની ચૂંટણી પણ આઈપીએલ ટુર્નામેન્ટની જેમ રોમાંચક, રોચક અને રસાકસી ભરી બની જાય, તો નવાઈ જેવું નહીં હોય.... રાઈટ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial