કર્મ, કિસ્મત અને કાર્યશક્તિના ત્રિવેણી સંગમમાંથી પ્રગટે છે કામિયાબી
જેને તે સમયના લોકો મૂર્ખ માનતા હતાં તેને ભ્રમ પૂરવાર કરીને કાલિદાસ મહાન કવિ અને સંસ્કૃતના વિદ્વાન બન્યા. કથાઓ અનુસાર રાજા વિક્રમા દિત્યના રાજદરબારમાં તેઓ નવરત્ન પૈકીના એક વિભૂતિ હતાં. તેવી જ રીતે વનવાસી રત્નાકરમાંથી ઋષિ વાલ્મિકી બન્યા. અંગૂલીમાલ ભગવાન બુદ્ધના સંપર્કમાં આવ્યા પછી સંત બની ગયો. તેમનું મૂળ નામ 'અહિંસક' હતું, પરંતુ નામ પ્રમાણે ગુણ નહોતા, જે બુદ્ધની દીક્ષા પછી ભિક્ષુ (સંત) બની ગયો.
આ બધી કથાઓ પ્રાચીન કાળથી ઘણી જ પ્રચલિત છે અને કથાકારો તેના દૃષ્ટાંતો પણ આપતા હોય છે. આ તમામ પ્રકારની કથાઓ એવું સૂચવે છે કે માનવી પરિશ્રમ કરે, પોતાનું કામ પૂરી ઈચ્છાશક્તિ સાથે ધગશથી કરે તો જ તેનું પ્રારબ્ધ પણ ફળે અને અનોખી સિદ્ધિઓ પણ મળે.
કર્મ, કિસ્મત અને કાર્યશક્તિ (વીલપાવર પ્લસ વર્કપાવર) ના ત્રિવેણી સંગમમાંથી જ કામિયાબી પ્રગટે છે અને આ મહાસંગમની વ્યાપક્તા એવી છે કે તે અનોખી, અણકલ્પ્ય અને અસંભવ જણાતી સિદ્ધિઓ પણ મેળવી શકે છે, તેમ કહી શકાય.
'કર્યા વિના કાંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કામ કરતો જા, હાક મારતોજા, મદદ તૈયાર છે' જેવા સુવાક્યો સ્વાધ્યાય પરિવારની ચિંતનિકાઓમાં સાંભળવા મળે અને પૂ. પાંડુરંગ દાદાના પુસ્તકોમાંથી તેનો વિસ્તૃત અર્થ પણ જાણવા મળે, પરંતુ આ પ્રકારના સુવાક્યોનો સંદેશ સમજીએ તો હિન્દી ગીતની એ પંક્તિ યાદ આવી જાય, જે ઘણી જ પ્રચલિત છે અને કર્ણપ્રિય પણ છે... 'કરમ કીયે જા, ફલ કી ઈચ્છા મત કરના ઈન્સાન, જૈસા કરમ કરેગા વૈસા ફલ દેગા ભગવાન... યે હૈ ગીતા કા જ્ઞાન... યે હૈ ગીતા કા જ્ઞાન...'
હવે શુદ્ધ દેશી ઘી મળવું મુશ્કેલ છે અને ભેળસેળ તથા 'નકલી'ના જમાનામાં અસ્સલ શુદ્ધ જણાતું દેશી ઘી લાંબા સમય સુધી આરોગ્યા પછી જ્યારે તેનો પર્દાફાશ ત્યારે આપણને જરૃર એવો વિચાર આવે કે પોતે જે ડાળી પર બેઠા હોય, તેને કાપનાર કાલીદાસ જેવા આપણે હોત તો કમ-સે-કમ થોડા સમય પછી તો ચેતી ગયા હોત... ખેર, જાગ્યા ત્યારથી સવાર, બીજું શું?...
શુદ્ધ દેશી ઘી ખાવું હોય, તો પહેલા તો શુદ્ધ દૂધ મેળવવા ઘરના ઓટલે ગાય કે ભેંસ બાંધવી પડે, અથવા શુદ્ધ દૂધ વેંચતા પશુપાલક પાસેથી દૂધ (ભલે, મોંઘુ હોય તો પણ) ખરીદવું પડે... કારણ કે, બધા દૂધ વિતરકો કાંઈ ભેળસેળવાળું દૂધ થોડા જ વેંચતા હોય? ઘણાં બધા લોકો ઘરબેઠા શુદ્ધ દૂધ-ઘી પહોંચાડતા હોય છે, એ પણ હકીકત છે ને?
જો વિશ્વસનિય વિતરક પાસેથી શુદ્ધ ઘી મળે, તો ઠીક છે, અન્યથા શુદ્ધ દૂધ મેળવીને તેને મેળવવું પડે. તેમાંથી દહીં બરાબર જામી જાય, પછી તેને વલોણાંથી વલોવવી પડે. તેમાંથી છાશ બને, જેમાંથી માખણ તારવીને કાઢવું પડે. માખણને તાવવાથી એટલે કે ખૂબ જ ધીમે તાપે ધીરજપૂર્વક ગરમ કરવાથી, તેમાંથી શુદ્ધ ઘી બની જાય... જે ખાવાની લિજ્જત કાંઈક ઓર જ હોય... કારણ કે, તેમાં પરિશ્રમ, ધૈર્ય, તપશ્ચર્યા, કૌશલ્ય અને પ્રબળ ઈચ્છાશક્તિનું સંયોજન થયેલું હોય છે, બરાબર ને?
અત્યારે ડેરી ઉદ્યોગ ફાલ્યોફૂલ્યો છે, અને જુદી જુદી બ્રાન્ડના દૂધ, દહીં-ઘી વગેરે ઉપલબ્ધ છે. ગુજરાતના દુધ-ઘી-માખણની કેટલીક બ્રાન્ડનો દેશભરમાં ફેલાઈ ગઈ છે, જ્યારે સહકારી ક્ષેત્રના ડેરી ઉદ્યોગની કેટલીક બ્રાન્ડ તો સાત સમંદર પાર, વિદેશો સુધી પહોંચી ગઈ છે.
ગુજરાતના ડેરી ઉદ્યોગની કેટલીક બ્રાન્ડની બ્રાન્ચ પણ દેશના વિવિધ રાજ્યોમાં ખૂલવા માંડી છે, તો દેશના વિવિધ રાજ્યોમાં પણ હવે સહકારી ક્ષેત્રનો ડેરી ઉદ્યોગ પાંખો ફેલાવવા લાગ્યો છે. આ પ્રકારની સિદ્ધિ મેળવવામાં દાયકાઓ લાગી જતા હોય છે અને બ્રાન્ડ કે પ્રતિષ્ઠા (ગુડવીલ) જાળવી રાખવા અને સુધારા-વધારા સાથે તેનો વિકાસ કરતા રહેવા માટે પણ પ્રબળ ઈચ્છાશક્તિ, સંઘશક્તિ અને કાર્યશક્તિના ત્રિવેણી સંગમની જરૃર પડતી હોય છે, બરાબરને?
અખાને તેની માનીતી બહેને આપેલા સુવર્ણના આભૂષણની કાપ મૂકીને ખરાઈ કરવી તેથી દુઃખ થયું હતું, તેવી કથાઓ પ્રચલિત છે. સોનું સાચું છે કે ખોટું, નકલી છે કે અસલી, પૂરેપૂરૃ શુદ્ધ છે કે ભેળસેળવાળું છે, તેની ખરાઈ કરવા સોની કાપ મૂકે છે. આ પ્રકારની કસોટીએ ચડેલું સોનું જ પછીથી મૂલ્યવાન ગણાય છે. કસોટીએ ચડેલા સોનાની જેમ જ માનવીની જિંદગી પણ કસોટીએ ચડ્યા પછી જ સાચા અર્થમાં નિખરતી, ઝળકતી અને હરણફાળ ભરતી હોય છે, જેને ઘણાં લોકો 'મન હોય તો માળવે જવાય'ની ઉક્તિ ટાંકીને માનવીની પ્રબળ ઈચ્છાશક્તિનું પરિણામ પણ ગણાવતા હોય છે.
સોનાની પરખની જેમ જ ડાયમન્ડ એટલે કે હીરાની પરખ પણ તેની કસોટી કર્યા પછી જ થાય છે. હીરા-ઝવેરાતની પરખ કરતા ઝવેરી કે પારખુની જેમ જ માનવીની પરખ કરવાના પણ કેટલાક માપદંડો હોય છે. જેમ કસોટીએ ચડ્યા પછી હીરાની પરખ થાય, તેવી જ રીતે માનવીની કાર્યશક્તિ, ઈચ્છાશક્તિ, સહનશક્તિ, કૌશલ્ય, સક્રિયતા, સમજશક્તિ તથા પરિશ્રમ પરથી તેનું મૂલ્ય નક્કી થતું હોય છે. આ બધાની સાથે ભાગ્ય એટલે કે કિસમત ભળી જાય, ત્યારે આ તમામ શક્તિઓ તથા સદ્ગુણોના કારણે માનવી અણકલ્પ્ય સિદ્ધિઓના શિખરો પણ સર કરી શકતો હોય છે.
કિસ્મતનું એવું છે કે તે માંગ્યા મુજબ મળતું નથી. પુરુષાર્થ એ પ્રારબ્ધનું બીજ છે અને સ્ટ્રોંગ વીલપાવર (પ્રબળ ઈચ્છાશક્તિ) તેનું પોષક ફર્ટિલાઈઝર (ખાતર) છે. તેને અવિરત પ્રયાસોનું સિંચન કરવાથી પ્રારબ્ધ ફળે છે. ઘણી વખત તમામ પ્રકારના યોગ્ય પ્રયાસો કરવા છતાં જ્યારે સફળતા મળે નહીં, ત્યારે નસીબ, પ્રારબ્ધ કે કિસ્મતમાં નહીં હોવાનું માનવામાં આવે છે, તેવા એમ પણ કહી શકાય કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એક જ સિક્કાની બે બાજુ છે, અથવા એકબીજાના પર્યાય છે, જ્યારે લોટરી લાગે ત્યારે ઘણાં લોકો એવું કહે છે કે તેમાં પુરુષાર્થ નથી હોતા, પરંતુ જેને લોટરી લાગી હોય, તેને પૂછવું પડે કે તે કેટલા વર્ષોથી લોટરીની ટિકિટ ખરીદતો હતો. આથી પણ લોટરી ખરીદવા માટે જેટલા નાણા ખર્ચાયા હોય, તે તો પુરુષાર્થથી જ મળવેલા હોય ને? એવું ન હોય અને છતાં લોટરી લાગે, તો તેને અપવાદ ન ગણી શકાય?
ટૂંકમાં જ્યારે સક્રિયતા, કૌશલ્ય અને નસીબનો ત્રિવેણી સંગમ સર્જાય, ત્યારે જ કામિયાબી મળતી હોય છે. કામિયાબી કાંઈ આકાશમાંથી ટપકતી નથી કે રસ્તે પડી હોતી નથી.
હીરાની પરખ કરતા ઝવેરીની પદ્ધતિ, સોનાની પરખ કરતા સોનીની કાબેલિયત અને માનવીનું મૂલ્યાંકન કરી શકે તેવા કોઈ સંત, સદ્ગુરુ કે સદ્ગૃહસ્થની સરખામણી એવી રીતે પણ થઈ શકે કે આ પ્રકારની વિશેષતા મેળવવા પાછળ કેટલો પુરુષાર્થ થયો હશે?
સુરતમાં હીરાઘસુઓની સંખ્યા ઘણી વધુ છે. સુરતને ડાયમન્ડ હબ કે હીરાઘસુઓનું નગર પણ ગણી શકાય. અહીં હીરા ઘસી ઘસીને તેને આકર્ષક અને પાસેદાર બનાવતા ઘણાં હીરાઘસુઓની પોતાની સ્થિતિ ઘણી વખત ઘણી જ તંગ પણ હોય છે. દરરોજ લાખો રૃપિયાની કિંમતના હીરા ઘસતા આ કારીગરોના હાથમાં સાંજ પડ્યે કેટલાક 'સો' રૃપિયા આવતા હોય છે, ત્યારે સવાલ એ ઊઠે કે આમાં હીરાઘસુઓના પુરુષાર્થને બીરદાવવો કે પ્રારબ્ધને દોષ દેવો?
સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે કોઈપણ ઉપલબ્ધિ, સફળતા કે કમાણી સરળતાથી મળતી નથી. તેની પાછળ પ્રબળ પુરુષાર્થ કરવો પડતો હોય છે, અને પુરુષાર્થમાંં જ્યારે પ્રારબ્ધ ભળી જાય ત્યારે ઘણી પેઢીઓનું કલ્યાણ થઈ જતું હોય છે. આવું થાય ત્યારે એક જુની કિવંદંતી યાદ આવી જાય કે 'જાવે જે કો નર ગયો, ના'વે મંદિર માય... આવે, તો લાવે ઢગલે ઢગલા ધન, જે પરિયા પરિયા ખાય...'
જુના જમાનામાં જાવા-સુમાત્રા જવું ઘણું જ કઠીન હતું, અને જે જાય, તે ભાગ્યે જ પાછા સ્વદેશ ફરી શકતા, પરંતુ જે પાછા આવે, તેઓ એટલું બધંુ ધન કમાઈને લાવતા કે 'પરિયા-પરિયા' મતલબ કે પેઢીઓની પેઢીઓ સુધી ચાલે તેટલું હોય...
કથાકારનું કહેવાનું એટલું જ છે કે, નસીબ જેવી પણ કોઈ ચીજ હોય જ છે, પરંતુ તેના ભરોસે બેસી રહેવાય નહીં. આપણી અંદર રહેલા કૌશલ્યને ઓળખીને તેને નિખારવું પડે. કર્મે એટલે કે પરિશ્રમ કરવો પડે. પૂરી ધગશ અને ઈચ્છશક્તિથી પ્રયાસો કરતા રહેવા પડે, અને આવું થાય, તો પ્રારબ્ધ પણ અવશ્ય ખીલી ઊઠે અને ધારેલી જ નહીં અણધારી સફળતા પણ અવશ્ય મળી શકે. આ કારણે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હશે ને કે, 'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રયાસો કરતા રહો'
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial