દેશમાં તો લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કાના મતદાનની તારીખો વચ્ચેના સમયગાળામાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચશે, તેમ જણાય છે. તેનું કારણ એ છે કે એક તરફ રૃપાલા પ્રકરણના કારણે ભાજપ અટવાયો છે, તો ભાજપ અને કોંગ્રેસમાં છુપા અસંતોષ અને નારાજગીના કારણે કદાચ આંતરિક રીતે રિસામણા-મનામણાનો દોર પણ ચાલી રહ્યો છે., આ ઘટનાક્રમો વચ્ચે અદાલતી કાર્યવાહીઓ, ચુકાદાઓ, નેતાઓની નિવેદનબાજી અને તેના પ્રત્યાઘાતોની ચર્ચાઓમાં અત્યારે દેશની રાજનીતિ વ્યસ્ત જણાય છે.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૃપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૃ કરી દીધો, પોતાનું રાજકોટનું નિવાસસ્થાન બદલ્યુ અને સુરક્ષા વ્યવસ્થામાં વધઘટ થઈ, તે પ્રકારન અહેવાલોની સાથે સાથે આજની અમદાવાદની પ્રેસ કોન્ફરન્સ, મેરેથોન મિટિંગ, ક્ષત્રાણીઓ દ્વારા જાહેર કરવાની વોર્નિંગ અને દેશભરના રાજધરાનાઓના કેટલાક પ્રતિનિધિઓના ગુજરાતમાં સંભવિત આગમનના અહેવાલો પછી ગુજરાતમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને રૃપાલાના સમર્થનમાં પાટીદારોએ પણ પ્રદર્શનો શરૃ કરી દેતા રાજ્યમાં કયાંક વર્ગવિગ્રહ શરૃ ન થઈ જાય, તેવી આશંકાઓ વચ્ચે આજે સવારથી જે કાંઈ આ મુદ્દે બની રહ્યું છે, તે આપણી સૌની સામે જ છે અને લોકોના મનમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે હવે શું થશે ?
ગઈકાલે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેને 'ન્યાયપત્ર' નામ આપ્યું છે. આ ઘોષણપત્રમાં પાંચ પ્રકારના ન્યાય સાથે ૨૫ પ્રકારની ગેરંટી અપાઈ છે. કેન્દ્ર સરકારના વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓ, જાતિ જનગણના, અનામતનો દાયરો વધારવો, ખેડૂતોને સંતોષકારક એમએસટી, મનરેગાની દૈનિક મજુરી ૪૦૦ રૃપિયા, પીએમએસએ કાયદામાં ફેરફાર, કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ થતો અટકાવવાના પ્રબન્ધો, ગરીબ મહિલાઓને વર્ષે એક લાખ રૃપિયાની સહાય, સ્વામીનાથન કમિટીની ભલામણો મુજબ ખેડૂતોને લાભો તથા સચ્ચર કમિટીની ભલામણો લાગુ કરવા સહિતના વાયદાઓ કરાયા છે. કોંગ્રેસે પાંચ પ્રકારની ન્યાયની વાત પણ કરી છે. આ ઘોષણાપત્રના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો, શ્રમિકો, યુવાનો, મહિલાઓનું ન્યાય તથા આર્થિક, સામાજિક પછાતવર્ગોને અનામત અંગે મહત્ત્વપૂર્ણ પાંચ વાયદાઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
આમ તો આઝાદી પછી ચૂંટણી ઢંઢેરા દરેક જનરલ ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા ઘણાં દાયકાઓથી રજૂ થતા રહ્યા છે. પરંતુ હવે ચૂંટણી ઢંઢેરાઓ, અથવા મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર ને સંકલ્પપત્ર, ન્યાયપત્ર, ગેરંટીપત્ર જેવા નવા નામ પણ અપાઈ રહ્યા છે, તેની સાથે સાથે આ ચૂંટણી ઢંઢેરાઓમાંથી કેટલા વાયદાઓનું પાલન થાય છે અને કેટલા વચનો વર્ષોવર્ષ રિપિટ થતા રહે છે, તેની ચર્ચા પણ ઠેર-ઠેર થઈ રહી છે. અને આ ચર્ચાઓમાં વજુદ પણ છે. આ કારણે જ એવી માંગ પણ ઉઠી રહી છે કે આ પ્રકારના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વાયદા પૂરા કરવા જ પડે, તેવો કોઈ કાયદો ઘડાયો કે કાનૂની પ્રબંધો થાય, તે દિશામાં વિચારવું જોઈએ. આ વિચાર (કોન્સેપ્ટ) પણ ચર્ચાની એરણે ચડ્યો છે.
અત્યારે પબ્લિકમાં એવી ચર્ચા પણ વેગ પકડી રહી છે કે ચૂંટણી ટાણે પક્ષાંતરો કરીને બીજા પક્ષમાં જતા નેતાઓ-કાર્યકરોનો આંતરાત્મા વહેલો કેમ નહીં જાગતો હોય ? પોતાને કે પોતાની ઈચ્છા મુજબની વ્યક્તિને ટિકિટ મળે નહીં, ચૂંટણી પ્રચારની કામગીરીમાં પોતે ધારેલી જવાબદારી કે ઈચ્છિત હોદ્દો મળે તેમ ન હોય કે પછી કોઈ દબાણ કે પ્રલોભન લલચાવતું હોય, તેવા કારણોસર મોટાભાગે પક્ષાંતર બરાબર ચૂંટણી ટાણે જ થતું હોવાની એક સર્વસામાન્ય માન્યતા છે. તેથી એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા પછી કોઈપણ નેતા કે કાર્યકરના પક્ષાંતર પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવો જોઈએ.... વિચારવા જેવું ખરું .... નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial