લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી દરરોજની ત્રણ-ચાર રેલીઓ, એકાદ-બે રોડ-શો તથા સંલગ્ન પ્રચારાત્મક કાર્યક્રમો માટે દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે, તો હવે રાહુલ ગાંધીએ પણ રફ્તાર પકડી છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ચૂંટણીસભાઓ ગગન ગજવી રહી છે, તેવી જ રીતે એનડીએ, ઈન્ડિયા ગઠબંધનો તથા અન્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વિવિધ રાજ્યોમાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ અલગ જ અંદાજથી ચૂંટણી ઝુંબેશ ચલાવી રહી છે.
આ ચૂંટણી પ્રચારની સાથે સાથે મીડિયા-અખબારો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો, ઉમેદવારો અને સમાજના વિવિધ વર્ગો, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો જ નહીં, પરંતુ સ્ટુડન્ટ્સ, યુવાવર્ગ, મહિલાઓ તથા બુદ્ધિજીવી વર્ગો અને નોકરિયાતોથી લઈને સ્ટ્રીટ થેન્ક્સ, લેબર્સ સુધીના વર્ગોમાં પણ જબરદસ્ત ચર્ચાઓ, કોમેન્ટો અને સંવાદ-વિવાદો પણ થઈ રહ્યા છે.
દેશમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને લોકોની વિવિધ સ્થાનિક સમસ્યાઓના કારણે જે જમીની હકીકતો છે, તેની ચર્ચા થઈ રહી છે, તો એનડીએના સ્ટાર પ્રચારકો અને પ્રવક્તાઓ છેલ્લા દસ વર્ષમાં દેશની પ્રગતિ, ભાજપે કરેલા વાયદાઓ અને એનડીએ સરકાર દ્વારા તેની પૂર્તતા, અયોધ્યામાં રામમંદિર, સર્જિકલ અને એરસ્ટ્રાઈક અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી રહ્યા છે, તો વિપક્ષો મોદી સરકારને તદ્ન નિષ્કામ ગણાવીને તાનાશાહી, એજન્સીઓના દુરૂપયોગ તથા ભાજપના પ્રોપાગન્ડાથી દેશની વાસ્તવિક સ્થિતિ ભિન્ન હોવાના દાવા સાથે એનડીએ પર પ્રહારો કરી રહ્યા છે.
વડાપ્રધાન ચૂંટણીસભાઓમાં ઘણીબધી વાતો કરે છે, તેમાં ગરીબી હટાવવાની વાત ભારપૂર્વક કરે છે. વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે કે દેશમાંથી જ્યાં સુધી ગરીબી દૂર નહીં કરી દઉં, ત્યાં સુધી ઝંપીશ નહીં, વગેરે...
દાયકાઓ પહેલા કોંગ્રેસના શાસન દરમિયાન ઈન્દિરા ગાંધીએ પણ 'ગરીબી હટાવો'નો નારો આપ્યો હતો અને તેને મુદ્દો બનાવીને કેટલીક ચૂંટણીઓ પણ જીતી હતી. તે સમયે પણ ગરીબલક્ષી યોજનાઓ અમલી બની હતી અને ક્રમશઃ ગરીબી ઘટી રહી હોવાના દાવા પણ થયા હતાં, પરંતુ ગરીબી તો જાણે અમરપટ્ટો લગાવીને આવી હોય તેમ મોજુદ જ રહી હતી.
અત્યારે પણ ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા સાથે જણાવાઈ રહ્યું છે કે, છેલ્લા દાયકા દરમિયાન લગભગ ર૦ થી રપ કરોડ ગરીબો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ આંકડાઓની માયાજાળને કેન્દ્રમાં રાખીને પણ રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે.
તટસ્થ વિશ્લેષકો, રાજકીય પંડિતો, વિચારકો અને વિવેચકો દ્વારા એવું એક સર્વસામાન્ય તારણ નીકળી રહ્યું છે કે, આઝાદી મળી પછી તમામ સરકારોએ ગરીબી હટાવવાના દાવાઓ કર્યા, યોજનાઓ બનાવી અને ગરીબી ઘટાડવાના પ્રયાસો પણ કર્યા, એવી જ રીતે પ્રવર્તમાન સમયમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબલક્ષી યોજનાઓ બનાવી રહી છે, અને અમલ પણ કરતી જ રહી છે. જુના સમયમાં સરકાર દ્વારા એક રૂપિયો મોકલાય, તો ૧પ પૈસા ગરીબો સુધી પહોંચતા હોવાના રાજીવ ગાંધીના નિવેદનને વારંવાર ટાંકવામાં આવે છે, પરંતુ હવે તો ડાયરેક્ટ બેનિફિટ પારદર્શક રીતે મળે, અને લાભાર્થીના બેંક ખાતામાં પૂરેપૂરી સહાય ડીબીટીથી જમા થઈ જાય, તેવી વ્યવસ્થા વિસ્તરી રહી છે, ત્યારે ગરીબોની સંખ્યા ઘટવા છતાં ગરીબી કેમ ઘટી રહી નથી, તેવા સવાલના રસપ્રદ અને સોલીડ તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ તટસ્થ કારણો મુજબ હકીકતમાં 'ગરીબી' રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે પ્રચારનો મુદ્દો હોવા કરતા યે વધુ એક વોટ-પ્રોડક્ટર ઓજાર અથવા મશીન જેવી છે, જે મતોનું જથ્થાબંધ ઉત્પાદન કરીને ચૂંટણીઓ જીતાડે છે. તેથી રાજકીય પક્ષોનો કદાચ આ ગુપ્ત એજન્ડા પણ હોઈ શકે કે ગરીબોની સંખ્યા ભલે યોજનાકીય લાભો કે પછી તેઓના પોતાના પ્રયાસો અને પરિશ્રમના કારણે થોડી-ઘણી ઘટે, પરંતુ ગરીબી તો અમર જ રહેવી જોઈએ, કારણ કે આ વોટ-પ્રોડક્ટર યંત્રની બધાને જરૂર છે... હમામ મે સબ નંગે હૈ...
હકીકતે સમસ્યા અને સિયાસન પરસ્પર પૂરક ગણાય, સમસ્યા સર્જાય, ત્યારે તેને વગોવીને વિપક્ષો રાજનીતિ કરે, અને થોડી-ઘણી સમસ્યાઓ ઉકેલાય, ત્યારે તેનો ઢોલ પીટીને વાહવાહી કરીને શાસક પક્ષો રાજનીતિ કરે, અને ભોળી જનતા તેમાં અટવાયા કરે...
એક તરફ પચીસેક કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા હોય, બીજી તરફ દેશમાં ૮૦ કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવું પડતું હોય અને કરોડો ગરીબ લોકોને શૌચાલયો અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો લાભ અપાતો હોવાના દાવા થાય ત્યારે સવાલ એ ઊઠે કે, આપણા દેશમાં હકીકતે ગરીબો કેટલા છે? આઝાદીનો અમૃત કાળ આવ્યો છતાં ગરીબી નાબૂદ કેમ થઈ નથી?... મતોનું મશીન છે એટલે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial