માનવ શરીરમાં સૌથી કોમળ 'જીભ' એટલી તાકાતવાળી છે કે તે શરીરની ઈમ્યુનિટી વધારી પણ શકે છે, અને બગાડી પણ શકે છે. જીભના કારણે જ માનવીને સ્વાદની પરખ થાય છે. જીભ મારફતે ઉચ્ચારાતા શબ્દો પણ માનવીની જિંદગી સુધારી પણ શકે છે, અને બરબાદ પણ કરી શકે છે, ગમે તેટલી જીંદાદિલી, ઉદાર અને પ્રામાણિક વ્યક્તિ હોય, પરંતુ તેની જીભ કડવી હોય અને હંમેશા કોઈને ન ગમે તેવા શબ્દો જ ઉચ્ચારતા હોય, તો તે કોઈને ન ગમે અને ઘણાં ચતુર લોકો મીઠું મીઠું બોલીને ધાર્યંુ કામ કઢાવી શકતા હોય છે. કારણ કે તેઓની 'જીભ' મીઠી હોય છે !
ઘણાં મોટા માણસો, નેતાઓ અને સેલિબ્રિટિઝની જીભ પણ ઘણી વખત લપસી જતી હોય છે, ત્યારે ઘણી વખત લોકો પોતાની 'જીભ'નો પણ દુરૂપયોગ કરીને જુઠાણાં ચલાવતા હોય છે, ઘણી વખત જીભ લપસી જાય, ત્યારે તેના કેવા પરિણામો આવતા હોય છે, તેના ઘણાં દૃષ્ટાંતો દરેક ક્ષેત્રમાં મળતા હોય છે, પરંતુ હમણાંથી રૂપાલા પ્રકરણ વાણી વિલાસના દુષ્પરિણામોનું સૌથી તાજું દૃષ્ટાંત 'ટોક ઓફ ધ સ્ટેટ' માંથી હવે 'ટોક ઓફ ધ નેશન' બની રહ્યું છે.
સામાન્ય રીતે રૂડુ અને મોજ કરાવે તેવું બોલતા વ્યક્તિની પણ અનાયાસે જીભ લપસી જાય, તો તેના ગંભીર પરિણામો આવતા હોય, તેના અન્ય ઘણાં દૃષ્ટાંતો પણ છે અત્યારે જેલ ભોગવી રહેલા અરવિંદ કેજરીવાલે પણ કેટલાક બદનક્ષીના કેસોમાં અદાલતોમાં જઈને જાહેરમાં માફીઓ માંગવી પડી હતી, આવું અન્ય પણ ઘણાં રાજનેતાઓ તથા સેલિબ્રિટીઝ સાથે પણ થયું છે જે સર્વવિદિત છે.
જેવી રીતે જુદા જુદા સ્વાદ માણવા જતા બીમાર પડી જવાય અને 'સ્વાદ'નો ચટાકો ચડે અને કાયમી ધોરણે આહારમાં કાળજી ન રખાય તો ગંભીર પ્રકારના રોગ થઈ જાય, તેવી જ રીતે જો 'જીભ' લપસી જાય કે બેકાબૂ બની જાય તો ઘણી વખત બધાના અણમાનીતા થઈ જવાય, પ્રશ્ચાતાપ પણ સ્વીકૃત ન થાય, વારંવાર માંગવા છતાં માફી ન મળે અને ઘણી વખત તો મોટી તકરારો પણ થઈ જાય. મહાભારતની કથા મુજબ દુર્યોધનને કટાક્ષ કરતી વખતે દ્વૌપદીની જીભ લપસી ન હોત, તો કદાચ આ મહાયુદ્ધની બુનિયાદ જ રચાઈ ન હોત, ખરું ને ?
વર્ષ-ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં યોગાનો પ્રચાર-પ્રસાર કરીને ખ્યાતનામ બનેલા બાબા રામદેવ પણ આજકાલ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, અને તેઓને પણ સુપ્રિમ કોર્ટની કોઈ કેસમાં માફી માંગવી પડી છે, તે બધા જાણે છે. કોરોના સમયે પતંજલિની કોઈ દવાઓની જાહેર ખબરોને સંબંધિત કેસના ગુણદોષમાં આપણે પડવું નથી, પરંતુ પતંજલિ સામે સુપ્રિમ કોર્ટે અપનાવેલું કડક વલણ પોતાના પ્રોડકટ વેંચાણ માટે મોટી મોટી અને ખોટેખોટી જાહેરાતો કરતી અન્ય કંપનીઓ માટે પણ બંધનકર્તા બનવાનું છે. એવું કહેવાય છે કે સર્વોચ્ચ અદાલતે મોટી મોટી જાહેરાતો અને પબ્લિસિટી કરીને માત્ર દવાઓ જ નહીં, પરંતુ અન્ય ખાવાપીવાના પ્રોડકટ્સ વેચતી એફએમસીજી કંપનીઓ એટલે કે ફાસ્ટ મૂવીંગ કન્ઝયુમર ગુડ્ઝ વેચતી તમામ કંપનીઓ-પેઢીઓ સામે પણ આ પ્રકારની જ કાનૂની કાર્યવાહીના સંકેતો પણ આપ્યા છે. સુપ્રિમ કોર્ટે પતંજલિ દ્વારા કોરોનાની સારવારની જાહેરાતોના કેસમાં ઉત્તરાખંડ સરકારને પણ ફટકાર લગાવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા પતંજલિ પ્રોડકટ્સ અંગે થતી પબ્લિસિટી સામે વાંધો લેવાયો હોય તો તેનો અર્થ એવો નથી કે આઈએમએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનું વિરોધી છે. હકીકતે આઈએમએ માત્ર એલોપેથી નહીં, પરંતુ અન્ય ચિકિત્સા પદ્ધતિનું પણ સન્માન કરે છે તેવા પ્રકારનો દાવો થઈ રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જેવી રીતે પતંજલિ દ્વારા થતી તેની કેટલાક પ્રોડકટ્સની પબ્લિસિટી સામે વિરોધ કરનારા અને કોર્ટમાં જનારા લોકો અથવા સંગઠનો હવે એફએમસીજી કંપની સામે પણ એટલી જ તીવ્રતાથી કદમ ઉઠાવે છે. કે નહીં, અને સરકારી તંત્રો આ મુદ્દે જાગૃત બને છે કે નહી.... કારણ કે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોના આરોગ્ય તથા જીવનની સુરક્ષા સાથે ખીલવાડ થતો હોય તો કોઈપણ ગેરમાર્ગે દોરતી વ્યક્તિ કે કંપની સામે પતંજલિ ફેઈમ કડક વલણ નહીં અપનાવાય, તો તેના અર્થઘટનો અને આશંકાઓ ઘણાંના પગતળે રેલો પણ લાવી શકે છે. કેટલાક ઔષધો, પ્રોડકટ્સ અને ખાવા-પીવાની ચીજોથી બાળકોની લંબાઈ વધી જાય, બાળકો તંદુરસ્ત અને શક્તિશાળી બની જાય, ગંભીર બીમારીઓ મટી જાય, અમુક પ્રકારના પદાર્થો રસોઈમાં વાપરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય, તેવા પ્રચારની વાસ્તવિકતા પણ તપાસવી જરૂરી જ ગણાયને ? સંબંધિત તંત્રો શું કરે છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial