લોકસભાની ચૂંટણીની વિધિવત પડઘમ વાગ્યા છે અને નોટિફિકેશન મુજબ આજથી રાજ્યમાં ઉમેદવારી નોંધાવવાની શરૂઆત સાથે જ જેને ટિકિટ મળી છે, તે ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ધીમે ધીમે વિધિવત રીતે ફોર્મ ભરીને ચૂંટણીજંગમાં ઝંપલાવશે. તા. ૧૯ મી સુધી ફોર્મ ભરાયા અને તે પછી તેની ચકાસણી થયા પછી પણ જે ઉમેદવારોનું મન બદલી જાય, કે ગોઠવણ થઈ જાય, તો તેઓ ફોર્મ ખેંચે, તે પછી તા. રર મી એપ્રિલની સાંજે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વાસ્તવમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ઘણી વખત તો ઉમેદવારીપત્રો પરત ખેંચાઈ જાય, તે પછી પણ ઘણાં ઉમેદવારોનો 'અંતરાતમા' અચાનક જાગી ઉઠે અને પોતે મેદાનમાં નથી, તેવો પ્રચાર કરવા લાગે છે. જો કે, મતપત્રકમાં તો તેનું નામ પડી જ જાય છે, પરંતુ તે પછી ભાગ્યે જ કોઈ તેને મત આપતું હશે. આઝાદી પછી સતત આ પ્રકારની ભ્રમિત કરવાની પ્રવૃત્તિ થતી જ રહી છે, તેના પર પણ ચૂંટણી પંચની બાજ નજર રહેતી જ હશે ને ?
આજથી ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થશે, તેમાં ગુજરાતની તમામ ર૬ બેઠકોનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ૭ મી મે ના દિવસે મતદાન થવાનું છે, ત્યારે ૧૯ એપ્રિલ પછી તમામ રાજકીય પક્ષોના ઉચ્ચ સ્ટાર પ્રચારકોના પ્રયાસો ગુજરાતમાં વધુ થવાના છે.
ગુજરાતમાં ઉમેદવારીપત્રો ભરાઈ જાય, અને રર એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તે પછી હાલાર સહિત સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ જશે અને ૮ મી મે પછી ત્રીજી જૂન સુધી ગુજરાતમાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે અને ઉમેદવારો ઉચાટ વચ્ચે એ દરમિયાન આરામ ફરમાવશે, રાજકીય પક્ષોના ઉચ્ચ નેતાઓ તથા કેટલાક ઉમેદવારો પણ બાકી રહેલા તબક્કાઓ દરમિયાન અન્ય રાજ્યોમાં પોતાના પક્ષ કે પછી કોઈ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા જશે. ટૂંકમાં આજથી પહેલી જૂને છેલ્લો તબક્કો પૂરો થતા સુધી દેશનો માહોલ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના કારણે ગરમાગરમ રહેશે. આ દરમિયાન જ આ વખતે બોર્ડની પરીક્ષાઓના પરિણામો પણ વહેલા આવવાના હોવાથી તે પછી ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન વગેરેની હડિયાપટ્ટી પણ શરૂ થવાની છે.
એ સમયની બલિહારી જ કહેવાયને કે થોડા વર્ષો પહેલા ચૂંટણીમાં ભાજપને હરાવવા મેદાને પડેલા હાર્દિક પટેલ હવે ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા, ત્યારે તેને રૂપાલા વિરોધી આંદોલન કરનારા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આ પ્રકારની ભાજપના નેતાઓની ઘેરાબંધી વખતે તેને પોતાના આંદોલનકાળની સ્મૃતિઓ પણ તાજી થઈ જ ગઈ હશે ને?
જુદા જુદા આંદોલનોમાંથી ઉભરેલા ઘણાં યુવાનો સહિતના નેતાઓ આજે જુદા જુદા પક્ષમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના યુવા નેતાઓ ભાજપમાં છે, તો કન્હૈયાકુમાર કોંગ્રેસમાં છે. અન્ના આંદોલનમાંથી ઉભેરલા કિરણ બેદી, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ કુમાર વિશ્વાસ જેવા નેતાઓ હાંસ્યિામાં ધકેલાઈ ગયા છે, જ્યારે કેજરીવાલ, સિસોદીયા વગેરે ભ્રષ્ટાચારના કથિત આરોપો હેઠળ જેલમાં છે !
આ વખતે પ્રારંભથી જ લોકસભાની ચૂંટણીનો કાંઈક અલગ જ રંગ દેખાઈ રહ્યો છે, અને કેટલીક રમુજ ઉપજે તેવી ઘટનાઓ પણ રાજકીય પ્રચારનું કેન્દ્ર બની રહી છે. બિહારમાં તો લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતીએ કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેલમાં પૂરી દેવાની ચીમકીની ચર્ચા થઈ રહી છે, તો દીકરા તેજસ્વી યાદવે માછલી અને પછી સંતરુ ખાતા હોવાનો વીડિયો વાયરલ થયા પછી ભાજપ અને નિતીશ કુમારને વળતો જવાબ આપ્યો, તેની ચર્ચામાંથી જ બિહાર ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ પ્રગટ્યો!
હજુ તો પ્રથમ તબક્કાનું મતદાન થયું નથી, ત્યાં જ આ પ્રકારનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી સમાપ્ત થતા સુધીમાં હજુ ઘણું બધું અવનવું બોલાશે અને ઘણાં ખેલ થશે આ દરમિયાન ભાજપમાંથી કોંગ્રેસમાં થઈને તૃણમૃલ કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્નસિંહાએ કહ્યું કે એનડીએ પરાજયના ભયથી ગભરાય છે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial