Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બીમારી કે દર્દ સહન નહીં થતા આત્મહત્યા વધવાના કિસ્સાઓમાં વધારો ચિંતાજનક

વિવિધ કારણે થતી આત્મહત્યાઓ અટકાવવા સમાજે પણ જાગૃત બનવું પડેઃ

ગંભીર પ્રકારની બીમારીઓમાં ઝડપભેર થઈ રહેલો વધારો અને અસાધ્ય તથા અસહ્ય માંદગીના કેસોની વૃદ્ધિ સામે સરકારે અમલી બનાવેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, કુપોષણ નિવારણ કાર્યક્રમ, ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ્સ, આરોગ્ય અને તબીબી ક્ષેત્રની અનેક યોજનાઓ તથા 'આભા' કાર્ડ એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ ગંભીર પ્રકારની ચોક્કસ બીમારીઓમાં મળતી નિઃશુલ્ક સારવારની યોજના પણ જાણે ટૂંકી પડી રહી હોય તેમ ગ્રામ્ય, શહેરી અને પહાડી વિસ્તારો સહિત દેશભરમાં દવાખાના-હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, અને હવે તો શરીરના અંગો, બીમારીઓના પ્રકારો તથા તેની વિવિધ ઉપચાર પદ્ધતિઓ માટેના અલગ-અલગ નિષ્ણાત તબીબો, લેબોરેટરીઓ, બ્લડબેન્કો અને તબીબી પરીક્ષણો માટેના અદ્યતન મશીનોની ભરમાર વચ્ચે ઘણાં દર્દીઓ તથા તેના પરિવારજનો અથવા કેરટેકરો હડિયાપટ્ટી કરી રહેલા જોવા મળે છે.

હવે તો બીમારી કે દર્દ સહન નહીં થવાના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ પણ ઝડપભેર વધી રહ્યા છે. દેશભરમાં આમ તો, વિવિધ કારણોસર આત્મહત્યા કરવાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, અને બેકારી (બેરોજગારી), પાક નિષ્ફળ જવો, વેપાર-ધંધો બરાબર નહીં ચાલવો, ક્વોલિફિકેશન હોવા છતાં ઈચ્છિત નોકરી નહીં મળવી, પારિવારિક તકરારો અને કોઈએ ઠપકો આપ્યો હોય, પરીક્ષાનું પરિણામ નબળું આવ્યું હોય, પરીક્ષામાં નાપાસ થવાનો ડર હોય કે પેપર નબળા ગયા હોય, તેવા કિસ્સામાં આત્મહત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. અત્યારે અદ્યતન અને ઝડપી યુગમાં સહનશક્તિ પણ ખતમ થઈ રહી છે, અને જીદ્દીપણું વધી રહ્યું હોવાથી ઘણી વખત બાળકો, કિશોર-કિશોરીઓ કે યુવાવર્ગને મોબાઈલ લઈ દેવાની ના પાડી હોય, હોટલો-ક્લબ કે પિકનિકમાં જવાની મનાઈ કરી હોય કે પછી પસંદગીના યુવક-યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હોય, તેવા કારણાસર આત્મહત્યાના કિસ્સાઓ પણ નોંધાવા લાગ્યા છે, જે ચિંતાજનક છે અને આ તમામ પ્રકારની આત્મહત્યાઓ થતી અટકાવવા સરકારે જ નહીં, સ્વયં સમાજે પણ જાગૃત થવું જ પડશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ પંચાયતોથી પાર્લામેન્ટ સુધી ખેડૂતોની આત્મહત્યાઓ માટે જેવી રીતે અવાજ ઊઠાવાઈ રહ્યો છે, તેવી જ રીતે આ તમામ પ્રકારની આત્મહત્યાઓ માટે પણ જોરદાર અવાજ ઊઠાવવો જ જોઈએ, તેમ નથી લાગતું?

ગુજરાતમાં પણ ગંભીર અને પીડાદાયક બીમારીઓના કારણે થતી આત્મહત્યાઓની ચર્ચા દરમિયાન કેટલાક આંકડાઓ સામે આવી રહ્યા છે, જે કષ્ટદાયક છે. બહાર આવેલી વાસ્તવિક્તા મુજબ ગુજરાતમાં કેન્સર, એઈડ્સ, ટીબી, માનસિક રોગો વગેરેની પીડાથી કંટાળીને દરરોજ સરેરાશ ચારથી પાંચ લોકો પોતાની જિંદગી ટૂંકાવી લેતા હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતાં.

વર્ષ ર૦રર માં આ પ્રકારે વિવિધ પ્રકારની બીમારીઓ અને પીડાથી કંટાળીને ૧૧૭ર પુરુષ અને પ૭૪ મહિલાઓ અને ૧ ટ્રાન્સજેન્ડર સહિત ૧૭૪૭ દર્દીઓએ આત્મહત્યા કરી હોવાના આંકડા બહાર આવ્યા છે. તેની આગળના વર્ષે પણ આ આંકડો લગભગ આટલો જ હતો.

આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારી અને વધુ ચિંતાજનક બાબત એવી છે કે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓ માનસિક બીમાર હતાં. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યમાં માનસિક બીમારીથી કંટાળીને કે બીમારીની અસર હેઠળ ભાન ભૂલી જવાથી એક વર્ષમાં ૮૦૦ થી ૯૦૦ મેન્ટલ પેશન્ટ્સ આત્મહત્યા કરે છે, વર્ષ ર૦રર ના આંકડાઓને કેન્દ્રમાં રાખીને આ મુદ્દે તબીબી સંસ્થાઓ, રાજ્ય-કેન્દ્રના સ્વાસ્થ્ય વિભાગો તથા માનવતાવાદી સંસ્થાઓએ ગહન ચિંતન કરવું જરૂરી છે, અને વર્ષ ર૦ર૩ ના આંકડાઓ સામે આવ્યા પછી તેની સરખામણી કરીને આ પ્રકારે થતી આત્મહત્યાઓ ઘટાડવા સરકારી અને સામાજિક ક્ષેત્રોએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ, ખરૂ ને?

એક વર્ષમાં ૮૮૦ માનસિક રીતે બીમાર, કેન્સરથી પીડિત ૧૦૭, પેરાલિસિસથી પરેશાન ૭૦, એઈડ્સના કારણે રપ દર્દીઓએ આત્મહત્યા કરી લીધી હોવાના આ આંકડાઓ રાજ્યમાં વર્તમાન તબીબી સુવિધાઓ, સરકારી યોજનાઓ અને સામાજિક સૌહાર્દ અને પારિવારિક હૂંફના સંદર્ભે પણ અંગૂલીનિર્દેશ કરે છે, તેમ જણાય છે, અને આ સંવેદનશીલ મુદ્દે ટોપ ટુ બોટમ અને સર્વક્ષેત્રિય સહિયારા પ્રયાસો કરીને આ રીતે થતી આત્મહત્યાઓ અટકાવવા આગળ આવવું જોઈએ, તેમ નથી લાગતું?

આ ઉપરાંત ઘણી વખત લાંબા સમયથી પથારીવસ કે પરાવલંબી રહેવું પડતું હોય, લાંબી માંદગી અને ઉપચારથી કંટાળી ગયા હોય કે કેટલાક કિસ્સાઓમાં દેખભાળ કે સેવા કરનારૂ કોઈ ન હોય, તેવા કારણોથી આત્મહત્યા કરી લેનારા દર્દીઓની સંખ્યા પણ નાની નથી. આ તમામ પ્રકારની આત્મહત્યાઓ આપણાં માટે એક એવા દર્પણ જેવી છે, જેની સામે આપણે આંખ આડા કાન કરતા રહીએ છીએ, અને તેથી જ કદાચ આ માનવતાલક્ષી તથા સંવેદનશીલ મુદ્દે કોઈપણ ક્ષેત્રે અવાજ ઊઠાવાઈ રહ્યો નથી.

આત્મહત્યા કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી, અને શેરસટ્ટામાં હારી જવાથી, ગુન્હો કર્યા પછી પકડાઈ જવાની બીકે કે આબરૂ જવાના ડરથી કે પછી અનૈતિક કૃત્ય કર્યા પછી અફસોસ થવાથી થતી આત્મત્યાઓ જેવા બીજા ઘણાં કારણો આત્મહત્યા માટે કારણભૂત હોઈ શકે છે, પરંતુ કોઈપણ પ્રકારની આત્મહત્યાને યોગ્ય ઠેરવી શકાય જ નહીં, તેમાં પણ જો બીમારીથી કંટાળીને કે સારવાર, સેવા, હૂંફ, મદદ કે દકારના અભાવે થતી દર્દીઓની આત્મહત્યાઓ તો આપણા બધા માટે કલંકરૂપ જ ગણાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial