ગઈકાલે ભારતીય જનતા પક્ષે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો જેને 'મોદી કી ગેરંટી-સંકલ્પપત્ર' તરીકે ઓળખાવાઈ રહ્યો છે તે પહેલા કોંગ્રેસે ન્યાયપત્રના નામે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો. એવી જ રીતે જુદા જુદા રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાના જુદા જુદા નામકરણ કર્યા છે. ભાજપના ચૂંટણી ઢંઢેરા સાથે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાની સરખામણી થઈ રહી છે અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નવી ગેરંટીઓ કરતાં યે વધુ વર્તમાન યોજનાઓના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ પર ભાર મૂકયો છે તેવા તારણો સાથે ૭૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને પણ આયુષ્માન ભારત કાર્ડની યોજના હેઠળ આવરી લેવાની કરાયેલી જાહેરાતની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
લગભગ અઠવાડિયા દસ દિ' પહેલા કોંગ્રેસે જાહેર કરેલા ન્યાયપત્ર નામક ચૂંટણી ઢંઢેરામાં દસ પ્રકારની ગેરંટી અપાઈ હતી. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તીગણત્રી, એમએસપી, દેવામાફી, નવી નોકરીઓ, મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાયના ઢગલાબંધ વાયદા તેમના ઘોષણાપત્રમાં કર્યા હતાં.
સમાજવાદી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું નામ 'જનતાનું માંગપત્ર, અમારો અધિકાર' રાખ્યું છે. સપાએ પણ જાતિ આધારિત જનગણના, ઓપીએસ એમ.એસ.પી., દેવામાફી, કિસાન આયોગ, આરક્ષણ, ઘઉંનો લોટનું વિતરણ, સ્વાસ્થ્યની ગેરંટી અને વર્ષ-ર૦ર૯ સુધીમાં ગરીબી નાબૂદીના વાયદા કર્યા છે.
ગઈકાલે ભારતીય જનતાપક્ષે જાહેર કરેલા ઘોષણાપત્રમાં સમાન સિવિલ કોર્ડ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રૂ. પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર, ગરીબો માટે ત્રણ કરોડ ઘર, ગરીબોને વર્ષ-ર૦ર૯ સુધી મફત અનાજ, વન નેશન વન ઈલેકશન, એમ.એસ.પી., વૃદ્ધિ, કિસાન સમ્માનનિધિ, મુદ્રા યોજનાની મર્યાદામાં વધારો, પેપરલીક સામે કડક કાનૂન, સી.એ.એ. નો અમલ અને બુલેટ ટ્રેનનું સમગ્ર દેશમાં નેટવર્ક વધારવા ઉપરાંત હાલની તમામ યોજનાઓ સુધારા-વધારા સાથે ચાલુ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. તે ઉપરાંત પી.એમ. સૂર્યઘર યોજના હેઠળ ફ્રી વીજળીનો વાયદો કરાયો છે. આ ઘોષણાપત્રના એક ભાગમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાકીય સિદ્ધિઓ વર્ણવાઈ છે.
આ ઘોષણાપત્રમાં નારી સશક્તિકરણ, ગરીબોની યોજનાઓ, કિસાનો માટેની જાહેરાતો, સિનિયર સિટીઝનો માટેની જાહેરાતો તથા મિડલકલાસ, શ્રમિકો, ઉપરાંત દિવ્યાંગો, માછીમારો, ટ્રાન્સજેન્ડરો, દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના રોડ-મેપ તથા કેટલીક વિદેશી નીતિને લગતી ઘોષણાઓ પણ થઈ છે.
ભાજપના ઘોષણાપત્રની તત્કાળ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ ટીકા કરી કે આ ઘોષણાપત્રમાં મોંઘવારી અને બેરોજગારી જેવા શબ્દો ભૂલાઈ ગયા લાગે છે. પહેલા જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, તે પછી ભાજપે પણ તેને જુઠાણાનું પોટલું ગણાવ્યું હતું, અને વડાપ્રધાને પણ ચૂંટણી સભાઓમાં શાબ્દિક પ્રહારો કર્યા હતાં.
કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રપ ગેરંટી આપી હતી, તો ભાજપે ર૪ ગેરંટીઓ આપી છે. કોંગ્રેસે યુવાનો, મહિલાઓ, શ્રમિકો, આર્થિક વગેરેને આવરી લીધા હતા, અને સંવિધાનની રક્ષા તથા ન્યાયની ગેરંટી અપાઈ હતી.
એક તરફ ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આર.જે.ડી. સહિતના રાજકીય પક્ષોએ જાહેર કરેલ ચૂંટણી ઢંઢેરાઓની વિસ્તૃત ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ ચૂંટણી ઢંઢેરાઓની જાહેરાતો મુજબ આગામી શાસનગાળા દરમિયાન અમલવારી ન થાય, તો શાસનકર્તા પક્ષ કે ગઠબંધન સામે ચૂંટણીપંચ દ્વારા તે પછીની ચૂંટણી માટે આંશિક પ્રતિબંધ કે પછી કોઈ દંડાત્મક કાર્યવાહી જેવી સજા થઈ શકે કે કેમ ? તેવી પ્રશ્નાવલી સાથેની ચર્ચા ફરી એક વખત શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં ભાજપના ઘોષણાપત્ર કરતાં યે વધુ ચર્ચા રતનપુરમાં યોજાયેલા ક્ષત્રિઓના સંમેલનમાં સમગ્ર રાજ્ય ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા અને જંગી મેદની એકઠી થઈ, અને જે તેજાબી ભાષણો થયા તેની જ ચર્ચા સર્વાધિક થઈ રહી છે.
આ સંમેલનમાં ૧૯ મી એપ્રિલ સુધીનું તમામ એલ્ટિમેટમ અપાયુ અને તે પછી ગુજરાતની તમામ ર૬ બેઠકો પર ભાજપને હરાવવાના અભિગમનો સંકેત આપ્યો, તે પછી એવો સવાલ ઉઠી રહ્યો છે કે હવે શું થશે ? રૂપાલા સ્વયં હટીને ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મુકાતુ અટકાવશે કે પછી અમરેલીના જ બે દિગ્ગજ રાજનેતાઓ વચ્ચે રાજકોટ બેઠક પરથી જંગ ખેલાશે ? કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને મનાવીને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે જો રૂપાલા હટી જાય કે હારી જાય, તો ધાનાણીને તો બગાસુ ખાતા મોઢામાં પતાસું આવી જશે, તેમ કહી શકાય ખરું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial