વર્ષ-ર૦ર૪ ની શરૂઆત થઈ, ત્યારે જાન્યુઆરી મહિનાથી જ લોકસભાની ચૂંટણીની આહટ સંભળાવા લાગી હતી અને તે પછી ગુજરાત સહિત દેશભરમાં એક એવી માન્યતા પ્રસરી રહી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની સમજૂતિ પણ થઈ શકશે નહીં, અને મોદી મેજીક પર રાષ્ટ્રીય કક્ષાએ તો એનડીએ બહુમતી મેળવી જ લેશે, પરંતુ ગુજરાતમાં પણ ફરીથી તમામ ર૬ બેઠકો ભાજપને મળશે, કારણ કે, વિધાનસભાની ર૦રર ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો આપી હતી.
તે પછી ગુજરાતમાં તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ભાજપનો નવો લક્ષ્યાંક આવ્યો અને દેશમાં ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપ દ્વારા ટોપ-ટુ બોટમ માઈક્રો પ્લાનીંગ થવા લાગ્યું. તે પછી રાજય અને દેશમાં એકતરફી રાજકીય માહોલ ઊભો થઈ રહ્યો હોવાનો આભાસ પણ ઊભો થયો, તો ગુજરાતમાં કેટલીક બેઠક તો પાંચ લાખથી પણ વધુ લીડથી જીતવાના દાવા થવા લાગ્યા હતાં.
ચૂંટણીપંચે તારીખો જાહેર કરી અને ભાજપે તબક્કવાર ઉમેદવારોની જાહેરાતો શરૂ કરી, તે પછી કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પણ ઉમેદવારો જાહેર કર્યા અને કેટલાક નેતાઓના પક્ષાંતરો પણ થયા.
ઉમેદવારોની જાહેરાત થયા પછી ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાના છૂટક-છૂટક અહેવાલો આવી રહ્યાં હતાં, પરંતુ પ્રારંભમાં કોઈએ ગંભીરતાથી લીધા નહીં, અને શિસ્તપાલનના નામે આ પ્રકારની આંતરિક ગડમથલોને છાવરી લેવામાં આવી.
તે પછી કેટલાક નેતાઓએ હિંમતપૂર્વક પોતાના અભિપ્રાયો સોશ્યલ મીડિયાના માધ્યમથી કે અન્ય પ્લેટફોર્મ પરથી વ્યક્ત કરવાનું શરૂ કર્યુ, તો કેટલાક નારાજ નેતાઓએ પણ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ભાજપમાં ભરતી મેળો જામ્યો હોય, તેમ વિપક્ષના ઘણાં નેતાઓને ભાજપમાં સમાવાયા, અને તે પછી કેટલાક લોકોને વર્ષો જૂના કાર્યકર્તાઓ અને નેતાઓ કરતાં યે વધુ મહત્ત્વ મળ્યુ, તેથી પાર્ટીમાં ગુપચૂપ નારાજગી વધી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી.
કેટલાક પક્ષાંતર કરીને આવેલા નેતાઓને ભાજપે વર્તમાન ચૂંટણી-પેટા ચૂંટણીઓ માટે મહત્ત્વ આપ્યુ, તો કેટલાક નેતાઓને ટિકિટ ફાળવી. ભાજપમાં પણ સિનિયર નેતાઓની અવગણના કરીને જુનિયરોને ટિકિટો ફાળવી દેવાઈ હોવાની બૂમ ઉઠી, પરંતુ આ બધી જ નારાજગી શિસ્તબદ્ધ પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે સમાપ્ત થઈ ગઈ અથવા તો દબાઈ ગઈ.
આ દરમિયાન રૂપાલા પ્રકરણે એક તરફી જણાતી ગુજરાતની ચૂંટણીઓને રસાકસીભરી બનાવી દીધી. ક્ષત્રિયોની એકજૂથતા અને રતનપુરના રણટંકાર પછી એવી સ્થિતિ ઊભી થઈ ગઈ કે હવે શું થશે...? તેવા સવાલોના જવાબ આજની તારીખે તો કોઈ પાસે નથી.
અત્યારે ચોતરફ ચર્ચાઈ રહેલા રૂપાલા પ્રકરણ ઉપરાંત ભાજપની અડધા ડઝનથી વધુ લોકસભાની બેઠકો પર ભાજપના જ નેતાઓ - કાર્યકરોનો છુપો અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે. વડોદરાથી અસંતોષ અને નારાજગી પ્રગટ થવાની શરૂઆત થઈ, જે હવે સાત-આઠ લોકસભાની બેઠકો સુધી વિસ્તરી હોવાની વાતો વહેતી થઈ છે. ક્યાંક નેતાઓની અંગત વ્યક્તિએ જ પોલ ખોલી હોવાનું કહેવાય છે, તો કેટલાક વીડિયો, સીડી એન ઓડિયો ક્લીપો ફરતી થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને તેમાં તથ્ય હોય તો તે ભાજપ માટે પડકારરૂપ છે. અત્યારે કચ્છ, અમરેલી, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વિગેરે બેઠકો પર ભાજપમાં પ્રગટેલો અસંતોષનો ચરૂ ઠારવાના પ્રયાસો થઈ રહ્યાં હોવાનું કહેવાય છે, અને પોરબંદર, જુનાગઢ સુધી અસંતોષની આ કથિત આગ ફેલાઈ હોવાનું કહેવાય છે, જેને વિપક્ષ તો પ્રોપાગન્ડા પણ ગણાવી રહ્યો છે.
જો કે, કોંગ્રેસમાં પણ બધું બરાબર તો નથી જ, કોંગ્રેસમાં પણ ઉમેદવારો જાહેર થયા પછી કેટલાક સ્થળેથી નારાજગી અને વિદ્રોહની આશંકાઓ ઉઠવા પામી હોવાનું ચર્ચાય છે, પરંતુ જંગી લીડથી તમામ બેઠકો જીતવાનો અભરખો લઈને ચાલી રહેલા ભાજપના નેતાઓ સામે નવા પડકારો તો ઊભા થયા જ છે ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial