આજે રામનવમી છે અને દેશ-વિદેશમાં વિવિધ સ્વરૂપે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે, અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર નવનિર્મિત બાલસ્વરૂપ શ્રીરામના દર્શને પણ લાખો ભકતો પહોંચ્યા છે, જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામના દર્શને પણ હજારો ભકતો પહોંચ્યા છે. જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેમાં જામનગરના બાલા હનુમાનજી તથા બેટ દ્વારકાના હનુમાનદાંડી તરીકે ઓળખાતા મંદિરોનો સમાવેશ થાય છે. બપોરે ૧ર વાગ્યે ભગવાન શ્રીરામના જન્મના પ્રસંગો વિશેષ દર્શન સાથે મહાઆરતીઓ પણ થઈ છે. આજે જામનગર સહિત સૌરાષ્ટ્રના ઘણાં સ્થળે રામનવમીના પર્વે વિશેષ શોભાયાત્રાઓ પણ નીકળી રહી છે.
રામાયણમાં માનવજીવનને સંબંધિત ઘણી પથદર્શક ઘટનાઓ વર્ણવાઈ છે અને શ્રીરામનામનો મહિમા ગણાવ્યો છે. રામાયણમાં વચનપાલનનો મુખ્ય સંદેશ સમગ્ર રામકથાની બુનિયાદ છે, અને મૌખિક રીતે અપાયેલું વચન પાળવા માટે પોતાના પ્રિય જયેષ્ઠપુત્રને વનમાં જવા દેવાના આઘાતમાં પ્રાણ ત્યજી દેનાર દશરથરાજા તથા પિતાના વચને વનમાં જનાર ભગવાન શ્રીરામની સમગ્ર કથા રઘુકૂળની વચનબદ્ધતામાંથી પ્રગટી છે, અને એક ઝટકામાં રાજપાટ છોડીને ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારનાર રામ માટે પિતાનું 'વચન' કેટલું મૂલ્યવાન હશે, તે સ્વયંસ્પષ્ટ છે.
રામનવમીનો પાવન સંદેશ વચનપાલન પર નિર્ભર છે અને તેની સાથે સંકળાયેલી એક ચોપાઈ પણ ઘણી જ પ્રચલીત છે....
રઘુકુલ રીતિ સદા ચલી આઈ...
પ્રાણ જાય પર વચન ન જાઈ...
રઘુકુળમાં વચન પાલનનું મહત્ત્વ રાજપાટ અને પોતાના પરિવાર જ નહીં, પોતાના જીવન કરતાં પણ વધુ છે, તેવું આ ચોપાઈ સૂચવે છે.
આજના આ યુગમાં પણ વચનો અપાય છે, અને તેનું પાલન પણ થતું હોય છે, પરંતુ તેમાં બાંધછોડ પણ થતી હોય છે અને અપાયેલા વચનો પર પરિવાર, સ્વાર્થ, મોહ કે જીવનમાં સુખ-સુવિધાના પ્રલોભનો હાવી થઈ જતાં હોય છે, અને તે હવે સમગ્ર માનવજાત માટે પડકારરૂપ અને વિશ્વસનિયતા સામે ખતરારૂપ બનીને વિશ્વાસઘાતના ઉદ્દભવસ્થાનો બની રહ્યા છે, તેમ નથી લાગતું ?
અત્યારે દેશમાં ચૂંટણીની મોસમ છે અને કોઈપણ તહેવાર, પ્રસંગ કે ઘટના હોય, તેના પર ચૂંટણીઓના પ્રચારનો પ્રભાવ પડતો જ હોય છે, અને તેમાં રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગીતાજી વગેરેના દૃષ્ટાંતો પણ અપાતા હોય છે... દાયકાઓથી અયોધ્યાની રામજન્મભૂમિ પણ ચૂંટણી પ્રચારનો એક મુદ્દો હતો અને હવે ત્યાં બાલ સ્વરૂપના ભગવાન શ્રીરામના નવનિર્મિત રામ મંદિરનો ઉલ્લેખ પણ કોઈન્ને કોઈ સ્વરૂપે રાજકીય પક્ષો કરી જ રહ્યા છે ને ?
ગયા અઠવાડિયાથી વિવિધ રાજકીય પક્ષોએ ઘોષણાપત્રો પ્રસિદ્ધ કર્યા, અને તેની હવે સમીક્ષાત્મક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ ઘોષણાપત્રમાં મતદારોને રાજકીય પક્ષોએ ઢગલાબંધ વાયદાઆ કર્યા છે, અથવા 'વચનો' આપ્યા છે, ત્યારે આ વચનોનું પાલન રાજા દશરથ કે પિતાના વચને ૧૪ વર્ષ માટે જંગલમાં જનાર શ્રીરામની જેમ જ રાજકીય પક્ષો કરશે ખરા ? જે પક્ષ કે ગઠબંધનને સત્તા મળશે, તે આ ઢગલાબંધ વાયદાઓ મુજબ પ્રજાલક્ષી નિર્ણયો લેશે ખરા ? આઝાદી મળી, ત્યારથી અત્યાર સુધી થયેલી ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાઓમાં કરેલા વાયદાઓ પૂરા કર્યા છે ખરા ? વચનોનું પાલન થયું છે ખરું? હવે ચૂંટણી ઢંઢેરાઓને રાજકીય જુદા જુદા નામો અપાઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો- ઉમેદવારો દ્વારા આડેધડ વાયદાઓ કર્યા પછી તેને ભૂલી જવાની કે પછી પૂરેપૂરું પાલન નહીં કરવાની કોઈ સજા કે દંડની જોગવાઈ પણ થવી જોઈએ તેમ નથી લાગતું ?
ગુજરાતમાં તો ક્ષત્રિયોની સંકલન સમિતિએ આજ (રામનવમી)થી જ બીજા તબક્કાના આંદોલનની શરૂ કરવાની જાહેરાત કરી હોવાના અહેવાલો પછી ભાજપ માટે રાજ્યમાં પ્રચારસભાઓ, રેલીઓ વગેરે કાર્યક્રમ દરમિયાન પણ રૂપાલાના વિરોધનો સામનો કરવો પડી શકે છે, તો બીજી તરફ ચૂંટણીતંત્ર સામે પણ આ નવો પડકાર હશે, કારણ કે ચૂંટણીપ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થાય, તેની જવાબદારી ચૂંટણીપંચની જ રહે છે. જો કે, ૧૯ મી સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચી શકે, તેવી મુદ્દત પણ અપાઈ છે, ત્યારે આ મુદ્દે હવે 'દિલ્હી'થી શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.
ચૂંટણીઓ તો આવે અને જાય, આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ તમામ પ્રકારના ભેદભાવો ભૂલી જઈને સાથે મળીને આજે રામનવમી ઉજવીએ. નોબત પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત' ની સાથે સંકળાયેલા તથા સૌકોઈને રામનવમીની શુભકામનાઓ પાઠવે છે... જય સીયારામ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial