હાલારમાં રામનવમીની ઉમંગભેર ઉજવણી થઈ, શોભાયાત્રાઓ નીકળી અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા. હાલારમાં આવેલા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાની પાવનભૂમિ પર હનુમાનદાંડીનું મંદિર, દ્વારકાના અખંડ રામધૂન મંદિર અને જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂન સાથે રામનવમીની ઉજવણી કાંઈક વિશેષ મહત્ત્વપૂર્ણ બની હતી.
હાલારની આ જ પાવન ભૂમિ પરથી હવે નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાઈ રહ્યો હોવાથી ચિન્તાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે, અને કયાંક 'ઉડતા પંજાબ'ની જેમ 'ઉડતા હાલાર' ની દિશામાં તો આ વિસ્તાર ધકેલાઈ રહ્યો નથી ને ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
દેવભૂમિમાંથી લાખો રૂપિયાનો નશીલા પદાર્થોનો બિનવારસુ જથ્થો ઝડપાયાના અહેવાલો આવ્યા પછી એસ.ઓ.જી.એ ચરસનું સ્મગલીંગ કરનારાઓની શોધખોળ આદરી હતી. બીજી તરફ ખંભાળીયા નજીકથી પણ દારૂનો જંગી જથ્થો ઝડપાયો, ત્યારે એક શખ્સ પકડાયો અને ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હોવાના અહેવાલો હતાં, તો દ્વારકા જિલ્લાના બાટીશા પાસેથી પણ શરાબનો જંગી જથ્થો ઝડપાયા પછી અને ભાણવડના મોરઝરમાંથી પણ એક મકાનમાંથી દારૂનો જંગી જથ્થો મળ્યા પછી એક શખ્સ ઝડપાયો હોવાના અહેવાલો હતાં. જામનગરમાંથી પણ તાજેતરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલા વઢવાણના શખ્સને ઝડપી લીધો હોવાના અહેવાલો હતા, અને તે શખ્સ જામનગરના જ કોઈ શખ્સને જથ્થો પહોંચાડવા આવ્યો હોવાનું કહેવાય છે.
તે પછી ગઈકાલે સાંજે એવા અહેવાલો આવ્યા કે રાજસ્થાન તરફથી જામનગર તરફ આવી રહેલી કોઈ કારમાંથી એક કિલોથી વધુ વજનનું એટલે કે ૧૦૪૭ ગ્રામ ડ્રગ્સ અમીરગઢ ચેકપોષ્ટ પર બનાસકાંઠા પાસે કડક ચેકીંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યું હતું, અને પકડાયેલા ત્રણ શખ્સો સામે એનડીપીએસ એકટ હેઠળ ગુન્હા નોંધાયો છે. એવું કહેવાય છે કે આ કારનું પાર્સીંગ પણ જામનગરનું હતું અને ઝડપાયેલા શખ્સોનું પગેરૃં પણ જામનગર તરફ નીકળ્યું હતું. ગુજરાત-રાજસ્થાન સરહદેથી ઝડપાયેલા આ જથ્થા અંગે ઉંડી અને વિસ્તૃત તપાસ તો થઈ જ રહી હશે, પરતુ સમગ્ર હાલારમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ, શરાબ જેવા નશીલા પદાર્થો ઝડપાવાનું વધી રહેલું પ્રમાણ એક તરફ તો પોલીસ અને એસઓજીની ચોકસાઈ અને સક્રિયતા પુરવાર કરે છે તો બીજી તરફ છોટી કાશી, યાત્રાધામ દ્વારકા સહિતના વિવિધ યાત્રાસ્થળો જેવી પાવન ભૂમિ પર નશીલા પદાર્થોનો વેપલો અને તેનું સેવન વધી રહ્યું હોય તો તે ગંભીર ચિન્તાની બાબત પણ ગણાય. આ માત્ર કાયદો-વ્યવસ્થાની જ બાબત નથી પરંતુ આપણી જ નવી પેઢી કયાંક બરબાદી તરફ તો ધકેલાઈ રહી નથી ને ? તેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે.
રાજસ્થાનની ગુજરાત સરહદેથી ડ્રગ્સ પકડાયું હતું અને હવે એવા અહેવાલો પણ આવ્યા છે કે રાજસ્થાનમાં સુરક્ષાકર્મીઓને બોર્ડર નજીક તોડી પાડેલા ડ્રોનમાં ડ્રગ્સનો જથ્થો હતો. તેથી એવી આશંકા પણ જાગે છે કે પાકિસ્તાનથી આ બધો દોરીસંચાર થતો હોવો જોઈએ. પંજાબ અને કાશ્મીરની સરહદેથી ડ્રોન દ્વારા જે રીતે હથિયારો અને ડ્રગ્સ મોકલવાના કારસા થયા છે, તેવી જ રીતે રાજસ્થાનમા ડ્રોન દ્વારા ડ્રગ્સ ઘુસાડીને તેને ગુજરાત તરફ મોકલવામાં આવતું હોવાથી આ ડ્રગ્સ રેકેટ સમગ્ર રાજ્ય માટે તો ખતરનાક બનતું જ જાય છે પરંતુ હવે તેનું પગેરૃં હાલાર તરફ નીકળતા હાલાર અને સૌરાષ્ટ્રમાં પણ આ નેટવર્ક વિસ્તરી રહ્યું હોય, તો તેને તત્કાળ ભેદવું પણ જરૂરી છે, ખરું કરે નહીં ?
એવું પણ બની શકે કે ડ્રગ્સની હેરાફેરી માટે હાલાર જંકશન બની રહ્યું હોય અને હાલારના કાંઠાળ વિસ્તારો તથા જમીન માર્ગોનું સંયોજન કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોય અથવા તે દિશામાં ડ્રગ્સ માફિયાઓ આગળ વધી રહ્યા હોય....
ડ્રગ્સ અને વિદેશી દારૂનો જંગી જથ્થો ઠેર-ઠેરથી ઝડપાય, તે જરૂરી છે અને તેને આપણા પોલીસતંત્ર તથા સરહદી સુરક્ષા દળો-પેરા મિલ્ટ્રી ફોર્સીસ તથા દરિયાઈ એજન્સીઓ, પોર્ટ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ અને ફિશરીઝ વચ્ચે વધુ સુદૃઢ સંકલનથી ગુજરાતમાં પ્રવેશતું જ અટકાવવાના વ્યૂહાત્મક પ્રયાસો પણ આજના સમયની માંગ છે, પરંતુ ડ્રગ્સ અને શરાબની લતે આપણી જ નવી પેઢી અને હાલારીઓ સહિત ગુજરાતીઓ ન ચડી જાય, તે માટે આપણે સૌએ (સમાજ), પણ વાસ્તવિક અને અસરકારક પ્રયાસો કરવા પડે તેમ છે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial