રામ જન્મોત્સવ સંપન્ન થયો અને આજથી લોકતંત્રનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. જામનગરમાં ગઈકાલે સાંજના સમયે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોના અલગ-અલગ સ્થળે આયોજનો થયા હતા, અને તેના સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ દરમિયાન કેટલાક મુખ્ય માર્ગો તથા સર્કલો નજીક ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં, અને થોડા સમય માટે તો તંત્રોએ પણ હડિયાપટ્ટી કરવી પડી હતી.
આજે લોકતંત્રનો મહોત્સવ શરૂ થયો છે અને પહેલા તબક્કામાં ૧૦ર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ત્રીજા તબક્કા માટે આજે જામનગરના ભાજપના ઉમેદવારના નામાંકન પછી હવે હાલારમાં ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડશે. કોંગ્રેસના ઉમેદવાર આ પહેલા - ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. આપણે પણ ૭ મી મે ના દિવસે ગમે તેમ કરીને મતદાન કરવાનું જ છે, એ ભૂલાય નહીં.... હો...
આજે એક તરફ પહેલા તબક્કા માટે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ર૧ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે, અને બીજી તરફ ત્રીજા તબક્કામાં મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે, તો ચૂંટણી પંચે ગઈકાલે જ ચોથા તબક્કાના મતદાન માટે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. ચોથા તબક્કાનું મતદાન પણ લોકસભાની ૧૦ૅર બેઠકો માટે થવાનું છે, જે નવ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં થશે.
જામનગર બેઠકનું મતદાન ૭ મી મેના દિવસે ત્રીજા તબક્કામાં થવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજથી જ ખરાખરીનો પ્રચારજંગ જામશે, તેમ જણાય છે. આજે બપોરે ફોર્મ ભરાયા પછી પણ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા બાદ જ ગુજરાતમાં કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, તેનું ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે.
આજે પ્રથમ તબક્કામાં ૧૦ર બેઠકો પર ૧૬રપ ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ લોકતંત્રના મહાપર્વમાં અવશ્ય મતદાન કરીને આ લોકતાંત્રિક યજ્ઞમાં આહુતિ આપવા મહાનુભાવો, સેલિબ્રિટીઝ અને રાષ્ટ્રપતિ તથા પી.એમ. દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ર૬ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ૧ર રાજ્યોની ૯૪ લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. આવતીકાલે ફોર્મની ચકાસણી પછી રર મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે. જેથી રર મી એપ્રિલની સાંજે એ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની ર૬ બેઠકો પર કોણ કોણ મેદાનમાં રહ્યું છે, આ વખતે રર મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોઈ, રાજકોટની બેઠક પરથી પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું ખેંચે છે કે નહીં, તેના પર પણ બધાની નજર રહેવાની છે. જો કે, અત્યારે તો એવું લાગે છે કે ભાજપ રૂપાલાનું ફોર્મ પાછું ખેંચાવવાના મૂડમાં નથી, પરંતુ રાજનીતિમાં કાંઈ પણ બની શકે છે, તેથી રરમી એપ્રિલ પછી ક્ષત્રિય સમાજનું વલણ કેવું રહે છે અને આંદોલનકારીઓની રણનીતિ કેવી રહે છે તે જોવાનું રહ્યું.... ખરું ને?
રાજકોટની બેઠક પરથી જ આજે કોંગ્રેસના પરેશ ધાનાણીની ઉમેદવારી નોંધાયા પછી હવે તેઓ પરસોત્તમ રૂપાલાને ટક્કર આપવાનું જાહેર કરી ચૂક્યા છે, ત્યારે મૂળ ફાઈટ ઘણી જ રસપ્રદ રહેવાની છે, તે ઉપરાંત ક્ષત્રિય સમાજનું રૂપાલાને લઈને હવે પછીનું વલણ પણ મહત્ત્વપૂર્ણ રહેવાનું હોઈ, રૂપાલાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનની ચર્ચા પણ થઈ રહી છે, જોઈએ હવે શું થાય છે તે...
આ વખતે ધોમધખતો તડકો અને અસહ્ય ગરમી પણ ચૂંટણીતંત્ર, ઉમેદવારો અને પક્ષો માટે પડકારરૂપ બનવાની છે. ચૂંટણીપંચે તો મતદાન મથકો પર વિવિધ વ્યવસ્થાઓ કરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ ગરમીનો પ્રકોપ હોય, ત્યારે બપોરના બે-ત્રણ કલાક પાંખુ મતદાન થાય, તેવી શકયતા હોવાથી વહેલી સવારથી જ અગ્રતાક્રમે મતદાન કરી આવવાની અપીલો પણ જોરશોરથી કરવામાં આવી રહી છે.
એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ જળાશયોમાં જળસંગ્રહ ઝડપભેર ઘટી રહ્યો છે. કેટલાક જળાશયો તો ખાલીખમ થવાના આરે છે. હાલારના ચાર-પાંચ જળાશયો સહિત સૌરાષ્ટ્રના ૧પ જેટલા ડેમો તો તદ્દન ખાલી થઈ ગયા છે. જ્યારે માંડ એકાદ ટકા જ જળસંગ્રહ વધ્યો હોય તેવા ખાલી થવાના આરે પહોંચેલા દસેક ડેમોમાં પણ હાલારના ચારેક જળાશયો છે. આમ, ચૂંટણી પ્રક્રિયાની સાથે સાથે તંત્રોએ પીવાના પાણીની જન-જરૂરિયાતો મુજબનો પાણી પુરવઠો જાળવી રાખવા નર્મદાના નીર લાવવા સહિતના પ્રયાસો પણ કરવા જ પડશે, ખરું ને ?
આજે પ્રથમ તબક્કાના મતદાનના અનુભવે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ગરમીના પ્રકોપની વિપરીત અસરો મતદાન પર કેટલી અને દિવસ દરિમયાન કયારે થાય છે, અત્યારે દિવસ વહેલો ઉગી જતો હોવાથી વહેલી સવારથી જ મતદાનની લાઈનો લાંબી થતી જોવા મળે, તો નવાઈ જેવું નહીં હોય, અને તે જરૂરી પણ છે જ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial