વાસી ખોરાક પીરસનાર રેસ્ટોરન્ટ બદનામ થઈ જાય છે...
આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, અને વાસી ખોરાક પીરસવામાં આવે તો આપણે તરત જ તેની ફરિયાદ રેસ્ટોરન્ટના સ્ટાફને કરીએ છીએ, અને મોટાભાગે અન્યત્ર અલ્પાહાર કે ભોજન કરવા જતા રહીએ છીએ. આપણને તાજેતાજુ અને સ્વાસ્થ્યપ્રદ ખાવું-પીવું જ ગમે છે. આપણે વાસી ખોરાકને સ્વાસ્થ્યવિરોધી ગણીએ છીએ અને વાસી પદાર્થો ખાવા-પીવાથી ઘણી વખત સામૂહિક ફૂડ પોઈઝનીંગના કેસો પણ બનતા હોય છે.
સરકારી તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આ પ્રકારના વાસી કે સ્વાથ્યને હાનિકારક ચીજવસ્તુઓ વેંચનારાઓ સામે કડક પગલાં લેવા માટે અલાયદ્ી ટીમો, અધિકારીઓ અને સ્ટાફ હોય છે, અને તેના દ્વારા ચેકીંગ થયા પછી તેને અખાદ્ય જણાય, કે પીવાલાયક ન હોય, તેવા પદાર્થો, ફળો, પીણાઓ અને તૈયાર ભોજનનો પણ સ્થળ પર જ નાશ કરી દેવામાં આવે છે, અને કેસ નોંધાય છે. ઘણી વખત આ પ્રકારના શંકાસ્પદ પદાર્થોના નમૂના મેળવીને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, અને તેના રિપોર્ટ નેગેટીવ આવે, તો કડક કાર્યવાહી કરવાની જોગવાઈઓ પણ છે.
ન્યૂઝ એટલે સમાચાર... સમાચાર એટલે જે ઘટના બની હોય, પ્રવૃત્તિ થઈ હોય કે ખાસ મેસેજીંગ (કોઈ સામૂહિક સંદેશ વહેતો કરવો હોય) નો ઉદ્દેશ્ય હોય, તેને જેવા સ્વરૂપે છે, તેવા જ સ્વરૂપે, પોતાના અંગત અભિપ્રાયો-વિચારસરણીથી અળગા રહીને ખૂબ જ ઝડપથી જનતા સમક્ષ મૂકવામાં આવે તે પ્રકારની પ્રક્રિયાને સમાચારની પ્રસ્તુતિ ગણી શકાય, તેવું મારૂ અંગત મંતવ્ય છે. હવે પછી યોજાનાર કાર્યક્રમો કે તેવી સંભાવનાઓને પ્રિ-પબ્લિસિટી અથવા પૂર્વ-પ્રસિદ્ધિ ગણી શકાય. પૂર્ણ વર્તમાન કાળમાં એટલે કે જસ્ટ હમણાં જ પૂરી થઈ હોય, તેવી પ્રવૃત્તિને કે ઘટનાને હવે બ્રેકીંગ ન્યૂઝના સ્વરૂપમાં ત્રણેય પ્રકારના માસ મીડિયામાં મૂકવામાં આવે છે. ચાલુ વર્તમાનકાળમાં એટલે કે બની રહેલી ઘટના, પ્રવૃત્તિ કે પ્રસંગને જિવંત (લાઈવ) રજૂ કરવામાં આવે છે, જે પણ ત્રણેય પ્રકારના મીડિયાના માધ્યમથી રજૂ થાય છે. ઈલેક્ટ્રોનિક અને સોશ્યલ મીડિયામાં તો જિવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) થાય જ છે, પરંતુ પ્રિન્ટ મીડિયા ગૃહો દ્વારા પણ હવે બ્રેકીંગ ન્યૂઝ દ્વારા આ પ્રકારના તાજેતરના (લાઈવ) અહેવાલો રજૂ થાય છે. પહેલાના જમાનામાં 'એડિશન' અથવા 'વધારો' બહાર પાડીને પણ આ પ્રકારના તાજેતરના મહત્ત્વના સમાચારો પ્રસિદ્ધ થતા હતાં, અને તે પણ ઓલમોસ્ટ લાઈવ ટેલિકાસ્ટ કે બ્રેકીંગ ન્યૂઝ જેવું જ હતું, તેમ પણ કહી શકાય, ખરૂ કે નહીં?
આમ તો આ વિષય ઘણો જ વિશાળ છે, પરંતુ આજે આપણે જે સંદર્ભમાં ન્યૂઝની વાત કરી રહ્યા છીએ, તે મુજબ ન્યૂઝ એટલે કોઈપણ ઘટના, પ્રવૃત્તિ કે માસ મેસેજીંગની સાચેસાચી માહિતી કોઈપણ ઉમેરો કે પોતાના વિચારો ઉમેર્યા વગર વિવિધ માધ્યમો મારફત લોકો સમક્ષ રજૂ કરવી, એમ માનીએ તો એમ પણ કહી શકાય કે વાસી ન્યૂઝ રેસ્ટોરન્ટના વાસી ખોરાક જેવા છે, અને પોસ્ટ પબ્લિસિટી એટલે કે સંપન્ન થઈ ગયેલા કાર્યક્રમો, પ્રવૃત્તિઓ કે બનેલી ઘટનાઓ પણ જો સમયોચિત ગાળામાં પ્રસ્તુત થાય, તો જ તેની પ્રાસંગિક્તા ટકી રહે અને લોકોને તેમાં રસ હોય, બાકી આ પ્રકારની પબ્લિસિટી સમયોચિત સમયગાળામાં ન થાય, તો તે ન્યૂઝનું સ્વરૂપ ગુમાવી દેતી હોય છે, તેમ હું માનું છું. હા, આ પ્રકારની સામગ્રીમાં ન્યૂઝ સ્ટોરીઝ, આર્ટિકલ્સ, સક્સેસસ્ટોરી કે પ્રાસંગિક લેખો જેવા વિષયો હોય, તો તે યોગ્ય સમયે અલગ સ્વરૂપે પ્રસિદ્ધ થઈ શકે, પરંતુ 'સમાચાર' તો તાજેતાજા જ હોય, ખરૂ ને?
આર્ટિકલ્સ, સક્સેસ સ્ટોરીઝ, ફોટો સ્ટોરીઝ, ન્યૂઝ સ્ટોરીઝ, પ્રાસંગિક લેખો વગેરે વિષયો પણ ન્યૂઝની જેમ જ વિશાળ છે, અને તેના પર એકાદ પેરેગ્રાફમાં લખી શકાય જ નહીં, પરંતુ વાસી ન્યૂઝમાં આંકડાઓ, અપડેટ અને તવારીખ ઉમેરીને તેનો સદ્પયોગ કેવી રીતે થઈ શકે, તેનું માત્ર પર્સનલ પથદર્શન જ અહીં કર્યું છે.
એડવર્ટાઈઝમેન્ટ તો તેનાથી પણ મોટો, ગહન અને પરિવર્તનશીલ સબજેક્ટ છે. ન્યૂઝ, આર્ટિકલ કે સટોરીઝ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક કે સોશ્યલ મીડિયા મુજબ કાયમી નિયમિત અને એલ્ટાબ્લીસ્ટ ઢબે રજૂ કરવા માટે એડવર્ટાઈઝમેન્ટ મૂળ પોષક પરિબળ છે, અને આવકનો મહત્તમ સોર્સ છે, તેથી જર્નાલિઝમની દુનિયા, મીડિયા હાઉસીઝ કે પ્રિન્ટ મીડિયા માટે તો જાહેરખબરો (જાહેરાતો) અથવા એડવર્ટાઈઝીઝ 'ઓક્સિજન' જ ગણાય, પરંતુ હવે તો વિવિધ પ્રોડક્ટ્સનો પ્રચાર, માર્કેટીંગ અને વ્યવસાયિક વિસ્તૃતિકરણ માટે પણ એડવર્ટાઈઝમેન્ટ હૃદય જેવું કામ કરે છે, તેમ કહીયે તો ખોટું નહીં ગણાય.
એડવર્ટાઈઝમેન્ટ પણ ફ્રેસ જ હોવું જરૂરી છે. કોઈ એવું કહેશે કે કેટલાક પ્રચલિત સાબુ, ટ્રુથપેસ્ટ, દૂધ, વોશીંગ પાઉડર વગેરેની જાહેર ખબરો તો દાયકાઓથી ચાલી રહી છે, તેથી તેને 'આઉટ ઓફ ડેઈટ' થોડી કહેવાય?
આ દલીલ તદ્દન સાચી છે, પરંતુ જે ચીજવસ્તુની દાયકાઓથી જાહેરખબરો સતત આવતી જ રહી છે, તે ચીજવસ્તુઓ સ્વયં ફ્રેશનેસ (તાજાપણું) જાળવી રાખ્યું હશે, અથવા તેની ગુણવત્તા યથાવત જળવાઈ રહી હશે કે પછી સમયાંતરે ગુણવત્તામાં સુધારા સાથે કવોલિટીમાં વધારા થતા રહ્યા હશે. ઓડવર્ટાઈઝ પણ તાજેતાજી જ ફળદાયી નિવડે અને હવે તો ખોટી અને મોટી મોટી જાહેર ખબરો આપનારા દંડાવા પણ લાગ્યા છે, તેથી થોડુ સાવચેત રહેવા જેવું પણ ખરૂ...
એડવાઈઝના પણ ઘણાં પ્રકારો છે.. મોટા મોટા બિઝનેસમેનો, ઉદ્યોગપતિઓ, સરકારો, બંધારણીય હોદ્દાઓ પર કાર્યરત કેટલાક મહાનુભાવો અને સંસ્થાઓ દ્વારા પણ તોતિંગ પગારથી એડવાઈઝરો નિમવામાં આવતા હોય છે. આ એડવાઈઝરોની ભૂમિકા મોટાભાગે પબ્લિક ડોમેનમાં આવતી હોતી નથી પરંતુ મહત્વપૂર્ણ હોય છે. જો આ એડવાઈઝરો સાંપ્રત સમયને અનુરૂપ અને સતત અભ્યાસરત રહીને, જે ઉદૃેશ્ય માટે તેને સલાહકાર નિમ્યા હોય તેની તાજેતાજી સલાહ આપવામા નિષ્ફળ જાય તો તે એક મિનિટ પણ ટકી ન શકે તે હકીકત છે.
વ્યક્તિગત સલાહોમાં તો એવું છે કે જ્યારે આપણે કોઈની સલાહ માંગીએ ત્યારે તે સલાહ આપે તેના પર પૂરેપૂરો વિચાર કરીને તે સલાહ માનવી કે નહી, તે તરત જ નક્કી કરી લેવું જોઈએ અન્યથા વધતું જતું કન્ફયુઝન ખોટો નિર્ણય લેવડાવી શકે છે.
કોઈને સલાહ આપી હોય અને તેનો અમલ જ ન થાય કે વિલંબથી થાય તો તે પણ વાસી ખોરાક જેવું જ ગણી શકાય. એડવર્ટાઈઝમેન્ટ ફેકટર સૌથી વધુ જવાબદાર ફેકટર છે અને આ ક્ષેત્રમાં જરાપણ ચૂકી જવાય તો તેના અનપેક્ષિત માઠા પરિણામો આવતા હોય છે અને તેના ઘણાં દૃષ્ટાંતો પણ મોજૂદ છે.
ઈન્ટરનેટ યુગમાં હવે સોશિયલ મીડિયાની ભૂમિકા પણ વધી રહી છે. પ્રિન્ટ-ઈલેકટ્રીક મીડિયા પણ પૂરક પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્રકારોના કારણે સ્વયંભૂ જર્નાલિઝમની નવી પહેલ પણ થઈ છે પરંતુ તેમાં સ્વયંશિસ્ત રાખવું પણ અત્યંત જરૂરી છે. જો સોશિયલ મીડિયા મારફત એવી પ્રવૃત્તિ થઈ જાય કે જે કાનૂન કે નિયમ વિરોધી હોય કે પછી આધારવિહોણા તથ્યો પર આધારિત હોય તો તેના માઠા પરિણામ આવી શકે છે. એમ પણ કહી શકાય કે તેવું કરવુુું પોતાના જ પગ પર કુહાડો મારવા જેવું પણ થઈ શકે છે. તેથી એલર્ટ અનિવાર્ય છે.
પ્રિ-પબ્લિસિટી, પ્રેઝન્ટ પબ્લિસિટી અને પોસ્ટ પબ્લિસિટીના વિષયો ભલે કોલેજો કે ટ્રેનીંગ સેન્ટરોમાં વિસ્તૃત રીતે ભણાવાતા હોય પણ જ્યારે પ્રેક્ટિકલી તેના ઉપયોગો અને સંદંર્ભાે પરિવર્તનશીલ જ રહે છે. દૃષ્ટાંત તરીકે કોઈ મીડિયા હોય કે સરકારી મીડિયામાં નક્કી કરેલી પોલિસીઓને અનુસરવું હોય ત્યારે તેના ધારા-ધોરણો મુજબ જ કામ કરવું પડે.. એવું મારૂ માનવું છે. જો કે પોસ્ટ પબ્લિસિટીની પણ એક સમય મર્યાદા હોય છે. આપણે ઘણી વખત જન્માષ્ટમી પર્વની ઉજવણીના સમાચારો (ન્યૂઝ) છેક દિવાળી નજીકના સમયે વાંચીએ છીએ અને ૧પમી જાન્યુઆરી સુધી ચાલતા હોય, તો તે પોસ્ટ પબ્લિસિટી તો ગમે ત્યારે થઈ શકે તેવી માનસિકતાનો દૂરુપયોગ જ થયો ગણાય, ઘણી વખત કોઈ કાર્ય ખોટું ન હોય પરંતુ ઉચિત ન ગણાતું હોય તો તેને એવોઈડ કરવું જોઈએ, ખરુ કે નહીં..?
આ માત્ર વિચારો છે.. વિરૂદ્ધ ભાવે કોઈ પણ લાવલપેટા વગર મનની વાત કરી છે.. જેટલી સાચી લાગે તેટલી સ્વીકારજો... ખોટી લાગે તેટલી એવોઈડ કરજો...
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial