ધોમધખતા તડકા અને ઘણાં સ્થળે ગરમીના પ્રકોપ વચ્ચે ગઈકાલે લોકસભાની ૧૦ર બેઠકો માટે ૬ર ટકાથી વધુ મતદાન થયું.
કેટલાક સ્થળે ભારે મતદાન થયું, તેથી હવે તેનાથી કયા સ્થળે કયા પક્ષને ફાયદો થશે, મુખ્ય બે ગઠબંધનોમાં કોને વધુ ફળશે અને કોને નુકસાન થશે, તેના બેઠકવાર, રાષ્ટ્રવાર અને જનરલ વિશ્લેષણો થઈ રહ્યા છે. ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય, તે ઉમેદવારો અને રાજકીય પક્ષો તો સ્વાભાવિક રીતે જ પોતાના વિજયના દાવાઓ કરે, પરંતુ કેટલાક રાજકીય પંડિતો આ વખતે નવાજુની થવાના એંધાણ દર્શાવી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય વિશ્લેષકો જ્યાં ભારે મતદાન થયું છે, ત્યાં પ્રો-ઈન્કમ્બન્સી એટલે કે પ્રવર્તમાન શાસન તરફી મતદાન થયું હોવાના તારણો પણ કાઢી રહ્યા છે. જો કે, પ્રો-ઈન્કમબન્સીનું અર્થઘટન કેન્દ્ર સરકાર તરફી મતદાન થયું હોય, તેવું પણ થઈ શકે અને જે-તે પ્રદેશ (રાજ્ય)માં જે રાજકીય પક્ષ કે ગઠબંધનની સરકાર હોય, તેની અસર હેઠળ મતદાન થયું હોવાનું અર્થઘટન પણ કેટલાક વિવેચકો કરતા હોય છે. જો કે, હવે તો રાજકીય વિશ્લેષણો તથા તારણો તથા કોઈને કોઈ રાજકીય પક્ષની પ્રાદેશિક અને રાષ્ટ્રીય અસરો હેઠળ પણ થતા હોય તેવું પણ લાગે, પરંતુ વર્ષોના અનુભવી અને વિશ્વસનિય વિવેચકો, વિશ્લેષકો અને રાજકીય પંડિતોના તારણો મોટાભાગે તટસ્થ રહેતા હોય છેે એ હકીકત છે હવે મતદારો પણ પોતાનું મન કળવા દેતા હોતા નથી અને આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણીની વચ્ચે ઓપિનિયન પોલ કે એકઝીટ પોલ પણ થઈ શકતા નથી, તેથી આ પ્રકારની અટકળો કે અનુમાનો માત્ર જિજ્ઞાસા સંતોષવા ખાતર કે પછી પોત-પોતાના દવાઓને મજબૂત બનાવવા માટે પણ ઉમેદવારો અને રાજકીય પક્ષો કરતા હોય છે, ખરું કે નહીં ?
ગઈકાલે ૬ર ટકાથી વધુ મતદાન થયું તેમાં સૌથી વધુ મતદાન ત્રિપુરા અને પં.બંગાળમાં થયું, તેને પરિવર્તન માટેનો જનાદેશ ગણવામાં આવી રહ્યો છે, તો સામા પક્ષે પં.બંગાળની જનતાએ કેન્દ્રીય શાસક ગઠબંધન તરફી મતદાન કર્યું હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક વિશ્લેષકો આ વખતે પણ મતદાનમાં એક વખત ફરીથી મમતા બેનર્જીનું પલ્લુ ભારે હોવાના સંકેતો આપી રહ્યા છે, જ્યારે એવા અભિપ્રાય પણ આવી રહ્યો છે કે ત્રિપુરા અને પં.બંગાળના પરિણામો આ વખતે ચોંકાવનારા હશે. જો કે, ત્રિપુરામાં એનડીએ તરફી માહોલ હોવાના દાવા પણ થઈ રહ્યા હતાં.
બિહારમાં થયેલું ઓછું મતદાન ભાજપના નેતૃત્વમાં રચાયેલા સ્થાનિક ગઠબંધન માટે ચિંતા ઉપજાવનારું હોવાનો મત વ્યકત થઈ રહ્યો છે, અને બિહારની જનતાને નીતિશકુમારે છેલ્લી ઘડીએ કરેલો પક્ષપલ્ટો પસંદ આવ્યો નથી, તેમ જણાવાઈ રહ્યું છે. બીજી તરફ તેજસ્વી યાદવ અને ઈન્ડિયા ગઠબંધનની રેલીઓમાં ઉમટતી જંગી જનમેદની 'વોટ'માં પરિવર્તિત થઈ હોય તેમ લાગતું નથી, તેવા તારણો કાઢીને બિહારમાં થયેલું ઓછું મતદાન ઈન્ડિયા ગઠબંધનને નુકસાન કરશે, તેવા દાવો પણ કરાઈ રહ્યો છે. જો કે તટસ્થ વિશ્લેષકોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો એમ જણાય છે કે એન.ડી.એ. અને ઈન્ડિયા ગઠબંધનો વચ્ચેની ખેંચતાણ અને વારંવાર બદલતા રહેલા સમીકરણોના કારણે કન્ફયૂઝનમાં મૂકાયેલા ઘણાં મતદારો મતદાન કરવા નીકળ્યા જ નહીં હોય, તો કંગાળ મતદાન પાછળ ગરમી કારણભૂત હોવાનો પણ મત વ્યકત થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના ઘણાં વિસ્તારોમાં થયેલું કંગાળ મતદાન એનડીએ માટે ચિંતાજનક જણાવાઈ રહ્યું છે, તો યુપીમાં થયેલા સરેરાશ મતદાનના આંકડા પણ ચર્ચામાં છે.
બિહાર અને ઉત્તરપ્રદેશના સંખ્યાબંધ લોકો અન્ય રાજ્યોમાં નોકરી-ધંધા માટે ગયા છે અને તેમાં શ્રમિકોનું પ્રમાણ વધારે છે. આ અન્ય રાજ્યોમાં અસ્થાયી ધોરણે રોજગાર મેળવવા ગયેલા ઘણાં મતદારો મતો આપી શકયા નહીં હોય, તેવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે. ટૂંકમાં ઓછું મતદાન તમામ રાજકીય પક્ષો માટે અજંપો તો લાવ્યું જ છે.
મહારાષ્ટ્રમાં પણ ધાર્યા મુજબ ઉંચું મતદાન થયું નથી, તેની પાછળ મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિ કારણભૂત મનાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના અને એનસીપીના ભાગલા પડી ચૂક્યા છે, અને કોંગ્રેસના કેટલાક દિગ્ગજો પણ પક્ષપલ્ટો કરીને અન્ય પક્ષોમાં જોડાઈ ગયા છે. તેથી મહારાષ્ટ્રના મતદારો પણ કન્ફ્યૂઝનમાં હોવાથી કેટલીક બેઠકો પર કંગાળ અથવા અપેક્ષાથી ઓછું મતદાન થયું હોવાનુ મનાય છે. એકંદરે વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૬૯.૪૩ ટકા મતદાન થયું હતું, તેની સરખામણી પણ થઈ રહી છે.
ગુજરાતમાં તો હવે ક્ષત્રિય સમાજે માત્ર રૂપાલા નહીં, પરંતુ હવે ભાજપનો બહિષ્કાર કરવા અને અહિંસક આંદોલન, ઉપવાસ વગેરે દ્વારા પાર્ટ-રમાં ચૂંટણીમાં ભાજપને હરાવવાનું નક્કી કર્યું હોવાનો દાવો કોરકમિટીને ટાંકીને કરાઈ રહ્યો છે, તો દિલ્હીમાં કેજરીવાલને જેલમાં જીવનું જોખમ હોવાના આક્ષેપો સાથે કેજરીવાલની ડાયાબિટીસની બીમારી, ડાયેટ અને કેળા-કેરી-આલુ-પૂરી અને ઈન્સ્યૂલનનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીના મુદ્દાઓ પર હાવી થઈ ગયો હોય, તેમ જણાય છે, આમ આ વખતે ચૂંટણી પણ ચટાકેદાર બની રહેલી જણાય છે, નહીં ?!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial