ગુજરાતમાં ગજબની ઘટનાઓ બની રહી છે, ગુજરાતની ત્રણેક બેઠકો પર કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિઓ હોવાની ફરિયાદો ઊભી થઈ હતી, અને રિટર્નીંગ ઓફિસરોએ ઘણી મથામણ કરવી પડી હતી. રાજકીય ક્ષેત્રે અજંપો ઊભો કરતા ઘટનાક્રમો વચ્ચે હવામાન ખાતાએ ખુશીનો અહેસાસ કરાવતી આગાહી પણ કરી હતી.
અને આગામી ચોમાસુ સારું જશે, તથા વરસાદ સારો થશે, તેની સંભાવના દર્શાવી હતી, તેથી ઉનાળાની બળબળતી ગરમી અને ચૂંટણીના તેજાબી ગરમાવા વચ્ચે ખેડૂતો સહિત સૌ કોઈને થોડીક ઠંડકની અનુભૂતિ પણ થઈ જ હશે ને?
આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી આજે સાંજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે, અને તે પછી ચૂંટણીનો પ્રચાર વધુ વેગ પકડશે, એ ખરું? પરંતુ ગઈકાલથી સુરતની બેઠક માટેની ચૂંટણીના સંદર્ભે જે પોલિટિકલ ડ્રામા શરૃ થયો છે, તે ટોક ઓફ ધ સુરતમાંથી સ્ટેટ અને હવે ટોક ઓફ ધ નેશન બની ગયો છે. આજે પણ જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સૌની સામે જ છે અને હવે ૭મી મે ના દિવસે કોને જનાદેશ આપવો, તે જનતાએ જ નક્કી કરવાનું છે, ત્યારે હજુ સાતમી મે સુધીમાં ચૂંટણીના કાવાદાવા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો કેવા કેેવા રંગરૃપ ધારણ કરશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, રાજનીતિમાં ઘણી વખત ઉપરથી દેખાતું હોય, તે હકીકતમાં હોતું નથી, અને જે વાસ્તવમાં હોય છે, તે દેખાતું હોતું નથી, તે પણ સનાતન સત્ય જ હોવું જોઈએ, રાઈટ?
ગઈકાલે જ્યારે સુરતના ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવ્યું, ત્યારે રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો અને ગઈકાલથી જ કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવાઈ રહી હતી. આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણે સૌ જોઈ જ રહ્યા છીએ, પરંતુ આ આખો ઘટનાક્રમ પ્રિ-પ્લાનેડ હતો કે પછી ઉભય પક્ષે કોઈ ખેલ રચાયો હતો, તેની અટકળોનું બજાર પણ ગઈકાલથી જ ગરમ હતું. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પીઢ અને દિગ્ગજનેતા તથા પૂર્વ અંદોલનકારી યુવા નેતાના નામો પણ આ સમગ્ર પોલિટિકલ ઘટનાક્રમોના સંદર્ભે ઉછળ્યા, તે પછી આક્ષેપો-પ્રત્યાક્ષેપોનો દોર શરૃ થઈ ગયો હતો. ભાજપને એક બેઠક ચૂંટણી લડ્યા વગર જ સરળતાથી મળી જાય કે વન સાઈડેડ ચૂંટણીના પરિણામે ગુજરાતમાં એક બેઠકનું ભાજપનું ખાતુ ખૂલી જાય, તે માટે જ આ કારસો રચાયો હોવાના આક્ષેપો સાથે ગઈકાલથી જ કોંગ્રેસના નેતાઓ પણ આકરા પાણીએ હતાં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ભાજપની રીતિનીતિ પર આકરા પ્રહારો કર્યા હતાં. અને આ ઘટનાક્રમ પાછળ કોંગ્રેસના આંતરકલહને જ જવાબદાર પણ ગણાવાયો હતો.
એક તરફ ક્ષત્રિય સમાજ આંદોલનકારીઓ દ્વારા રૃપાલા વિરોધી આંદોલનને હવે ભાજપ વિરોધી ચળવળના સ્વરૃપમાં અન્ય રાજ્યોમાં લઈ જવાની જાહેરાતો થવા લાગી છે, તો બીજી તરફ ક્ષત્રિયો દ્વારા અન્ય સમાજોને પણ આંદોલનમાં જોડાવાનો વ્યૂહ અપનાવાઈ રહ્યો હોવાનું કહેવાય છે. ઘણાં લોકો કહે છે કે ક્ષત્રિયોનો આ છૂપો અસંતોષ અને ધગધગતો આક્રોશ ચૂંટણીમાં ભાજપને ભારે પડી જવાનો છે અને ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ તેની અસરો થવાની છે. બીજી તરફ રૃપાલા આજે ફોર્મ પાછું ખેંચશે કે નહીં, તેની ચર્ચા સાથે અટકળો પણ આજે સવારથી જ થઈ રહી હતી.
અત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભાજપના કાર્યક્રમો હોય ત્યાં કેટલાક ક્ષત્રિય આંદોલનકારીઓ સુત્રોચ્ચાર કરતા કરતા વિરોધ પ્રદર્શિત કરે છે અને પોલીસ અટકાયત કરે છે, હવે આ ચળવળ વાયા-વિરમગામ થઈને રાજ્ય વ્યાપી બની રહી છે, અને જો આવું જ ચાલ્યું તો આ ચળવળ દેશવ્યાપી બની જાય, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, જો તેવું થાય, તો પણ ભાજપને બહું વાંધો આવે તેમ નથી., તેવું માનનારો વર્ગ પણ ઘણો જ મોટો છે, પરંતુ જો દેશવ્યાપી ચળવળ થાય અને તેમાં અન્ય સમાજોનું વાસ્તવિક રીતે ક્ષેત્રિયોને સમર્થન મળે, તો કાંઈ પણ થઈ શકે છે, તેવું પણ ઘણાં માને છે, જોઈએ હવે શું થાય છે તે....
એક તરફ ક્ષત્રિય સમાજનો અસંતોષ ઠારવા ભાજપ પીછેહઠ કરે તો કદાચ પાટીદાર સમાજ નારાજ થઈ જાય, તેવી સંભાવનાઓને લઈને ભાજપ દ્વિધામાં હોવાની ચર્ચા હતી, તો બીજી તરફ હવે જો કોંગ્રેસ કે વિપક્ષોને પણ એવો જ ડર સતાવી રહ્યો હોવાથી તેઓ મગનું નામ મરી પાડતા જણાતા નથી, તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
હવે આજે ઉમેદવારી ફોર્મને લગતો પોલિટિકલ ડ્રામા ઓવર થયા પછી રાજકીય પક્ષો અને ઉમેદવારો લોકોના મૂળભૂત મુદ્દાઓ ઉઠાવીને ચૂંટણી પ્રચાર કરશે, તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે, આવી ગુંચવણભરી સ્થિતિ ઊભી થવા પાછળ કોણ જવાબદાર? તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે અને આક્ષેપો કરનારના હાથની બીજી ત્રણ આંગળી પોતા તરફ હોય છે, અને તેના પર અંગુઠાનું દબાણ હોય છે, તે પણ હકીકત જ હોવાની દલીલો પણ થઈ રહી છે હવે જનતાએ નક્કી કરવાનું છે કે કૌન સચ્ચા, કૌન જુઠ્ઠા?
અત્યારે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતમાં રૃપાલાનો વિરોધ, બિહારમાં ચિરાગ પાસવાનના પરિવારને નિશાન બનાવીને બોલાયેલા કથિત અપશબ્દો, તિહાડ જેલમાં બંધ કેજરીવાલનું ડાયાબિટીસ, ડાયેટ અને ખોરાક, ઉમેદવારીપત્રકોમાં ક્ષતિની ફરિયાદો અને રદ કરાયેલા ફોર્મ્સનો વિવાદ જેવા મુદ્દાઓ ઉપરાંત રામાયણ-મહાભારતના પાત્રો, સનાતન-હિન્દુધર્મને સાંકળીને થતા શબ્દપ્રયોગો અને તેનો વિરોધ અને બેફામ નિવેદનબાજીના ઘોંઘાટ જ સંભળાઈ રહ્યા છે અને આ તમામ મુદ્દાઓમાં જનતાના જીવન, ઉત્થાન અને સુખ-સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થાનિક મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના ભોરીંગ વગેરે વિષયો કયાંક દબાઈ ગયા છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial