ભારતીય જનસંઘના સમયથી ભાજપની પ્રયોગભૂમિ ગણાતા ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૧પ૬ બેઠકો મેળવ્યા પછી ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર૬ બેઠકો પર ભારતીય જનતા પક્ષને વિજય મળશે, તેવા દાવાઓ થઈ રહ્યા હતા અને તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી હતી, પરંતુ ગુજરાતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમજૂતિ અને ઈન્ડિયા ગઠબંધન રચાયા પછી આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામ ર૬ બેઠકો જીતવી એનડીએ (ભાજપ) માટે સરળ નહીં હોય,, તેવા અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા હતાં. જો કે, ભાજપે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતે જીતવાનું લક્ષ્ય રાખીને આક્રમક રણનીતિ અપનાવ્યા પછી માહોલ થોડો બદલાયો હતો અને ભલે દરેક સીટ પર પાંચ લાખથી વધુ મતોની લીડ ન મળે તો પણ તમામ ર૬ લોકસભાની બેઠકો તો ભાજપ જીતી જ જશે. તેવો આશાવાદ પણ મજબૂતીથી વ્યકત થઈ રહ્યો હતો. તેમાં સુરતની બેઠક બિનહરિફ થતાં હવે રપ બેઠકો જીતવાનો લક્ષ્ય રહેવાનો છે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલએ કરેલા એક નિવેદને નવો પડકાર ઊભો કરી દીધો છે, અને ક્ષત્રિય સમાજે બીજા તબક્કામાં હવે માત્ર રૂપાલા નહીં, પરંતુ ભાજપ વિરોધી આંદોલન આદર્યું છે, તો બીજી તરફ ફોર્મ પરત ખેંચવાની મુદ્દત વીતી ગઈ હોવાથી ભાજપે પણ આ મુદ્દે મચક નહીં આપવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે. આમ, એક નિવેદનની કેટલી અસરો થતી હોય છે, તે જોતા નેતાઓએ પ્રત્યેક્ષ શબ્દ સમજી વિચારીને બોલવો જોઈએ, તેમ નથી લાગતું ?
હવે રૂપાલાએ બે વખત માફી માંગી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બે હાથ જોડ્યા અને ક્ષત્રિય સમાજની સાથે બેઠકો યોજ્યા પછી પણ હજુ ક્ષત્રિય સમાજની આંદોલનકારી સમિતિ મચક આપી રહી નથી, ત્યારે હવે ૭મી મે ના દિવસે ગુજરાતમાં મતદાન થતા સુધીમાં ઘી ના ઠામમાં ઘી પડી રહેશે કે પછી કાંઈ નવાજૂની થશે, તે તો કહી શકાય તેમ નથી, પરંતુ વચલો રસ્તો કાઢીને સમાધાનના પ્રયાસો હજુ 'બેક ધ ડોર' ચાલી જ રહ્યા હોવાના સંકેતો પણ મળતા રહે છે, જોઈએ, હવે શું થાય છે. તે...
જો કે, ક્ષત્રિય સમાજ દ્વારા જામનગર સહિત રાજ્યમાં ઠેર ઠેર થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો અને ક્ષત્રિય સમાજમાં આ મુદ્દે આંતરિક ભાગલા પડ્યા હોવાના અહેવાલો અને તેને અપાતા રદીયાઓ જોતા આ મુદ્દે હજુ સ્થિતિ પ્રવાહી જ છે, તેમ કહી શકાય ખરું....
કોઈપણ નેતાએ કરેલું નિવેદન વર્ષો પછી પણ પીછો છોડતું હોતું નથી, દૃષ્ટાંત તરીકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે યુપીએની સરકાર હતી, ત્યારે રાષ્ટ્રીય સંસાધનો પર લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમોનો અધિકાર હોવાનું કથિત નિવેદન અત્યારે વર્ષ-ર૦ર૪ની ચૂંટણીના પ્રચારમાં મુદ્દો બન્યું છે, અને તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વર્તમાન સમયના તાજેતરના જ એક નિવેદન સાથે સાંકળીને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની સામે કોંગ્રેસના નેતાઓ આગબબૂલા થઈ રહ્યા છે, મોદીએ કહ્યું કે કોંગ્રેસ જો સત્તામાં આવશે તો તે દેશના તમામ પરિવારો પાસે કઈ-કઈ મિલકતો અને સંપત્તિ છે, તેનો સર્વે કરાવશે, જેમાં મકાન, જમીન, વાહનો, આભૂષણો, જંગમ મિલકતો, સોનું-ચાંદી-હીરા-ઝવેરાત વગેરે સામેલ હશે. આ સર્વે કરાવ્યા પછી કોંગ્રેસ જે-તે પરિવારની જરૂરિયાત ઉપરાંતની સ્થાવર-જંગમ મિલકતો રિડિસ્ટ્રીબ્યુશન કરીને બીજાને આપી દેશે. આ નિવેદન દરમિયાન વડાપ્રધાને બહેનોના મંગલસુત્ર સહિતના આભૂષણો પર પંજો પડશે, તેવું કથિત નિવેદન કર્યું હોવાના આક્ષેપ સાથે સખ્ત વાંધો લીધો છે. વિશ્લેષકોના અભિપ્રાયો મુજબ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તો આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ તેના સંદર્ભે રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં જે નિવેદન કર્યુ, તેના શબ્દોને પકડીને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે મોદીએ જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની સામે હવે કાગારોળ થઈ રહી છે. મોદીના આ પ્રવચનને લઈને કોંગ્રેસે કદાચ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે.
આમ, મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને ભાજપના સ્ટારપ્રચારકના નિવેદનોને સાંકળીને હવે પોલિટિકલ, પંડિતો પણ જુદા જુદા અર્થઘટનો સાથે માથાપચ્ચી કરી રહ્યા છે. આ બધા ઘટનાક્રમો એવું સૂચવે છે કે આપણાં જ શબ્દતીરો સ્વઘાતી બની શકે છે, તેથી સમજી વિચારીને બોલવું જોઈએ.
થોડા મહિનાઓ પહેલા તમિલનાડૂના ડીએમકેના નેતા અને મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્રએ સનાતનને લઈને જે કથિત નિવેદનો કર્યા હતા, તેને સાંકળીને પણ પ્રત્યક-પરોક્ષ રીતે સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરીને જે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે તે પણ શિખવાડે છે કે નેતાઓના નિવેદનો ઘણી વખત બૂમરેંગ પુરવાર થતાં હોય છે એટલું જ નહીં ઘણી વખત તો ખૂબ જ મોટા રાજકીય નુકસાનનું કારણ પણ બની શકે છે. હવે જુનાગઢના કોઈ નેતાનો વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો પણ વાયરલ થયો છે.
જો જીભ લપસી પડે, અને કાંઈ અયોગ્ય, અનૈતિક, અરૂચિકર, બિન સંસદીય કે કોઈનું પણ દિલ દુભાય, તેવું બોલાઈ પણ જાય તો પણ વિના વિલંબે ક્ષમાયાચના કરી લેવી જોઈએ તેમ નથી લાગતું?
આજે સવારે જ એક ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના પ્રસ્થાનના અહેવાલો છે, તો બીજી તરફ સંકલન સમિતિના કેટલાક સભ્યો ભાજપમાં જોડાશે, તેવી વાતો પણ વહેતી થઈ છે.
બીજી તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ રહે તો પણ ક્ષત્રિય સમાજનો ભાજપ સામેનો રોષ ઓછો થાય, અને રાજકીય નુકસાન થાય, તે માટે જિલ્લે-જિલ્લે ફરી રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કેટલી સફળતા મળશે, તેની ચર્ચા પણ થઈ રહી છે, ત્યારે રૂપાલાએ જાહેર મંચ પરથી ફરીથી પોતાના નિવેદનને લઈને માફી માંગી હોવાના અહેવાલો પણ ઘણાં જ સાંકેતિક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial