વર્ષ ર૦૧૪ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બન્ને ચૂંટણીમાં રસપ્રદ જંગ જામ્યો હતો... દસ વર્ષમાં ઘણાં સમીકરણો બદલી ગયા છે...
લોકસભાની ચૂંટણીના પ્રચારનો રંગ જામ્યો છે અને હવે આ ચૂંટણી જંગ મેઘધનુષ્ય જેવો સપ્તરંગી બની રહ્યો છે, ત્યારે દેશમાં વર્ષ ર૦૧૪ માં જ્યારે પરિવર્તનનો પવન ફૂંકાયો હતો, તે સમયે આજથી એક દાયકા પહેલાની ચૂંટણીઓ સહિત ચૂંટણીઓના રસપ્રદ વિશ્લેષણો તથા આંકડાઓને સાંકળીને માત્ર લોકોની જાણકારીના હેતુથી અહીં તટસ્થ રીતે પ્રસ્તુત કરાશે, અને તેના સંદર્ભે મીડિયામાં મોકળા મને થતી ચર્ચાઓ અને અભિપ્રાયોનો સમાવેશ પણ કરાશે. આ રસપ્રદ માહિતીના માધ્યમથી આપણે ભૂતકાળમાં ડૂબકી મારીને અને વર્તમાનને સાંકળીને ભવિષ્યની રૂપરેખા પણ દોરી શકીએ, કમ-સે-કમ જ્ઞાનવર્ધન સાથે ત્રણેય કાળનું વિહંગાવલોકન કરી શકીએ. આ પ્રસ્તુતિમાં માનવસહેજ ક્ષતિઓને અવકાશ તો રહે જ છે, પરંતુ જેટલી શક્ય તેટલી વધુ સચોટ માહિતી પીરસવાનો પ્રયાસ કરીશું.
વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી
વર્ષ ર૦૧૪ માં લોકસભની ચૂંટણી ૭ મી એપ્રિલની ૧ર મી મે દરમિયાન ૯ તબક્કામાં યોજાઈ હતી. લોકસભાની પ૪પ માંથી પ૪૩ બેઠકો માટે મતદાન થયું હતું અને એકંદરે ૬૬.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. તે સમયે ૮૩.૪૦ કરોડ મતદારો નોંધાયા હતાં. તે ચૂંટણીમાં ભાજપની ર૮ર સહિત એનડીએને ૩૩૬ બેઠકો મળી હતી. ભાજપના ૩૧ ટકા સહિત એનડીએને ૩૮.પ ટકા મતો મળ્યા હતાં. એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હતી અને તે પછી પૂર્વઘોષિત નરેન્દ્ર મોદીના વડપણમાં કેન્દ્રમાં એનડીએની સરકાર રચાઈ હતી. એ ચૂંટણીમાં કોંગ્રેસે ૧૯.૩ ટકા મતો અને ૪૪ બેઠકો મળી હતી. જ્યારે યુપીએને પ૯ અને કેટલીક બેઠકો અન્ય પક્ષોને મળી હતી. વિકીપીડિયા મુજબ વર્ષ ૧૯૮૪ પછી સ્પષ્ટ જંગી બહુમતી પ્રથમ વખત ભાજપને મળી હતી.
વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી
લોકસભાની વર્ષ ર૦૧૯ ની ચૂંટણીઓ ૧૧ મી એપ્રિલથી ૧૯ મી મે ર૦૧૯ દરમિયાન યોજાઈ હતી, અને ર૩ મી મે ના દિવસે પરિણામો આવ્યા હતાં. આ વખતે પ૪૩ બેઠકો માટે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ વખતે મતદારો ૯૧.૧૯ કરોડથી વધુ નોંધાયા હતાં અને ૬૭.૪૦ ટકા મતદાન નોંધાયું હતું. આમ, વર્ષ ર૦૧૪ ની સરખામણીમાં મતદાન અને મતદારો-બન્નેમાં વધારો થયો હતો. આ વખતે ભાજપને ૩૦૩ અને કોંગ્રેસને પર બેઠકો મળી હતી. ભાજપને ૩૭.૩૬ ટકા અને કોંગ્રેસને ૧૯.૪૯ ટકા મતો મળ્યા હતાં. એનડીએની કુલ ૩પ૩ બેઠકો અને યુપીએને ૯૧ બેઠકો મળી હતી, જો કે એનડીએ અને યુપીએ સિવાયના અન્ય પક્ષોને કુલ ૯૮ બેઠકો મળી હતી.
જામનગર સંસદીય મતવિસ્તાર-ર૦૧૪
જામનગરમાં વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પૂનમબેન માડમને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતાં, તો કોંગ્રેસે તેના કાકા વિક્રમભાઈ માડમને ફરીથી અજમાવ્યા હતાં. કાકા-ભત્રીજી વચ્ચે થયેલા રસપ્રદ જંગમાં પૂનમબેન માડમ વિજયી બન્યા હતાં. પૂનમબેનને ૪.૮૪ લાખ થી વધુ મતો મળ્યા હતાં, અને વિક્રમભાઈ માડમને ૩.૦૯ લાખ જેટલા મતો મળ્યા હતાં. આ ચૂંટણીમાં નોટામાં ૬પ૮૮ મતો ગયા હતાં. બસપાના યુસુફ સમાને ૮ર૩૪, રા. કોળી એક્તા પાર્ટીના કાસમભાઈને ૧રપ૪, આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ ઝાલાને ૪૯૧૧, એસ.પી.ના અબુબકર ઈબ્રાહીમ સૈયદને ૯૪૦, અપક્ષ ચંદ્રવિજયસિંહ રાણાને ૮૭૬, અપક્ષ અશોક ચાવડાને ૭૪૪, અપક્ષ જીતેશ રાઠોડને ૭૦૬, અપક્ષ ધનજી રાણેવાડિયાને ૭૭૦, અપક્ષ વલ્લભભાઈ ધારવિયાને ૧૦૪૩, અપક્ષ પ્રવિણ નારિયાને ૧૮૧૧, રિપ. પાર્ટી (ગવાઈ) ના લાલજી પઢિયાર (અપક્ષ) ને ૧૧૮૮, અપક્ષ ચિરાગ પંડ્યાને ૧પ૪૧, અપક્ષ નાનજી બથવારને ૩૬૬૭, અપક્ષ મમદ હાજી બેલિમને ૮પ૯૬, અપક્ષ રફીક મેમણને પ૮૧૧, અપક્ષ અલી ઈશાક પાલાણીને ૩૯૪૬, અપક્ષ જાવીદભાઈ ઓસમાનભાઈ વાઘેરને ૧ર૪૭, અપક્ષ ગાંગજી વાણિયાને ૭૯પ, અપક્ષ હબીબ સચડાને ૮૧૯, અપક્ષ આમદ સુમરાને ૭૯૦, અપક્ષ સલીમ સોઢાને ૮૮પ અને અપક્ષ મામદ સફિયાને ૧૩૭૭ મતો મળ્યા હતાં. કુલ ૮,પર,૯૮૯ માન્ય મતોમાંથી ૩પ૮૮ પોસ્ટલ બેલેટ હતાં. આમ, વર્ષ ર૦૧૪ માં જામનગરની બેઠક પરથી બે ડઝન જેટલા ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું, પરંતુ મુખ્ય ફાઈટ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ રહી હતી.
વર્ષ ર૦૧૯ ની ચૂંટણી
જામનગર મતવિસ્તારમાં વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમને પ.૯૧ લાખથી વધુ મતો મળ્યા હતાં અને કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાને ૩.પ૪ લાખથી વધુ મતો મળ્યા હતાં. ભાજપને પ૮.પર ટકા અને કોંગ્રેસને ૩પ.૦૯ ટકા મતો મળ્યા હતાં. બસપાના સુનિલ જેઠાલાલ વાઘેલાને ૮૭૯પ, દલવાડી નકુમ રસિક લાલજીને ૧૦,૦૬૦, અપક્ષ પોપટપુત્રા રફિક અબુબકરને ૮ર૧૬, અપક્ષ બથવાર નાનજી અમરશીને પર૪૯, અપક્ષ બક્ષી મૃદુલ અશ્વિનકુમારને ૩૧૦૬ અપક્ષ ડોંગા જયંતિલાલ અર્જનભાઈને ર૪૮૯, અપક્ષ નકુમ નર્મદાબેન ખોડાલાલને ર૧૧૩, અપક્ષ સુભાણિયા અમિન અબ્બાસભાઈને ૧૯૪૬, અપક્ષ રબારી કરશનભાઈ જેસાભાઈને ૧૪૩૬, અપક્ષ સહદેવસિંહ દિલીપસિંહ ચુડાસમાને ૧ર૯પ, અપક્ષ જાહિદ આવાદ જામીને ૧ર૪૬, અપક્ષ ભરત રામજીભાઈને ૯ર૧, અપક્ષ કચ્છી દાઉદનાથા સુમરાને ૯૧૯, અપક્ષ ભાવનાબા જાડેજાને ૮૬૪, અપક્ષ અલીમામદ ઈશાકભાઈને ૮પ૦, અને અપક્ષ ચૌહાણ ધીરજ કાંતિલાલને ૭૭૪ મતો મળ્યા હતાં, જ્યારે નોટામાં ૭૭૯૯ મતો મળ્યા હતાં.
વર્ષ ર૦ર૪ નો ચૂંટણી જંગ
આ વખતે ભારતીય જનતા પક્ષે ત્રીજી ટર્મ મો પૂનમબેન માડમને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે જે.પી. મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે. પૂનમબેન માડમ સામે કોંગ્રેસમાંથી ગત્ ચૂંટણીમાં ફાઈટ આપનાર મૂળુભાઈ કંડોરિયા થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા છે અને હવે પૂનમબેન માડમ માટે પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભાજપમાંથી પૂનમબેન માડમ અને કોંગ્રેસમાંથી મારવિયા વચ્ચે મુખ્ય ફાઈટ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમજુતિ થઈ હોવાથી 'આપ'ના ઉમેદવારો ભરૂચ અને ભાવનગરમાંથી લડી રહ્યા છે. જ્યારે જામનગરમાં અન્ય ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં છે.
સોમવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૭ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી હવે ભાજપ, કોંગ્રેસ, બસપા, વીરો કે વીર ઈન્ડિયા પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી તથા ૯ અપક્ષ ઉમેદવારો સહિત ૧૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. હવે ધીમે ધીમે પ્રચારનો જંગ વધુને વધુ જામી રહ્યો હોય તેમ જણાય છે.
વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી કરતા જામનગર બેઠક પર આ વખતે અડધા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, અને એક જ મતપત્રકનું બેલેટ યુનિટ મૂકાશે, કારણ કે એક યુનિટમાં ૧૬ ઉમેદવારોના નામનો સમાવેશ થઈ શકે છે.
જામનગરની બેઠક પર ફોર્મ પાછા ખેંચાઈ ગયા પછીની સ્થિતિએ ૧૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાં ભાજપના પૂનમબેન હેમતભાઈ માડમ અને કોંગ્રેસના જયંતિલાલ પરસોત્તમભાઈ મારવિયા વચ્ચે મુખ્ય મુકાબલો ગણાય, જો કે તે ઉપરાંત બીજા ૧ર ઉમેદવારો પણ જીતવાનો પ્રયાસ કરશે, જેમાં બસપાના જયસુખ નથુભાઈ પીંગલસુર, વીરો કે વીરો ઈન્ડિયન પાર્ટીના રણછોડ નારણભાઈ કણઝારિયા, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીના પરેશભાઈ પરસોત્તમભાઈ મુંગરા, ઉપરાંત અપક્ષ ઉમેદવારો પોપટપુત્રા રફીક અબુબકર, નાનજીભાઈ અમરશીભાઈ બથવાર, નદીમભાઈ મહમદભાઈ હાલા, અનવર નુરમામદ સંઘાર, અલ્લારખા ઈશાકભાઈ ધુંધા, ખીરા યુસુફભાઈ સીદીકભાઈ, વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા, રાઠોડ પૂંજાભાઈ પાલાભાઈનો સમાવેશ થાય છે. આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જામનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા નથી.
વિનોદકુમાર કોટેચા એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial