૨૨૭૦૦ મતદારો કરશે હોમ વોટીંગઃ એપિક કાર્ડના વિકલ્પે ઈ-એપિકની પ્રિન્ટ પણ માન્ય ગણાશે
અમદાવાદ તા. ર૪: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે ૧૫ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને એપીક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો એપીક કાર્ડ ન હોય તો ઈ-એપીક ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ૨૭ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ૨૭ એપ્રિલ સુધીમાં ઈવીએમનું બીજું રેન્ડમાઇઝેશન, જ્યારે ૫ મે ૨૦૨૪ ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી-૨૦૨૪માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ ૩ લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તા.૨૨ એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરિફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ ૨૬૬ ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ ૨૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના ૧ ઉમેદવાર વધતાં તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મતદાર યાદી
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની ૦૫ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં ૧૮ થી ૧૯ વર્ષની ધરાવતા ૧૨,૨૦,૪૩૮ મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૪ અંતર્ગત તા.૦૫ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયેલા હતા. ત્યાર બાદ તા.૦૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી ૩,૧૯,૨૦૯ મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ૨,૪૧,૫૦,૬૦૩ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧,૫૩૪ મળી કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં ૧૮થી ૨૯ વય જૂથનાં કુલ ૧,૧૬,૦૬,૧૮૮ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ૮૫ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા ૪,૧૯,૫૮૪ છે. રાજ્યમાં ૧૦,૦૩૬ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેનાથી વધુ વયના છે. ૩,૭૫,૬૭૩ મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે; જેમાં ૨૨,૨૩,૫૫૦ મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા ૧૭,૨૩,૩૫૩ મતદારો છે.
રાજ્યમાં કુલ ૨૭,૫૫૫ સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા ૯૦૦ મતદારો નોંધાયા છે.
મતદાર ફોટો ઓળખકાર્ડ (એપીક) તથા મતદાર કાપલીનું વિતરણ
તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર મતદાન માટે ગત તા.૧૫ માર્ચ, ૨૦૨૪ સુધી અરજી કરનાર નાગરિકોને મતદાર ફોટો ઓળખકાર્ડ (એપીક) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ અરજી કરનાર નાગરિકોને એપીક કાર્ડ ઝડપથી પહોંચાડી દેવામાં આવશે. જો કે એપીક કાર્ડ ન મળ્યું હોય પણ મતદાર નોંધણીની અરજી સાથે મોબાઈલ નંબર આપેલ હોય તો ઈ-એપીક ડાઉનલોડ કરી શકાય છે અને ઈ-એપીકની પ્રિન્ટને ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે.
મતદારોને મતદાર યાદીમાં પોતાનો ક્રમ, મતદાન મથક, મતદાનની તારીખ અને સમય સહિતની વિગતો મળી રહે તે માટે ચૂંટણી પંચના આમંત્રણ સ્વરૂપે બુથ લેવલ ઑફિસર દ્વારા મતદાર માહિતી કાપલી લોકોના ઘેર પહોંચાડવામાં આવી રહી છે. મતદાર માહિતી કાપલીની સાથે કુટુંબદીઠ એક વોટર ગાઈડનું વિતરણ કરવામાં આવશે. વધુમાં પ્રજ્ઞાપક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાર કાપલી તેમજ વોટર ગાઈડનું પણ વિતરણ કરવામાં આવશે. આ કામગીરી તા. ૦૨ મે, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
ઉમેદવારી પત્રો
લોકસભા સામાન્ય ચૂંટણી માટે કુલ ૪૩૩ ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.૨૦ એપ્રિલના રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ ૧૦૫ નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. ૨૨ એપ્રિલ સુધીમાં કુલ ૬૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા ૨૬૬ થઈ છે. જે પૈકી ૨૪૭ પુરુષ ઉમેદવારો, ૧૯ સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્ત પૈકી ૨૪-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે.
જ્યારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ-૨૦૨૪ માટે કુલ ૩૭ ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. જે પૈકી ચકાસણી દરમિયાન કુલ ૧૦ નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. તેમજ ૩ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણી માટે હરીફ ઉમેદવારની કુલ સંખ્યા ૨૪ થઈ છે.
ઈવીએમ
રાજ્યના તમામ લોકસભા મતવિભાગમાં અને ૫ વિધાનસભા મતવિભાગમાં પેટા ચૂંટણીઓ સંદર્ભે હરીફ ઉમેદવારો/તેઓના પ્રતિનિધિઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તા.૨૭ એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(બીઈએલ) દ્વારા ઈવીએમના કમિશનિંગ (મતદાન માટે ઈવીએમને તૈયાર કરવા) ની પ્રક્રિયા માટે એન્જિનિયર્સની ફાળવણી કરી દેવામાં આવી છે. જે અનુસાર તા.૨૫-૦૪-૨૦૨૪ થી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તા.૨૭-૦૪-૨૦૨૪ થી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હરીફ ઉમેદવારો/તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં શરૂ કરવામાં આવશે.
કુલ ૨૫ સંસદીય મતવિભાગો (પીસી) માં કુલ ૪૯,૧૪૦ મતદાન મથકોમાં મતદાન થનાર છે. આ પૈકી ૭-અમદાવાદ પૂર્વ સંસદીય મત વિભાગના ૧,૮૨૦ મતદાન મથકોમાં ૨ બીયુનો વપરાશ થશે. આમ કુલ ૫૦,૯૬૦-બીયુ, ૪૯,૧૪૦-સીયુ અને ૪૯,૧૪૦-વીવીપેટનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગો (એસી) ની પેટા ચૂંટણીઓમાં ૧,૨૮૨ મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ ૧,૨૮૨-સીયુ, ૧,૨૮૨-બીયુ અને ૧,૨૮૨-વીવીપેટનો ઉપયોગ થનાર છે.
એબ્સેન્ટી વોટર્સ
તા.૧૧/૦૪/૨૦૨૪ સુધીમાં એબ્સેન્ટી વોટર્સ કેટેગરીમાં ૮૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ૧૮,૪૯૦ વરિષ્ઠ મતદારો તેમજ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૪,૨૧૧ દિવ્યાંગ મતદારો મળી કુલ ૨૨,૭૦૧ મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. મતપત્રો તૈયાર થતાંની સાથે આવતીકાલથી હોમ વોટીંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આવશ્યક સેવાઓમાં રોકાયેલા ૫,૫૧૮ મળી એબ્સેન્ટી વોટર્સના કુલ ૨૮,૨૧૯ ફોર્મ-૧૨ડી મળ્યા છે.
મતદાન જાગૃતિ
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે કોલેજમાં મતદાન જાગૃતિના કેમ્પ તથા કેમ્પસ ઍમ્બેસેડર્સની નિમણૂક, મહિલા મતદાન જાગૃતિ માટે આંગણવાડીમાં બેઠક, ઇન્ડસ્ટ્રીઝમાં વોટર અવેરનેસ ફોરમ દ્વારા મતદાર જાગૃતિ અને સવેતન રજા અંગેની બેઠક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ મતદાન જાગૃતિ માટે એમઓયુ તથા સોશિયલ મીડિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઇન્ફ્લુઅન્સર્સ તેમજ આઈકન્સ સાથે સહભાગિતા, સોસાયટી મિટિંગ્સ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.
વધુમાં, સમગ્ર રાજયમાં યુવા મતદારો, મહિલા મતદારો, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે તા.૨૨-૦૪-૨૪ થી તા.૦૬-૦૫-૨૦૨૪ દરમિયાનના ૧૫ દિવસો માટે સમગ્ર રાજ્યમાં મતદાન જાગૃતિના ખાસ પ્રયત્નો હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા જિલ્લાકક્ષાએથી જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થતા હોય તેવા મોલ્સ, ફુડ-કોર્ટ અને બગીચાઓ જેવા સ્થળો ઉપર મતદાન જાગૃતિ માટે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન જાગૃતિના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં 'રન ફોર વોટ'નું પણ આયોજન થવા જઇ રહ્યું છે.
પખવાડિક મતદાન જાગૃતિ અભિયાનમાં મતદારોને જાગૃત કરવામાં આવશે
(૧) જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો એપીક કાર્ડ અથવા ઈ-એપીક ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક ૧૨ પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે, (૨) મતદાનનો સમય, સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. (૩) મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો ૧૯૫૦ પર ફરીયાદ કરી શકાય છે. (૪) મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં. (પ) વોટર ઈન્ફોર્મેશન સ્લીપ કે જે બીએલઓ દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી. (૬) મતદાનના દિવસે હિટ વેવથી બચવા માટે કાળજી રાખવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.
નો યોર પોલીંગ સ્ટેશન અભિયાન
મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે. આથી તા.૨૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સમગ્ર રાજ્યમાં નો યોર પોલીંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે. જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે ૯ થી ૧૨:૩૦ સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે. આ અભિયાનની સાથોસાથ ચુનાવ પાઠશાલાનું પણ આયોજન કરવામાં આવશે; જેમાં તમામ ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને સહપરિવાર મતદાન માટે આમંત્રણ આપશે.
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત ૭૫૬ ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા ૧,૨૦૩ સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.૭.૮૯ કરોડ રોકડ, રૂ.૧૪.૬૯ કરોડની કિંમતનો ૫.૦૪ લાખ લીટર જેટલો દારૂ, રૂ.૩૬.૬૩ કરોડની કિંમતનું ૬૯.૮૦ કિલો સોનું અને ચાંદી, રૂ.૩.૫૭ કરોડની કિંમતના ૭૭૭.૪૧ કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.૫૮.૮૫ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.૧૨૧.૬૫ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ફરિયાદ નિવારણ
(સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૨૧/૦૪/૨૦૨૪ સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ ૨,૮૩૮ ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
નેશનલ ગ્રિવાન્સ સર્વિસ પોર્ટલ પર તા.૧૬-૩-૨૦૨૪ થી તા.૨૧-૪-૨૦૨૪ સુધી મતદાર ઓળખપત્ર (એપીક) અંગેની ૮,૧૪૨, મતદાર યાદી સંબંધી ૭૬૦, મતદાર કાપલી સંબંધી ૨૦૦ તથા અન્ય ૧,૯૦૦ મળી કુલ ૧૧,૦૦૨ ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાં કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.૧૬-૩-૨૦૨૪ થી તા.૨૧-૪-૨૦૨૪ સુધીમાં કુલ ૧૯૮ ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં મીડિયા મારફતે ૧૮ તથા ટપાલ અને ઈ-મેઇલ દ્વારા રાજકીય પક્ષો મારફતે ૩૯, ભારતના ચૂંટણી પંચ મારફતે ૪૫ તથા અન્ય ૪૦૬ મળી કુલ ૫૦૮ ફરિયાદો મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial