Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બીજા તબક્કાનું મતદાન સંપન્ન... આશાઓ અને આશંકાઓ... અવસરો અને અડચણો... ત્રીજા તબક્કામાં શું થશે ?...

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વેગીલો બની રહ્યો છે અને ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીતંત્ર પણ તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાના મતદાન પછી વોટર ટર્ન આઉટ અને વિવિધ  રાજ્યોમાં થયેલા ઓછા-વત્તા મતદાનના આંકડાઓને લઈને માથાપચ્ચી પણ થઈ રહી છે. જયાં વધુ મતદાન થયું છે, ત્યાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તો જે રાજ્યોમાં ગત વર્ષની સરખામણીમાં ઓછું મતદાન થયું છે, ત્યાં પ્રવર્તમાન શાસન પ્રત્યેની નારાજગી દર્શાવાઈ હોવાના અંદાજો પણ થઈ રહ્યા છે, તો વધારે મતદાનને પ્રો-ઈન્કમ્બન્સી ગણાવીને જ્યાં ઓછું મતદાન થયું છે, ત્યાં વિપક્ષી ઉમેદવારો જ સક્રિય નહીં હોવાના તથા કન્ફયૂઝનના કારણે વિવિધ પક્ષોના કાર્યકરો સ્થાનિક નેતાઓમાં પણ ઉદાસિનતા હોવાથી તેનો ફાયદો પ્રવર્તમાન શાસક ગઠબંધનને થવાનો છે, તેવા દાવાઓ પણ થઈ રહ્યા છે, હવે જ્યારે ઈવીએમ ખુલશે, ત્યારે ચોથી જૂને જ સાચી ખબર પડશે કે વાસ્તવમાં જનતાનો ઝુકાવ કઈ તરફ હતો, કોણ સિલેકટ થયું હતું અને કોણ રિજેકટ થયું હતું!

જો કે, બીજા તબક્કાનું એવરેજ મતદાન ૬૪ ટકાની આસપાસ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. પરંતુ ૪૦૦ પાર ના નારાને અનુરૂપ પ્રો-ઈન્કમ્બન્સી કે ઉત્સાહ આ આંકડાઓ પ્રતિપાદિત કરી રહ્યા નથી, તેવી જ રીતે આ ટકાવારી શાસન વિરોધી જબરદસ્ત મતદાન થયું હોવાના દાવાઓને પણ પૂરેપૂરુ સમર્થન આપતી નથી. તેથી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણાવાઈ રહી છે.

એવો તર્ક રજુ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે જબરદસ્ત મતદાન થાય, ત્યારે પરિવર્તનના સંકેત હોય છે, તેવી જ રીતે ખૂબ જ ઓછું મતદાન થાય, તે પણ પરિવર્તનની તરફ અંગુલીનિર્દેશ કરે છે, પરંતુ કેટલીક ચૂંટણીઓમાં તાજેતરના ભૂતકાળમાં આ તર્ક બંધબેસતો રહ્યો નથી, અને આ લોજીકથી વિપરીત પરિણામો પણ ઘણી વખત આવ્યા છે, તેથી પહેલા બે તબક્કાનો જનાદેશ ભરેલા નાળિયેર જેવો છે તેમ કહી શકાય.

જો કે દ્વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા માટે આશાનું કિરણ પણ પ્રગટ્યું છે, તો એનડીએ માટે આ મતદાનના આંકડા આંતરિક મંથન કરીને હવે પછીના તબક્કાઓમાં ઓવરકોન્ફિડન્સમાં નહીં રહેવાનો ગર્ભિત ઈશારો પણ કરે છે, તેમ નથી લાગતું ?

જો કે, મોટી હિંસા કે વ્યાપક ગરબડો વિના ગઈકાલે એકંદરે શાંતિપૂર્વક મતદાન સંપન્ન થયું હોવાના અહેવાલો આવ્યા છે. ત્રિપુરા-મણીપુરમાં તો ૭૬ ટકાથી વધુ મતદાન થયું છે, જે મુખ્ય રાજકીય પક્ષો માટે આશા અને આશંકાઓના 'કેમિકલ્સ લોચા' જેવું જણાય છે.

મણીપુરનો મુદ્દો ઘણો જ ચર્ચામાં હતો અને વિપક્ષોએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી, તેથી ત્યાં થયેલું ભારે મતદાન કઈ તરફ ગયુ હશે, તેની અટકળો વચ્ચે ગત ચૂંટણીમાં ખોબલે-ખોબલે એનડીએને મતો મળ્યા હતા, તેવા ઘણાં વિસ્તારોમાં થયેલા પાંખા મતદાન અંગે પણ ઉભય પક્ષે આશા તથા આશંકાઓ બન્ને વ્યકત થઈ રહ્યા છે. આ બધા સવાલોના જવાબ તો ચોથી જૂને જ મળશે, પરંતુ વાસ્તવિકતા એ છે ક પહેલા બે તબક્કા પછી વર્ષ-ર૦ર૪ ની ચૂંટણી તદ્દન એકતરફીનો નથી જ, પરંતુ કયાંક જનતાએ ચોંકાવનારા પરિણામો આપવાનું મન તો બનાવી લીધું નથી ને ? તેવો સંશય પણ ઉત્પન્ન કરે છે. આ ચોંકાવનારા પરિણામો પ્રો-ગવર્નમેન્ટ પણ હોઈ શકે છે અને એન્ટી-ગવર્નમેન્ટ પણ હોઈ શકે છે, તેવું પણ ઘણાં વિશ્લેષકો માને છે, જે રાજ્યોમાં બે થી વધુ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, ત્યાં પ્રથમ કે દ્વિતીય તબક્કાના મતદાનથી સમગ્ર રાજ્યનો આખરી અંદાજ કાઢી શકાય નહીં, એ હકીકત છે, પરંતુ કેટલીક ચોક્કસ બેઠકોમાં જનમત કઈ તરફ જઈ રહ્યો છે, તેનું અનુમાન તો થઈ જ શકે છે ને ?

બીજા તબક્કામાં સૌથી ઓછું ઉત્તરપ્રદેશમાં માત્ર પર.૬૪ ટકા જ મતદાન થયું છે, જેને એનડીએવાળા વિપક્ષોની નિસ્ક્રિયતા, અનિશ્ચિતતાઓ અને આંતરકલહની સામે મોદી-યોગીના પ્રો-પબ્લિક, પ્રો-ઈન્કમ્બન્સીનો વિજય ગણાવી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ આ વખતે ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિનની સરકારનો આભાષી ફુગ્ગો ફૂટી જવાનો છે, તેવો દાવો કરીને જે રાજ્યોમાં ઓછું મતદાન થયું છે, ત્યાં ભાજપ સહિત એનડીએના ઉમેદવારો હારવાના છે, તેવો દાવો કરી રહ્યા છે, જોઈએ, ચોથી જૂને શું થાય છે તે...

બિહાર, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં એનડીએને વધુ આશાઓ હતી, ત્યાં જ મતદાન ઓછું થયું છે, તો જ્યાં થોડું જોખમ કે ઓછું વર્ચસ્વ હોય તેવા પં.બંગાળ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં ૬૦ થી ૭૬ ટકા વચ્ચે મતદાન થયું હોવાથી જનાદેશ કઈ તરફ વળ્યો હશે તે અંગે વિરોધાભાસ દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ આસામ, ત્રિપુરા, છત્તીસગઢ જેવા રાજ્યોમાં થયેલું ઊંચુ મતદાન કદાચ એનડીએ તરફી ઝુકાવના કારણે હોય, તો તેમાં મોદી-વેઈવ કારણભૂત હોય, કે પછી જે-તે રાજ્યોમાંથી સ્થાનિક નેતાગીરીનું મિશ્રણ થયું હોય, તે અંગે મત-મતાંતરો છે, ટૂંકમાં કહીએ તો પ્રથમ બે તબક્કાનું મતદાન ભરેલા નાળિયેર જેવું છે, પરંતુ વિપક્ષો માટે આશાના કિરણ જેવું પણ છે, તેથી ૪૦૦ પારના નારાને સાર્થક કરવા હવે અનેડીએ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી...

જો કે, જયાં ૬૦ ટકાથી ઓછું મતદાન થયું છે, ત્યાં ત્રિકોણીય કે બહુકોણીય મુકાબલો હોવાથી મતદારો કન્ફયૂઝમાં હોવાની દલીલ પણ વિચારવા જેવી ખરી.

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ અને ગ્રામ્ય તથા કેટલાક શહેરી વિસ્તારોમાં થઈ રહેલા દેખાવોના કારણે ભાજપના પ્રચારાત્મક કાર્યક્રમો પણ અવરોધાઈ રહ્યા છે, ત્યારે ત્રીજા તબક્કાના પ્રારંભે ભાજપનું હાઈકમાન્ડ રૂપાલા મુદ્દે વ્યૂહ બદલશે કે પછી મચક નહીં આપે તેની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર સૌની નજરો મંડાયેલી છે. રૂપાલાએ ફરીથી એક વખત જાહેરમાં ક્ષમાયાચના કરતા જે કાંઈ કહ્યું છે, તે ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સાંકેતિક છે, ખરું કે નહીં ?

ગુજરાતનો પ્રત્યેક મતદાર ઉનાળાની ગરમી, પારિવારિક જવાબદારીઓ, અભ્યાસ, તહેવારો, પ્રસંગો અને  મુખ્ય પરીક્ષાઓ સંપન્ન થયા પછીના વેકેશન જેવા માહોલમાં પણ ૭ મી મે ના દિવસે પ્રાયોરિટીમાં મતદાન કરે, અને વધુમાં વધુ મતદાન થાય, તે માટે ચૂંટણી પંચના પ્રયાસોમાં સહયોગી બનીએ, અને આવો મતદાનના બધા રેકોર્ડ તોડી નાંખીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial