દેશમાં ચૂંટણીનો માહોલ છે, અને હવે જામનગર સહિત હાલારમાં પણ ચૂંટણી પ્રચાર વેગીલો બની રહ્યો છે, મે મહિનો બેસતા જ ચૂંટણી પ્રચાર જેટ ગતિએ થવા લાગશે, અને તેના પર જ સૌ કોઈનું ધ્યાન રહેશે. ચૂંટણીની આ મોસમમાં કેટલાક બિન-રાજકીય પણ મહત્ત્વપૂર્ણ વિષયો અને ખબરોની ચર્ચા જ ઓછી થાય છે, અથવા તો ચૂંટણી પ્રચારની આંધીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ વિષયો ઉડી જતા હોય છે, કે પછી ચૂંટણી પ્રચારના કોલાહલમાં દબાઈ જતાં હોય છે, તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
એવી આગાહી થઈ છે કે ચોમાસું સારું થશે અને વરસાદ પણ સંતોષજનક પડશે. કેટલાક સ્થળે વધુ વરસાદ પણ થઈ શકે. આ સમાચાર પ્રકાશમાં આવ્યા પછી આરબીઆઈ અને શેરમાર્કેટમાંથી પણ હકારાત્મક પ્રતિભાવો આવ્યા. આ ખુશીના સમાચાર અંગે કેટલાક ભિન્ન પ્રત્યાઘાતો પણ સામે આવ્યા, પરંતુ જો ચૂંટણીનો માહોલ ન હોત તો જેટલી ચર્ચા થઈ હોત, તેટલી ચર્ચા ન તો પ્રેસ-મીડિયામાં થઈ, કે ન તો સંબંધિત ક્ષેત્રોમાંથી ત્વરીત પ્રતિભાવો જાણવા મળ્યા. જો કે પાંચ વર્ષે આવતા લોકતંત્રના મહોત્સવનું મહત્ત્વ પણ જરાયે ઓછું નથી, અને આદર્શ આચારસંહિતા પણ અમલમાં છે, ત્યારે કેટલાક મહત્ત્વપૂર્ણ અને બિન-રાજકીય મુદ્દાઓ દબાઈ જાય, તે સ્વાભાવિક પણ ગણાયને?
ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સની જે ચાર ફેકટરીઓ ઝડપાઈ છે તે સામાચાર ગઈકાલે ફલેશ થયા, પરંતુ તેના વિશ્લેષણો જેટલા સામાન્ય સમયગાળામાં થતા હોય છે, તેટલા થયા નથી. હકીકતે ડ્રગ્સના પ્રોડકશન, હેરાફેરી અને વેંચાણનું જંકશન જો ગુજરાત બની રહ્યું હોય, અને તેનું વાહક રાજસ્થાન બની રહ્યું હોય, તો તે ઘણો જ ચિંતાનો વિષય છે અને આ બન્ને રાજ્યોની યુવાપેઢીમાં જો ડ્રગ્સની લત વધી રહી હોય, તો તે માત્ર બે સરકારો જ નહીં, પરંતુ સમાજ અને આજુબાજુના રાજ્યોની સરકારો તથા કેન્દ્ર સરકાર માટે પણ ઘણો જ ચિન્તાજનક ગણાય, પરંતુ હવે ચૂંટણીઓ સંપન્ન થાય, તેની રાહ જોવી રહી....
અત્યારે રોજગારી, મોંઘવારી, વિકાસ, તાનાશાહી, તુષ્ટિકરણ, જનકલ્યાણ, યોજનાઓ, કેન્દ્રીય અને રાજ્યની બ્યુરોક્રેસી તથા એજન્સીઓનો દુરૂપયોગ વગેરે મુદ્દાઓ તો ચૂંટણીમાં ચર્ચાઈ જ રહ્યા છે, અને કોનો ભ્રષ્ટાચાર મોટો અને કોનો ભ્રષ્ટાચારી ખોટો તેની રમુજ ઉપજાવે તેવી ચર્ચાઓ પણ થતી જ રહે છે, પરંતુ ડ્રગ્સનો વધી રહેલો વ્યાપ અને તેના કારણે ગુજરાત, રાજસ્થાન જ નહીં, દેશભરના રાજ્યોની યુવા પેઢીની થઈ રહેલી બરબાદીને ચુંટણીપ્રચારનો મુદ્દો બનાવાઈ રહ્યો નથી, કારણ કે આ મુદ્દે કદાચ 'તેરી બી ચૂપ' 'મેરી બી ચૂપ' ની રાજનીતિ અપનાવાઈ રહી હશે. આ પહેલાં જ્યારે પંજાબમાં ડ્રગ્સની બદી વધી હતી, ત્યારે 'ઉડતા પંજાબ' ના કટાક્ષાત્મક સુત્ર સાથે ડ્રગ્સનો મુદ્દો ચૂંટણીનો મુખ્ય વિષય બન્યો હતો, અને તે પછી ત્યાં ડ્રગ્સની બદી કેટલી ઘટી તે હજુ સસ્પેન્સજ રહ્યું છે, પરંતુ પંજાબની જેમ જ ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ તાજેતરમાં જ પકડાઈ, અને પોરબંદર નજીક જ કાલે જ ૯૦ કિલો ડ્રગ્સ સાથે ૧૪ પાકિસ્તાની પકડાયા, તેવા અહેવાલો આવ્યા, તે જોતાં આ મુદ્દો ચૂંટણીમાં અગ્રતાક્રમે ઉઠાવાઈ રહ્યો કેમ ઉઠાવાઈ રહ્યો નથી? તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે ને?
ઈવીએમ, ઈલેકશન બોન્ડસ, કેજરીવાલ વગેરે સંબંધિત અદાલતી કર્મચારીઓ, કોર્ટની ટિપ્પણીઓ તથા ચુકાદાઓની ચર્ચા તો ચૂંટણી હોવા છતાં ખૂબ જ વ્યાપક રીતે થઈ રહી છે, કારણ કે તેનાથી મતની ખેતી થતી હોય, પરંતુ ન્યાયક્ષેત્રના જ કેટલાક પ્રેરણાત્મક, હકારાત્મક અને પોઝિટીવ ઘટનાક્રમો, નિવેદનો, ટિપ્પણીઓ કે ચુકાદાઓની બહુ ચર્ચા થઈ રહી નથી. પરંતુ નિકમને મહારાષ્ટ્રમાં ભાજપની ટિકિટ મળી તે સિવાય અન્ય સમાચારો ગૌણ બની ગયા, તેનું કારણ ઓપન સિક્રેટ જ છે ને?
ન્યાયક્ષેત્રના એક સમાચાર હેડલાઈન્સની સમકક્ષ હતા અને કેટલાક પ્રેસ-મીડિયામાં તેને ઈમ્પોર્ટન્સ પણ અપાયું પરંતુ આટલા મોટા સમાચારની બહુ ચર્ચા કદાચ ચૂંટણીના માહોલના કારણે જ થઈ નહીં હોય, ગુજરાતમાં કોમર્શિયલ કોર્ટોમાં પેન્ડીંગ કેસોના ઝડપી ઉકેલ માટે ૩૩ પૈકી ૧૯ જિલ્લાના ૪પ તાલુકાઓમાં ગુજરાત હાઈકોર્ટે અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મધ્યસ્થીકરણ સમાધાન કેન્દ્રોનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ જસ્ટિસ સુનિતાબેને જે કાંઈ કહ્યું તે ઘણું જ દિશાસૂચક હતું, ન્યાયક્ષેત્રના રાજ્યકક્ષાના કદાચ આ સૌથી મોટા સમાચાર હતા, જે ચૂંટણીના માહોલમાં બહુ ચર્ચાયા નહીં.
આપણા દેશમાં સરળતાથી ઝડપથી સસ્તો ન્યાય મળતો થાય અને પેન્ડીંગ કેસોનો શકય તેટલી ઝડપે ઉકેલ આવે તે માટે તાલુકાકક્ષાની રાષ્ટ્રીયકક્ષા સુધી અને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટથી લઈને દેશના ચીફ જસ્ટિસ સુધીના ન્યાયવિંદો હંમેશાં પ્રયત્નશીલ રહ્યા છે, પરંતુ હવે તેમાં નવા નવા અભિગમોને અપનાવીને વિલંબિત ન્યાયનું કલંક મિટાવવાના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપેુ જ લોકઅદાલતો પણ યોજાતી રહી છે, અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સહાયના અલાયદા પ્રબન્ધો પણ થયા છે, તેમ છતાં હજુ પણ ન્યાયિક પ્રક્રિયા વધુ સરળ બને, સુલભ બને, ન્યાય મેળવવો સસ્તો હોય અને ઝડપભેર ન્યાય મળતો થાય, તે માટે ઘણું કામ કરવાનું બાકી છે, ખરું કે નહીં?
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સમિતિના પેટ્રન ઈન ચીફ પણ છે. મધ્યસ્થીકરણ સમાધાન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરતા તેઓએ કહ્યું કે, પ્રોફેશનલ મીડિએટર તરીકે વકીલો પોતાની સેવાઓ સાથે સમાજસેવા કરી શકે છે. મીડિયેટર મારફત થતું સમાધાન બન્ને પક્ષકારોને માન્ય રહેતું હોવાથી રાજ્ય અને જિલ્લાકક્ષાએથી હવે છેક તાલુકાકક્ષા સુધી મધ્યસ્થીકરણ સમાધાન કેન્દ્રોનો અભિગમ અપનાવ્યો છે, જે જનલક્ષી અને હેતુલક્ષી છે.
એવું કહેવાય છે કે કોમર્શિયલ કેસોને ઝડપી અને સમાધાનકારી ઉકેલ માટે તાલુકા કક્ષા તથા હાઈકોર્ટ લેવલના ૭પ વકીલોને તાલીમબદ્ધ કરાયા છે. આ નવા ૪પ મધ્યસ્થીકરણ કેન્દ્રોમાં માત્ર કોમર્શિયલ નહીં, પરંતુ લગ્નજીવનની તકરારો, રિકવરી-લેણાં, દિવાની પ્રકારના ફોજદારી ગૂન્હા, વીમાના દાવા વગેરે સમાધાનની સંભાવના હોય તેવા કેસોનો પણ મીડિયેટર દ્વારા નિકાલ (ઉકેલ) થઈ શકશે ગુજરાતમાં અત્યારે આ પ્રકારના ૭૯ કેન્દ્રો છે જે રપ૧ સુધી ઈ જવાનું લક્ષ્ય છે. છે ને મહત્ત્વપૂર્ણ મુદ્દો?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial