બળબળતો ઉનાળો અને હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષાની જેમ ચૂંટણી પ્રચારની ગરમીની સાથે સાથે લોકતંત્રના મહાપર્વ માટે લોકોની મતદાન પ્રત્યેની જાગૃતિ પણ વધવા લાગે, તો કેવું સારું?
અત્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને તમામ રાજકીય પક્ષોના ટોપ ટુ બોટમ નેતાઓ અને દેશભરના કાર્યકરો ગામડે-ગામડે અને શહેરોના મહોલ્લા-ગલીઓમાં મતદારોને રિઝવવા મથી રહ્યા છે. તો ચૂંટણીપંચ પણ આ કપરી કામગીરી ખૂબ જ ધીરજપૂર્વક ચોક્સાઈથી કરી રહ્યું છે. હવે ત્રીજા તબક્કાના મતદાન પછી એટલે કે ૭ મી મે પછી ગુજરાતમાં તો ચૂંટણીનો આ કોલાહલ પણ સમી જશે અને નવમી મે થી વેકેશન પણ પડી જશે. જો કે, સાતમી મે ના દિવસે મતદાન કરીને જ વેકેશનમાં બહારગામ કે હરવા ફરવા જવાની જે સ્વયંભૂ ચર્ચાઓ થઈ રહી છે, તે માત્ર રાજકીય પક્ષ કે ઉમેદવારો માટે નહીં પરંતુ લોકતંત્ર અને દેશ માટે પણ ખૂબ જ સારા સંકેતો ગણાય, ખરું કે નહીં ?
જો કે, આ વખતે ચૂંટણી પ્રચારની ગરમી તો બળબળતા ઉનાળાને પણ પાછળ રાખી દે તેટલી ધગવા લાગી છે અને હવે તો વિવિધ પક્ષોના સર્વોચ્ચ નેતાઓ પણ ગરમા ગરમ નિવેદનો આપવા લાગ્યા છે, તો કાર્યકર્તાઓ-નેતાઓમાં પણ જુસ્સો વધી રહ્યો છે તેથી પ્રથમ બે તબક્કા કરતા ત્રીજા તબક્કામાં વધુ મતદાન થશે, તેવી આશા પણ જાગી છે.
ગુજરાતમાં તો રૂપાલા પ્રકરણ પછી રાહુલ ગાંધીના રાજા-રજવાડાના મુદ્દે તાજેતરના નિવેદનનો વિરોધ પણ થયો છે, તે ઉપરાંત હવે 'આપ' ના કોઈ નેતાએ પણ કાંઈક અયોગ્ય બફાટ કરતા 'આપ' સામે પણ ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓએ જે નિવેદનો આપ્યા છે, તે જોતા આ મુદ્દો હવે ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા સમી જાય, તેવું લાગતું નથી, તેમાં હવે પરેશ ધાનાણીના કેટલાક શબ્દોપ્રયોગ પણ ચર્ચામાં ચગડોળે ચડ્યા છે, તો લોકોમાં પણ કુતૂહલ સાથે કન્ફયૂઝન જાગ્યુ અને કહેવા લાગ્યા કે, યે કયાં હો રહા હૈ.
ગઈકાલે ચૂંટણી સભાઓ ગુંજી, અને પાટણમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે પ્રહારો કર્યા તેમણે ભાજપ સરકાર બંધારણને ખતમ કરી દેવા માંગે છે, તેવું ભાષણ કર્યુ અને પત્રકારોના પ્રશ્નના જવાબમાં પણ મોદી સરકાર સામે આક્ષેપો કરતા કહ્યું કે ભાજપ અને આરએસએસ અનામત પ્રથા જ ખતમ કરી દેવા માંગે છે. રાહુલ ગાંધીના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
હકીકતે અમિત શાહ એસ.સી. અને એસ.ટી. સહિતના વર્ગોની અનામત ખતમ કરવાનું કહેતા હોય, તેવો વીડિયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો. તે પછી ભાજપે સાચો વીડિયો અને તેમાં ચેડા કરીને બનાવાયેલો વીડિયો એક સાથે વાયરલ કરીને ફેઈક વીડિયો સામે ફરિયાદ નોંધાવી, દિલ્હી પોલીસે પણ તત્કાળ તપાસ શરૂ કરી દીધી અને તેલંગાણાના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યું હોવાની વાતો વહેતી થતાં જ આ મુદ્દો ગઈકાલે 'ટોક ઓફ ધ નેશન' થયો હતો, એટલું જ નહીં, આ વીડિયો રિલિઝ કરનાર સામે ઉંડી તપાસ કરીને તેને કાનૂની રાહે દંડ-સજા કરવા અને સંબંધિતો સામે આદર્શ આચાર સંહિતા હેઠળ પણ કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા લાગી, તો અવાજ ઉઠ્યો કે યે કયા હો રહા હૈ..
એક તરફ રાહુલ ગાંધીએ પાટણમાં ભાજપ પર પ્રહારો કર્યા તો બીજી તરફ દેશના વિવિધ રાજ્યોમાં પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ભાજપ અનામત ખતમ કરવા માંગે છે, અને બંધારણને ફાડીને ફેંકી દેવા માંગે છે, તેવા પ્રહારો કર્યા આ ભાષણોને ફેઈક વીડિયો સાથે સાંકળીને પી.એમ. મોદી તથા અમિત શાહ સહિતના ભાજપની સર્વોચ્ચ નેતાગીરીએ પણ વળતુ શાબ્દિક આક્રમણ કર્યું. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એવો સવાલ પણ ઉઠ્યો કે યે કયા હો રહા હૈ..?
બીજી તરફ કોંગી નેતા પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકના જેડીએસ નેતાના કથિત સેકસ સ્કેન્ડલને લઈને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા અને સરકારને સવાલો પુછ્યા, તેણીએ પુછયું કે પ્રજવલ જેવો ખુંખાર આરોપીને દેશ છોડીને ભાગી કેમ જવા દીધો? તે પછી ભાજપના નેતાઓના બદલે જે.ડી.એસ. ના નેતા એચ.ડી. કુમાર સ્વામીએ દાવો કર્યો કે સેકસ સ્કેન્ડલમાં ફસાયેલા જે.ડી.એસ.ના સાંસદ પ્રજવલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે, અને તેને ભાજપ કે પી.એમ. મોદી સાથે કાંઈ દેવા દેવા નથી.
કુમાર સ્વામીએ કહ્યું કે જેડીએસના સાંસદ સામે ફરિયાદો ઉઠતા તેઓને સસ્પેન્ડ કરવાનો ત્વરીત નિર્ણય લીધો અને તપાસ તથા કાનૂની કાર્યવાહી દરમ્યાન તે દોષિત ઠરે, તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તેની સામે કોંગ્રેસે કહ્યું કે પ્રજવલ રેવન્ના તો વિદેશ ભાગી ગયો છે, તેથી હવે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવાનું નાટક થાય છે. પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાના પરિવાર માટે આ ક્ષોભજનક સ્થિતિ છે, પરંતુ 'અબ પછતાને સે કયા ફાયદા, જબ ચીડિયા ચુભ ગઈ ખેત..'
જો કે, પ્રજવલ રેવન્ના તરફથી દલીલ કરનારાઓ એવો દાવો કરે છે કે આ વીડિયો પાંચ વર્ષ જુનો અને ડોકટર્ડ છે, પરંતુ આ સ્કેન્ડલ બહાર લાવનારનો દાવો છે કે તેની પાસે પૂરતા પુરાવા છે જે હોય તે ખરું, પરંતુ આ એક ચૂંણીનો ધગધગતો મુદ્દો બની જ ગયો છે, ખરું કે નહીં?
એક એડવોકેટ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાથી ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતા અરજી જ ઉડી ગઈ હતી. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર પોતે જ એવો દાવો કરે છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે, તેથી આ મુદ્દો ચૂંટણીપંચનો છે, અને અરજદારે ચૂંટણીપંચનો સંપર્ક સાધ્યો જ છે, તેથી એ સ્વતંત્ર રીતે વિચારશે, અને જરૂરી કાર્યવાહી કરશે, પણ અદાલત ચૂંટણીપંચને વિશેષ વલણ અપનાવવાના નિર્દેશો આપી શકે નહીં. એ જ રીતે પં. બંગાળ-સરકારને રાહત આપતા સુપ્રિમ કોર્ટે શિક્ષક ભરતી કૌભાંડ સંદર્ભે સીબીઆઈ તપાસ કરવાના કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. જો કે, સંદેશ ખાલી મુદ્દે મમતા સરકારને સુપ્રિમ કોર્ટે રાહત આપી નથી અને સુનાવણી ત્રણ મહિના પાછળ ઠેલી દીધી છે. આમ વિવિધ મુદ્દે અદાલતી કાર્યવાહી સાથે પણ રાજનીતિને સાંકળવામાં આવી ત્યારે સવાલ ઉઠે કે યે કયાં હો રહા હૈ... યે કયા હો રહા હૈ...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial