Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

લોકસભાની વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સરેરાશથી ઓછું મતદાન ક્યાં અને શા માટે થયું હતું?

નવા મતદારો કોના તરફ ઢળશે, મતદારોનો મૂડ કેવો રહેશે અને હવે પછીના તબક્કાઓમાં ટકાવારી કેટલી રહેશે તેની ચર્ચા

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના સ્ટાર પ્રચારક તરીકે જામનગરમાં પ્રચારાર્થે આવી રહ્યા છે, ત્યારે હાલારમાં રાજકીય માહોલમાં સ્વાભાવિક રીતે જ ગરમાવો આવ્યો છે અને જામનગરમાં ધમધમાટ વધ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાત સહિતની ૯૪ બેઠકો પર ૭ મી મે ના મતદાન થનાર છે, અને તેની ચૂંટણીપંચે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણીના આ ચક્રવ્યૂહ વચ્ચે કેટલાક વિશ્લેષણો પણ થઈ રહ્યા છે અને લોકસભાની ગત્ ચૂંટણીના કેટલાક રસપ્રદ આંકડાઓ તથા નોંધપાત્ર ઘટનાઓની ચર્ચાઓ પણ થઈ રહી છે, તયારે આપણે પણ બહેતી ગંગામાં થોડા હાથ ધોઈ લઈએ ને? તો ચાલો... થોડું જાણીએ, વિચારીએ અને ૭ મી મે ના દિવસે સૌ પ્રથમ મતદાન કરીને પછી જ બીજુ કામ કરવાનો સંકલ્પ લઈએ.

વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, તે માટે રાજકીય પક્ષો અને ઉમદવારો જ નહીં, પરંતુ ચૂંટણીપંચ પણ મતદાર જાગૃતિના વિવિધાસભર કાર્યક્રમો યોજી રહ્યું છે, અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિમ મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયાના વિવિધ પ્રકારો તથા ઈન્ટરનેટ આધારિત વેબસાઈટ્સ તેમજ ટેલિફોનિક મેસેજીસનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. પ્રથમ બે તબક્કામાં ધાર્યા કરતા ઓછું મતદાન થતા મતદાન જાગૃતિના કાર્યક્રમો વધુ તેજ થયા છે.

ગત્ ચૂંટણીમાં રાષ્ટ્રીય સરેરાશ (નેશનલ એવરેજ) થી ઓછું મતદાન નોંધાયું હોય, તેવા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વર્ષ ર૦૧૯ માં રાષ્ટ્રીય સરેરાશ મતદાન ૬૭.૪૦ ટકા હતું, તેનાથી ઓછું ૬૪.પ ટકા મતદાન ગુજરાતમાં નોંધાયું હતું. તે ઉપરાંત અન્ય ૧૦ રાજ્યોમાં પણ સરેરાશથી ઓછું મતદાન થયું હતું. ચૂંટણીપંચ આ તમામ રાજ્યો પર આ વખતે વિશેષ ધ્યાન રાખીને મતદાન રાષ્ટ્રીય સરેરાશને આંબી જાય કે તેથી ઊંચુ રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.

રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું મતદાન

ચર્ચિત આંકડાઓ મુજબ વર્ષ ર૦૧૯ માં રાજસ્થાનમાં ૬૬.૩ ટકા, ઝારખંડમાં ૬૬.૮ ટકા, પંજાબમાં ૬પ.૯ ટકા, તેલંગણામાં ૬ર.૮ ટકા, ગુજરાતમાં ૬૪.પ ટકા, ઉત્તરાખંડમાં ૬૧.૯ ટકા, મહારાષ્ટ્રમાં ૬૧ ટકા, દિલ્હી (એનસીઆર) માં ૬૦.૬ ટકા, ઉત્તરપ્રદેશમાં પ૯.ર ટકા, બિહારમાં પ૭.૩ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં ૪પ ટકા મતદાન રહ્યું હતું. જે ગત્ ચૂંટણીના વર્ષ ર૦૧૯ ના મતદાનની રાષ્ટ્રીય સરેરાશ ૬૭.૪૦ ટકા કરતાયે ઓછું રહ્યું હતું.

મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં તેજીની ચર્ચા

ચૂંટણીપંચની દિલ્હીની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો અને જે રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં મતદાન ઓછું રહ્યું હતું, તે તમામ રાજ્યોમાં આ વખતે વિશેષ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવાની ચર્ચા પણ થઈ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં 'સ્વીપ' જેવા કાર્યક્રમો દ્વારા મતદારજાગૃતિના કાર્યક્રમો વધારવામાં આવી રહ્યા છે.

એ પછી પ્રથમ બે તબક્કામાં થયેલા મતદાનની સમીક્ષા કરીને અને તેના કારણોની જાણકારી મેળવીને ત્રીજા તબક્કામાં અધિકત્તમ મતદાનના પ્રયાસો થઈ રહ્યા છે.

પ્રત્યેક રાજકય પક્ષનો ઉદ્દેશ્ય આમ તો તમામ મતદારોને આકર્ષવાનો હોય છે, પરંતુ નવા નોંધાયેલા મતદારોમાં સ્થળાંતર કરીને આવેલા મતદારો સિવાયના યુવા મતદારો પણ ઘણાં વધ્યા હોવાથી તેના પર રાજકીય પક્ષો તથા ઉમેદવારોની વિશેષ નજર રહેવાની છે.

સૌરાષ્ટ્રમાં કેટલા નવા મતદારો?

આંકડાઓ મુજબ વર્ષ ર૦૧૯ ની સરખામણીમાં આ વખતે વર્ષ ર૦૧૪ માં રાજકોટ બેઠક પર થતા ર.ર૦ લાખથી વધુ મતદારોની સંખ્યા વધી છે. કચ્છમાં તેવી જ રીતે આ વખતે વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણી માટે વર્ષ ર૦૧૯ કરતા અન્ય બેઠકો પર પણ નોંધપાત્ર વધારો થયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં નવા ઉમેરાયેલા મતદારોની સંખ્યા સાડાબાર લાખ જેટલી થાય છે.

કચ્છ બેઠકમાં ૧.૯૧ લાખ, ભાવનગરની બેઠક પર ૧.૪ર લાખ, સુરેન્દ્રનગરની બેઠક પર ૧.૭૮ લાખ, અમરેલીની બેઠક પર ૧.૦૩ લાખ, પોરબંદરની બેઠક પર ૧.૦૧ લાખ, જામનગરની બેઠક પર ૧.પ૭ લાખ અને રાજકોટ બેઠક પર ર.ર૦ લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૧ર.૪ર લાખથી વધુ નવા ઉમેરાયેલા મતદારો સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, અને કોઈપણ ઉમેદવારની હાર-જીત કે લીડ વધારવા-ઘટાડવા માટે નિમિત્ત પણ બની શકે છે. ટૂંકમાં નવા મતદારો પણ ઉમેદવારો અને રાજકીય પક્ષોના ધ્યાનમાં જ હશે, અને તેનું મહત્તમ મતદાન કરાવવાના હકારાત્મક પ્રયાસો પણ થઈ રહ્યા જ હશે.

જામનગરમાં મુખ્ય ફાઈટ ભાજપ-કોંગ્રેસ વચ્ચે

ટૂંકમાં, જામનગરમાં મુખ્ય ફાઈટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, અને હવે પ્રચાર વેગીલો બની રહ્યો છે, ત્યારે નવા નોંધાયેલા યુવા મતદારો કોના તરફ ઢળશે અને ગત્ ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં મુદ્દાઓ તથા સાંપ્રત જન-અપેક્ષાઓમાં ક્યા ક્યા અને કેવા કેવા ફેરફારો થયા છે, તેનું હવે પોસ્ટમોર્ટમ શરૂ થયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્ય બન્ને પક્ષોના ઉમેદવારોની સંપત્તિ

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામાઓના આધારે બહાર આવેલા આંકડાઓ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૂંટણીમાં ઝંપલાવનાર મુખ્ય બન્ને રાજકીય પક્ષોની ત્રણેય સત્તાવાર મહિલા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની સ્થાવર અને જંગમ મળીને કુલ ૧૪૭ કરોડ સંપત્તિ, ભાવનગરના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાની સંપત્તિ ર.૮૯ કરોડ અને અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની સંપત્તિ ૮.૪૭ કરોડ છે. આ આંકડાઓ મીડિયાના માધ્યમથી પ્રશારિત થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ રિઝિયનના ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના ૮ બેઠકો પર નસીબ અજમાવી રહેલા ૧૬ ઉમેદવારોમાંથી ૧ર ઉમેદવારો તો કરોડપતિ છે. કોંગ્રેસના કચ્છના ઉમેદવાર નિતેશ લાલણ પાસે સૌથી ઓછી સંપત્તિ ૧ર લાખ નોંધાવાઈ છે, ભાજપ અને કોંગ્રેસના જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરના ઉમેદવાર કરોડપતિ છે, એટલે કે મુખ્ય બન્ને પક્ષોના ઉમેદવારો કરોડપતિ છે.

એ.ડી.આર.ને ટાંકીને આવેલા અહેવાલ મુખ્ય ઉમેદવારોની સંપત્તિ જોઈએ તો કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સંપત્તિ ૬.૩૦ કરોડ જાહેર કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસના નિતેશ લાલણની સંપત્તિ ૧ર.૦ર લાખ નોંધાવાઈ છે. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાની સંપત્તિ ૬૭.૯૭ લાખ અને ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાની સંપત્તિ ર.૮૯ કરોડ નોંધાવાઈ છે.

રાજકોટની બેઠક પર ચર્ચાસ્પદ બનેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની સંપત્તિ ૧૭.૪૩ કરોડ અને પરેશ ધાનાણીની સંપત્તિ ૧.૬૬ કરોડ, જામનગરમાં ભાજપના પૂનમબેન માડમની સંપત્તિ એકંદરે ૧૪૭ કરોડ અને કોંગ્રેસના જયંત પી. મારવિયાની સંપત્તિ ૯૯.૯ લાખ, અમરેલીમાં ભાજપના ભરત સુતરિયાની સંપત્તિ ૮૩.૭૮ લાખ અને જેનીબેન ઠુમર (કોંગ્રેસ) ની સંપત્તિ ૮.૪૭ કરોડ, જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમાની સંપત્તિ ર.૯૯ કરોડ અને હીરાભાઈ જોટવા (કોંગ્રેસ) ની સંપત્તિ ૬.૬પ કરોડ, પોરબંદરમાં કેન્દ્રિય મંત્રી અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાની સંપત્તિ પ.૯૬ કરોડ અને કોંગ્રેસના લલિત વસોયાની સંપત્તિ ર.૪ર કરોડ, જ્યારે ચંદુલાલ શિહોરા-સુરેન્દ્રનગર (ભાજપ) ના ઉમેદવારની સંપત્તિ પ૩.૮૪ લાખ અને કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણાની સંપત્તિ ૧.૦૮ કરોડ નોંધાવાઈ છે.

જો કે, એવા આંકડાઓ પણ બહાર આવ્યા છે કે ગુજરાતમાં બસપાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સૌથી ઓછી સંપત્તિ માત્ર રૂ. બે હજાર નોંધાવી છે.

જામનગરમાં દ્વિપક્ષિય મુકાબલો

જામનગરમાં દ્વિપક્ષિય મુકાબલો છે. ભારતીય જનતા પક્ષના પૂનમબેન માડમ સામે કોંગ્રેસના જયંત પી. મારવિયા વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ છે. આ દ્વિપક્ષિય મુકાબલો ધીમે ધીમે પ્રચંડ પ્રચાર તરફ આગળ વધી રહ્યો છે, અને ભાજપના સર્વોચ્ચ સ્ટાર પ્રચારક ઉપરાંત વિપક્ષી ગઠબંધનના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના પ્રવાસના કારણે ચૂંટણીનો માહોલ હવે જામવા લાગ્યો હોય તેમ જણાય છે.

જામનગરમાં 'નોટા'માં મતદાન

જામનગરની લોકસભા બેઠક પર વર્ષ ર૦૧૪ માં કાલાવડ મતવિસ્તારમાં ૯ર૩, જામનગર (ગ્રામ્ય) માં ૧૦૦૦, જામનગર (ઉત્તર) માં ૧૧૯૪, જામનગર (દક્ષિણ) માં ૧૧૩૪, જામજોધપુરમાં ૭૬૧, ખંભાળિયામાં ૭૬૧ અને દ્વારકા મતવિસ્તારમાં નોટામાં ૭૪ર મતો પડ્યા હતાં. તે પછી વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં કાલાવડ મતવિસ્તારમાં ૮૭પ, જામનગર (ગ્રામ્ય) માં ૧ર૮પ, જામનગર (ઉત્તર) માં ૧૪૧૧, જામનગર (દક્ષિણ) માં ૧૦૯ર, જામજોધપુરમાં ૮૭૧, ખંભાળિયા મત વિસ્તારમાં ૧૦૭૮ અને દ્વારકા વિસ્તારમાં ૧૦૪૭ મતો નોટામાં પડ્યા હતાં. કુલ વર્ષ ર૦૧૪ માં ૬પ૪૬ અને વર્ષ ર૦૧૯ માં ૭૭૯૭ મતો નોટામાં પડ્યા હતાં.

:: આલેખન ::

વિનોદકુમાર કોટેચા એડવોકેટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial