ત્રીજા તબક્કાના મતદાનમાં હવે પાંચ દિવસ બાકી રહ્યા છે અને જાહેર પ્રચાર માટે હવે માંડ ત્રણેક દિવસ જ બચ્યા છે, ત્યારે ત્રીજા તબક્કાની ૯૪ બેઠકો જીતવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને ચૂંટણી પ્રચારનું જાણે કે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય તેમ ઠેર-ઠેર રોડ-શો, ચૂંટણીસભાઓ, નેતાઓ તથા કાર્યકરોની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તે ઉપરાંત વિવિધ સ્વરૂપે યોજાતા સંમેલનોના માધ્યમથી પણ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ચૂંટણીનો પ્રચાર ધમધમી રહ્યો છે.
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહીના અહેવાલો પછી રાજ્યના ચૂંટણીતંત્રો તથા રાજકીય પક્ષો દ્વારા વહેલી સવારથી જ મતદાન કરવાની અપીલો કરવામાં આવી રહી છે, તો ચૂંટણી પ્રચારની ગરમી સાથે કુદરતી ગરમીનું સંયોજન થતા કેટલાક ધગધગતા નિવેદનો થઈ રહ્યા છે, તો ડોર-ટુ-ડોર સંપર્ક જેવા પ્રચારકાર્યો સવાર-સાંજ જ કરવાની અપીલો કાર્યકરોને ઉદ્દેશીને કેટલાક રાજકીય પક્ષોએ કરી છે. કાર્યકરોની બેઠકો, સંમેલનો તથા ઉચ્ચ નેતાઓની મિટિંગો પણ હવે શક્ય હોય ત્યાંથી સમીસાંજ પછી રાત્રિના સમયે જ રાખવામાં આવી રહી હોવાથી હીટવેવની અસરો સ્પપષ્ટપણે અત્યારથી જ વર્તાવા લાગી છે.
ગુજરાતમાં મોટી લીડથી તમામ રપ બેઠકો જીતવાના નારા સાથે ભાજપે ચૂંટણીપ્રચાર વેગીલો બનાવ્યો છે, તો આ વખતે કમ-સે-કમ દસ-બાર બેઠકો જીતવાની ગોઠવણો કરીને ઈન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે. સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ ગઈ છે, તે સૌ જાણે છે.
ચૂંટણી પ્રચાર માટે ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના ધુરંધરો તથા સ્ટાર પ્રચારકો ગુજરાતને ધમરોળી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ ગુજરાતમાં તેજીલો ચૂંટણી પ્રચાર પણ આદર્યો છે. ગઈકાલથી જ એન.ડી.એ.ના મુખ્ય સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીસભાઓ ગજવી રહ્યા છે, અને રોડ-શો યોજી રહ્યા છે. આજે પણ તેઓ વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ચૂંટણીસભાઓ ગજવીને આજે જામનગરમાં પ્રચંડ પ્રચારાર્થે પહોંચી રહ્યા છે, તેથી નગરમાં આજે સવારથી જ ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ભાજપના રાજકીય કક્ષાના નેતાઓ પણ બે-ત્રણ દિવસ માટે વારાફરતી ગુજરાતની મુલાકાતે આવ્યા છે કે આવી રહ્યા છે, તે પૈકી પી.એમ. મોદી, અમિત શાહ વગેરે મૂળ ગુજરાતના નેતાઓ એક દિવસથી વધુ દિવસ માટે ગુજરાતમાં ધૂઆંધાર પ્રચાર કરી રહ્યા છે અથવા કરવાના છે. વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના ખૂણે ખૂણે વ્યૂહાત્મક ઢબે માઈક્રોપ્લાનીંગ કરીને પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રિય મંત્રીઓના પ્રચાર કાર્યક્રમો પણ ચર્ચામાં છે, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ગુજરાતમાં સભાઓ ગજવી હતી અને ઈન્ડિયા ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો, તે પછી હવે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના પ્રચાર કાર્યક્રમો પણ જાહેર થઈ રહ્યા છે. કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત સહિત ત્રીજા તબક્કાની ચૂંટણી માટે વ્યાપક પ્રવાસ ખેડી રહ્યા છે.
આમ આદમી પાર્ટી તરફથી હવે સુનિતાબેન કેજરીવાલે ચૂંટણી પ્રચાર આદર્યો છે, અને તેઓ ગુજરાતમાં રોડ-શો, ચૂંટણીસભાઓ સંબોધવાના છે, તો સંજયસિંહ, ભગવંત માન તથા દિલ્હી સરકારના કેટલાક મંત્રીઓ પણ ગુજરાત માટે સ્ટાર પ્રચારકો છે, જેઓ ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન માટે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી માટે ચૂંટણી પ્રચાર કરે, તેવી વ્યૂહરચના ગોઠવાઈ ગઈ છે.
ગુજરાતમાં રૂપાલા પ્રકરણમાં આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય આંદોલનકારીઓ વડાપ્રધાનના કાર્યક્રમો દરમિયાન આંદોલન કે દેખાવો વિગેરે નહીં કરે અને તેના સંદર્ભે જ સંમેલન કે મિટિંગ પણ એક દિવસ પાછળ ઠેલી હોવાના અહેવાલો છે. ઉલ્લ્ખનિય છે કે, ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોઈને કોઈ નેતાના કથિત નિવેદનોની નારાજગી પણ ચર્ચાસ્પદ બની રહી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
અત્યારે તો નેતાઓના નિવેદનોને લઈને નવો જ વિવાદ છેડાયો છે, અને અમિત શાહના પ્રચલિત થયેલા અનામત અંગેના ફેક વીડિયોના વિવાદ પછી આ મુદ્દો પણ ચૂંટણીના અગ્રીમ હરોળના પ્રચારમાં ગૂંજી રહ્યો છે, તેથી સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતા વીડિયોમાં ક્યો સાચો અને ક્યો વીડિયો ફેઈક હશે, તે પારખવું મુશકેલ છે.
જામનગરમાં આજે વડાપ્રધાનનું આગમન થનાર હોઈ સવારથી જ કરાયેલી સજ્જડ સુરક્ષા વ્યવસ્થાના કારણે બપોર પછી કેટલાક મુખ્ય માર્ગો ડાયવર્ટ કરાયા છે, અને કેટલાક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે, પરંતુ ચાક-ચોબંધ સુરક્ષા વ્ય્વસ્થા તથા ટ્રાફિક નિયમન માટે પણ જરૂરી પ્રબંધો કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નગરમાં એ.ટી.એસ. તથા એસ.પી.જી. કમાન્ડો સહિત વ્યાપક સુરક્ષા પ્રબંધો અને રિહર્સલો પછી હવે વડાપ્રધાનના આગમન તથા સ્પીચ પર સૌની નજરો મંડાયેલી છે.
આજે વડાપ્રધાનની સૌરાષ્ટ્રની મુલાકાત ભાજપ માટે કદાચ જડીબુટ્ટીનું કામ કરે તેમ છે, કારણ કે છેલ્લા કેટલાક ઘટનાક્રમો તથા વિવાદો પછી ભાજપના નેતાઓ-કાર્યકરોમાં આવેલી દ્વિધા ઘટી જશે અને જુસ્સો વધી જશે, તેવી આશા સ્થાનિક નેતાગીરી રાખી જ રહી હશે.
બીજી તરફ અત્યારે એક વખત ફરીથી ચૂંટણી ઢંઢેરાઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને ક્યા રાજકીય પક્ષે આઝાદી પછી અત્યાર સુધી કેટલા વાયદાઓ ચૂંટણી ઢંઢેરાઓમાં કર્યા અને તે પૈકી કેટલા પૂરા થયા તથા કેટલા અધુરા રહ્યા, તેના રજૂ થઈ ગયલા વિશલેષણો ઘણાં જ રસપ્રદ હોય છે અને જેવા રંગના ચશ્મા પહેર્યા હોય, તેવા કલરના દેખાતા હોય છે, જે હોય તે ખરૂ, ૭ મી તારીખે મતદાન કરવાનું ભૂલતા નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial