Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મારી ગેરંટી ...

ગુજરાતીમાં એક કહેવત છે કે, 'બોલે એના બોર વેચાય.' આ કહેવત નો અર્થ સારી રીતે સમજવો હોય તો આપણા છેલ્લા બંને વડાપ્રધાન યાદ કરો, મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદી.

મનમોહનસિંહ ૧૦ વર્ષ સુધી આપણા વડાપ્રધાન રહ્યા, અને સાથે સાથે મૌન પણ રહ્યા. એટલે સુધી કે તેમનું નામ પણ *મૌની બાબા* પડી ગયું. કહે છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જીત્યા ત્યારે તેમને મનમોહનસિંહે અભિનંદન પણ 'મિસ કોલ' કરીને આપ્યા હતા..!

હવે છેલ્લા ૧૦ વર્ષ થયા મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે કે જેઓ એક પ્રખર વક્તા પણ છે, કે જેમણે મનમોહનસિંહના બોલવાનો ક્વોટા પણ પૂરો કરી નાખ્યો છે.

અત્યારે જમાનો ગેરંટીનો છે, કારણ કે આજના બજારલક્ષી અર્થતંત્રમાં ગ્રાહકો જ સર્વોપરી છે, માટે ગ્રાહકોને શક્ય તેટલી વધુ ગેરંટી આપવી પડે છે. અત્યારે ચૂંટણીની સિઝન પુરબહારમાં ખીલી છે, અને ચૂંટણીમાં મતદાતા એ તો સાક્ષાત ભગવાન સમાન છે (અલબત્ત ચૂંટણીમાં મતદાન પતે ત્યાં સુધી જ). માટે જ આજકાલ ચૂંટણી પ્રચારમાં જાત જાતની ગેરંટી આપવી પડે છે.

જોકે ચૂંટણીમાં આપવામાં આવતી ગેરંટી એ તો ચાઈનીઝ માલ પર આપવામાં આવતી ગેરેન્ટી જેવી જ હોય છે, કે જેમાં માલ વેચનાર અને ખરીદનાર બંને જાણતા હોય છે કે ગેરંટીની કોઈ વેલ્યુ નથી. એવું જ રાજકારણમાં પણ છે. અહીં નેતાઓ અને મતદાતાઓ બંને જાણે છે કે આપવામાં આવેલી ગેરંટી ફક્ત મતદાનના દિવસ સુધી જ યાદ રાખવાની છે, પછી ભૂલી જવાની. જેથી પાંચ વર્ષ પછી આવનાર ચૂંટણીમાં નેતાજી ફરીથી એ જ ગેરંટી આપણને આપી શકે...!

ઘણી વખત તો એવું પણ બને છે કે ગેરંટી આપનાર નેતાજી પોતે વગર ગેરંટીએ જેલમાં પણ પહોંચી જાય છે.

રાજકારણોમાં એક ગેરંટી એવી પણ છે કે જેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી, અને જે લેખિતમાં પણ આપવામાં આવતી નથી છતાં પણ તેનું પાલન પૂરેપૂરી ઈમાનદારીથી કરવામાં આવે છે. રાજકારણમાં પ્રવેશ કરનાર દરેકને એક ગેરંટી અચૂક મળે છે કે જે કોઈ નેતા ગરીબોના હક માટે લડે છે તે પોતે જ લડતા લડતા અમીર થઈ જાય છે..! રાજકારણ એક એવો જાદુઈ ચિરાગ છે કે જેને પકડનારની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આવે છે.

ગેરંટીની વાત આવતા જ સ્ટેમ્પ પેપર યાદ આવે. કારણ કે ગેરંટી આપવા માટે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપવું પડે. અને એ સાથે જ વીતેલા જમાના નો સ્ટેમ્પ પેપર નો હીરો અબ્દુલ કરીમ તેલગી પણ યાદ આવે. આજે જે રીતે નેતાઓ દેશના ખૂણે ખૂણે ગેરંટી આપતા ફરે છે એ બધા જો સ્ટેમ્પ પેપર પર લખીને આપતા હોય તો કેટલા સ્ટેમ્પ પેપર ની જરૂર પડે? માટે જ કહું છું કે જો અબ્દુલ કરીમ તેલગી આજના જમાનામાં પણ તેનો સ્ટેમ્પ પેપરનો ગૃહ ઉદ્યોગ બરાબર સંભાળતો હોત તો તે આપણા દેશનો સૌથી ધનવાન ઉદ્યોગપતિ હોત..!

વિદાય વેળાએઃ- હિન્દી ભાષાના સુવિખ્યાત લેખક હરિશંકર પરસાઇએ કહ્યું છે કે, આત્મવિશ્વાસ અનેક પ્રકારના હોય છે, જેવો કે ધનનો, સત્તાનો, જ્ઞાનનો વગેરે વગેરે. પરંતુ આ બધામાં મર્ખતાનો આત્મવિશ્વાસ સર્વોપરી હોય છે...!!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial