Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દસ વર્ષ પહેલા થયેલી લોકસભાની જનરલ ચૂંટણીઓના રિ-પ્લે જેવી આ ચૂંટણી નથી લાગતી?

વર્ષ ર૦૧૪ માં ગુજરાત મોડલની ચર્ચા હતી, અને વર્ષ ર૦ર૪ માં દસ વર્ષની સિદ્ધિઓ વર્ણાવાઈ રહી છે

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઈકાલે ચૂંટણી સભા યોજાઈ, અને તે પછીની રાજકીય ચર્ચા આપણી સામે જ છે, ત્યારે દસ વર્ષ પહેલાની ચૂંટણીની યાદ પણ તાજી થાય છે, વર્ષ ર૦૧૪ ની ચુંટણી અને વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીઓમાં ઘણી જ સામ્યતાઓ છે અને કેટલાક મૂળભૂત તફાવતો પણ છે. વર્ષ ર૦૧૪ માં જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનપદ માટે ભાજપના ઉમેદવાર જાહેર કરાયા, ત્યારે ઘણાં જ અનુમાનો થયા, આશંકાઓની આંધી ઊઠી, ભાજપના અગ્રીમ હરોળની નેતાગીરીમાં પણ આ મુદ્દો ચર્ચામાં હતો અને સમગ્ર દેશ અને દુનિયામાં પણ ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા થવા લાગી હતી, તેમ જ તેની ફેવર તથા વિરૂદ્ધમાં મંતવ્યોની જાણે અતિવૃષ્ટિ થવા લાગી હતી. તે સમયે પણ નવા અનુમાનો, વિશ્લેષણો અને ટેલિવિઝન ચેનલો પર ડિબેટીંગ તથા અખબારોમાં વિશેષ અહેવાલોના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી જ હતાં, અને આ વખતે વર્ષ ર૦ર૪ માં પણ નેશનલ અને ઈન્ટરનેશનલ ચર્ચાના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી જ છે, તેથી આ ચૂંટણી વર્ષ ર૦૧૪ ના જનરલ ઈલેક્શનના રિપ્લે જેવી જ લાગે છે ને?

ગુજરાતની ર૬ બેઠકો પર વિજય

ગુજરાતની કુલ ર૬ બેઠકો પર ચૂંટણીના ભાગરૂપે વર્ષ ર૦૧૪ માં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ હતો, કારણ કે વર્ષ ર૦૧૪ માં કોંગ્રેસનું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહોતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્ય ઉમેદવારો વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગની રૂપરેખા અને પરિણામોની ટૂંકી ચર્ચા કરીએ, એ સર્વવિદિત છે કે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠ બેઠકો જીતી હતી, અને રાજ્યની તમામ ર૬ બેઠકો પર પણ ભાજપનો વિજય થયો હતો.

વર્ષ ર૦૧૪ માં ભારતીય જનતા પક્ષે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા હતાં. તે પછી આખા દેશની નજર ગુજરાત પર હતી, અને ગુજરાતના વિકાસ મોડેલને આગળ ધરીને ભારતીય જનતા પક્ષે પ્રચાર પણ કર્યો હતો. ભારતીય જનતા પક્ષે તે સમયે લોકસભામાં બહુમતી મેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું અને ચૂંટણીમાં ર૭ર (પ્લસ) બેઠકો પર વિજય મેળવવાનો નારો ગૂંજતો કર્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છની કેટલીક બેઠકો પર રસપ્રદ જંગ

વર્ષ ર૦૧૪ માં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો ભારતીય જનતા પક્ષે જીતી હતી, અમરેલીમાં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર સામે ભાજપના નારણભાઈ કાછડિયાનો વિજય થયો હતો. હાલમાં ભાજપના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી છે, તે કુંવરજીભાઈ બાવળિયા વર્ષ ર૦૧૪ માં કોંગ્રેસના ઉમેદવાર હતાં, તેની સામે રાજકોટ બેઠક પર ભાજપના મોહનભાઈ કુંડારિયાનો વિજય થયો હતો. આ બેઠક પર આ વખતે તેઓએ ડમી તરીકે ફોર્મ ભર્યું હતું, કારણ કે આ વખતે ભાજપે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે.

ભાવનગરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડ સામે ભાજપના ડો. ભારતીબેન શિયાળ ચૂંટણી જીતી ગયા હતાં, તો કચ્છમાં કોંગ્રેસે મૂળ જામનગરના નેતા દિનેશભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતાં, જેઓ ભાજપના વિનોદભાઈ ચાવડા સામે ચૂંટણીમાં હારી ગયા હતાં.

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વર્ષ ર૦૧૪ માં સોમા ગાંડા પટેલને ટિકિટ આપી હતી, જેની સામે ભાજપના દેવજી ફતેપુરા જીતી ગયા હતાં. જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ કોંગ્રેસના વિક્રમભાઈ માડમને હરાવીને લોકસભાના પ્રથમ વખત સભ્ય બન્યા હતાં. તેવી જ રીતે જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા, પોરબંદરની બેઠક પરથી વિઠ્ઠલભાઈ રાદડિયાએ ભાજપના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો.

વર્ષ ર૦ર૪ અને વર્ષ ર૦૧૪ ની લોકસભામાં મહત્ત્વપૂર્ણ તફવાત એટલો જ છે કે નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતાં અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧ર વર્ષ પૂરા કર્યા હતાં. આ વખતે તેઓ દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાન તરીકે ૧૦ વર્ષ પૂરા થયા છે, તે સમયે તેઓ જીતે તો વડાપ્રધાન તરીકે સફળ થશે કે કેમ? તેની ચર્ચા હતી, તો અત્યારે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે કેમ? તેની ચર્ચા થઈ રહી છે.

પક્ષાંતરનો પ્રવાહ

વર્ષ ર૦૧૪ માં પણ દેશના જુદા જુદા સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને નેતાઓ ભાજપમાં જવા લાગ્યા હતાં, અને કેટલાક ક્ષેત્રિય પક્ષોમાંથી પણ કેટલાક નેતાઓ પણ ભાજપમાં સામેલ થવા લાગ્યા હતાં. તે સમયે પણ પક્ષાંતર કરીને આવેલા કેટલાક નેતાઓને ભાજપ દ્વારા ટિકિટ અપાઈ હતી અને આ વખતે પણ ભાજપમાં કેટલાક પક્ષાંતર કરીને આવેલા નેતાઓને લોકસભાની ચૂંટણીની ટિકિટ અપાઈ છે. પ્રારંભમાં વર્ષ ર૦૧૪ માં પણ કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના આક્ષેપો ભાજપે કર્યા હતાં, જ્યારે કોંગ્રેસે ભાજપ પર સાંપ્રદાયિક હોવાના આક્ષેપો કરીને વિકાસ મોડલને ખોખલું ગણાવ્યું હતું. વર્ષ ર૦૧૪ માં ભાજપ અને કોંગ્રેસ એ બન્ને પક્ષોમાં આંતરિક મતભેદો હોવાના તથા નેતાઓ વચ્ચે ગજગ્રાહ હોવાના અહેવાલોની સ્ટોરીઓ રોજેરોજ ચર્ચાતી હતી, તો આ વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં પણ લગભગ તેવી જ ચર્ચાઓ થઈ રહી છે, તે સમયે ભાજપના લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી જેવા વરિષ્ઠ નેતાઓને પણ મનાવી લેવાય, પરંતુ વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજસ્થાનના દિગ્ગજ અને પીઢ નેતા જશવંતસિંઘે બગાવત કરી હતી અને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતાં.

એનડીએનો મુખ્ય ચહેરો પી.એમ. મોદી

વર્ષ ર૦૧૪ માં પણ ભાજપના સ્ટાર પ્રચારકોએ દેશભમાં જે પ્રચાર-પ્રસાર કર્યો, તેનું નેતૃત્વ નરેન્દ્રભાઈએ લીધું હતું, અને આ વખતે પણ તેમણે જ એનડીએની દેશવ્યાપી પ્રચારની મુખ્ય કમાન્ડ સંભાળી છે. તે સમયે ભાજપનો ર૭ર પ્લસ બેઠકોનો લક્ષ્યાંક જાહેર કરાયો હતો, જ્યારે વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં આ વખતે ભાજપને ૩૬૦ પ્લસ અને એનડીએનો ૪૦૦ ને પારનો લક્ષ્યાંક જાહેર કરાયો છે. વિપક્ષના મુખ્ય ચહેરામાં આ વખતે સોનિયા ગાંધી ગત્ ચૂંટણી જેટલા સક્રિય નથી, પરંતુ પ્રિયંકા ગાંધી વધુ સક્રિય છે. ઉપરાંત કેજરીવાલના સ્થાને તેમના પત્ની પ્રચાર કરે છે.

લક્ષ્યાંક બન્યો કોયડો

વર્ષ ર૦૧૪ માં ર૭ર પ્લસનો ટાર્ગેટ રાજકીય પંડિતો માટે કોયડો બની ગયો હતો, તેવી જ રીતે વર્ષ ર૦ર૪ માં ભાજપને ૩૬૦ પ્લસ અને એનડીએનો ૪૦૦ પ્લસનો ટાર્ગેટ પણ કોયડા જેવો જ છે. વર્ષ ર૦૧૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતાં, જ્યારે આ વખતે વારાણસી બેઠક માટે ૧૩ મી મે ના ફોર્મ ભરવાના હોવાના અહેવાલો છે.

ભાજપનું કોંગ્રેસીકરણ થવાની આલોચના

વર્ષ ર૦૧૪ માં પણ જ્યારે કોંગ્રેસ તથા અન્ય પક્ષોમાંથી પક્ષાંતર કરીને નેતાઓ ભાજપમાં સામેલ થવા લાગ્યા, ત્યારે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું હોવાની ટીકાઓ થઈ હતી. વર્ષ ર૦ર૪ માં પણ લગભગ આ જ પ્રકારની આલોચના થઈ રહી છે.

મુદ્દાઓની સામ્યતા અને તફાવત

વર્ષ ર૦૧૪ માં ઘણાં સંતો-મહંતોએ તથા અન્ય ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકસભાની ચૂંટણી માટે પોતાના અભિપ્રાયો આપ્યા હતાં, જેનું પ્રમાણ આ વખતે ઓછું રહ્યું છે. વર્ષ ર૦૧૪ માં ચૂંટણીના એનડીએ અને યુપીએના મુદ્દાઓ હતાં, લગભગ તે જ મુદ્દાઓ અલગ સ્વરૂપે આ વખતે 'એનડી' એલાયન્સ અને 'ઈન્ડી' એલાયન્સના છે. વર્ષ ર૦૧૪ ની ચૂંટણીમાં તે સમયની કેન્દ્ર સરકાર વિરૂદ્ધ વિપક્ષી યુપીએ ગઠબંધને તડાપીટ બોલાવી હતી, તો આ વખતે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ઈન્ડિયા ગઠબંધન તડાપીટ બોલાવી રહ્યું છે. વિપક્ષના રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય કક્ષાનો પ્રચાર સંભાળી રહ્યા છે.

એનડીએનું વિસ્તૃતિકરણ

વર્ષ ર૦૧૪ ની ચૂુંટણી પહેલા પણ એનડીએનો વિસ્તાર વધારવાના પ્રયાસો થયા હતાં. ભાજપનું મુખ્યત્વે શિવસેના, અસ્કાલીદળ, જેડીયુ, એઆઈએડીએમકે, વગેરે રાજકીય પક્ષો સાથે જોડાણ હતું, અને તેમાં કેટલાક વધુ પ્રાદેશિક પક્ષોને સમાવીને એનડીએનું ગઠબંધન રચાયું હતું, જેની સામે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએનો મજબૂત પડકાર હતો, જ્યારે આ વખતે સ્થિતિ બદલાઈ ગઈ છે.

'એનડી' વિરૂદ્ધ 'ઈન્ડી'

વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા મૂળ એનડીએના કેટલાક મુખ્ય સાથીદાર પક્ષો વિખૂટા પડી ગયા હતાં, અને એનડીએ જાણે સંકોચાઈ ગયું હતું, પરંતુ તે પછી ભાજપે કેટલાક નવા પક્ષોને સામેલ કર્યા. મહરાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના ભાગલા પડ્યા પછી તેના બળવાખોર જુથો એનડીએમાં આવ્યા, અને વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં નાના-મોટા સંખ્યાબંધ રાજકીય પક્ષોને સમાવીને એનડીએ ફરીથી વિસ્તૃત ગઠબંધન બન્યું, તેવી જ રીતે વિપક્ષોએ એકજુથ થઈને 'ઈન્ડિયા' નામનું ગઠબંધન રચ્યું, જેને 'એનડી' એલાયન્સ અને 'ઈન્ડી' એલાયન્સ વચ્ચે ફાઈટ છે. હવે જોઈએ, તેમાં જનાદેશ કોને મળે છે તે...

વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં ગુજરાતના મતદારો

લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો નોંધાયા છે, તેમાંથી ૧ર,ર૦,૪૩૮ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. ગુજરાતના કુલ મતદારોમાં ર,પ૬,૧૬,પ૪૦ પુરુષ મતદારો, ર,૪૧,પ૦,૬૦૩ મહિલા મતદારો અને ત્રીજી જાતિ (ટ્રાન્સજેન્ડર) ૧પ૩૪ મતદારોનો સમાવેશ થાય છે.

આ મતદારોમાં ૧૮ થી ર૯ વર્ષની વયજુથમાં ૧,૧૬,૦૬,૧૮૮ મતદારો, ૮પ વર્ષથી ઉપરની વયજુથના ૪,૧૯,પ૮૪ મતદારો છે, જ્યારે ૧૦,૦૩૬ ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના છે અને ૩,પ૭,૬૭૩ દિવ્યાંગ મતદારો છે. સૌથી વધુ મતદારો નવસારી બેઠક પર છે, જ્યાં રર,ર૩,પપ૦ મતદારો છે અને સૌથી ઓછા ભરૂચ બેઠક પર છે. ભરૂચમાં ૧૭,ર૩,૩પ૩ મતદારો નોંધાયા છે.

ગુજરાતમાં કુલ ર૭,પપપ એનઆરઆઈ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસવાટ કરતા ૯૦૦ મતદારો નોંધાયેલા છે.

ગુજરાતના મતદારો પૈકી સુરતના મતદારોને મતદાન કરવાનું રહેશે નહીં, કારણ કે ત્યાંની બેઠક બિનહરિફ થઈ છે. આ કારણે રાજ્યના કુલ મતદારો પૈકી સુરતના મતદારોનું મતદાન થઈ ગયેલું ગણાશે, પરંતુ મતદાનના ડેટા ટેબલમાં તેને કેવી રીતે સમાવેશ થાય, તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે, જો કે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ જશે, તે પછીના ડેટા ટેબલમાં નોંધાયેલા મતદારો અને મતદાન કર્યું હોય તેવા મતદારોના કોલમ પાસે બિનહરિફ થયેલા વિસ્તારોના મતદારોની અલગ નોંધ થાય છે કે પછી સુરત બેઠબ પર ૧૦૦ ટકા મતદાન ગણી લેવામાં આવે છે, તે જોવાનું રહે છે, ખરૂ ને?

વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં ર૬ બેઠકો પર વિજયી થયેલા ઉમેદવારોની યાદી

ગુજરાતમાં વર્ષ ર૦૧૪ ની ચૂંટણીમાં વિજેતા થયેલા અને લોકસભાના સભ્યો તરીકે સેવા આપનાર ઉમેદવારોમાં અમદાવાદ (પૂર્વ) માંથી પરેશ રાવલ, અમદાવાદ (પશ્ચિમ) ની બેઠક પરથી ડો. કિરીટ સોલંકી, અમરેલીથી નારણભાઈ કાછડિયા, આણંદથી દિલીપ પટેલ, બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરી, બારડોલીથી પ્રભુભાઈ વસાવા, ભરૂચથી મનસુખભાઈ વસાવા, ભાવનગરથી ડો. ભારતીબેન શિયાળ, છોટાઉદેપુરથી રામસિંહ રાઠવા, દાહોદથી જશવંતસિંહ ભાભોર, ગાંધીનગરથી એલ.કે. અડવાણી, જામનગરથી પૂનમબેન માડમ, જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા, કચ્છથી વિનોદભાઈ ચાવડા, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, મહેસાણાથી જયશ્રીબેન પટેલ, નવસારીથી સી.આર. પાટીલ, પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ, પાટણથી લિલાધરભાઈ વાઘેલા, પોરબંદરથી વિઠ્ઠલભાઈ રાદડિયા, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, સુરતથી દર્શનાબેન જરદોશ, સુરેન્દ્રનગરથી દેવજીભાઈ ફતેપરા, વડોદરાથી નરેન્દ્ર મોદી અને વલસાડથી ડો. કે.સી. પટેલ ચૂંટાયા હતાં. બધા જીતેલા ઉમેદવારો ભાજપના હતાં.

:: આલેખન ::

વિનોદકુમાર કોટેચા, એડવોકેટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial