રાહુલ ગાંધી રાયબરેલીથી પણ ચૂંટણી લડશે તેવું આજે સરપ્રાઈઝ મળ્યું છે, તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વિજય વિશ્વાસ સભાને સંબોધીને જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા તથા પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયા સહિત રાજ્યના તથા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી એ તો સ્વાભાવિક હતું, પરંતુ તે પહેલા તેઓ જામસાહેબને મળ્યા, પાઘડી પહેરી અને સભામાં પ્રવચન દરમિયાન જે કાંઈ કહ્યું તેના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આપેલા પ્રત્યાઘાતો પણ ચર્ચામાં છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા સુનિતા કેજરીવાલના રોડ-શો તથા તેના નિવેદનો પણ ગઈકાલના ચૂંટણી પ્રચારના ઝંઝાવાતનો હિસ્સો રહ્યા હતાં, અને અન્ય પક્ષો તથા અપક્ષ નેતાઓના પ્રચારની ગૂંજ પણ સંભળાઈ રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષના સ્ટાર પ્રચારક તરીકે બે દિવસમાં ૬ ચૂંટણીસભાઓને સંબોધી, અને પ્રત્યેક સભામાં કરેલા પ્રવચનોમાં કેટલીક બાબતો તો સમાન હતી, પરંતુ કેટલીક બાબતો વિવિધ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીની રણનીતિને અનુરૂપ વ્યૂહાત્મક રીતે વર્ણવાઈ હોવાના તારણો નીકળી રહ્યા છે.
ગઈકાલે સવારે વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રવચન કર્યું, તેમાં મહત્તમ પ્રહારો કોંગ્રેસ પર કર્યા અને ભાજપ સરકારની કેટલીક જનલક્ષી યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો. આણંદની બેઠક પર અમિત ચાવડા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગણાય છે, અને રૂપાલા પ્રકરણ પછી ક્ષત્રિયો જો મહત્તમ રીતે ભાજપ વિરોધી મતદાન કોંગ્રેસની જ તરફેણમાં કરે, તો આ બેઠક ભાજપ પાસેથી ઝુંટવાઈ શકે છે, તેમ કેટલાક વિશ્લેષકો માને છે, કારણ કે ત્યાં ક્ષત્રિય મતદારો પણ વધુ છે. આ કારણે વડાપ્રધાને રામમંદિર, દેશની સુરક્ષા અને વિકાસની રાજનીતિ સાથે વણીને કોંગ્રેસ પર મહત્તમ પ્રહારો કર્યા, અને પાકિસ્તાનનો રાહુલપ્રેમ અને લઘુમતીઓને આરક્ષણ જેવા મુદ્દા ઊઠાવ્યા હોવા જોઈએ, તેવું રાજકીય પંડિતો માનતા હોવાની ચર્ચા છે.
વડાપ્રધાને સુરેન્દ્રનગર અને જૂનાગઢની ચૂંટણી સભાઓમાં ઓબીસીની અનામતમાંથી કાપકૂપ કરીને ખાસ કરીને મુસ્લિમોને આરક્ષણ આપવાની કોંગ્રેસની હિડન રણનીતિની વાત કરી. સુરેન્દ્રનગરમાં કોળીસમાજો તથા જૂનાગઢમાં પણ આહિર, મહેર વગેરે ઓબીસીના મતદારો ઉપરાંત પોરબંદરની લોકસભા ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઓબીસી મતદારો બહોળી સંખ્યામાં હોવાથી ત્યાં વડાપ્રધાને ઓબીસી સમાજના મુદ્દા પર વધુ ભાર મૂક્યો હોય તેમ જણાયું હતું. આ તમામ મુદ્દા તમામ સભાઓમાં વણી લીધા, પરંતુ ક્યા વિસ્તારમાં ક્યા મુદ્દા પર ભાર મૂક્યો તે ખૂબ જ વિચારપૂર્વક નક્કી કરીને જે-તે વિસ્તારને અનુરૂપ હોય તે મુદ્દાઓ પર વડાપ્રધાને વધુ ભાર મૂક્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. ખાસ કરીને જામનગરમાં જે કાંઈ કહ્યું, તે વધુ ચર્ચામાં છે.
પહેલા બે તબક્કામાં ભલે ચૂંટણી પંચે મોડે મોડેથી પણ ૬૬ ટકા જેવા મતદાનની વિગતો જાહેર કરી હોય, તેમ છતાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનોની ધારણા મુજબનું ઊંચુ મતદાન થયું નહીં, અને કેટલાક ચોક્કસ વિસ્તારોમાં મતદારોમાં તદ્ન નિરાશા અથવા ઉદાસિનતા જોવા મળ્યા પછી તેને કવર કરવા માટે આ વખતે ત્રીજા તબક્કામાં ઉભય પક્ષે નવા મુદ્દાઓ તથા તેના પલટવારમાં નવા આરોપો-પ્રત્યારોપોનો દોર શરૂ થયો છે. જેમાં 'લવ જેહાદ'ની સામે 'વોટ જેહાદ', તેના પ્રત્યાઘાતમાં 'લેન્ડ જેહાદ' જેવા નવા શબ્દપ્રયોગો ઉમેરાયા છે. શાસક પક્ષને રામમંદિર, વિકાસ યોજનાઓ, ત્રિપલ તલાક પ્રતિબંધ તથા ભારતની આક્રમક રણનીતિ વિદેશનીતિ, કલમ-૩૭૦ નાબૂદી વગેરે મુદ્દે એનડીએની તરફેણમાં જબરદસ્ત મતદાનની અપેક્ષા પહેલા બે તબક્કામાં બહું ફળી નહીં, તો વિપક્ષો દ્વારા મોદી સરકારની તાનાશાહી, કેન્દ્રિય એજન્સીઓનો દુરૂપયોગ, 'જેલ'નો જવાબ મતદારો દેશે, બેરોજગાર, મોંઘવારી વગેરે મુદ્દાઓને લઈને મતદારો સરકાર અથવા ભાજપ વિરોધી મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટી પડશે, તેવી જે ધારણા બંધાઈ હતી, તે પણ ખૂબ જ ઊંચી કે રેકોર્ડબ્રેક મતદાનની ટકાવારીમાં તબદિલી થઈ નથી, તેથી શાસક અને વિપક્ષ બન્ને તરફથી ત્રીજા તબક્કામાં પ્રચારના મહત્તમ મુદ્દાઓ બદલી ગયા હોય તેમ નથી લાગતું?
ત્રીજા તબક્કામાં કોંગ્રેસે શિવ ડિફિટ રામ, માયનોરિટી ઈશ્યુ અને બંધારણને ખતમ કરવાની સરકારની મુરાદ જેવા મુદ્દા ઉછાળ્યા, તો ભાજપે કલમ-૩૭૦, ત્રિપલ તલાક, રામમંદિર જેવી ઉપલબ્ધિઓ વર્ણવીને કોંગ્રેસને ત્રણ બાબતે લેખિત ગેરંટી આપવાનો પડકાર ફેંક્યો, તે પછી પ્રચારની સમગ્ર દિશા જ બદલી ગઈ છે, જે એકંદરે કોને ફાયદો કરશે, તે કહેવાની કાંઈ જરૂર ખરી?
રાજ્યસભાના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપને કોંગ્રેસના ન્યાયપત્રના મુદ્દે ચર્ચાનો પડકાર ફેંકંયો તો મોદીએ તેમાં મુસલમાનની છાપ હોવાનું કહ્યું છે.
જામનગરમાં સભાને સંબોધનના પ્રારંભે જ વડાપ્રધાને પોતે જામ શત્રુશલ્યસિંહજીને મળીને આવ્યા અને જામસાહેબે પાઘડી બાંધીને 'વિજયી ભવ'ના આશીર્વાદ આપ્યા, તેવું હળવાશથી કહીને ભૂચર મોરીમાં ક્ષત્રિયોના બલિદાનની કથા વર્ણવી, તથા ક્ષત્રિયની પ્રશંસા કરી, તેને રૂપાલા પ્રકરણના ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને ચતૂરાઈપૂર્વક એમ પણ કહી દીધું કે થોડી રાજી-નારાજી હોવાથી જે પાર્ટી લોકસભામાં જરૂરી બહુમતી જેટલી બેઠકો પર પણ ચૂંટણી લડતી ન હોય, તેને મત આપવાનો કોઈ અર્થ ખરો?
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે બંધારણ ઘડનાર જ કોંગ્રેસ હતી, અને ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું હતું. તે પછી કોંગ્રેસે ૬૦ વર્ષ દેશમાં શાસન કર્યું, પરંતુ બંધારણ બદલ્યું નથી, તેથી કોંગ્રેસ પર બંધારણને લઈને આક્ષેપો જુઠ્ઠા છે. તેમણે કહ્યું કે મોદી મહત્ત્વના મુદ્દા છોડીને ભેંસો જેવી હાસ્યાસ્પદ વાતો કરે તે ઠીક નથી, વિગેરે... આ બદલતા મુદ્દાઓ અને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પછી સવાલ એ ઊઠે છે કે, હવે ત્રીજા તબક્કામાં મતદાન વધશે ખરૂ?
ચૂંટણીઓ દરમિયાન એક્ઝિટપોલ કરવાની મનાઈ હોય છે, પરંતુ સટ્ટાબજાર કે વિશ્લેષણોના માધ્યમો અથવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ઉભય પક્ષે વિજયના દાવાઓ થતા રહે છે, તથા કોને કેટલી બેઠકો મળવાની શક્યતા છે, તેના દાવાઓ પણ થતા હોય છે. કોઈ કહે છે કે, આ ચૂંટણીમાં અંડર કરન્ટ છે, અને ભાજપના સુપડા સાફ થવા સાથે મોદી સકારની હાર પાક્કી છે, તો કોઈ કહે છે કે સરકાર તો એ જ રહેશે, પરંતુ એનડીએને સાદી બહુમતી જ મળશે. કોઈ કહે છે કે એનડીએ ૪૦૦ ને પાર નહીં જાય, પરંતુ ૩રપ થી ૩પ૦ બેઠકો તો મળશે જ. કોઈ કહે છે કે મોદીતરફી અપરકરન્ટ છે, તો કોઈ કહે છે તાનાશાહી શાસન સામે અંડર કરન્ટ છે. ઉભય પક્ષે નિવેદનો-જીભ લપશે, તો ડેમેજ કંટ્રોલના પ્રયાસો થાય છે, તો માફામાફી પણ કરવી પડતી હોય છે. હવે રાજ્યગુરુએ ગાંધીજી વિષે કરેલી ટિપ્પણીની ટીકા થઈ રહી છે.
જે થાય તે ખરૂ, પણ આપણે ૭ મે ના દિવસે સવારના પહોરમાં મતદાન જરૂર કરી દેવાનું છે હો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial