Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કોઈની સામે આંગળી ચિંધીએ ત્યારે જ આપણા તરફની ત્રણ આંગળી અંગૂઠાએ દબાવી હોય છે!

જે આપણને ન ગમતો હોય તેવો વ્યવહાર અન્ય કોઈ સાથે ન કરવો જોઈએ, ખરૂ કે નહીં?

ચૂંટણીની મોસમ હોય ત્યારે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની જાણે કે બહાર ખીલી ઊઠતી હોય છે, અને સામાન્ય સમયગાળામાં મીઠી-મધૂર વાણીથી લોકોને ગદ્ગદ્ કરી દેતા હોય, તેવા મધૂરભાસી નેતાઓ અને વક્તાઓ પણ તેજાબી વક્તવ્યો દેવા લાગતા હોય છે. સામાન્ય રીતે શબ્દપુષ્પોની મહેંક ફેલાવતા કેટલાક પ્રવક્તાઓ-નેતાઓ અને પ્રચારકો ચૂંટણી ટાણે જાણે શાબ્દિક અંગારા વરસાવતા હોય તેવું બધાને લાગતું હશે, પરંતુ તે કદાચ માહોલ જમાવવા માટે અનિવાર્ય બની જતું હશે... ખરૂખે?

અન્ય ત્રણ આંગળીઓ અને અંગૂઠો

ખેર, આપણે રાજકરણની વાત બાજુ પર મૂકીએ, તો પણ એ સનાતન સત્ય છે કે જ્યારે આપણે કોઈ તરફ એક આંગળી ચિંધીએ, ત્યારે બાકીની ત્રણ આંગળી તો આપણી તરફ હોય જ છે, પરંતુ તેના કરતા પણ વધુ મહત્ત્વની વાત એ છે કે આપણા તરફ ચિંધાયેલી એ આપણી જ ત્રણેય આંગળીઓને આપણા જ અંગૂઠાને દબાવીને રાખેલી હોય છે. આ સનાતન સભ્ય ઘણું જ ગૂઢાર્થ અને સુચિતાર્થો દર્શાવે છે અને તેમાંથી જ ટપકે છે નરી વાસ્તવિક્તા!

હકીકતમાં આપણે જ્યારે કોઈ તરફ આંગળી ચિંધતા હોઈએ, તેને વગોવતા હોઈએ કે આક્ષેપો કરતા હોઈએ, ત્યારે આપણી અંદર રહેલા એ જ પ્રકારના કે અન્ય સ્વરૂપના દૂષણો કે ખામીઓનું પ્રમાણ કદાચ ત્રણગણું હોય, તો પણ દંભ અથવા અહંકારનો 'અંગૂઠો' તેને દબાવીને માત્ર સામેવાળા તરફ જ આંગળી ચિંધવાની માનસિક્તા સર્વવ્યાપક છે, અને તે વાસ્તવિક્તા સ્વીકારવા આપણે તૈયાર જ હોતા નથી. જો અંગૂઠો એ ત્રણ આંગળી દબાવે નહીં અને બીજા પર અંગુલીનિર્દેશ કરીએ, તો તે હાથને સન્માન સમજીને સામેની વ્યક્તિ પકડી પણ શકે છે, અને આપણે જો અંગૂઠો ઊંચો રાખીએ તો સામેની વ્યક્તિ તેને અત્યારના જમાના મુજબ થમ્સ અપ માનીને 'ડન'નો સંકેત પણ સમજી શકે છે.

વર્તન, વિવેક અને સભ્યતાનો ત્રિવેણી સંગમ

આપણે જે સંકેતો કરીએ તેની સાથે આપણી વાણી પણ મેળ ખાતી હોવી જોઈએ. આપણે કોઈનો વાંક કાઢતી વખતે સામેવાળાના આત્મસન્માનનો ખ્યાલ રાખીને શબ્દો પ્રયોગો પર અંકુશ રાખીએ, તો તેને કદાચ પોતાની ભૂલ સમજાય પણ ખરી, અને જો તેને દલીલ કરવી હોય કે આપણો આક્ષેપ નકારવો હોય તો તે પણ વિનમ્ર ભાષામાં જ કરશે. માત્ર વર્તન, વિવેક અને સભ્યતાનો ત્રિવેણીસંગમ રચાઈ જાય, તો કોઈને ઠપકો આપ્યો હોય, તો પણ સામેવાળાને ગળે ઉતરે અને જો ભાષા કર્કશ હોય, તો આપણે સામેવાળાના વખાણ કરતા હોઈએ, તો તે પણ સામેવાળાને દંભ કે વ્યંગ્ય જ લાગે, અને આ અનુભૂતિ ઘણાં લોકોએ કરી જ હશે ને?

રૂક્ષ વ્યવહાર જ આપણો દુશ્મન

આપણને ઘણી બધી સારી અને સાચી વ્યક્તિ તરફ પણ અગણમો થતો હોય છે, અને તેનું કારણ તે વ્યક્તિનું વર્તન રૂક્ષ હોય કે નમ્રતાનો અભાવ હોઈ શકે છે. એ સારી અને સાચી વ્યક્તિને કદાચ પોતાને પણ ખબર હોતી નથી કે તેનો રૂક્ષ વ્યવહાર જ તેનો દુશ્મન છે અને તેની અંદર રહેલી અચ્છાઈને ઢાંકી રહ્યો છે.

આપણને કોઈ વ્યક્તિનો વ્યવહાર ગમતો ન હોય, વાણી ગમતી ન હોય કે પદ્ધતિ ગમતી ન હોય, તો સૌ પ્રથમ તો એ વિચારવું જોઈએ કે આપણને જે ગમતું નથી, તેવું જ દૂષણ ક્યાંક આપણી અંદર તો નથી ને? ઘણી વખત ચોખ્ખા મનથી પ્રામાણિકપણે આત્મનિરીક્ષણ કરીએ તો કદાચ એ પ્રકારના દૂષણથી ત્રણ ગણી ક્ષતિઓ આપણી અંદર પણ હોય જ છે, અને તેને પોતે સાચા જ હોવાની અહંકારભરી માનસિક્તાથી ભરપૂર અંગૂઠાએ દબાવીને રાખી હોય, તેવું સમજી પણ શકાય છે. જો સરળ ભાષામાં સમજવું હોય, તો એમ કહી શકાય કે 'જે વ્યવહાર આપણને ગમતો ન હોય, તેવો વ્યવહાર બીજા સાથે કરવો જોઈએ નહીં.'

આત્મનિરીક્ષણ જરૂરી

મોટાભાગે આપણે આત્મનિરીક્ષણ કરવા ટેવાયેલા જ નથી. આપણે અવારનવાર જુદી જુદી વ્યક્તિની ટીકા કરતા હોઈએ છીએ કે કોઈના વલણ-વ્યવહારની આલોચના કરતા હોઈએ છીએ, ત્યારે જો એ જ પ્રકારની ક્ષતિ કે અવગુણ આપણામાં તો નથી ને? તેવો માત્ર વિચાર કરી લઈએ, તો પણ ઘણી વખત બીજાની ટીકા કરતા અટકી શકીએ છીએ.

જો કે, આનો અર્થ એવો પણ નથી કે કોઈની સાચી હકીકત પ્રગટ જ કરવી ન જોઈએ. કોઈપણ સાચી ટીકા કે આલોચના કરવાનો સૌનો આપણા દેશમાં બંધારણીય અધિકાર છે, પરંતુ જો જે-તે વ્યક્તિની ગેરહાજરીમાં ગુસપુસ કરવાની જેમ કાનમાં કહીને કે ધીમા અવાજે ટીકા કરવામાં આવે તો તેને કદાચ ખટપટ કે ખણખોદ કરી જ જેવી જ કહી શકાય. કોઈની પણ સાચી ટીકા જે-તે વ્યક્તિની સમક્ષ જ વિવેકપૂર્વક, પરંતુ દૃઢતાપૂર્વક કરી શકાય, પરંતુ તે માટે આગળ વાત થઈ એ મુજબ 'આત્મનિરીક્ષણ' કરીને આપણને એ જ ઉણપ ન હોય તેની ખાત્રી કરી લેવી જોઈએ. તે ઉપરાંત જો કોઈની આલોચના કે ટીકા કોઈપણ જાહેર પ્લેટફોર્મ પરથી કરવી હોય, તો તે માટેના પૂરતા આધારો આપણી પાસે હોવા જરૂરી છે, અન્યથા એ આક્ષેપો 'ચૂનાવી' સ્વરૂપના જ ગણાઈ જાય, તેવું બની શકે, કારણ કે ચૂંટણીઓ દરમિયાન થતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો માત્ર ચૂંટણી પૂરતા જ હોય છે અને મંચ પર કે મીડિયામાં આ પ્રકારના આક્ષેપો કરનારા નેતાઓ વ્યક્તિગત રીતે સારા મિત્રો હોય છે, તેથી ચૂંટણી દરમિયાન થતા 'ચૂનાવી' આક્ષેપોની વિશ્વસનિયતા પણ કદાચ વાસ્તવિક અને નક્કર અક્ષેપો જેટલી પ્રબળ રહેતી નહીં, જો કે ચૂંટણી દરમિયાન થતા તમામ આક્ષેપો તદ્ન ખોટા જ હોય, તેવું પણ નથી.

દૃષ્ટાંત જીવનમાં ઉતારી જાય તોય ઘણું છે

એક દૃષ્ટાંત ઘણું જ પ્રચલિત છે, અને પ્રેરક છે. એક બાળક બહું ગોળ ખાતો હતો, તેથી તેની માતા તેને કોઈ સિદ્ધ સંત પાસે લઈ ગઈ, તે સંતે તેને ૧પ દિવસ પછી બાળકને સાથે લઈને ફરીથી આવવા કહ્યું.

માતા પંદરેક દિવસ પછી ફરીથી બાળકને સાથે લઈને તે સંત પાસે ગઈ. સંતે બાળકના માથા પર હાથ મૂકીને કહ્યું કે, 'બેટા, હવે ગોળ ખાતો નહીં હો...'

માતાને આશ્ચર્ય થયું તેમણે કહ્યું કે, 'મહાત્માજી, આટલું જ કહેવું હતું, તો પંદર દિવસ પહેલા જ કહીને આશીર્વાદ આપી દીધા હોત, તો મારે આટલા બધા દૂરથી બીજો ધક્કો થયો ન હોત, આપ મહાન છો અને પૂજનિય છો, તેથી કારણ વગર તો આવું કરો જ નહીં, તેથી હે મહાત્મા, અમારા કુતૂહલનું સમાધાન કરો.'

સંત મહાત્માએ કહ્યું કે, 'બેટા, તેમાં કાંઈ બહું મોટું રહસ્ય નથી, જ્યારે તું તારા દીકરાને લઈને આવી ત્યારે જ જો હું તેને ગોળ નહીં ખાવાનો ઉપદ્દેશ આપત, તો તેની અસર જ થઈ ન હોત, કારણ કે તે સમયે હું ખુદ ગોળ બહું ખાતો હતો, તને ફરીથી આવવાનું કહ્યા પછી મેં ગોળ ખાવાનું છોડી દીધુ, અને તેને ૧પ દિવસ જેવો સમય થઈ ગયો, હવે મેં તારા દીકરાને ઉપદેશ આપ્યો, તેની અસર તેના પર જરૂર થશે. આમ પણ હું પોતે ગોળ ખાતો હઉ, તો આ બાળકને તેનાથી વિપરીત ઉપદેશ કેવી રીતે આપી શકુ?

આ દૃષ્ટાંત ઘણું પ્રચલિત છે, ઘણી જગ્યાએ ઉલ્લેખ થાય છે, બોલાય છે, સંભળાય છે, પરંતુ જો 'આત્મનિરીક્ષણ'ની ટેવ આપણને ક્યારેય પડતી જ નથી, તે પણ સનાતન સત્ય જ છે ને?

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial