હવે ત્રીજા તબક્કાનું મતદાન થવાને ગણત્રીના દિવસો જ આડે રહ્યા છે, ત્યારે એક તરફ ચૂંટણી પ્રચારમાં ગરમી આવી રહી છે, તો બીજી તરફ અત્યારે ત્રીજા તબક્કા કરતાયે વધુ પાંચમા-છઠ્ઠા તબક્કાની ચર્ચા વધુ થઈ રહી છે, કારણ કે રાહુલ ગાંધીએ રાયબરેલીથી ફોર્મ ભર્યા પછી ઉત્તર ભારતના રાજકીય સમીકરણો બદલી ગયા છે. એટલું જ નહીં, રાયબરેલીમાં રાહુલ ગાંધી જ્યારે ફોર્મ ભરવા ગયા, ત્યારે લોકોમાં જોવા મળેલો ઉત્સાહ તથા સમાજવાદી પાર્ટીના ઉમટી પડેલા કાર્યકરો સાથે કોંગી કાર્યકરોનું સંયોજન જોતા ભાજપ સામે ત્યાં પડકાર ઊભો થયો છે અને ફિરોઝ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી મોટાભાગે ગાંધી પરિવાર પાસે જ રહેલી રાયબરેલીની લોકસભાની બેઠક કદાચ રાહુલ ગાંધી જાળવી રાખશે, તેવી આશા પણ ઊભી થઈ છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સંયોજન ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોના સમર્થન કારણે પણ અહીંથી રાહુલ ગાંધીને સરળતાથી વિજય મળશે, તેવો વિશ્વાસ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ જો રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીની બન્ને બેઠકો જીતી જાય કે બન્ને બેઠકો હારી જાય, તો કેવી સ્થિતિ ઊભી થાય. એટલું જ નહીં, બન્ને બેઠકો જીતી જાય તો કઈ બેઠક છોડે, તેની અલગથી ચર્ચા થઈ રહી છે, અને કોંગ્રેસના વર્તુળો મુજબ રાહુલ ગાંધી પરિવારની રાયબરેલીની પરંપરાગત સીટ જ જાળવી રાખે, અને વાયનાડની જનતાનો આભાર માનીને ત્યાંની બેઠક છોડી શકે છે, જો કે આ મુદ્દે કોંગ્રેસ તરફથી હજુ કાંઈ અધિકૃત રીતે સ્પષ્ટ કરાયું નથી, પરંતુ અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવાઈ રહી હોય તેમ જણાય છે.
સિક્કાની બીજી બજુ એ પણ છે કે અમેઠીથી ભાજપના સ્મૃતિ ઈરાનીને પણ હવે રાહુલ ગાંધી ઉમેદવાર હોત તો જેવો મળ્યો હતો, તેવો પડકાર નહીં મળે અને સરળતાથી તેણી જીતી જવાની શક્યતાઓ વધી ગઈ છે, તેવા તારણો પણ નીકળી રહ્યા છે, જો કે સોનીયા ગાંધીના વફાદાર અને ચૂસ્ત કોંગી નેતા પણ મજબૂત ફાઈટ આપશે, અને જો અમેઠીની જનતામાં સ્મૃતિ ઈરાની પ્રત્યે એન્ટીઈન્કમ્બન્સી હોય તો જીતી પણ શકે છે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે.
અહીં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે એક તરફ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો જુસ્સો વધ્યો હોવાની છાપ ઊભી થઈ છે, તો બીજી તરફ ક્ષત્રિયોનું આંદોલન મોદીના પરોક્ષ ડેમેજ કંટ્રોલ છતાં સમેટાયું નથી. એટલું જ નહીં, પૂર્વ રાજવીઓ પૈકીના કેટલાક રાજપરિવારોએ ભાજપને સમર્થન આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી પણ ખીજડિયા પાસે ગઈકાલે જે જંગી સંખ્યામાં ક્ષત્રિય સંમેલનમાં ક્ષત્રિયો ઉમટ્યા, તે પછી ભાજપ સામે આ પડકાર જરાયે ઘટ્યો નથી, તેવું તારણ પણ નીકળી રહ્યું છે.
હવે મતદારની આડે ગણત્રીના જ દિવસો બાકી હોય ત્યારે એવું જણાય છે કે ભારતીય જનતા પક્ષે પણ એક વ્યૂહાત્મક જોખમ ઊઠાવીને રૂપાલાને મેદાનમાંથી હટાવ્યા નથી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પછી પણ ક્ષત્રિયોનો આક્રોશ સંપૂર્ણપણે ઠર્યો નથી, તેથી હવે શું થઈ શકે છે અને એકાદ-બે દિવસમાં ક્યો ચમત્કાર થઈ શકે છે, તેની તર્કબદ્ધ ચર્ચા પણ થઈ રહી છે.
ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો પર નુક્સાન થાય છે અને ક્ષત્રિય આંદોલનને સામાજિક ગણવાઈ રહ્યું છે, અને અસ્મિતાની લડત હોવાનું જણાવાઈ રહ્યું છે, ત્યારે આ આંદોલન ભાજપને કેટલુ, ક્યાં અને કેવું નુક્સાન કરશે, તેની ગણત્રીઓ પણ મંડાઈ રહી છે. કોઈ કહે છે કે આ વખતે ગુજરાતમાં તમામ બેઠકો જીતવી ભાજપ માટે સરળ નથી, તો કોઈ કહે છે કે બહું બહું તો પાંચ બેઠકો ભાજપને ઓછી મળશે, તો કેટલાક એવું પણ કહે છે કે, અંડરકરન્ટના કારણે ભાજપને ચોંકાવનારો ઝટકો લાગવાનો છે, કેટલાક લોકો એવું પણ માને છે કે ભાજપના ઉમેદવારોની લીડ ઘટશે, અને પાંચ લાખની લીડથી જીતવાના સપના બધી બેઠકો પર સાકાર નહીં થાય, પરંતુ ભાજપને બહુ જાજુ રાજકીય નુક્સાન થશે નહીં. આ બધા તર્કો-વિતર્કો વચ્ચે મતદારો પણ મન કળવા દેતા નથી અને ઉભય પક્ષે ચૂંટણી સભાઓ કે કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ મતોમાં પરિવર્તિત જ થશે, તેવું પણ કહી શકાય તેવું નથી. તેથી ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં હવે તો ચોથી જૂનની રાહ જ જોવી રહી.
ખીજડિયામાં વિરાટ સંમેલન પછી ભારતીય જનતા પક્ષના એક હોદ્દેદારે રાજીનામું આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી ભાજપ સામે સૌરાષ્ટ્રમાં નવો પડકાર ઊભો થઈ રહ્યો છે, અને ક્ષત્રિય આંદોલનનો પડઘો હવે ઈવીએમમાં પડશે, તેવી ચિમકીની સાથે સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ આખું આંદોલન સ્વયંભૂ છે, અને ભાજપ કે મોદી વિરોધી નથી. એટલું જ નહીં, ભાજપે રૂપાલાને ચૂંટણીમાંથી નહીં હટાવતા હવે કોંગ્રેસને મત આપવાની કથિત જાહેરાત પછી હવે ૭ મી મે સુધીમાં શું થાય છે, તે જોવાનું રહે છે, અને મતદાન યોજાઈ ગયા પછી શું થશે, તેની કેટલીક ભવિષ્યવાણીઓ પણ થવા લાગી છે. કોઈ કહે છે કે તમામ બેઠકો જીતવાના સપના તો કોઈ કહે છે કે આંદોલનનો પરોક્ષ ફાયદો લેવાના સપના સાકાર નહીં થાય!
આ તરફ દેશની અગ્રીમ સહકારી સંસ્થા ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ પાછું નહીં ખેંચતા ત્રિકોણિય સ્પર્ધા સર્જાશે અને ભાજપના માન્ય ઉમેદવાર સામે રાદડિયાએ પડકાર ઊભો કરતા આવતીકાલે થનારા મતદાનમાં શું થશે અને આ ઘટનાક્રમનો ૭ મે ના દિવસે થનારી લકસભાની ચૂંટણી પર કેટલો પડશે, તેની ચર્ચા પણ થઈ રહી છે... આ તો રાજનીતિ છે, પરંતુ આ પછી દેશનીતિ લોકતંત્રને વધુ મજબૂત બનાવવાની છે, અને તેના માટે ૭ મેના દિવસે બધાયે ભૂલ્યા વિના મતદાન કરવું પડશે, ખરૂ ને?
આજે વલ્લભાચાર્યજી પ્રાગટ્યોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સૌ વૈષ્ણવોને શુભેચ્છાઓ પાઠવે છે.. જય શ્રી વલ્લભ... જય શ્રીકૃષ્ણ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial