Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મધ્યાંતરે પહોંચી લોકસભાની ચૂંટણીઃ હજુ ચાર તબક્કા બાકી... ગુજરાત પર સૌની નજર...

ત્રીજા તબક્કામાં થયેલા મતદાન પછી હવે પછીના તબક્કાઓ માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવશે

લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું. આ મતદાન વર્ષ ર૦૧૯ ની લોકસભાની સરખામણીમાં પાંચેક ટકા જેટલું ઓછું થયું હોવાનું તારણ નીકળ્યું છે. કેટલાક અપવાદો સિવાય એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું છે, અને પ્રવર્તમાન સંજોગો તથા ઘટનાક્રમોને લઈને ગુજરાતમાં શાંતિ ડહોળાઈ શકે છે, તેવી આશંકાઓ ખોટી ઠરી છે. ગુજરાતમાં આ વખતે ૬૦ ટકાની આજુબાજુ મતદાન થયું છે, જો કે ટ્રાયબલ એરિયાઝમાં નોંધપાત્ર મતદાન થયું છે, પરંતુ તે પણ વર્ષ ર૦૧૯ કરતા ઓછું થયું હોય તો તે રાજકીય પક્ષો માટે સંશોધનનો વિષય છે.

રાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો ગુજરાત સહિત ૧૩ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૩ લોકસભા બેઠકો માટે ૬ર થી ૬૩ ટકા જેટલું મતદાન થયું છે.

આંકડાઓના આધારે

અટકળો અને અનુમાનો

ગુજરાતમાં તો ચૂંટણીના પ્રચારનો કોલાહલ શાંત થઈ ગયો, પરંતુ હજુ ચાર તબક્કાનું મતદાન દેશના અન્ય રાજ્યો/વિસ્તારોમાં બાકી છે. આસામમાં સાર્વાધિક ૭પ ટકા જેવું મતદાન થયું હોવાનું જાણવા મળે છે, તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું પ૪ ટકા જેવું મતદાન થયું છે, જો કે ચૂંટણી પંચે ગત્ મોડી રાત્રે ગઈકાલના મતદાનના આંકડા જાહેર કરવાની જાહેરાત કરી હતી, તેથી આજે તેના આધારે જ રાજકીય વિશ્લેષણો થઈ રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક નેતાઓ અન્ય રાજ્યોમાં પ્રચારાર્થે જશે, તો ઉમેદવારો ચોથી જૂન સુધી રિલેક્ષ રહેશે તેમ કહી શકાય. ચૂંટણીપંચના આંકડાઓ મુજબ ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકંદરે અંદાજે ૬૧ ટકા જેવું મતદાન થયું છે. આ આંકડાઓમાં નજીવો ફેરફાર થઈ શકે છે, પરંતુ એકંદરે બિહારમાં ગઈકાલે પ૬.પપ ટકા, છત્તીસગઢમાં ૬૬.૯૪ ટકા, ગોવામાં ૭૪ ટકા, ગુજરાતમાં પ૬.ર૧ ટકા, કર્ણાટકમાં ૬૬.૮ ટકા, મધ્યપ્રદેશમાં ૬ર.૭૯ ટકા, ઉત્તરપ્રદેશમાં પ૭.૦૪ ટકા અને પ. બંગાળમાં ૭૩.૯૩ ટકા મતદાન નોંધાયું હતું. દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં ૬પ.ર૩ ટકા મતદાન નોંધાયું છે. અગાઉ જણાવ્યા મુજબ આસામમાં સૌથી ઊંચુ અને મહારાષ્ટ્રમાં આ તબક્કામાં સૌથી નીચું મતદાન થયું છે.

આ વખતે મતદારોની સંખ્યા ૧૭ કરોડથી વધુ હતી, જેમાંથી ૬૧ ટકા આજુબાજુ મતદાન થયું છે. આ તબક્કામાં ૧ર૦ મહિલા ઉમદવારો સહિત ૧૩૦૦ થી વધુ ઉમેદવારો ૯૩ બેઠકો માટે ચૂંટણી લડ્યા છે, જ્યારે સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ છે.

રાજકોટના વોટીંગે સર્જ્યુ સસ્પેન્સ

રૂપાલા પ્રકરણના કારણે સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત બનેલી રાજકોટ લોકસભા બેઠક માટે ગઈકાલે લગભગ ૬૦ ટકા જેટલું મતદાન થતા સસ્પેન્સ સર્જાયું છે. સ્થાનિક વિશ્લેષકો અને મીડિયામેનના તારણો મુજબ સાડાત્રણ ટકાથી વધુ ઘટાડો નોંધાતા અને મહિલાઓ તથા શહેરી વિસ્તારોમાં ધાર્યા કરતા ઓછું મતદાન થતા તેના ફાયદા-ગેરફાયદાના ગણિત મંડાઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં થયેલા જંગી મતદાનને પ્રવર્તમાન ઘટનાક્રમો સાથે સાંકળીને નવેસરથી અનુમાનો લગાવાઈ રહ્યા છે, તો ઘણાં આને ભરેલા નાળિયેર જેવી સ્થિતિ પણ ગણાવી રહ્યા છે.

ઓછા મતદાનના કારણો અને તારણો

હીટવેવ વચ્ચે મતદાનમાં કેટલાક સ્થળે ટાઢોળું રહ્યું, તેના સંદર્ભે ઘણાં લોકો બળબળતા ઉનાળાને પણ કારણભૂત માની રહ્યા છે, તો કેટલીક બેઠકો માટે ઉમેદવારોની રાજકીય પક્ષો દ્વારા થયેલી પસંદગી, આંતરિક અસંતોષ અને પ્રવર્તમાન ઘનાક્રમોના કારણે પણ ઓછું મતદાન થયું હોવાના તારણો નીકળી રહ્યા છે. આ સ્થિતિ કોને ફાયદો કરશે અને કોને નુક્સાન કરશે, તેનું અનુમાન રાજકીય પક્ષો તથા ઉમેદવારો તો સ્વાભાવિક રીતે જ પોતાને અનુકૂળ હોય તે રીતે કરી રહ્યા હશે, પરંતુ આ વખતે તો તટસ્થ વિશ્લેષકો પણ દ્વિધામાં હોય તેમ આને ભરેલા નાળિયેર જેવી સ્થિતિ બતાવી રહ્યા છે.

હવે જુદી જુદી બેઠકો પર ઓછું મતદાન થવાના કારણે તથા પ્રવર્તમાન ઘટનાક્રમોની કેટલી અસરો પડી તેની ચર્ચાઓ થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ધારીમાં થયેલું ઓછું મતદાન તથા ગીર સોમનાથ બેઠક માટે થયેલા જંગી મતદાને પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અમરેલી બેઠક પર તો ગત્ ચૂંટણીની સરખામણીમાં સાતેક ટકા જેટલું ઓછું મતદાન થતા ભાજપ અને કોંગ્રેસમાં દ્વિધા જોવા મળી રહી છે. મૂળ અમરેલીના બન્ને પક્ષના દિગ્ગજો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડ્યા, અને બન્ને મુખ્ય પક્ષોએ પણ આ દાવ ખેલ્યો, તેની અસરો રાજકોટ અને અમરેલીની બેઠકો પર કેવી અને કેટલી થઈ હશે, તેની ખબર તો ૪ થી જૂને જ પડશે. અત્યારે તો અટકળો જ કરવી રહી...

જામનગર સહિત રાજ્યની કેટલીક બેઠકો પર સૌની નજર

જામનગર સંસદીય મતક્ષેત્ર પર પણ સૌની નજર છે, કારણ કે તાજેતરની બહુચર્ચિત ઘટનક્રમોના કેન્દ્રમાં રાજકોટ પછી જામનગર જ રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ અટકળો, દાવાઓ અને પ્રતિદાવાઓ તથા ચર્ચાઓ રાજકોટ ઉપરાંત જામનગરની બેઠક માટે પણ થઈ રહી છે, તે હકીકત છે. અમદાવાદની મહત્તમ બેઠકો પર પણ વર્ષ ર૦૧૯ ની સરખામણીમાં થયેલું ઓછું મતદાન ચર્ચાસ્પદ બન્યું છે, જો કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીંગુ મતદાન પણ થયું છે. જામનગર બેઠક માટે સવારે સવારે પહેલા ચાર કલાકમાં જ ૩૦% જેટલું મતદાન થયું હતું, જે પછીથી વધવા લાગ્યું હતું, પરંતુ સાંજ સુધીમાં પ૭ થી પ૮ % વચ્ચે પહોંચ્યું હતું. આ મતદાનના વિધાનસભા મત-વિસ્તાર વાઈસ, જિલ્લાવાઈસ અને ક્ષેત્રવાઈસ આંકડાઓનું આજે વિશ્લેષણ થઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી

ગુજરાતની વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર ગઈકાલે થયેલા મતદાનમાં કંયાંક ધીમુ વોટીંગ રહ્યું છે, તો ક્યાંક નિરાશાજનક ઘણું જ ઓછું મતદાન થયું હોવાથી ઉમેદવારો પણ દ્વિધામાં જોવા મળી રહ્યા છે. દૃષ્ટાંત તરીકે પોરબંદર વિધાનસભાની બેઠક પર ગત્ ચૂંટણીની સરખામણીએ સાડાચાર ટકા જેટલું ઓછું મતદાન થયું છે, અને પ૭ થી પ૮ ટકા જેટલું મતદાન થયું છે. અહીં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પર અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટણી લડ્યા છે, જ્યારે તેની સામે કોંગ્રેસ સહિત ૬ ઉમેદવારો ફાઈટમાં છે. તે ઉપરાંત માણાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં પણ ગત્ ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. વર્ષ ૨૦૨૨ માં અહીં ૬૧ ટકાથી વધુ મતદાન થયું હતું, જે આ વખતે પ૯ ટકા સુધી પણ પહોંચી શક્યું નથી.

બહુચર્ચિત ચહેરાઓ

ત્રીજા તબક્કામાં કેટલાક બહુચર્ચિત ચહેરાઓનું ભવિષ્ય દાવ પર છે, જેમાં કેન્દ્રિય મંત્રીઓ, કેટલાક પક્ષોના પ્રમુખો તથા ઉદ્યોગ-વ્યાપાર સહિત વિવિધ ક્ષેત્રના ચૂંટણી લડી રહેલા દિગ્ગજોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ભવિષ્ય પણ ઈ.વી.એમ.માં કેદ થઈ ગયું છે. આ ચૂંટણીમાં કેટલાક બહુચર્ચિત ચહેરાઓનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું છે. જેમાં શિવરાજસિંહ ચૌહાણ, પરસોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી, ગનીબેન ચૌધરી, સી. આર. પાટીલ, વગેરેનો સમાવેશ થાય છે. જામનગરમાં વર્તમાન સાંસદ ભાજપના પૂનમબેન માડમ તથા કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા સહિતના ઉમેદવારોનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થઈ ગયું છે.

વિનોદકુમાર કોટેચા એડવોકેટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial