ધોમધખતા તડકામાં પણ ઘણાં સ્થળે લોકો મતદાન કરવા જતા દેખાયા અને હીટવેવની આગાહી વચ્ચે પણ ચૂંટણીતંત્ર તથા સુરક્ષા જવાનોએ ચૂંટણી પ્રક્રિયાઓ સંભાળી, તે કાબિલેદાદ છે. એકંદરે શાંતિ જળવાઈ રહી. કેટલાક રાજકીય વિવાદો તથા રાજી-નારાજીનો માહોલ હોવા છતાં દેશમાં કેટલાક અપવાદોને બાદ કરતા કોઈ હિંસક તોફાનો કે ગરબડો થઈ નહીં, અને ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું, તેથી લોકસભાની ચૂંટણી હવે લગભગ મધ્યાંતરે પહોંચી છે, તેમ કહીં શકાય. ખાસ કરીને ક્ષત્રિય સમાજના આંદોલનના એલાન વચ્ચે ગુજરાતમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું તેના પર સૌની નજર મંડાયેલી હતી.
ગઈકાલે સોનિયા ગાંધીનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તેણીએ મોદી સરકાર અને એનડીએ પર માછલા ધોયા છે. તેણીએ કહ્યું કે દેશના ખૂણે ખૂણે યુવાવર્ગ બેરોજગારીના ખપ્પરમાં હોમાયેલો દેખાય છે. મહિલાઓને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આવું પીએમ મોદી તથા ભાજપની મહત્ત્વાકાંક્ષાઓના કારણે થઈ રહ્યું છે. રાજકીય લાભ માટે નફરતને પ્રોત્સાહિત કરાઈ રહી છે.
તેણીએ દાવો કર્યો કે કોંગ્રેસે હંમેશાં સૌની પ્રગતિ, વંચિતોને ન્યાય તથા દેશને મજબૂત કરવાની લડાઈ લડી છે. કોંગ્રેસ સહીત ઈન્ડિયા ગઠબંધન લોકતંત્રની રક્ષા માટે કટિબદ્ધ છે. તેણીએ લોકોને જૂઠાણાંઓ, ભ્રમ અને નફરત ફેલાવતા લોકોને સત્તામાંથી ખદેડવા માટે લોકોને કોંગ્રેસને મત આપવાની અપીલ પણ તે વીડિયોના માધ્યમથી કરી હતી.
કોંગ્રેસના ન્યાયપત્રમાં દેશના ગરીબો, વંચિતો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને શ્રમિકોને ન્યાયની ગેરંટી અપાઈ છે. તેણીએ કહ્યું કે ગરીબોને તરછોડવા અને સમાજના તાણાંવાણાને નબળા પાડવાના દૃશ્યોથી પીડા થાય છે. બંધારણ અને લોકતંત્ર ખતરામાં છે... વિગેરે.. સોનિયા ગાંધીનો આ સંદેશ ટોક ઓફ ધી નેશન બન્યો છે.
અત્યાર સુધીમાં ત્રણ તબક્કાના મતદાનનો સરવાળો કરીએ તો એકંદરે ૬૧ ટકાથી વધુ મતદાન થયું છે, તે કદાચ નવો રેકોર્ડ હશે. આ સાથે અત્યાર સુધીમાં ૨૮૩ બેઠક પર મતદાન સંપન્ન થયું છે, જ્યારે હજુ ૨૬૦ બેઠક માટે મતદાન થવાનું બાકી છે. ગુજરાત સહિત એક જ તબક્કામાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે તો કેટલાક રાજ્યોમાં એકથી વધુ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાત ઉપરાંત તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, દીવ-દમણ-દાદરાનગર હવેલી, ગોવા, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરામાં લોકસભાની ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી તથા કેટલાક રાજ્યોમાં વિધાનસભાની જનરલ ચૂંટણી સંપન્ન થઈ છે.
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે સતત દેશવ્યાપી પ્રવાસો કર્યા છે તો કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન તથા ભાજપ સહિત એનડીએ ગઠબંધન, તમામ દિગ્ગજોએ પણ પોતાની તમામ તાકાત ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે અને તે પૈકીના કેટલાક નિવેદનો ''ટોક ઓફ ધ નેશન'' બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો ચૂંટણીના દરેક તબક્કામાં અલગ અલગ રહ્યા અને જે-તે રાજ્ય, પ્રદેશ અને લોકસભા મત વિસ્તારને અનુરૂપ રહ્યા હતાં. કેટલાક સ્થળોનો વિશેષ ઉલ્લેખ કરીને કે કોઈ સ્થળે સ્થાનિક વિભૂતિને બીરદાવીને તેઓ મોટાભાગે કોંગ્રેસ પર પ્રહાર કરતા હોય છે. આ કારણે તેઓના ભાષણોના કેટલાક મુદ્દાઓ હંમેશાં 'ટોક ઓફ ધ નેશન' બની જતા હોય છે.
જામનગરમાં રાજવી જામસાહેબ, સંતો-મહંતો અને લબ્ધ-પ્રતિષ્ઠિત નાગરિકોએ ગઈકાલે મતદાન કરીને વધુમાં વધુ મતદાનનો સંદેશ આપ્યો, તેની નોંધ પણ લેવાઈ હતી.
ગઈકાલે ગુજરાતમાં મતદાન હતું, અને વોટીંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઘણાં દિગ્ગજોએ ગુજરાતમાંથી મતદાન કર્યું હતું. તે ઉપરાંત ગઈકાલે જુદા જુદા રાજ્યોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યા પછી પોતપોતાની પાર્ટી અને ગઠબંધનના દાવા કર્યા હતાં, જે ''ટોક ઓફ ધ નેશન'' બન્યા છે.
હજુ ચાર તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ બહુમતિ કરતા વધુ એટલે કે ૨૮૩ બેઠક પર મતદાન થઈ ચૂક્યું છે. હવે ચોથી જૂને મતગણતરી થાય તેની રાહ જોવાની છે. જો કે સુરતની લોકસભાની બેઠક બિનહરિફ થતા ભાજપે ગુજરાતમાંથી વિજયનું મુહૂર્ત કરી દીધું છે. હવે ચોથી જૂને મતદારોનો જનાદેશ પુનરાવર્તન માટે હશે કે પછી પરિવર્તન માટે હશે તે જોવાનું રહે છે. આ અંગે અટકળોનું બજાર ગરમી પકડવા લાગ્યું છે.
બીજીતરફ રાજસ્થાનમાં ફ્લોદા સટ્ટાબજાર સહિત સટોડીયાઓના અનુમાનો પણ ચર્ચાઈ રહ્યા છે, તો રાજકીય પક્ષો પણ પોતપોતાની રીતે આકલન કરી રહ્યા છે. હજુ ચાર તબક્કાનું મતદાન બાકી હોવાથી ધૂંઆધાર પ્રચાર પણ થઈ રહ્યો છે, જ્યારે ગુજરાતમાં આ વખતે શું થશે, તેની ચર્ચા ચોતરફ થઈ રહી છે. ક્ષત્રિય સમાજના આંદોલનકારી વર્તુળો ભાજપ ગુજરાતમાં ૭ બેઠક ગુમાવશે અને ૪ બેઠક પર રસાકસી હશે તેવો દાવો કરી રહ્યા છે જેને એનડીએના વર્તુળો નકારી રહ્યા છે, હવે જોઈએ ચોથી જૂને શું થાય છે તે...
લોકસભાની ચૂંટણીઓના માહોલ વચ્ચે હરિયાણામાં રાજકીય ખેલ થઈ ગયો અને અચાનક જ ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લેવાની જાહેરાત કરતા હરિયાણાની ભાજપ સરકાર લઘુમતિમાં આવી ગઈ અને ઉત્તરપ્રદેશમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશને તમામ પદો પરથી હટાવી દીધો, તેની ચર્ચાઓ પણ 'ટોક ઓફ ધ નેશન' બની ગઈ છે.
ગઈકાલે ત્રીજા તબક્કામાં સરેરાશ ૬૧ ટકાથી વધુ મતદાન થયું હોવાના હંગામી આંકડાઓ આવ્યા છે જે ફેરફારને આધિન છે. આસામમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું હોવાનું કહેવાય છે. ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પોરબંદર સહિતની બે-ત્રણ બેઠક પર અપસેટ સર્જાઈ શકે તેમ હોવાના અનુમાનો થઈ રહ્યા છે.
ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે જાહેર કરેલા કેટલાક આંકડાઓ પછી નવેસરથી અટકળો થવા લાગી છે, અને ઉમેદવારો તથા રાજકીય પક્ષો પોતપોતાની રીતે ગણિત માંડી રહ્યા છે, વર્ષ-૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં ગુજરાતની ૨૫ લોકસભાની બેઠક પર સરેરાશ સાડાચારથી પાંચ ટકા ઓછું મતદાન થયું હોય, તો તેનો ફાયદો કોને થાય અને નુકસાન કોને થાય તેની ગણતરીઓ પણ મંડાઈ રહી છે અને રાજ્યમાં એકંદરે ૫૯ થી ૬૦ ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલો પછી હવે ગુજરાતમાં ભાજ૫ આ વખતે કેટલી બેઠકો જીતશે, તેની ચર્ચા પણ હવે ''ટોક ઓફ ધ નેશન'' બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial