ગઈકાલે ધોરણ ૧ર ના ઊંચા પરિણામ પછી હવે આવતીકાલે ગુજરાત શિક્ષણ બોર્ડનું એસ.એસ.સી. (ધો. ૧૦) નું પરિણામ પણ ઊંચુ આવશે, તેવી આશા પ્રગટી છે, તો બીજી તરફ એક સહકારી સંસ્થાની રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીના પરિણામોમાં થયેલા ઉલટફેર અથવા નિર્ધારિત ઉથલપાથલના કારણે હલચલ મચી ગઈ છે, જેની અસરો સીધી જ પ્રદેશ ભાજપની કાર્યપદ્ધતિ તથા ઉચ્ચ કક્ષાની અટપટ્ટી તથા અનિર્ણાયક આંતરિક વ્યવસ્થાઓ પર પણ પડી છે. આજે કેજરીવાલનો મુદ્દો પણ સવારથી જ ચર્ચામાં હતો, તે ઉપરાંત હરિયાણામાં ઉલટફેરના એંધાણે પણ નેશનલ ટોક જગાડી છે, અને ત્યાં ભાજપ સરકારના વળતા પાણી જણાય છે.
સૌથી વધુ ચર્ચા સહકાર ક્ષેત્રે થયેલી ઉથલપાથલની છે. બન્યું છે એવું કે તાજેતરમાં જ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. એટલે કે ઈફકોની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. આ ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિવાદ તો સપાટી પર આવી જ ગયો, પરંતુ તેના કરતા યે વધુ ભાજપનો મેન્ડેટ મેળવનાર ઉમેદવારની ભાજપના જ એક દિગ્ગજ નેતા સામે કારમી હાર થતા પ્રદેશ ભાજપની આ મુદ્દે અનિર્ણાયક્તા અથવા ગુપ્ત બેવડી નીતિ પણ બહાર આવી ગઈ હોવાના તારણો રાજકીય પંડિતો કાઢી રહ્યા છે.
બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં પણ પ્રદેશ ભાજપનું બુથ મેનેજમેન્ટ આ વખતે સદંતર નિષ્ફળ ગયું અને આ દાયકાનું એવરેજ સૌથી ઓછું મતદાન થયું, તથા રાજ્યમાં બે કરોડ જેટલા મતદારો મત નાંખવા જ ન ગયા, તેથી પ્રદેશ ભાજપના શક્તિકેન્દ્રો, મતવિસ્તારવાઈઝ કાર્યાલયો, પેજ પ્રમુખો તથા બુથ મેનેજમેન્ટના મોટા મોટા દાવાઓનું સૂરસૂરિયું જ થઈ ગયેલું જણાય છે.
ઈફકોની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યો હતો, છતાં બળવાખોર ઉમેદવાર, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ૧૧૩ મતો મેળવીને વિજય મેળવતા પ્રદેશ ભાજપના નેતૃત્વનો નિર્ણય બૂમરેંગ પૂરવાર થયો હતો.
ઈફકોના ડિરેક્ટર પદ માટે ભારતીય જનતા પક્ષે ગોતાના બિપીન પટેલને મેન્ડેટ આપ્યા પછી પણ જયેશ રાદડિયા અને પંકજ પટેલે ફોર્મ ભર્યા હતાં, પરંતુ છેલ્લી ઘડીએ પંકજ પટેલ સ્પર્ધામાંથી ખસી ગયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે ચર્ચાસ્પદ બન્યો હતો.
અંતે બળવાખોર રાદડિયાનો નોંધપાત્ર લીડથી વિજય થયો. આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે, પહેલાના સમયમાં કેટલાક પરિબળો અલગ અલગ પાર્ટી સાથે ભળીને સહકારી ક્ષેત્રને નુક્સાન કરતા હોવાથી ભારતીય જનતા પક્ષે સહકાર ક્ષેત્રની કેટલીક ચૂંટણીઓમાં પણ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું અને સાડાત્રણસોમાંથી બે-ત્રણ અપવાદ સિવાય તમામ ચૂંટણીઓ ભાજપે જેને મેન્ડેટ આપ્યો હોય, તેઓ જ જીત્યા છે. ભાજપે શક્ય હોય ત્યાં સુધી એક જ વ્યક્તિ પાસે બે હોદ્દા ન રહે, તે પ્રકારની મેન્ડેટ અપાતા હોય છે. ભાજપના નિયમોનુસાર નિર્ણય લેવાતો હોય છે.
સી.આર. પાટીલની આ ગોળ-ગોળ વાતો અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું અસ્પષ્ટ વલણ જોતા આ મુદ્દે ઘીના ઠામમાં ઘી પડી રહેશે તેમ જણાય છે, જો કે એવી વાતો પણ વહેતી થઈ છે કે અમિત શાહે વિનંતી કરવા છતાં રાદડિયા મેદાનમાંથી હટ્યા નહીં, અને ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારને માત્ર ૬૬ મતો જ મળ્યા હોય, તો તે રાષ્ટ્રીય નેતાગીરીના નિર્ણય સામે પણ સવાલો ઊભા કરે જ છે. સામાન્ય રીતે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પક્ષના ધોરણે લડાતી હોતી નથી, પરંતુ મેન્ડેટ પ્રથા પછી તેમાં પણ પક્ષીય રાજકારણ રમાતું થયું છે.
સહકારી ક્ષેત્રના આ રાજકારણમાં આ ક્ષેત્રના દિગ્ગજ અને ભાજપના જ સિનિયર નેતા દિલીપ સંઘાણીનું સમર્થન રાદડિયાને મળતા આ પરિણામ આવ્યું હોવાની ચર્ચા છે, અને હવે તો એક ઓપન સિક્રેટ પણ છે, ત્યારે આ મુદ્દો હવે ભાજપની રાષ્ટ્રીય સર્વોચ્ચ નેતાગીરી સુધી પહોંચશે, તેમ જણાય છે.
ઈફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની કારમી હાર થઈ હોય, અને તે પણ પાર્ટીના સહકાર સેલના પ્રમુખ હોય, તો હવે સવાલ એ ઊઠે છે કે 'શિસ્તબદ્ધ' પાર્ટી શિસ્તભંગના પગલાં લ્યે છે કે પછી 'ઘીના ઠામમાં ઘડી પડી રહ્યું' હોવાનું કહીને ડેમેજ કંટ્રોલ કરી લેવાશે? જસ્ટ વેઈટ એન્ડ વોચ...
એક જાણીતી કહેવત મુજબ 'ઘર ફૂટે ઘર જાય'ની જેમ હવે ભાજપમાં જબરદસ્ત આંતરવિગ્રહ સપાટી પર આવી રહ્યો હોવાથી આ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાજપના વળતા પાણીના એંધાણ છે કે શું? તેવા અણીવાળા પ્રશ્નો પણ વિપક્ષના વર્તુળોમાંથી ઊઠી રહ્યા છે, ત્યારે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial