આજે ચોથા તબક્કાના મતદાન પછી લોકસભાની ચૂંટણીમાં ત્રણસોથી વધુ બેઠકો પર જનાદેશ મળી ચૂક્યો હશે અને પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે, તેનો અંદાજ આવી જશે, તેવી ધારણાઓ વચ્ચે હવે મોદીની ગેરંટીઓ સામે જેલમાંથી કામચલાઉ ધોરણે બહાર આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી ૧૦ ગેરંટીઓ આપી દીધા પછી હવે વિશ્લેષણોની દિશા પણ બદલી ગઈ છે.
અત્યારે જુદા જુદા રાજકીય પક્ષો તરફથી અપાતી ગેરંટીઓથી ગગન ગૂંજી રહ્યું છે, અને વાદા, દાવા, કાવા-દાવા અને મતદારોને રિઝવવા અથવા ભરમાવવાના નવા નવા કીમિયા અજમાવાઈ રહ્યા છે. આઝાદી પછીથી ચૂંટણી ટાણે વાયદાઓ કરીને, વચનો આપીને કે ચૂંટણી ઢંઢેરાઓમાં મતદારોને નવા સપના બતાવીને મતો મેળવવાની પરંપરાઓ ચાલતી જ રહી છે, પરંતુ હવે તેમાં પણ આધુનિકરણ આવ્યું છે અને આપ, ભાજપ, કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ વચનોનો વરસાદ કરવા લાગ્યા છે, જેને હવે 'ગેરંટી'નું નામ અપાયું છે.
કેજરીવાલની નવી દસ ગેરંટીઓને સુક્ષ્મ નજરે જોવામાં આવે, તો તેમાં રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ તથા ભારતીય સેનાને સાંકળતા વિષયો ઉપરાંત લોક-લુભાવન જાહેરાતોનું મિશ્રણ જોવા મળે છે, જે દર્શાવે છે કે, કેજરીવાલને આમ આદમી પાર્ટીએ કે ઈન્ડિયા ગઠબંધને નહીં, પણ સ્વયં પોતે જ પોતાને વિપક્ષ તરફથી વડાપ્રધાનપદનો ચહેરો પ્રસ્થાપિત કરી રહ્યા છે. તેમનો આ ગેરંટી પૂરી કરવાનો નિર્ધાર જ એ સૂચવે છે કે, તેઓ મોદીનો વિકલ્પ બનીને દેશને નવી દિશા આપવાના મનસુબા ધરાવે છે, જેને કોંગ્રેસ સહિત તમામ સાથી પક્ષોનું સમર્થન છે.
કેજરીવાલની નવી દસ ગેરંટીએ 'મોદીની ગેરંટી' સહિતની એનડીએની ગેરંટીઓની હવા કાઢી નાંખી છે અને આખા દેશમાં કેજરીવાલ તરફી પવન ફૂંકાઈ રહ્યો છે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
આજે રાજકીય પંડિતોનું સૌથી વધુ ધ્યાન જમ્મુ-કાશ્મીર પર હશે, કારણ કે કલમ-૩૭૦ હટાવાયા પછી ત્યાં લોકસભાની ચૂંટણીમાં થનાર મતદાનની ટકાવારી, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામો ઘણાં જ મહત્ત્વપૂર્ણ બનવાના છે. જેથી શ્રીનગરની લોકસભા સીટ પર થઈ રહેલું મતદાન ધ્યાનાકર્ષક બન્યું છે.
આજે ૧૦ રાજ્યોની જે ૯૬ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યાં કેટલાક રાજ્યોમાં પડતી ભિષણ ગરમીમાં મતદારોને મતદાન માટે પ્રેરણા આપવા છતાં ઓછા મતદાનની શક્યતાએ રાજકીય પક્ષોની ચિંતા તો વધારી જ દીધી છે, સાથે સાથે ચૂંટણીપંચ માટે પણ આ સ્થિતિમાં ધોમધખતા તાપમાં મતદાન મથકો પર જરૂરી તમામ વ્યવસ્થાઓ જાળવવાનો પડકાર છે, જો કે પ્રથમ ૩ તબક્કાઓમાં આ પ્રકારની પૂરક વ્યવસ્થાઓ ચૂંટણીપંચે જાળવી છે, અને મહદ્અંશે તેમાં સફળતા મેળવી છે, પરંતુ આજે થઈ રહેલી ચૂંટણીઓમાં કેટલાક સ્થળે વિશેષ વ્યવસ્થાઓ તથા બંદોબસ્તની જરૂર ઊભી થતાં ચૂંટણી તંત્રની હડિયાપટ્ટી વધી છે. કેટલાક સ્થળે ગરમી ઓછી રહેવાનું ફોરકાસ્ટ છે ત્યાં વધુમાં વધુ મતદાન કરાવવા તંત્ર અને ઉમેદવારો પ્રયાસો કરી રહ્યા છે.
આજે ચોથા તબક્કામાં ૧૭ કરોડથી વધુ મતદારો ૧૭૦૦ થી વધુ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણીના ઉત્તરાર્થમાં ચૂંટણી પ્રચારની હવા બદલી ગઈ હોવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે.
આજે લોકસભાની ૯૬ બેઠકોની સાથે સાથે ઓડિસા અને આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ રહી છે, અને દેશમાં કેટલાક સ્થળે જંગી મતદાન થાય, તેવા એંધાણ સવારથી જ મળી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળે પાંખુ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે.
પહેલા ત્રણ તબક્કામાં ર૮૩ બેઠકોનું જે મતદાન થયું છે, તેમાં આજની ૯૬ બેઠકો ઉમેરાયા પછીના ત્રણ તબક્કામાં જે મતદાન બાકી રહેવાનું છે, તેમાં પણ આ વખતે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે, જ્યારે એનડીએએ સત્તા બચાવવા તો ઈન્ડિયા ગઠબંધને સત્તા ખૂંચવવાના ઈરાદાથી બેક ધ ડોર પણ તડજોડ શરૂ કરી દીધી હોવાની વાતો પણ વહેતી થઈ ગઈ છે.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના કેટલાક આક્ષેપો સામે ચૂંટણી પંચે નારાજગી દર્શાવવ્યા પછી મતદાનના આંકડાઓ પ્રસિદ્ધ કરવાનો મુદ્દો વધુ ગરમાયો છે અને હવે તો કેટલીક પ્રેસ-મીડિયા સાથે સંકળાયેલી સંસ્થાઓએ પણ ચૂંટણી પંચ દરરોજ પ્રેસ કોન્ફરન્સો કરે તેવી માંગણી ઊઠાવી છે અને કમ-સે-કમ મતદાનનો તબક્કો પૂરો થયા પછી સમયોચિત રીતે તમામ આંકડાઓ સાથે પ્રેસકોન્ફરન્સ યોજવી જરૂરી હોવાની માંગણી થઈ હોવાના અહેવાલો છે. આ મુદ્દે કેટલાક સંગઠનોએ ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ પીઓકેમાં ચાલી રહેલી પાકિસ્તાનની સરકાર વિરોધી ચળવળનો પણ ભારતની તમામ ચૂંટણીઓના પ્રચાર સાથે સાંકળીને તેને બાકીના પણ તબક્કાના પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવી દેવાશે, તેવા સંકેતો વ્યક્ત થઈ રહ્યા છે.
કેજરીવાલનો જેલમાંથી હંગામી ધોરણે છૂટકારો થતા તેમણે પ્રચારનું સૂકાન એવી રીતે સંભાળી લીધું છે કે તેઓ જ સમગ્ર વિપક્ષનો ચહેરો બની ગયા છે, માત્ર આમ આદમી પાર્ટી જ નહીં, પરંતુ અન્ય વિપક્ષી કાર્યકરોમાં નવું જોમ અને જુસ્સો આવ્યા છે. આ વખતે દિલ્હી, પ. બંગાળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ, તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની કેટલીક બેઠકો પર ચોંકાવનારા પરિણામો આવશે અને જબરો ઉલટફેર થશે. એટલું જ નહીં, ભાજપને ઉત્તર ભારતમાં થનારૂ નુક્સાન દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાંથી સરભર થઈ જશે, તેવા દાવાઓ વચ્ચે ઈન્ડિયા ગઠબંધનની સરકાર કેજરીવાલના નેતૃત્વમાં યોજાશે, તેવા દાવાઓની સામે એવા અનુમાનો પણ થઈ રહ્યા છે કે મોદી રિટર્ન તો થશે, પરંતુ બહુમતીના ફાંફા વચ્ચે તડજોડ કરવી પડશે. જોઈઅ શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial